સ્વામી સદાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. – સં.
(સ્વામીજીને હિમાલય પ્રત્યે જબરૂ આકર્ષણ હતું. તેઓ હાથરસ, હરિદ્વાર અને હૃષીકેશ શરચ્ચંદ્ર (સ્વામી સદાનંદ) સાથે યાત્રાએ નીકળી પડ્યા. આ યાત્રાનાં અમીટ સંસ્મરણોની વાત અને સ્વામીજીની વિનમ્રતા તેમજ શિષ્ય માટેની ખેવનાના પ્રસંગની એક વાત છે. – સં)
સ્વામી વિવેકાનંદ શિષ્યનાં પગરખાં ઊંચકે છે !
આ યાત્રાની સ્મૃતિઓ શરત્ના માનસમાં પ્રગાઢ રીતે અંકાઈ ગઈ જે તેમનાં પછીનાં કાર્યો અને પ્રાપ્તિઓની મુખ્ય પ્રેરણાસ્રોત બની રહી. ખાડા ટેકરાવાળા પર્વતીય રસ્તાઓ ઓળંગવા જેવી કઠણાઈઓથી બિલકુલ અનભિજ્ઞ હતા એવા શરતે વેઠેલી વિપદાઓને સારી રીતે કલ્પી શકાય તેમ છે. શરત્ તેમની થોડી વસ્તુઓનું પોટલું પોતાની પીઠ ઉપર ઊંચકીને ચાલી રહ્યા હતા. સ્વામીજી ખૂબ જ ઝડપભેર જઈ રહ્યા હતા અને શરત્ તેમણે ઊંચકેલ ભારના લીધે તેમની સાથે ચાલવામાં મુશ્કેલી અનુભવતા હતા. તેમનાં પગરખાં ખૂબ ભારે લાગતાં અને તેના વગર વધુ સારી રીતે ચાલી શકાશે એમ વિચારતા તેમણે તેને પોટલામાં ખોસી દેવાનું નક્કી કર્યું. પરંતુ એમ કરતાં શરત્ હાંફી ગયા અને પર્વતના અસમાન અને લપસણા રસ્તાઓમાં સમતુલન જાળવવું અને આગળ ચાલવું તેમના માટે અશક્ય જણાતું હતું. આખરે તેમણે માથા ઉપર પોટલું ઊંચકીને ચાલવાનું નક્કી કર્યું. તેમની આ કષ્ટભરી અવસ્થા જોઈને સ્વામીજીએ પોતે તેમનું પોટલું લઈ લીધું અને પોતાના માથે મૂકી દીધું. ગુરુએ હવે શિષ્યને મજબૂત રીતે પકડીને પછી તેમની યાત્રા ચાલુ રાખી. પછીના દિવસોમાં સદાનંદ અશ્રુપૂર્ણ આંખે એ ઘટનાને યાદ કરતા અને ગર્વથી કહેતા : ‘શું મેં સ્વામીજીને અકારણ જ મારા ગુરુ તરીકે સ્વીકાર્યા હતા? જરા પણ અચકાયા વગર મારાં પગરખાં સુદ્ધાં તેમણે માથા ઉપર ઊંચક્યાં હતાં! અને જુઓ, હું પણ કેવો અબુધ હતો? તેઓ જે કહી રહ્યા હતા તેમાં એટલો તલ્લીન થઈ ગયો હતો કે મારા પોતાના જ ગુરુ મારાં પગરખાં એમના માથે ઊંચકીને જઈ રહ્યા છે તે બાબતનું પણ ભાન ન રહ્યું. આવો હતો સ્વામીજીનો પ્રેમ! શા માટે, હું તો કેવળ સ્વામીજીની સેવા કાજે જન્મ્યો હતો. મારી અન્ય કોઈ જ ઇચ્છા નથી.’ ઘણી વાર સદાનંદ ભાવુક થઈને કહેતા : ‘તે સાચે જ અનન્ય સ્થિતિ હતી! ‘તેઓને મારો ભાર’ વહન કરવો પડ્યો! તેમણે મારાં વજનદાર પગરખાં પણ તેમના માથે ઊંચક્યાં! જો તેઓ આટલા મહાન ન હોત તો શું મેં એમને મારા ગુરુ તરીકે સ્વીકાર્યા હોત ખરા?’
સ્વામીજીના પરિભ્રમણકાળના પ્રસંગો વાંચતાં આપણને ખૂબ જ બળ અને પ્રેરણા મળે છે. સદાનંદ આવા અનેક પ્રસંગો વર્ણવે છે જેમાં સ્વામીજીના અસાધારણ વ્યક્તિત્વની ઝાંખી થાય છે. તેમાંની એક વાત અહીં પ્રસ્તુત છે :
એકવાર હિમાલયના બહારના જિલ્લાઓમાં ભ્રમણ દરમિયાન હું ભૂખ અને તરસથી મૂર્છિત થઈ ગયો. સ્વામીજીનો મારા માટેનો પ્રેમ કેવો મહાન હતો! તેઓ મને લઈ ગયા અને આ રીતે મને નિશ્ચિત મોતમાંથી ઉગારી લીધો. અન્ય એક સમયે અમારે એક પહાડી નદીને ઓળંગવી પડે તેમ હતું જેના વેગીલા વહેણ અને લપસણા તળિયાના લીધે છીછરા પાણીમાં સામે કાંઠે જવું અત્યંત જોખમોથી ભરેલું હતું. દરેક ડગલે લપસી પડવાની પૂરી સંભાવના હતી અને એક વાર પણ લપસવું એટલે નિશ્ચિત મોત. કોઈએ યાત્રા માટે દયાપૂર્વક આપેલા ઘોડા ઉપર સુરક્ષિત રીતે મને બેસાડી દેવાયો જ્યારે સ્વામીજીએ પોતાના જીવના જોખમે પણ તેની લગામ પકડી અને સાઈસની જેમ તેને જોખમી નદીની સામે પાર લઈ ગયા. અમુક વખતે એમ પણ લાગતું હતું કે ઘોડાને આગળ લઈ જવો શક્ય નથી. પરંતુ સ્વામીજીની હિંમત અદ્ભુત હતી. પોતાના જીવનની પરવા કર્યા વગર તેમણે ઘોડાને અને મને સલામતીપૂર્વક પાર ઉતાર્યા. કેવું પ્રેમ અને કરુણાસભર હતું તેમનું હૃદય! તેમના પ્રેમને કદી શબ્દોમાં વર્ણવી શકાય કે? તેઓ પ્રેમાવતાર હતા. એમના સાન્નિધ્યમાં મારું હૃદય શક્તિ અને સાહસથી એટલું ભરેલું રહેતું કે મૃત્યુ પણ મને તુચ્છ બાબત લાગતી. એક વાર જ્યારે અમે જંગલમાં ફરતા હતા ત્યારે અમે કેટલાંક માનવઅસ્થિ અને ભગવાં કપડાનાં ચીંથરાં અહીંતહીં પડેલાં જોયાં. તેને બતાવતાં સ્વામીજીએ કહ્યું, ‘જો, વાઘે અહીં એક સાધુને ફાડી ખાધો છે. તને ડર લાગે છે?’ મેં તત્ક્ષણ જવાબ આપ્યો, ‘આપ સાથે છો ત્યારે નહિ, સ્વામીજી.’
જેને દિવ્ય અમૃતપાન કરવું છે.
પાછલાં વર્ષોમાં વરાહનગર મઠમાં ગાળેલા દિવસોને યાદ કરતાં સદાનંદ સંપૂર્ણરીતે ખોવાઈ જતા. તેમની સ્મૃતિઓમાંથી સ્વામીજીના જીવનનું તાદૃશ ચિત્ર ઉપસે છે, જેમાંનો એક ભાગ આ પ્રમાણે છે :
એ અત્યંત વ્યસ્ત દિવસો હતા; એક પળનોયે આરામ ન હતો. મુલાકાતીઓ આવતા અને જતા, પંડિતો વાદવિવાદ કરતા અને ચર્ચા કરતા. સ્વામીજી કયારેય એક ક્ષણ માટે પણ સુસ્ત કે નિષ્ક્રિય રહેતા નહિ. કયારેક કેટલોક સમય તેઓ એકલા પડતા ત્યારે તેઓ ‘હરિ બોલ! હરિ બોલ! ઈશ્વરને પુકારો!’ અથવા ‘હે મા’ રટણ કરતાં કરતાં ઉપર અને નીચે ચાલ્યા કરતા. અને હું બધો સમય તેમને દૂરથી નિહાળતો રહેતો અને વચ્ચેથી પૂછી લેતો, ‘સ્વામીજી, આપ કંઈ ખાશો પીશો નહિ?’ – જેનો પ્રત્યુત્તર હંમેશાં રમતિયાળપણે આપી દેતા… સ્વામીજી ચોવીસેય કલાક અવિરતપણે કાર્ય કરતા. તેઓ જાણે પાગલ પુરુષ જેવા હતા, તેઓ એટલા તો વ્યસ્ત રહેતા ! વહેલી પરોઢે જયારે હજુ અંધારું હોય ત્યારે તેઓ જાગી જતા અને અન્યને પણ ગાઈ ગાઈને ઉઠાડતા, ‘જાગો, જાગો, સહુ તમે, જેને દિવ્ય અમૃતપાન છે કરવું.’ પછી સહુ ધ્યાન માટે પ્રસ્થાન કરતા અને પછી લગભગ ભાવાવસ્થામાં સંકીર્તન અને અધ્યાત્મ સંવાદમાં સહુ પ્રવાહિત થઈ જતા, આમ બપોર સુધી અથવા તેનાથીયે મોડે સુધી ચાલતું રહેતું.
પછી એકાદ બે વાગ્યે સ્વામી રામકૃષ્ણાનંદ – જેઓ સમુદાયના રસોઈયા, મઠનું ધ્યાન રાખનારા અને પાઠપૂજા કરાવનારા હતા – તેઓ બધાને ધમકાવી ડરાવીને નહાવા અને ખાવા પીવા ખેંચી જતા. પરંતુ ફરીથી બધા એકજૂટ થઈ જતા અને ફરી સંકીર્તન અને સંવાદ શરૂ થઈ જતાં જે સાંજ સુધી ચાલુ રહેતાં. તેવામાં શ્રીરામકૃષ્ણની આરતી માટેનો બે કલાકનો સમય થઈ જતો. પછી ગુરુદેવની વાતો થતી અને જપધ્યાન થતું. અથવા મધ્યરાત્રિ પછી લાંબો સમય છત ઉપર બેસીને ‘જય સીતા રામ’નો તેઓ જપ કરતા.
Your Content Goes Here



