શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી સ્વામી લોકેશ્વરાનંદ મહારાજના મૂળ અંગ્રેજીમાં ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેઈકિંગ’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

એમણે જે કંઈ કહ્યું છે અને જે કંઈ કર્યું છે તેના કેન્દ્રમાં મુખ્યત્વે માનવ જ રહ્યો છે. તેમણે માનવને ‘એકમાત્ર ઈશ્વર કે જેમાં હું શ્રદ્ધા ધરાવું છું’ના રૂપે વર્ણવ્યો છે. તેઓ કહેતા, ‘માનવનું ઘડતર કરવું એ મારું જીવનકાર્ય છે.’ એમની દ્રષ્ટિએ માનવામાં અમાપ શક્તિઓ રહેલી છે અને એની ઉન્નતિને કોઈ સીમા પણ નથી. માનવની આગળ રહેલું કાર્ય ઉન્નત થવાનું છે, અનેક વિઘ્નો, આડખીલીઓ છતાં સતત વિકસતા રહેવાનું છે. એટલે જ સમગ્ર વિશ્વમાં નરનારીઓ પોતે પૂર્ણપણે દેવીદેવતા જેવાં ન બની જાય ત્યાં સુધી તેમણે સતત ઉન્નત થતા રહેવું પડશે, એવી એમણે પોતે અનુભવેલ ફિલસૂફીનો ઉપદેશ આપ્યો છે.

વ્યક્તિની આ ઉન્નતિ વિનાવિઘ્ને સતત ચાલુ રહે એ માટે જરૂરી છે, સુયોગ્ય વાતાવરણ, કેળવણી અને પ્રેરણા. આ આદર્શ અવસ્થામાં આપણે માનવા માંડીએ ત્યારે તેનાં કર્તવ્યો આવી શરતોની ખાતરી કરાવે છે; જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત રીતે પોતાની ઉન્નતિની સીમાએ ન પહોંચે ત્યાં સુધી ધર્મે તેને પ્રેરણા આપવાની જવાબદારી લેવી જોઈએ. સ્વામી વિવેકાનંદે વિચાર્યું હતું કે ધર્મ માનવમાં એવી ગુણવત્તા ઉમેરે છે કે જે તેને પોતાની મુસીબતની પળો અને કસોટીની ક્ષણે ટકાવી રાખે. આ ગુણવત્તાને તેઓ આત્મશ્રદ્ધા કહેતા. સામર્થ્ય, હિંમત અને આત્મશ્રદ્ધા એ ધર્મનું સારભૂત તત્ત્વ છે. બાકીની બીજી બધી બાબતો ગૌણ છે.

સ્વામીજીની દ્રષ્ટિએ ધર્મ કોઈ સંકુચિત કે રૂઢિગત સંપ્રદાય નથી. એમની દ્રષ્ટિએ ધર્મ એટલે કોઈ પણ વ્યક્તિ પોતાની ભીતર રહેલી શક્તિની મદદથી ઉન્નત થઇ શકે છે એ શ્રદ્ધા. જે વ્યક્તિની શ્રદ્ધાને નિર્બળ બનાવે અને તેના વિકાસને રુંધે એ સ્વામીજીની દ્રષ્ટિએ ધર્મ વિરુદ્ધનું કાર્ય છે. ઉન્નતિ કે વિકાસ એટલે વિવિધ દિશામાં થતી ઉન્નતિ અને આ ઉન્નતિ માત્ર ભૌતિક જ નહીં પરંતુ નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ પણ ખરી, એમ સ્વામીજી માનતા.

એમની દ્રષ્ટિએ માનવની પ્રગતિમાં નૈતિક અને આધ્યાત્મિક વિકાસ સામેલ થવો જોઈએ અને તે પણ વધારે ને વધારે નિ :સ્વાર્થ ભાવનાવાળો. એમની દ્રષ્ટિએ સ્વાર્થી બનવું એ પાપ છે. આદર્શ માનવ આવો છે, ‘એક અનંત વર્તુળ કે જેનો પરિઘ ક્યાંય નથી અને જેનું કેન્દ્ર સર્વત્ર રહેલું છે.’ આવો માણસ મુક્ત માણસ છે અને તે જાતિ, ધર્મ, ભાષા, દેશપ્રદેશ, સમાજ કે કુટુંબની સંકુચિત ભાવનાથી પર છે. તે દરેક સ્થળનો છે, દરેક ઘર એનું ઘર છે અને દરેક નરનારી એનાં ભાઈબહેન છે, આ હતો સ્વામીજીએ માનવ સમક્ષ મૂકેલો આદર્શ. જ્યારે વિશ્વનાં નરનારીઓ અંતરની ઉત્કટતા સાથે આ આદર્શને અનુસરશે ત્યારે આ ધરતી પર શાંતિ ફેલાઈ જશે.

તેઓ કહેતા : ‘દરેક આત્મા પહેલેથી જ દિવ્ય છે.’ એનો અર્થ એ છે કે માનવ એ માત્ર માનવ નથી, પરંતુ એ ઈશ્વર છે. આજે આ ઈશ્વર ભીતર સુષુપ્ત છે. પરંતુ તક સાંપડતાં જ એ દિવ્યતા ભરેલી શક્તિ વાસ્તવિકતામાં પરિણમે પણ ખરી. એટલે જ ધ્યેય તો ઉન્નત થવાનું છે, વધુ ને વધુ ઉન્નત થવાનું છે; અને એ પણ જ્યાં સુધી માનવની દિવ્યતાનું પ્રગટીકરણ ન થાય ત્યાં સુધી.

પરંતુ આ આદર્શે સ્વામીજીને લોકોનાં દુ :ખદર્દ પ્રત્યે અંધ નહોતા કરી મૂક્યા. તેમણે કામ કરતા લોકોનું થતું શોષણ સર્વત્ર જોયું. આ પરિસ્થિતિનો અંત લાવવા માનવ માનવ વચ્ચેના સંબંધોની આધારભૂમિને બદલાવીને જેમાં દરેક માનવ મૂળભૂત રીતે દિવ્ય છે એવી ઓળખ ઊભી કરવાનું એમને આવશ્યક લાગ્યું. આવા આદર્શ સમાજમાં એમની દ્રષ્ટિએ ‘વેદાંતનું મસ્તિષ્ક અને ઇસ્લામના દેહ’નું સુભગ મિલન થશે. એનો અર્થ વર્ગવિહીન, જાતિ વિહીન અને શક્ય તેટલો સર્વોત્કૃષ્ટ સામૂહિક અને વૈયક્તિક વિકાસ સાથેની ભાવનાવાળો સમાજ. જ્યાં સુધી શક્ય બને તેટલા પ્રમાણમાં સમગ્ર વિશ્વ એનું જીવનકાર્ય બની જાય ત્યાં સુધી, ભલે ક્યારેક ધ્યેયચૂક પણ માફ છે, એવો ઉપદેશ એમણે આપ્યો છે. તેમને મન ઈશ્વરની સેવાપૂજા એટલે માનવ સેવાપૂજા. તેઓ ખરેખર સાચા માનવતાવાદી હતા અને વાસ્તવિક રીતે વિશ્વનાગરિક હતા.

જે લોકો ભૂખ્યા છે, જેમની અવગણના થઈ છે, જેઓ કચડાયેલા છે અને સામાજિક અન્યાયનો ભોગ બન્યા છે એવા લોકોને વાતો કરીને ધર્મનો ઉપદેશ આપવો વ્યર્થ છે, આવું વ્યવહારુ જ્ઞાન તેમણે અનુભવ્યું હતું. તેઓ મુક્તિ, ન્યાય અને સાર્વત્રિક સમાનતાના ચાહક હતા. તેમણે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીને પણ આવકાર્યાં હતાં કારણ કે આ બંનેમાં ભૌતિક ઉન્નતિ લાવવાની તાકાત છે, એમ એમણે જાણી લીધું હતું. સાથે ને સાથે ભૌતિક સમૃદ્ધિ એ જ જીવનનું ધ્યેય છે, એ વાતનો એમણે સ્પષ્ટ શબ્દોમાં ઈન્કાર કર્યો હતો. એમનો સંદેશ એવો હતો કે ભૌતિકતાની સાથે ધર્મ પણ ભળવો જોઈએ કારણ કે ધર્મ જ માનવને નૈતિક અને આધ્યાત્મિક સામર્થ્ય બક્ષે છે. આ સામર્થ્યનો અત્યારે અભાવ છે અને એ જ માનવને પૂર્ણ માનવ બનાવી શકે.

Total Views: 101
By Published On: November 1, 2013Categories: Lokeshwarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram