ગુજરાતી સાહિત્યના સુખ્યાત લેખક અને ચિંતકનો લેખ અહીં પ્રસ્તુત છે. – સં.
(આ લેખનો એક અંશ દિપોત્સવી અંકમાં છપાઈ ચૂક્યો છે.)
‘પણ સ્વામીજી,’ યુવાનો વચ્ચેથી બોલવા જશે..
સ્વામીજી તેમને અટકાવતાં જવાબ આપશે, ‘મને ખબર છે કે તમારામાં શ્રદ્ધા કેમ ઊભી નથી થતી! તમને ટીકાનો ડર લાગે છે ને ! તો મારો જવાબ છે કે કૂતરાં ભસભસ કરે તેથી બીતા નહીં. આકાશ તૂટી પડે તો પણ શું ? ઊભા થાઓ. હિંમત ધરો. મજબૂત બનો. તમારા પર પૂરેપૂરી જવાબદારી લો. તમે જ તમારા ભાગ્યના સ્રષ્ટા છો એમ માનો. તમારા ભવિષ્યનું સર્જન તમે જ કરો.’
‘પણ સ્વામીજી, કદાચ ભૂલ થઈ જાય તો ?’
‘અરે, આદર્શવાન વ્યક્તિ જો એક હજાર ભૂલ કરે તો મારી ખાતરી છે કે આદર્શહીન માણસ પચાસ હજાર ભૂલ કરશે. ભૂલથી ન ડરો.’
‘સ્વામીજી, આજે એક વિચિત્રતા જોવા મળે છે. એક બાજુ વૈશ્વિકરણ વધતું જાય છે અને સમાંતરે જ્ઞાતિવાદ, જાતિવાદ, ધર્માંધતા વગેરે પણ વધે છે અને અમને તેમાં જોડાવાનું દબાણ થાય છે. તો અમારે શું કરવું ?’
સ્વામીજી ગર્જના કરીને જવાબ આપશે, ‘ના, તમારે કેવળ વિશાળ થવાની જ કોશિશ કરવાની છે. યાદ રાખો કે ગતિ અને વૃદ્ધિ એ જ જીવનની એક માત્ર નિશાની છે અને સાચો ધર્મ ક્યો છે તે જાણો છો ? નિ :સ્વાર્થપણું જ ધર્મની કસોટી છે. તે જેનામાં વધારે હોય તેનામાં આધ્યાત્મિકતા વધારે છે અને હા, ધર્મ બાબતના ઝગડામાં ન પડો, આ ઝગડા અને વાદવિવાદ એટલું જ બતાવે છે કે આધ્યાત્મિકતાનો અભાવ છે. ધાર્મિક ઝગડાઓ ફોતરાં જેવી નકામી બાબતો માટે હોય છે. તમારે મતમતાંતરોની દરકાર ન કરવી. તમે તો બસ, શક્તિ જ પ્રાપ્ત કરો. કોઈની ટીકા ન કરો. દરેક ધર્મમાં કંઈને કંઈ સત્ય છે. બધી જ સંકુચિતતાનો ત્યાગ કરીને તમારે એક જ વિચાર કરવાનો છે કે તમારે ઊભા થવાનું છે, જાગૃત થવાનું છે અને ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અટકવાનું નથી.’
અને, સ્વામીજી આગળ કહે છે, ‘દોસ્તો, તમારા માથે એક જોખમ છે એ યાદ રાખજો. પશ્ચિમના અંધ અનુકરણની મોહિની તમારા માથે ચોંટી છે. પશ્ચિમની પ્રજા જે વિચારે છે કે જેનાં વખાણ કરે છે તેને જ તમે સાચાં માનો છો. પણ યાદ રાખજો કે આ દેશ જેવા ઉચ્ચ ઉદ્દેશ અને આશયો ધરાવતી સંસ્થાઓ દુનિયામાં બીજા દેશોમાં નથી.’
‘સ્વામીજી,’ યુવાનો પૂછે છે, ‘ક્યારેક નિરાશ થઈ જવાય છે તેનું શું કરવું ?’
‘નિરાશા મળે તેથી શું ?’ સ્વામીજી ઝળહળતી આંખો કરી કહે છે, ‘આ નિષ્ફળતાઓ તો તદ્દન સ્વાભાવિક છે. તે જીવનનું ખમીર છે. જો જીવનમાં સંગ્રામ ન હોય તો પછી તેની કોઈ કિંમત જ ન રહે. ભૂલોથી કે અથડામણોથી ગભરાવું નહીં. યાદ રાખજો, આ દુનિયા નિર્માલ્યો માટે નથી. નાસી જવાનો પ્રયત્ન કરતા નહીં.
દોસ્તો ! મારાં બાળકોએ સાહસિક બનવાનું છે. તમારી પાસેથી પોલાદી સ્નાયુબદ્ધ શરીર અને વજ્ર સમાન દૃઢ મનની માગણી કરું છું.’
‘પણ આ કરવું કેમ ?’ મૂંઝાતો ફરી એક સવાલ આવે છે.
‘દોસ્તો ! તમારામાં રહેલી દિવ્યતાને પ્રગટ કરો એટલે તેની આસપાસ બધું જ સુંદર રીતે ગોઠવાઈ જશે.’
‘તો, સ્વામીજી, આગળ વધવા માટે થોડાં સૂત્રો આપો.’
સ્વામીજી સ્મિત કરતા કહે છે, ‘હા, કેટલાક વિચારો ગાંઠે બાંધી લો.
– ખાનગીમાં નિંદા કરવી એ પાપ છે. તમારે તેનાથી દૂર રહેવું.
– તમારી સામે કોઈ વાદવિવાદ કરવા આવે તો વિનયપૂર્વક દૂર ખસી જવું.
– સાંપ્રદાયિક ભાવનાઓને તિલાંજલિ આપો.
– પ્રથમ સેવક થતાં શીખો. પછી જ નેતા થવા લાયક બનશો.
…અને હા, આપણા દેશ પ્રત્યે ખૂબ પ્રેમ રાખવાનો છે. યાદ રાખો, આવતાં પચાસ વર્ષ સુધી માત્ર આપણું કાર્યક્ષેત્ર બનશે આ આપણી મહાન ભારતભૂમિ. આપણા દેશબંધુઓ જ આપણા દેવો છે અને આ વાત તો ખાસ યાદ રાખજો કે તમારા એક પર જ આખા કામનો આધાર હોય તે રીતે કાર્ય કરો. પચ્ચાસ પચ્ચાસ સૈકાઓ તમારા તરફ મીટ માંડી રહ્યા છે. ભારતના ભવિષ્યનો આધાર તમારા પર છે.’
અને પછી સ્વામીજી જાણે ધ્યાનસ્થ થઈ જાય છે અને સ્વપ્નવત્ બોલે છે, ‘હું જગતમાં માનવજાતનો નવો જ વર્ગ ઊભો કરવા માગું છું જેને દુનિયાની કંઈ જ ન પડી હોય. મિત્રો, ભારતને અત્યારે ઓછામાં ઓછા એક હજાર યુવાનોની જરૂર છે. ધ્યાન રાખો યુવાનોની, નહીં કે પશુઓની !’
તો, જો આજના યુવાનોને સ્વામીજી મળી જાય તો, શ્રદ્ધા છે કે તે ફરી આ યુવાનોને બળબળતી, ધગધગતી, પ્રજ્જવળ શ્રદ્ધાનું જ પાન કરાવવાના. યુવાનોને જે સમસ્યાઓ અને મૂંઝવણોનો અનુભવ થાય છે, તે આમ તો તેમનાં દર્શન માત્રથી દૂર થઈ જશે, છતાં તેમની વાણી ફરી સાંભળશે તો એક પળમાં આ બધું જ અદૃશ્ય થઈ જવાનું અને હનુમાન જેમ ‘રામ કાજ કરીબેકો આતુર’ કરતા, એમ ‘દેશ કાજ કરીબેકો આતુર’ કહી દેશ સેવામાં કૂદી પડવાના.
હવે બીજા દૃષ્ટિકોણથી આ વાત તપાસીએ.
આજના યુવાનને જો વિવેકાનંદ મળી જાય, તો તેમની પાસેથી વિવિધ તાલીમ મળે.
આજના યુગની ભાષામાં કહીએ તો વિવેકાનંદ એક ઉત્તમ મેનેજમેન્ટ ગુરુ હતા. આજના યુવાનોને તેમની પાસેથી મેનેજમેન્ટનાં આ સૂત્રો મળે.
સ્વામીજીએ કર્મને વધુ મહત્ત્વ આપ્યું હતું. તેમનાં દરેક પ્રવચન કે પત્રો વાંચીએ તો તેમાં તેમણે કર્મ પર ખાસ ભાર મૂક્યો છે. તે માનતા હતા કે ભારતનું જે પતન થયું હતું અને તે અનેક સમસ્યાઓમાં ઘેરાઈ ગયું હતું અને આજે પણ ઘેરાયેલ છે, તેમાંથી બહાર આવવાનો એકમાત્ર ઉપાય કર્મનિષ્ઠ થવું તે જ છે. તેમણે યુવાનોને અને દેશવાસીઓને દેશ માટે જીવવા અને કર્મ કરવા પર ભાર મૂક્યો.
સ્વામીજીએ બીજી અગત્યતા આપી આત્મનિરીક્ષણને. તેમનું કહેવું હતું કે આપણે હંમેશ તકલીફો માટે બાહ્ય પરિબળો પર જ દોષ ઢોળ્યો છે પણ હકીકતે આત્મનિરીક્ષણના અભાવે જ દેશ પછાત રહ્યો છે. તેમણે હિંદુ-મુસ્લિમ એકતા પર પણ ખૂબ જ ભાર મૂક્યો હતો અને સૂત્ર આપેલ કે ‘વેદાંતી મન અને ઈસ્લામી શરીર’ હોવું જોઈએ. આનો અર્થ બન્નેનો સમન્વય થાય છે.
આત્મ-નિરીક્ષણ સાથે તેમણે જવાબદારી લેવા પર પણ ભાર મૂક્યો હતો. તે કહેતા હતા કે ગરીબી અને દુ :ખો માટે ધનવાનો જવાબદાર છે. તેમના વિચારો વાંચીએ તો તેમાં સમાજવાદનાં બીજ દેખાય છે. ‘જાણે તમારા પર જ જવાબદારી હોય તેમ કામ કરો’ એ તેમની હાકલ હતી.
સ્વામીજીએ સૌથી મોટું કામ કર્યું કે ભારતીય તત્ત્વજ્ઞાનને વૈશ્વિક સ્તરે પહોંચાડી દીધું. વૈશ્વિકરણનો ખ્યાલ જન્મ્યો તે પૂર્વે વર્ષો પહેલાં સ્વામીજીએ જ વૈશ્વિકરણની વાત શરૂ કરી દીધી હતી. તેમણે પોતે પણ તત્કાલીન વિશ્વ પર મોટો પ્રભાવ પાડ્યોે. સ્વામીજી પાસેથી સૌથી મહત્ત્વની વસ્તુ શીખવા મળે છે ‘પ્રત્યાયન’ કળાની. સ્વામીજી એક શ્રેષ્ઠ કમ્યુનિકેટર હતા. વેદાંતનો સંદેશ પશ્ચિમમાં ત્યાંના લોકોને સમજાય તે ભાષામાં આપ્યો, તો ભારતીય પ્રજાને કર્મનો વિચાર આપી તૈયાર કરી. તેમનાં કોલંબોથી આલ્મોડા સુધીનાં પ્રવચનો વાંચીએ તો તેમની આ પ્રત્યાયન કળાનાં દર્શન થશે. આજે મેનેજમેન્ટમાં કમ્યુનિકેશન પર ખૂબ ભાર મૂકવામાં આવે છે. સ્વામીજીએ તો સ્વ-આચરણથી જ તે દેખાડી દીધું.
મેનેજમેન્ટ કહે છે કે વિચાર સ્થિર કરવો હોય અને તેનો પ્રસાર કરવો હોય તો કેવળ સંસ્થા દ્વારા જ શક્ય બને છે. વિવેકાનંદ પણ આ જાણતા હતા. એટલે તે સંન્યાસી હોવા છતાં તેમણે બેલુર મઠની સ્થાપના કરી અને વેદાંતની મુવમેન્ટ ચલાવી. આજે પણ તેનો પ્રભાવ સર્વત્ર જોવા મળે છે. ઉત્તમ સંસ્થા કેવી હોય તેનો ચિતાર આજથી એક સદી પહેલાં તેમણે આપી દીધો.
સ્વામીજીએ એક ઉત્તમ નેતાનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું. અમેરિકા હતા ત્યારે પોતાના દેશમાં કેમ કામ કરવું તે માર્ગદર્શન આપતા અને દેશમાં આવ્યા ત્યારે તેમણે ઉત્તમ સંસ્થા ઊભી કરી. ઉત્તમ સંન્યાસીઓ તૈયાર કર્યા અને સંસ્થાને વૈશ્વિક સ્તરે પહોંચાડી દીધી. આડકતરી રીતે સમગ્ર દેશને નેતૃત્વ પૂરું પાડ્યું. તેમના પછી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે નેતાઓ આવ્યા, તે બધાએ સ્વામીજીના વિચારોમાંથી પ્રેરણા મેળવી હતી.
આમ, આજે જો યુવાનોને વિવેકાનંદ મળી જાય તો આ બધી જ કુશળતાઓ ફરી આધુનિક વર્તમાન સંદર્ભમાં શીખવે અને વધારે ગ્લોબલ બનાવે.
વિવેકાનંદ યુવાનોને એક ઉત્તમ સંદેશ આપે છે કે જેને આગળ વધવું છે તેને કશું જ નથી નડતું. તેમને પોતાને જ દેશ અને અમેરિકા-બન્ને સ્થળોએ પુષ્કળ તકલીફોનો અનુભવ કરવો પડ્યો હતો. છતાં કેવળ પોતાની પ્રજ્ઞાના બળે તે બધાને અતિક્રમી ગયા અને સફળ થયા.
આજે તો યુવાનોને ખૂબ જ સગવડો છે, તકો છે. તેઓ ધારે તો ઝડપથી સફળતા મેળવી શકે છે. પણ વિવેકાનંદ કહે છે કે તે માટે પહેલાં પ્રજ્ઞાનો વિકાસ કરવો જોઈએ. તે માટે કેળવણી લેવાની છે, ખૂબ જ અભ્યાસ અને અધ્યયન કરવાનાં છે, ખૂબ વિચારવાનું છે, વ્યાપક સંદર્ભમાં વિચારવાનું છે. સંકુચિતતા અને સાંપ્રદાયિકતામાંથી બહાર નીકળી વિશાળ થવાનું છે, સાહસિકતા કેળવવાની છે, વિશ્વમાં ફરવાનું છે, સતત શીખવાનું છે, નચિકેતા બનવાનું છે.
આ બધું જો આજના યુવાનો કરશે તો તેઓ પણ સ્વામીજી જેવી જ સફળતા મેળવશે.
આજના યુવાનો આમ પણ સાહસિક થતા જાય છે, પ્રગતિના માર્ગે જ છે. સાથે સાથે તેઓ જો સ્વામી વિવેકાનંદના વિચારોનું વ્યાપક અધ્યયન કરશે તો તેમની પ્રગતિ સાચે માર્ગે થશે અને શાશ્વત થશે. વિવેકાનંદ આતુરતાથી તેમની તરફ જોઈ રહ્યા છે.
Your Content Goes Here



