સ્વામી વિવેકાનંદે પોતાની પૈગંબરી ભાષામાં ભારતના નવજાગરણનું જોયેલું દર્શન આ શબ્દોમાં વ્યક્ત થયું છે. ‘હું ભવિષ્યમાં મીટ માંડતો નથી; તેમજ એ જોવાની પરવા પણ કરતો નથી. પરંતુ એક દૃશ્ય હું આપણા અસ્તિત્વ જેટલું જ સ્પષ્ટ જોઈ રહ્યો છું કે આપણી પ્રાચીન માતા ફરી પાછી એક વાર જાગી ઊઠી છે અને પૂર્વે કદીયે હતી તેના કરતાં વધુ યૌવનસંપન્ન અને વધુ મહિમાવાન બનીને પોતાના સિંહાસન પર બિરાજમાન થઈ છે.’(સ્વા.વિ.ગ્રંથમાળા : ૬.૨૬૩) ૨૧મી સદીમાં ભારતને ઘડનારાં પરિબળો એટલે કે વર્તમાન યુગીન મહાવલણોની પશ્ચાદ્ભૂમિ વિરુદ્ધમાં જ્યારે આપણે સ્વામીજીની આ દૂરંદેશીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણને જોવાજાણવા મળે છે કે આ નવજાગરણનું મહાકાર્ય વધારે ને વધારે કઠિન અને સંકુલ બનતું જાય છે. એનું કારણ એ છે કે આજે સમાજમાં પરિવર્તનોના તાણાવાણા રચાય છે, તેમાં આંતરવણાટની પ્રક્રિયાઓ વિશે ગહન સમજણશક્તિ સામેલ થવી જોઈએ. વૈશ્વિકીકરણ એ એક બેધારી તલવાર છે. વૈશ્વિકજ્ઞાનની ઉત્ક્રાંતિની દૃષ્ટિએ આજના આધુનિક સો વર્ષ એ માનવઇતિહાસનાં એક હજાર વર્ષ જેટલો કાળ ગણાય. અંતર ઘટ્યાં છે, સમય પણ ટૂંકો થતો જાય છે અને આપણે લગભગ વધુ ને વધુ નિકટ આવતા જઈએ છીએ. પરિણામે આપણું ભાવિ પણ એકબીજા સાથે ગુંથાયેલું હોય એવું લાગે છે. જેમ થોમસ એલ. ફ્રિડમેન કહે છે એ પ્રમાણે ‘સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર અને મુક્ત બજાર અને વ્યાપારની ઉત્ક્રાંતિએ આ વિશ્વને સીમારહિત – ફ્લેટવર્લ્ડ – વિશ્વઘર જેવું બનાવી દીધું છે. આમ છતાં પણ રાષ્ટ્રની સાર્વભૌમિકતાને ભયંકર રીતે ડરાવતાં અને એ રીતે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રણાલીઓને ધોઈ નાખતાં તેમ જ આર્થિક અને સામાજિક સ્થિરતાને પણ કંપાવતાં પરિબળો જોવા મળે છે. આજે ભારતના સમાજને પરિવર્તિત કરતાં સંકૂલ પરિબળોનાં પ્રતિકૃતિ કે આદર્શાે વિશે થોડી ઘણી રૂપરેખાઓ આપવી શક્ય છે. એનું કારણ એ છે કે આ વિષય ઘણો મોટો વિશાળ વિષય છે.

આપણે આપણા સમાજમાં ભારતીયતાની દૃષ્ટિએ સ્પષ્ટપણે જોતાં ત્રણ મુખ્ય અગત્યના પરિવર્તન કરનારાં ચાલકબળોને જાણીને એની ચર્ચા કરી શકીએ. તે પરિબળો આ છે :

૧. વૈશ્વિકીકરણ અને આપણા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની આપણી પ્રણાલીઓનો સમન્વય.

૨. ગતિશીલ આત્મસન્માન પર આધારિત જીવંત આદર્શાેમાં કોરી બુદ્ધિમત્તા અને રુઢિગત વિધિવિધાનોમાં પરિવર્તન લાવવું.

૩. વિશેષ કરીને કાર્ય, કારકિર્દી અને શૈક્ષણિક વિશ્વમાં જ્ઞાનકેન્દ્રિ સમાજ તરફનું એક આંદોલન ઊભું કરવું.

પોતાના જીવનના ૧૫૦ વર્ષથી સ્વામી વિવેકાનંદે ભારતના નવજાગરણને દૂરંદેશીથી જોયું હતું, તેને મૂર્તિમંત કર્યું છે અને એક આદર્શ પણ લોકો સમક્ષ મૂક્યો છે. ૨૧ મી સદીના ગતિશીલ પર્યાવરણના સંદર્ભમાં જ નહીં પણ આવનારી કેટલીયે ભાવિ સદીઓના સંદર્ભમાં દરેકે દરેક વ્યક્તિ પોતપોતાની ભીતર રહેલી શક્તિથી જાગી પણ છે. ભારતના નવજાગરણ માટેની પોતાની આ યોજનાના કેન્દ્રમાં દરેક વ્યક્તિનું માનવ બનો અને બનાવોની જાગૃતિ રહી છે. મેરી લૂઈ બર્કે સ્વામીજીની આ હાર્દસમી બાબતને આ શબ્દોમાં સુંદર રીતે વર્ણવેલ છે. ‘એમની માનવની વ્યાખ્યા એટલે માત્ર મન અને દેહ નહીં પણ શુદ્ધ, અનંત પ્રાણ કે જુસ્સો કે જે એમનાં સંભાષણોમાં ઘંટનાં ગૂંજારવની જેમ ક્યારેક પશ્ચાદ ભૂમિમાં વહેતા શાંત, ધીર સ્વર જેવા અને વળી ક્યારેક મેઘગર્જના સમા સત્તાવાહી સૂરે રણકતો રહેતો. એમના સંદેશમાં રહેલ આ સૌથી મહત્ત્વનો મુદ્દો આપણે અનુભવ્યા સિવાય રહી શકતા નથી.’ (સ્વામી વિવેકાનંદ, પ્રોફેટ ઓફ ધ મોર્ડન એજ : મેરી લૂઈ બર્ક, રામકૃષ્ણ મિશન ઈન્સ્ટ્યિુટ ઓફ કલ્ચર, (ગોલ પાર્ક, કોલકાતા – ૧૯૭૪; પૃષ્ઠ : ૧૪-૧૫) સ્વામીજીએ પશ્ચિમમાંથી પાછા ફરીને મદ્રાસના વિક્ટોરિયા હોલમાં આપેલ વ્યાખ્યાનમાં ગર્જના કરતા કહ્યું, ‘મર્દ બનાવનારા ધર્મની આપણને જરૂર છે; મર્દ બનાવનારા સિદ્ધાંતોની આપણને જરૂર છે. ચોમેર મર્દ બનાવનાર શિક્ષણની આપણને જરૂર છે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૪.૧૨૮) બીજે પ્રસંગે એમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા : ‘જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે, તેમ તેમ મને વધારે ને વધારે લાગે છે કે મર્દાનગીમાં જ સઘળું રહેલું છે. આ મારો નવો સંદેશ છે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૯.૨૫૯)

૧. વૈશ્વિકીકરણ અને આપણા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની આપણી પ્રણાલીઓનો સમન્વય.

સંદેશ અને જ્ઞાનમાહિતીના અત્યંત ઝડપી વિકાસથી અને બીજી આધુનિક પ્રૌદ્યોગિકીને લીધે ઘણા વૈશ્વિક વલણો આવાં દેખાય છે :

ક) સંસ્થાઓ અને સંઘ સંગઠનોનું વૈશ્વિકીકરણ.

ખ) વાહનવ્યવહાર અને આવનજાવનની સેવાઓનું વૈશ્વિકીકરણના સંદર્ભમાં અંતરનું નહીંવત થવું.

ગ) ‘માનવવર્તન અને સંબંધ જોડાણમાં’ સામાન્ય સરખાપણું કે એકતાની સ્વીકૃતિની વૃદ્ધિ.

ઘ) ધર્મ, સંસ્કૃતિ અને સામાજિક ધારાધોરણોમાં વૈશ્વિકીકરણ અને એમાંએ વિશેષ કરીને કાર્ય અને સામાજિક, આર્થિક સંદર્ભમાં વૈશ્વિકીકરણ.

ભારતમાં આજે નવા ઉભરતા વલણો કે પરિવર્તનોમાંનું એક છે સૌથી વધારે મહત્ત્વના પરિવર્તનશીલ અને ગતિશીલ તેમજ સ્વની ઓળખાણ અને સ્વાભિમાનના સ્રોતમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સભ્યપદ માટેની નવી શોધના. સ્વામીજીએ આ મહાન જાગરણ કે ૨૦મી સદીના પ્રારંભની નવી શોધનાની ઉદ્ઘોષણા કરી હતી અને રોમાંરોલાં કહે છે તેમ ભારત એ વખતે સરસ મજાની રીતે જાગી ગયું હતું. શું ભારતે સ્વામી વિવેકાનંદની વાણીનો પ્રતિઘોષ પાડવા અને ભારતની આગામી આશાનો જવાબ આપ્યો ખરો ? શું ભારતની આ તોફાની અને સૌને સંભવિત ઉત્તેજના કાર્યમાં પરિણમી ખરી ?… પરંતુ જે લોકો મિથ્યાસ્વપ્નમાં દટાયેલા હોય, પૂર્વગ્રહના ગુલામ બનેલા હોય અને થોડા અમથા પ્રયાસથી પણ નિષ્ફળતા પામતા હોય એવા લોકોની ટેવોને એક ક્ષણમાં પરિવર્તિત કરી દેવી અશક્ય છે. પરંતુ માલિક – ઈશ્વરના સખત કોરડાથી પહેલી વખત જ ભારતમાતા એની ગાઢ નિદ્રામાંથી એક પડખું ફર્યાં છે. અને પ્રથમ વખત જ એના ભારતની આગેકૂચનાં સ્વપ્નની તેમ જ તેના પ્રભુની ચેતનાનો એક વીરતા ભર્યો રણભેરીનો નાદ સંભળાયો. તે જ દિવસથી શક્તિનાં મૂર્તસ્વરૂપનું નવજાગરણ શરૂ થઈ ચૂક્યું છે. (રોમાંરોલાં : સ્વામી વિવેકાનંદનું જીવન અને વૈશ્ચિક વચનામૃત : અદ્વૈત આશ્રમ, કોલકાતા, ૧૯૭૦ : પૃષ્ઠ ૧૦૬-૧૧૪)

વ્યક્તિગત અને સામાજિક સમૂહોની અનન્ય પહેચાનના પુન: નિશ્ચય માટે અને સ્થાનિક પ્રણાલીઓ અને વારસાને જાળવી રાખવા માટે ઇતિહાસમાં લાંબા કાળથી હંમેશાં પ્રયત્નો થતા રહ્યા છે. સંદેશ વ્યવહારની પ્રૌદ્યોગિકીએ ‘સોશ્યલ મિડિયા ગૃપ – સામાજિક પ્રસારણ માધ્યમ વૃંદ’ ઊભો કર્યો છે અને ‘ઓનલાઈન – સીધે સીધા સંપર્ક સાધન’થી જ્ઞાનની આપલે પણ સરળતાથી થાય છે અને એટલે જ સ્થાનિક પ્રણાલીઓ અને તેની પહેચાનના પુનરુત્થાનને મોંમાથા વિનાના અત્યંત તીવ્રગતિએ ચાલતા વૈશ્વિકીકરણ સામેના બચાવરૂપે આપણે જોયો છે. સ્વામીજીએ સંગઠનો, સંઘો અને સંસ્થાઓના વૈશ્વિકીકરણની પૂર્વધારણા કરી હતી. ૧૮૯૭માં ભારતના ‘ત્યાગ અને સેવા’ને રાષ્ટ્રિય આદર્શ તરીકે સ્પષ્ટપણે ઉદ્ઘોષણા કરતી વખતે તેમણે રાષ્ટ્રો અને વિશ્વના લોકોના ઐક્ય અને સુસંવાદિતતા પર આધારિત ઉભરી રહેલી વૈશ્વિક સંસ્કૃતિની એક ભાવિ દૂરંદેશીની વાત એમણે કરી છે, અને એ પણ ‘લીગ ઓફ નેશન્સ કે યુનો’ અસ્તિત્વમાં આવ્યા પહેલાં. એ વખતે તેમણે કહ્યું હતું, ‘આંતરરાષ્ટ્રિય સંસ્થાનો, આંતરરાષ્ટ્રિય સંયોજનો અને સંયુક્તીકરણો, આંતરરાષ્ટ્રિય કાયદાઓ એ આજના દિવસની તાતી માગ છે. એ જ એકતા અને પરસ્પરાવલંબન બતાવે છે. વળી એમણે આ જ વાતને રજૂ કરતાં એક વખત કહ્યું હતું, ‘વળી એ હકીકત પણ રોજબરોજ વધુ સ્પષ્ટ થતી જાય છે કે કોઈપણ સમસ્યાનું નિરાકરણ જાતિ અગર રાષ્ટ્રની સંકુચિત ભૂમિકા ઉપર કદી ન થઈ શકે. પ્રત્યેક ભાવનાએ વિસ્તૃત થઈને સમગ્ર વિશ્વને આવરી લેવાનું છે. પ્રત્યેક આકાંક્ષાએ વિશાળતા ધારણ કરતાં કરતાં સમસ્ત માનવજાતને સમાવી લેવાની છે; અરે, પોતાના ક્ષેત્રમાં સમસ્ત પ્રાણીસૃષ્ટિને આવરી લેવાની છે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૪.૧૭૬)

ઘણા પ્રાચીન સમયમાં આપણા ઋષિઓએ શોધેલી ‘સર્વની એકાત્મકતા’ના વેદાંતના સત્યને સમજાવતાં સ્વામીજીએ કહ્યું હતું કે ‘ભારતે પોતાના આ મહાન આદર્શના વ્યાપને અને પોતાના અદ્ભુત દૃષ્ટિકોણને સંકુચિત બનાવી દીધો અને એ રીતે ધીમે ધીમે તેનું અધ:પતન થતું રહ્યું.’

બીજા એક આદર્શ પર સ્વામીજીએ ભાર મૂકીને કહ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિની મૂળ આધારશીલારૂપ કે જે વૈશ્વિકીકરણ અને સ્થાનિક સંસ્કૃતિ પ્રણાલીઓ વચ્ચે સમન્વય સાધી શકે અને એ આદર્શ હતો ‘વિવિધતામાં એકતા’.

વૈશ્વિકદૃષ્ટિએ સર્વસ્વીકૃત બને એવા આ જ આધ્યાત્મિક આદર્શે ભારતને હજારો સંસ્કૃતિઓ અને બીજા અનેક આઘાતપ્રત્યાઘાતો હજારો વર્ષ સુધી સહન કરવા અને તેને પોતાનામાં ભેળવી દેવા સક્ષમ બનાવ્યો.

Total Views: 99
By Published On: April 1, 2014Categories: Sarvasthananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram