સ્વામી શુદ્ધાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા અને રામકૃષ્ણ સંઘના છઠ્ઠા પરમાધ્યક્ષરૂપે એમણે મઠમિશનની મૂલ્યવાન સેવા અને ઘડતર કર્યાં છે. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. – સં.
સ્વામીજી સાથે સુધીર (સ્વામી શુદ્ધાનંદ)ની એક અનન્ય મુલાકાત
વિદેશથી પ્રથમ વાર પાછી ફર્યા પછી તરત જ સ્વામીજી થોડા સમય માટે કાશીપુરમાં ગોપાલલાલ શીલના ઉદ્યાનગૃહમાં રહ્યા. અહીં જ સુધીર સ્વામીજી સાથે પ્રથમ વખત વાતચીત કરી શક્યા. એ વખતે સ્વામીજી પોતાના ખંડમાં બેઠા હતા. સુધીર ત્યાં ગયા અને સ્વામીજીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.
બીજે દિવસે જ્યારે તે સ્વામીજીના ખંડમાં પ્રવેશ્યા ત્યારે તેમણે જોયું તો સ્વામીજી કોઈ પાંજરામાં પૂરાયેલા સિંહની જેમ ઓરડામાં આમતેમ ફરતા હતા અને શરતચંદ્ર ચક્રવર્તી સાથે વિવિધ વિષયો પર વાતચીત કરતા હતા. સુધીર અને તેમના મિત્રો સ્વામીજીને પ્રશ્નો પૂછવા ઈચ્છતા હતા પણ કોણ જાણે કેમ તેમની હિંમત ન ચાલી એટલે એમણે તેમના વતી શરતચંદ્રને એ પ્રશ્ન પૂછવા વિનંતી કરી. તેમનો પ્રશ્ન આવો હતો, ‘ઈશ્વરના અવતાર અને સ્વપ્રયત્ને મુક્તિ પ્રાપ્ત કરી હોય એવી વ્યક્તિ વચ્ચે શો ભેદ છે?’ સુધીરે આ પ્રશ્નનો ઉત્તર સાંભળવા આતુરતાપૂર્વક રાહ જોઈ. સ્વામીનો ઉત્તર સુધીરના મનમાં સઘન-ગહન રીતે અંકિત થઈ ગયો. સીધો પ્રત્યુત્તર આપવાને બદલે સ્વામીજીએ કહ્યું, ‘મને આ બધી અવસ્થામાં દૃઢ શ્રદ્ધા છે, વિદેહમુક્તિ એ સર્વોત્કૃષ્ટ છે. મારા સાધનકાળમાં હું ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશમાં પરિભ્રમણ કરતો હતો. મેં કેટલાય દિવસો એકાંત ગુફામાં કાઢ્યા હતા અને જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી કેટલીય વાર મેં આ દેહને ત્યજી દેવાનું પણ વિચાર્યું હતું. મેં કેટકેટલી કઠોર સાધનાઓ કરી છે! પણ અત્યારે મને મોક્ષ માટેની એવી આતુરતા જણાતી નથી. અત્યારનું મારું વલણ એવું છે કે જ્યાં સુધી એક પણ વ્યક્તિ ગુલામીમાં રહે ત્યાં સુધી હું મારી મુક્તિ ઈચ્છતો નથી.’
સ્વામીજીએ આ શબ્દો અત્યંત સંનિષ્ઠા અને હૃદયની લાગણી સાથે ઉચ્ચાર્યા હતા. આ સાંભળીને સુધીરને આશ્ચર્ય થયું, ‘શું કોઈ માનવહૃદય આવી કરુણા, આવી ભલમનસાઈ ધરાવી શકે? શું સ્વામીજી પોતાના મનોવલણની આવી અભિવ્યક્તિ કરીને ઈશ્વરના અવતારનાં લક્ષણોનું વર્ણન કરે છે?’
સ્વામીજી દ્વારા શિષ્યની જ્ઞાનકસોટી
સુધીર હવે સ્વામીજી પ્રત્યે વધારેને વધારે આકર્ષાવા લાગ્યા અને અવારનવાર એમની મુલાકાત લેવા લાગ્યા. એક સાંજે સુધીર અને ખગેન ગોપાલલાલ શીલના ઉદ્યાનગૃહમાં ગયા. સ્વામીજી એ બંને વિષે કંઈ જાણી શકે તે માટે શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ ભક્ત હરમોહન મિત્રે આમ કહીને એમની ઓળખાણ કરાવી : ‘સ્વામીજી, આ બંને તમારા ઘણા મોટા પ્રશંસક છે અને તેઓ ખંતથી વેદાંતનો અભ્યાસ કરે છે.’ આ સાંભળીને સ્વામીજીએ કહ્યું, ‘તમે ઉપનિષદો વાંચ્યાં છે?’ સુધીરે ખચકાટ સાથે કહ્યું, ‘કઠોપનિષદ.’ સ્વામીજી ખૂબ રાજી થયા અને કહ્યું, ‘સારું, તેમાંથી થોડી શ્લોકપંક્તિઓ બોલ.’ કઠોપનિષદ તો ભવ્ય અને કાવ્યમય ઉપનિષદ છે. હવે સુધીર મૂંઝવણમાં મુકાઈ ગયા. જો કે તેમને ભગવદ્ગીતા પૂરેપૂરી કંઠસ્થ હતી પણ કઠોપનિષદને કંઠસ્થ કર્યું ન હતું. એમણે વિનમ્રતાથી કહ્યું, ‘મેં કઠોપનિષદ કંઠસ્થ કર્યું નથી પણ ગીતામાંથી થોડા શ્લોક બોલી શકું છું.’ સ્વામીજીએ કહ્યું, ‘સારું, એમાંથી બોલ.’ પછી સુધીરે સંપૂર્ણ ઉચ્ચારશુદ્ધિ સાથે ગીતાના અગિયારમા અધ્યાયના છેલ્લા અંશનું પઠન કર્યું. આ અંશમાં અર્જુન ભગવાન કૃષ્ણની પ્રશંસા કરે છે. આ સાંભળીને સ્વામીજી ખૂબ ખુશ થયા અને કહ્યું, ‘ઘણું સરસ!’
સ્વામીજીનો અનન્ય ઉપનિષદપ્રેમ
ઉપનિષદ પ્રત્યેનો આ અનન્ય પ્રેમ સ્વામીજીએ સુધીરમાં ભરી દીધો અને એ એમના લોહીમાં ભળી ગયો. ઉપનિષદો પ્રત્યેની આ ચાહના એમના શેષ જીવન પર્યંત રહી. સ્વામીજીની ઉપનિષદો વિશેની અમીટ વ્યાખ્યા- સૂચિતાર્થની સ્મૃતિ સુધીરના હૃદયમાં ઊંડાણપૂર્વક પ્રતિધ્વનિત થવા લાગી. તેમણે પછીથી લખ્યું હતું :
ભિન્ન ભિન્ન સમયે સ્વામીજીએ ઉચ્ચારેલ પોતાની રીતે અલગ પડી જતો, ચેતનવંતો, સ્પષ્ટ અને ગુંજતો ઉપનિષદના શ્લોકનો ધ્વનિ મને આજે પણ સંભળાતો હોય એવું લાગે છે. જ્યારે જ્યારે બીજાની નિંદા અને અન્યાયથી દોરવાઈ જતો ત્યારેે સ્વામીજીની ઉપનિષદની પોતાના મધુર અને ઊર્મિલ અવાજે કરેલ ઘોષણા તાજી થઈ ઊઠતી : ‘એ એક જ આત્માને જાણો અને બીજી બધી વાતો કોરાણે મૂકી દો. તે જ અમરત્વનો સેતુ છે.’
એ સ્મૃતિ મને પાછી ત્યાં લઈ જાય છે. એક દિવસે જ્યારે આકાશમાં ઘનઘોર અંધકાર હતો અને ગાઢ વાદળોમાં વીજળીના ચમકારા થતા હતા ત્યારે આકાશની વીજળીના ચમકારા તરફ આંગળી ચીંધતી અને આ સુખ્યાત પંક્તિઓ ઉચ્ચારતી એમની સુપરિચિત દેહાકૃતિને યાદ કરું છું : ‘ત્યાં સૂર્ય પ્રકાશતો નથી, તેમ નથી ચંદ્ર પ્રકાશતો; તારા કે વિદ્યુતનો ચમકાર ત્યાં પ્રકાશી શકતો નથી; તો પછી આ અગ્નિની તો વાત જ શી ? તે આત્મા પ્રકાશે છે એટલે બીજું બધું પ્રકાશે છે. તેમનામાં જે પ્રકાશ છે તે આત્મામાંથી આવેલો છે અને તેમના દ્વારા આત્મા જ પ્રકાશી રહ્યો છે.’ અને વળી જ્યારે જ્યારે સર્વોચ્ચ સત્ય કે અનુભૂતિ હજુ મારાથી ઘણાં દૂર છે એવું વિચારીને મારું હૃદય હતાશામાં ડૂબી જતું ત્યારે ત્યારે અમીકૃપાથી ભરેલા ચહેરા સાથે ઘોરગંભીર સ્વરે સ્વામીજી દ્વારા પઠિત ઉપનિષદોનો આશાનો સંદેશ હું પુન : સાંભળતો હોઉં એવું લાગે છે :
‘ઓ શાશ્વત સુખના વારસદારો, ઓ દિવ્ય ધામના નિવાસીઓ ! સાંભળો ! મેં પુરાતન પુરુષને પ્રાપ્ત કર્યા છે – જે સર્વ અજ્ઞાનથી પર છે, જે સર્વ ભ્રમથી પર છે અને જેને જાણવા માત્રથી મૃત્યુની પાર જઈ શકાય છે.’
Your Content Goes Here



