સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત યુવ સંમેલનમાં સ્વામી સર્વલોકાનંદ મહારાજે આ૫ેલ મૂળ હિન્દી પ્રવચનમાંથી કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.-સં.
શું કહે છે સ્વામીજી ? ‘ગર્વથી કહો કે આપણે ભારતીય છીએ. પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે. બધાનો પરિચય છે કે આપણે ભારતીય છીએ.’…
એક પ્રખર વિદ્વાન, પ્રકાંડ વક્તા હતા. તેઓ ગીતા વિશે સુંદર પ્રવચન કરતા હતા. તેઓ મોટી મોટી સભાઓમાં જતા હતા અને ગીતા વિશે પ્રવચન કરતા હતા. એકવાર ધર્મસભા કહી શકાય એવી મોટી સભામાં શ્રીમદ્ ભગવદ્ ગીતા પર પ્રવચન કરવા તેઓ ગયા. જ્યારે તેઓ પ્રવચન કરીને ઘેર પાછા આવ્યા ત્યારે તેમની પત્નીએ તે કથાકારને પૂછ્યું કે પ્રવચન કેવું રહ્યું ? કથાકારે કહ્યું કે બધું જ ઠીક હતું. પ્રવચન તો સારું આપ્યું પણ ત્યાં ઉપસ્થિત બધા શ્રોતાઓ સૂઈ ગયા હતા, બે-ચાર જ મારું ભાષણ સાંભળતા હતા. તેમની પત્નીએ કહ્યું કે તમે આટલા બધા હતાશ કેમ થાઓ છો ? જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે સૌ પ્રથમ ગીતા પ્રવચન કર્યું ત્યારે એકમાત્ર અર્જુન જ શ્રોતા હતો ! તમારી કથા તો ચાર-પાંચ લોકો એ તો સાંભળી ! કહેવાનું તાત્પર્ય કે હજારો વર્ષ પૂર્વ ભગવાન શ્રીકૃષ્ણે કેવળ અર્જુનને જ ગીતાજ્ઞાન આપ્યું હતું અને અર્જુને તે ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું. તે જ જ્ઞાન આટલા દીર્ઘકાળ બાદ પણ આપણે મેળવીએ છીએ. એટલે શ્રોતાઓની સંખ્યા એ ગૌણ છે.
સ્વામીજી કહે છે કે મારે તો માત્ર ૧૦૦ યુવાનો જોઈએ, જેના દ્વારા દેશમાં પરિવર્તન લાવી શકાય, દેશને બદલી શકાય. શર્ત એટલી કે તેવા યુવાન હોવા જોઈએ. જે કર્મઠ હોય, પવિત્ર હોય, ઉદ્યમી હોય, નિ :સ્વાર્થી હોય. આવા ૧૦૦ યુવાનો દેશનો કાયાકલ્પ કરી શકે.
‘શિવજ્ઞાન થી જીવસેવા’ એ મહત્ વાત છે, બૃહત્ દર્શન છે, સેવાનું દર્શન છે. સ્વામી વિવેકાનંદે પગે ચાલીને કે કદાચિત્ આગગાડીમાં એમ સંન્યાસીના રૂપમાં દેશનું પરિભ્રમણ કર્યું – ભારતવર્ષને સમજવા, જાણવા માટે; ભારતવર્ષની સમસ્યાઓથી અભિજ્ઞ બનવા માટે.
સ્વામીજી બધાં સ્થાનોએ જાય છે, બધી જાતના લોકોને મળે છે; ભારતવર્ષની જે સફળતા છે, પરંપરા છે, સમષ્ટિ છે તેનાથી અવગત થાય છે અને ગર્વ અનુભવે છે કે આપણી પરંપરા, વારસો, સંસ્કૃતિ, વિદ્વત્તા કેટલાં પ્રાચીન, સમૃદ્ધ, સુદૃઢ છે. સ્વામીજી સ્વયં કહે છે કે આજ સુધી પૃથ્વી પર કોણ જાણે કેટલી સંસ્કૃતિ, સભ્યતા, પરંપરા આવ્યાં અને ચાલ્યાં ગયાં પણ ભારતની સભ્યતા અને સંસ્કૃતિ હજુય અક્ષુણ્ણ રહ્યાં છે અને ભવિષ્યમાં પણ મોજૂદ રહેશે. ભારતવર્ષની સભ્યતાનું ઘણું મહત્ત્વ છે, વિશેષતા છે અને તેનો સ્વામીજી ગર્વ અનુભવતા. જ્યારે સ્વામીજી અમેરિકા-શિકાગોમાં આવું ભગવું વસ્ત્ર અને પાઘડી પહેરતા હતા, ત્યારે અમેરિકનો જાણતા ન હતા કે તે ભારતીય છે. તેઓ આવા વસ્ત્ર અને પાઘડી માટે સ્વામીજીની હાંસી ઉડાવતા, મશ્કરી કરતા. જે લોકો રસ્તેથી પસાર થતા તેને અમેરિકનો કહેતા કે આ વ્યક્તિ સદ્ગૃહસ્થ જણાતી નથી. આ લોકો અસભ્ય છે, સભ્ય નથી. સ્વામીજી શો જવાબ વાળે છે ? ‘હા, તમે સભ્ય દેખાઓ છો, અમે સજ્જન જેવા જણાતા નથી. તમારા પશ્ચિમના દેશોમાં પોશાક અને દરજી તમને સભ્ય બનાવે છે. અમારા ભારતવર્ષમાં ચરિત્ર જ માણસને સજ્જન બનાવે છે.’ સ્વામીજી કહે છે કે ભારતવર્ષની આ પરંપરા છે, સંસ્કૃતિ છે.
સ્વામીજી ભારતવર્ષમાં રહ્યા, પશ્ચિમના અમેરિકા અને યુરોપના દેશોમાં રહ્યા. તેમના પશ્ચિમમાં ઘણા ભક્તો બન્યા. વિજ્ઞાનની પ્રગતિને જોઈ ને ઘણા મુગ્ધ બન્યા. જ્યારે સ્વામીજીએ ભારતવર્ષ પાછા આવવાનો નિર્ણય કર્યો ત્યારે અમેરિકાનો એ ભક્તવર્ગ પૂછે છે કે સ્વામીજી આટલો લાંબો સમય વિદેશમાં રહ્યા, અમારી પરંપરા જોઈ, વૈભવ જોયો અને ઐશ્વર્ય નિહાળ્યું, વિજ્ઞાનની ઉન્નતિ જોઈ તો હવે ભારતવર્ષ માટે આપની શું ભાવના છે ? આપ ભારતવર્ષને કેવી રીતે જોશો ? સ્વામીજી ઉત્તર આપે છે કે જ્યારે હું ભારતવર્ષથી તમારા દેશમાં આવ્યો ત્યારે પણ હું ભારતવર્ષ પ્રતિ શ્રદ્ધાવાન હતો. ભારતવર્ષ અમારા માટે પુણ્યભૂમિ છે. પણ આટલો વખત તમારા દેશમાં રહ્યા પછી તો ભારતવર્ષનો કણકણ મારા માટે પવિત્ર છે, તે પુણ્યભૂમિ છે.
‘સ્પિરિટ ઓફ સ્વામી વિવેકાનંદ’ શું છે ? સ્વામી વિવેકાનંદ ભારતવર્ષમાં દેશને જાણવા માટે ભ્રમણ કરે છે. સ્વામીજી શું જુએ છે ? તત્કાલીન ભારતવર્ષની દુર્દશા-દુર્ગતિ, દરિદ્રતા, અશિક્ષા, અત્યાચાર – ખાસ કરીને સ્ત્રીઓ પર. એવું ન વિચારો કે તે સમયે સ્ત્રીઓ પર અત્યાચાર થતો ન હતો. આજથી ૧૫૦ વર્ષ પૂર્વ પણ નારીઓ પર અત્યાચાર થઈ રહ્યો હતો. આ બધું સ્વામીજી જુએ છે – જોઈને તેમનું હૃદય કરુણાર્દ્ર થાય છે, માત્ર કરુણાર્દ્ર જ થતું નથી! એક સંન્યાસી થઈને જેમણે બધું જ ત્યાગી દીધું – ઘરબાર, ધનસંપત્તિ-એ સર્વસ્વનો ત્યાગ કરનાર સ્વામીજી ભારતવર્ષની દુર્દશા અને દુર્ગતિ જોઈને ચોધાર આંસુએ રડી રહ્યા છે. ભારતવર્ષના નહીં પણ સમગ્ર જગતના ઇતિહાસમાં આવા ધાર્મિક મહાપુરુષ જોવા મળતા નથી કે જેમણે દરિદ્રો માટે, પછાત વર્ગ માટે અને અશિક્ષિતો માટે આંસુ વહાવ્યાં હોય ! આવા હતા સ્વામી વિવેકાનંદ.
Your Content Goes Here



