સ્વામી અચલાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ
ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. – સં.
(વારાણસી જેવા પવિત્ર શહેરમાં જન્મેલા અને કેળવણી મેળવેલ કેદારનાથ (સ્વામી અચલાનંદ) શંભુચંદ મૌલિકના પુત્ર હતા. તેઓ અને ચારુચંદ્રદાસ (સ્વામી શુભાનંદ) યુવાનોના નેતા હતા. તેમનું પોતાનું વ્યક્તિગત પુસ્તકાલય હતું. આ યુવાનો દર્શનશાસ્ત્ર, ધર્મ અને કેટલાક સુપ્રસિદ્ધ સાહિત્યકારોની ચર્ચા કરતા. તેમણે ‘રાજયોગ’ દ્વારા સ્વામીજીની વાણીને સાંભળી. પછી સ્વામી નિરંજનાનંદજીના સંપર્કમાં આવતાં એમને સ્વામીજીને મળવાની તીવ્ર ઇચ્છા થઈ. અંતે તેમણે સ્વામીજીનું શરણું સ્વીકાર્યું અને સ્વામી અચલાનંદજી બન્યા. બનારસના રામકૃષ્ણ મિશન હોમ ઓફ સર્વિસ નામના ઔષધાલયના એક અભિન્ન અંગ બની ગયા. રોગીનારાયણની સેવામાં કેવી રીતે રત બનાય એ વાત આપણે એમના જીવનપ્રસંગોમાંથી શીખી શકીએ. -સં.)
રામકૃષ્ણ મિશન હોમ ઓફ સર્વિસ
જયરામવાટીમાં શ્રીશ્રી માને મળીને તેઓ કોલકાતા પાછા આવ્યા. ત્યાંથી તેઓ બલરામ બોઝના ઘરે સ્વામી બ્રહ્માનંદજીને મળ્યા અને પછી ૧૨ જૂન, ૧૯૦૦ ના રોજ કેદારનાથ વારાણસી પાછા ફર્યા. બધા તેમને પાછા પોતાની વચ્ચે આવેલા જોઇ ખુશ થયા, ખાસ કરીને તેમના સત્સંગ મંડળના મિત્રો. એમની ગેરહાજરીમાં તેમના મિત્રો ચારુચન્દ્ર અને યામિની રંજન દ્વારા ભવિષ્યના ‘રામકૃષ્ણ મિશન હોમ ઓફ સર્વિસ’નાં બીજ રોપાઈ ચૂક્યાં હતાં.
તે સમયમાં વારાણસીના પંડાઓ (ધર્મશાળાના કાર્યકરો) યાત્રાળુઓને હેરાન કરવા માટે બહુ જ પ્રખ્યાત હતા. જ્યારે યાત્રાળુ બીમાર પડે ત્યારે આ પંડાઓ તેમના પૈસા પડાવી તેમને નિ :સહાય હાલતમાં ધર્મશાળામાંથી બહાર કાઢી મૂકતા હતા. તેમાં પણ જો આ યાત્રાળુ વૃદ્ધ હોય તો તેની હાલત ખૂબ જ કફોડી થતી. આવા નિરાધાર લોકો મોટે ભાગે રસ્તા પર જ મૃત્યુ પામતા. કેદારનાથ અને તેમના મિત્રો આવા લોકોની ખૂબ જ પ્રેમથી માવજત કરતા.
તેમની આ સંસ્થા ધીરે ધીરે વિકાસ પામી રહી હતી. તેનું મુખ્ય કાર્યાલય કેદારનાથના ઘરમાં આવેલું પુસ્તકાલય હતું. અહીં મુખ્ય પ્રવૃત્તિઓમાં સ્વામીજીનાં કાર્યોનું વાચન, ધ્યાન અને ચિંતન, તેમના ઉપદેશોનું રોજિંદા જીવનમાં આચરણ, દરેક વ્યક્તિમાં પ્રભુનો વાસ છે તેમ દૃઢપણે માનીને લોકોની સેવા કરવી, સ્વામીજીના સેવાના આદર્શોનો પ્રચાર કરવો અને પ્રવૃત્તિઓ માટે જરૂરી ફાળો એકત્ર કરવો.
શરૂઆતમાં આ સંસ્થાનું નામ ‘દરિદ્ર રાહત મંડળ’ હતું. પરંતુ બાદમાં સ્વામી વિવેકાનંદની ઇચ્છાને માન આપીને એનું નવું નામ ‘રામકૃષ્ણ સેવાશ્રમ ’ રાખવામાં આવ્યું.
૧૩ ડિસેમ્બર ૧૯૦૦ના રોજ વારાણસીના રામપુરા વિસ્તારમાં ડી ૩૨ /૮૪ પાસે દવાખાના માટે એક મકાન માસિક રૂપિયા પાંચના ભાડા પેટે રાખવામાં આવ્યું. સંસ્થાની બધી સેવાકીય પ્રવૃત્તિઓ આ મકાનમાં થતી. યુવાનોને સેવા માટે પગારદાર માણસો રાખવાનું પરવડે તેમ ન હતું તેથી આ યુવાનો સેવાશ્રમનાં સંડાસ સાફ કરવાથી માંડીને દરદીઓની સર્વ પ્રકારની સેવા જાતે જ કરતા.
ભારતનાં દરેક યાત્રાધામોમાં આવા આશ્રમો હોવા જોઇએ
સ્વામીજી એ સમયે બેલુર મઠમાં રહેતા હતા. વારાણસીના યુવાનો સેવાના આદર્શોને આચરણમાં મૂકી ઉમદા કાર્ય કરી રહ્યા છે તે બાબતની તેમને જાણ થઈ. વારાણસીથી આવતી કોઇ પણ વ્યક્તિ મારફત તેઓ આ યુવાનો બાબત જાણકારી મેળવતા રહેતા. આ સમયમાં યામિની રંજન સ્વામીજીને મળવા બેલુર મઠ આવ્યા. સ્વામીજી તેના સેવાના વિચારો જાણી ખૂબ જ રાજી થયા અને તેને દીક્ષા આપી. તેઓએ સેવાશ્રમના કાર્ય વિશે પણ માહિતી મેળવી અને કહ્યું, ‘ભારતનાં દરેક યાત્રાધામોમાં આવા આશ્રમો હોવા જોઇએ.’ પછી સ્વામીજીએ નિર્મલાનંદને વારાણસીની મુલાકાત લઈ, ત્યાંની પ્રવૃત્તિની માહિતી મેળવવા જણાવ્યું અને કહ્યંુ, ‘અહીંના (બંગાળના) યુવાનો કંઇ કરતા નથી પણ વારાણસીના યુવાનો મારા આદર્શ પર ચાલી રહ્યા છે.’ કેદારનાથ પણ સ્વામીજીને મળવા ખૂબ ઉત્સુક હતા અને સેવાશ્રમના કાર્યમાંથી બે અઠવાડિયાંની રજા લઈ દુર્ગાપૂજાના એક દિવસ અગાઉ ૧૯૦૧ના ઓક્ટોબર માસમાં બેલુર મઠ આવ્યા.
કાલીપૂજાના ઉત્સવનો અનેરો આનંદ
સ્વામી બ્રહ્માનંદ સ્વયં કેદારનાથને સ્વામીજી પાસે લઈ ગયા અને પરિચય કરાવ્યો. સ્વામીજી મઠના ઉપરના માળ પર તેમના કક્ષમાં બેઠા હતા. કેદારનાથે તેમનાં ચરણોમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. તેમણે જોયેલું સ્વામીજીનું સ્વરૂપ આ પ્રમાણે હતું – વાળ વગરનું મસ્તક, માત્ર કટિપ્રદેશ પર વીંટાળેલંુ કપડું, તેજસ્વી, પ્રભાવશાળી અને આનંદી ચહેરો – આ સ્વરૂપ કેદારનાથના મગજમાં હંમેશને માટે રહી ગયું. કેદારનાથ વિશે બ્રહ્માનંદ પાસેથી જાણ્યા બાદ સ્વામીજીએ અત્યંત માયાળુ સ્વરે કેદારનાથને તેમના હાલચાલ અને વારાણસીની પ્રવૃત્તિઓ વિશે પૂછતાછ કરી.
બેલુર મઠમાં પહેલી વાર સ્વામીજીની ઈચ્છા પ્રમાણે ઉજવાતા દુર્ગાપૂજાના ઉત્સવમાં હાજર રહીને કેદારનાથ ભાગ્યશાળી બન્યા. સ્વામીજી અસ્વસ્થ હતા પણ તેમનું મનોબળ બહુ જ મજબૂત હતું. થોડાં અઠવાડિયાં બાદ કાલીમાતાની પૂજાનો ઉત્સવ પણ ધામધૂમથી ઊજવાયો. આ ઉત્સવોની ઝાંખી કેદારનાથના સ્મૃતિપટ પર કાયમને માટે અંકિત થઈ ગઈ. પાછળથી તે યાદ તાજી કરતાં કહે છે, ‘કાલીપૂજાના ઉત્સવનો આનંદ અનેરો હતો. તેનું વર્ણન કરવાનું અશક્ય છે. તે રાત્રે પૂજા પૂરી થાય તે પહેલાં સ્વામીજી કાલી માની મૂર્તિ સામે ધ્યાનમાં બેઠા. તેમને સમાધિ લાગી અને બાહ્ય દુનિયાનું ભાન ગુમાવી બેઠા. થોડા સમય બાદ સ્વામી પ્રેમાનંદે તેમના કાન પાસે શ્રીરામકૃષ્ણના નામનો જપ ધીરે ધીરે કર્યો અને તેમને સમાધિમાંથી જાગૃત અવસ્થામાં લાવ્યા. કેદારનાથે સમાધિ વિશે માત્ર સાંભળ્યું હતું પણ નજરોનજર નિહાળવાનો આ પ્રથમ જ પ્રસંગ હતો.
Your Content Goes Here



