આ લેખિકા ‘વિવેકાનંદ રોક મેમોરિયલ – કન્યાકુમારી’ કેન્દ્રનાં ઉપાધ્યક્ષા છે. એમના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર, ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

(આ લેખનો એક અંશ દિપોત્સવી અંકમાં છપાઈ ચૂક્યો છે.)

સ્વામી વિવેકાનંદે એક સદી પહેલાં ઉચ્ચારેલા એમના આ શબ્દો આજે યાદ આવે છે :

‘ભારતના અધ :પતન વિશે આપણે ઘણું ઘણું સાંભળીએ છીએ. એક સમય એવો હતો કે જ્યારે હું પણ તેમ જ માનતો. પણ આજે અનુભવની ઉચ્ચ ભૂમિકા ઉપર ઊભો રહીને આડે આવતા પૂર્વગ્રહોથી મુક્ત થયેલી દૃષ્ટિથી અને ખાસ તો બીજા દેશોનાં અતિ રંજીત ચિત્રોનાં પ્રકાશ અને છાયાને જાત અનુભવ દ્વારા સાચા સ્વરૂપે જોતાં, મારે નમ્રતાપૂર્વક કબૂલ કરવું પડે છે કે હું ખોટો હતો. આર્યોની પુણ્યભૂમિ, ઓ ભારત ! તારું અધ :પતન કદાપિ થયું જ નથી.’(સ્વા. વિ. ગ્રંથમાળા : ૫.૩૭૪)

આજે જે ઘટનાઓ બની રહી છે તેનો ઉલ્લેખ સ્વામીજી કરી રહ્યા હોય એવું લાગે છે. એમણે આગળ આ શબ્દોમાં વાત કરી હતી :

‘અનેક ઉજ્જવલ સૈકાઓથી અખંડ ચાલ્યા આવતા પ્રવાહ સામે હું સ્તબ્ધ બનીને રહું છું; અહીંતહીં કોઈક સ્થળે એ આખી શૃંખલામાં એકાદ કડી ઢીલી નિહાળું છું, પણ બીજી જ ક્ષણે તે વધારે તેજથી ઝબકી ઊઠે છે અને આમ મારી આ માતૃભૂમિ ગૌરવભર્યાં પગલાં માંડતી માંડતી આગળ ચાલતી જાય છે – પશુમાનવને દેવમાનવની સ્થિતિએ લઈ જવાની પોતાની ગૌરવમય નિયતિને પૂર્ણ કરવા આગળ જાય છે; તેની એ ગતિને પૃથ્વીની કે સ્વર્ગની કોઈ પણ સત્તા રોકી શકશે નહીં.’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૫.૩૭૪)

ભારતના યુવાનોએ શું કરવું જોઈએ ?

જો ભારત સમગ્ર વિશ્વને આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું પોતાનું નિશ્ચિત થયેલ પ્રદાન આપવા અને પૂર્ણ કરવા ઇચ્છતું હોય તો તેણે જીવનનાં બધાં ક્ષેત્રોમાં પ્રગતિ સાધવી પડે. સામાન્ય રીતે લોકો સફળતાને પૂજે છે. આપણે તો ‘સત્યમેવ જયતે’ એવું સાંભળીએ છીએ. સત્ય ત્યારે જ જીતે છે કે જ્યારે તેમાં સામર્થ્ય જોડાય છે. માત્ર સામર્થ્યથી કોઈપણ વ્યક્તિ વિજય મેળવી શકે પણ તે લોકોનું ભલું કરી શકતો નથી અને એ લાંબો સમય ટકી શકતો નથી. દરેકે દરેક ભગીરથ કાર્યમાં સત્ય જ ચિરકાલીનતા લાવી શકે. હન્ટિન્ગ્ટન આગળ કહે છે કે આયોજિત અને સંગઠિત હિંસા દ્વારા મોટાભાગના પશ્ચિમના પ્રભાવ આવ્યા હતા. જ્યારે તેમની ભ્રમણા ભાંગી ત્યારે તેમણે પ્રશ્નો કરવાનું શરૂ કર્યું.

એક નાની વાર્તા આ બાબતને ઘણી સારી રીતે સમજાવી શકે છે : વરસાદની ઋતુમાં એક વેલ ૧૫૦ વર્ષ જૂના વૃક્ષ પર થોડા જ સમયમાં ચડી ગઈ અને વૃક્ષને કહ્યું, ‘અરે ભાઈ, તારું ૧૫૦ વર્ષનું અસ્તિત્વ-આયુષ્ય શા કામનું ? તું જો તો ખરો ! હું તારા પર ચડી ગઈ શું અને તારી ઉપર આવી ગઈ છું !’ પેલા જૂના વૃક્ષે હસીને પેલી વેલને કહ્યું, ‘અરે વેલ બહેન, મેં તો તમારા જેવી અત્યાર સુધીમાં ૧૫૦ વેલ જોઈ નાખી છે!’

આમ ભારતે ઘણાં રાષ્ટ્રોને સત્તા પર આવતાં અને સત્તા ગુમાવતાં જોયાં છે. પણ ભારત આજે પણ જીવે છે. સ્વામી વિવેકાનંદે એક વખત આ જ વાતનો નિર્દેશ કરીને કહ્યું હતું :

‘એક હજી કાલ સવારનું છોકરું કે જે આવતીકાલે મસાણ ભેગું થવાને નિર્માયેલું છે, તે મારી પાસે આવે છે અને મને મારી બધી યોજનાઓ બદલવાનો ઉપદેશ આપે છે ! હવે જો હું એ બાળકની સલાહને સાંભળું અને તેના વિચાર પ્રમાણે મારી આસપાસની પરિસ્થિતિ બદલું, તો હું પોતે જ મૂરખ ઠરું, બીજું કોઈ નહીં. (સ્વા. વિ. ગ્રંથમાળા : ૪.૩૪)

પોતાની આધ્યાત્મિક દૃષ્ટિથી ભારત વિશ્વને માર્ગદર્શન આપવા જીવતું રહ્યું છે. ગળાકાપ સ્પર્ધાના આ ભયંકર દબાણ હેઠળ જીવતા આધુનિક માનવ માટે ભારતનો શાંતિ અને સર્વસમભાવનો સંદેશ એક પોષક તત્ત્વરૂપે આવે છે. યાંત્રિક અને પાયરી ઉતારના આ પરિવર્તનના જીવનના અભિગમે માણસને સાવ ભાંગી નાખ્યો છે. આ જ સમયે ભારતની જીવનપદ્ધતિ એટલે કે તેમનાં યોગ અને વેદાંતપ્રણાલી તેનું શક્ય સમાધાન બની શકે.

વળી ભારત ‘આધ્યાત્મિકતાની યાત્રાભૂમિ’માં ઊભરી શકે એમ પણ કહી શકાય. કેટલાય પરદેશી યાત્રીઓ ભારતમાં તેની આધ્યાત્મિકતા વિશેની સૂઝ સમજણની શોધમાં આવે છે. ભારતમાં ધર્મસ્થળોની યાત્રાને હવે દાદ મળતી જાય છે. ભારતના યુવાનોએ દેશનાં યાત્રાસ્થળોના વિકાસ માટે યોજનાઓ ઘડી કાઢવી જોઈએ. આપણાં મોટાભાગનાં યાત્રાસ્થળોની જાળવણી અત્યંત નબળા પ્રમાણની રહી છે. આ સ્થળો ગંદાં અને ઓછામાં ઓછી સુવિધાવાળાં હોય છે. આવાં સ્થળે મૂળભૂત સ્વચ્છ અને સુંદર સુવિધાઓ અને બીજી સગવડો પૂરી પાડવામાં યુવાનો કાર્ય કરી શકે.

સ્વામી વિવેકાનંદ અને ભારતનું સૌને જોડતું પરિબળ

કોઈપણ દેશની સંસ્કૃતિ જ્યારે તે દેશ સંપત્તિસમૃદ્ધિ અને પ્રભાવકતા મેળવે ત્યારે આકર્ષક બને છે. એટલે જ ભારતની આર્થિક સફળતા ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના અમરવારસામાં રસરુચિ વધુ પ્રમાણમાં ઊભાં કરશે. તેને લીધે ભારતીયોને પોતાની સંસ્કૃતિની અભિન્નતા અને દાવા કે નિશ્ચિતતાનું સંશોધન કરવા પ્રેરશે. આમ થાય તો ‘આપણે કોણ છીએ’ એ જાણવાની ઝંખના તેમને આ ભૂમિને એક તાંતણે બાંધતા સિદ્ધાંતોનું ગહન સંશોધન કરવા દોરી જશે.

વળી ભારતને એક તાંતણે બાંધતા સિદ્ધાંતોની આ શોધ પ્રતિ સ્વામી વિવેકાનંદ સિવાય બીજા ક્યા મહામના માનવ દોરી જશે ? સ્વામી વિવેકાનંદ સાથેના આ વિચાર-આદર્શના સંપર્ક-સંસ્પર્શથી યુવાનો ભારતને ચાહવા લાગશે અને તેને માટેના કાર્યને પણ ચાહશે. સ્વામીજી ભારતપ્રેમના અને દેશના લોકો માટેની ચાહનાના મૂર્તિમંતરૂપ હતા. સ્વામીજીનાં શિષ્યા સિસ્ટર ક્રિસ્ટાઈન એ વાત આ શબ્દોમાં લખે છે :

‘જ્યારે તેમને પોતાના ધીરગંભીર અવાજે ‘ઈંક્ષમશફ’ એ શબ્દને મેં ઉચ્ચારતાં સાંભળ્યા ત્યારે હું ધારું છું કે મારા મનમાં ભારત પ્રત્યેના પ્રેમનો ઉદ્ભવ થયો. પાંચ અક્ષરના આ નાના એવા શબ્દમાં એટલું બધું ભારોભાર મુકાયું હતું કે અમને તે અત્યંત અવર્ણનીય આશ્ચર્યજનક લાગ્યું. એ શબ્દમાં પ્રેમ, ઉત્કટ ચાહના, ગર્વ, આરત, પૂજ્યભાવ, ગંભીરતા અને ધૈર્ય હતાં. સાંભળનારના મનમાં સર્જનાત્મક પ્રેમને જગાડવાની એ શબ્દમાં ચમત્કારિક શક્તિ હતી. હૃદયની ઝંખનાની ભૂમિ બન્યા પછી પણ ભારત વિશેની દરેકે દરેક બાબતો-તેના લોકો, તેનો ઇતિહાસ, તેનાં શિલ્પસ્થાપત્ય, તેનાં રીતભાતો અને રીતિરિવાજો, તેની નદીઓ, તેના પર્વતો, તેનાં મેદાનો, તેની સંસ્કૃતિ, તેની મહાન આધ્યાત્મિક સંકલ્પનાઓ, તેનાં શાસ્ત્રો જાણે કે જીવંત બની ગયાં અને રસરુચિ બની ગયાં.’ (રેમિનીસન્સીસ ઓફ સ્વામી વિવેકાનંદ : પૃ. ૧૫૧)

દૂરદર્શન, સેલફોન અને ઇન્ટરનેટના ઉપયોગના લીધે ભારત સમગ્ર વિશ્વ માટે એક ખુલ્લું અને મહાન ક્ષેત્ર બની ગયું છે. આ સમયે ભારત પોતાની મૂળ શૃંખલાને ગુમાવી તો નહીં બેસે ને, એવી દહેશતથી કેટલાક ચિંતા કરે છે. જો કે સ્વામી વિવેકાનંદે આ વિશે ઘણું રસપ્રદ નિરીક્ષણ કર્યું છે. તેમણે કહ્યું છે કે જ્યારે જ્યારે ભારતે સત્તાવિજય મેળવવા પોતાના સંદેશના આપલેના પ્રવાહો ખુલ્લા મૂક્યા, ત્યારે ત્યારે એ પ્રવાહો દ્વારા ભારતીય જ્ઞાન વહેતું રહ્યું હતું. જ્યારે અમેરિકામાં વિશ્વધર્મપરિષદની તૈયારીઓ થઈ રહી હતી ત્યારે સ્વામીજીએ પોતાના મનના ગહનતમ સ્તરેથી પોતાના ગુરુબંધુઓને કહ્યું હતું કે તેમના માટે બધી તૈયારીઓ થઈ ચૂકી છે. ‘સનાતન ધર્મ’ના વ્યાપક અભિગમની મહત્તાએ પહોંચવા માટેનો આ એક દૈવી સંકેત હતો.

મોટી સંખ્યાના મહાન શ્રોતાસમૂહ વચ્ચે સર્વની એકતાના દૃષ્ટિકોણને મૂકવાની આ એક સુવર્ણ તક હતી. માનવના મૂળસ્વરૂપની આ અંતર્દૃષ્ટિના ભારતના અમૂલ્ય ખજાનાને આજનાં સંદેશવ્યવહારના માધ્યમોએ એ જ રીતે પહોંચવું પડશે. જેમ જેમ આપણી યુવાપેઢી વિશ્વના જ્ઞાનનો પ્રત્યક્ષ સામનો કરે છે તેમ તેમ તેમણે પોતાનાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂળિયાં જાણવાં જ પડશે. સિદ્ધાંતો જ સૌને સાથે જોડી શકે, બાહ્ય રૂઢિઓ નહીં. એકતાની ભાવનાવાળો, શ્રદ્ધાવાન અને આધ્યાત્મિક ભાવવાળો ભારતીય સમાજ સમગ્ર જગતને માર્ગદર્શન આપી શકશે.

આ ભગીરથ કાર્ય સ્વામી વિવેકાનંદને જેમનામાં મહાન શ્રદ્ધા હતી એવી યુવાપેઢીની રાહ જુએ છે.

Total Views: 93
By Published On: December 1, 2013Categories: Nivedita R. Bhide, Smt0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram