(ગતાંકથી આગળ…)

રાધુ અને તેનો દીકરો તથા નલિની અને નાની મામી શ્રી શ્રીમા સાથે આવેલાં. માકુના દીકરા નેડાનું મૃત્યુ થયેલું. માકુ અને નલિની એવું વિચારીને ઉદ્બોધન ભવનમાં રહેવા નહોતાં ઇચ્છતાં કે તેમને જોઈને શ્રી શ્રીમાને નેડાની યાદ આવે અને તેઓ દુ:ખી થાય, તેથી તે બંને બલરામ બોઝના ઘરે ચાલ્યાં ગયાં. શ્રી શ્રીમાને દરરોજ તાવ આવતો જેનું પાછળથી ‘કાળાજ્વર’ તરીકેનું નિદાન થયું. હું તેમને ખવડાવવું, પથારી કરી આપવી, દવાઓ આપવી વગેરે કાર્ય કરતી. નવાસન ગામની મહિલા મને મદદ કરતી. સ્વામી સારદાનંદે બધા જ ખ્યાતનામ દાકતરોને બતાવી, અલગ અલગ ઉપચાર કરાવ્યા, અનેક અનુષ્ઠાન કરાવ્યાં પરંતુ સારું થયું નહિ. શ્રી શ્રીમા નિર્બળ અને કૃશકાય થવા લાગ્યાં. તેમને જમવાનું ભાવતું નહિ, તેઓ પથારીવશ થઈ ગયાં. એવી સ્થિતિમાં પણ તેઓ એક દિવસ મારો હાથ જોઈને બોલ્યાં, ‘સુધીરાએ તારા માટે સોનાની ત્રણ જોડી પાતળી બંગડીઓ બનાવી છે તે સારી નથી લાગતી. હું સાજી થઈ તારા માટે ચાર જાડાં કડાં બનાવડાવી આપીશ.’ મેં કહ્યું, ‘એ બધું તો ઠીક છે મા, બસ તમે જલદી સાજાં થઈ જાઓ, તો અમને આનંદ થશે.’ તેઓ બહુ જ મુશ્કેલીથી શૌચાલયમાં જઈ શકતાં. એક દિવસ તેમણે કહ્યું, ‘જો એક લાકડી હોય તો હું સહેલાઈથી ચાલી શકું.’ બીજે દિવસે અમે જોયું કે તેમના ઓરડામાં એક ખૂણામાં યોગ્ય લંબાઈની એક લાકડી કોઈ રાખી ગયેલું. તેમનો તાવ દિવસે દિવસે વધતો ગયો. દિવસમાં બે ત્રણ વાર ધ્રુજારી આવી જતી. તેઓ અત્યંત દુર્બળ થઈ ગયેલાં. તેથી એક દિવસ બોલ્યાં, ‘હું ઊઠી શકતી નથી. આ જ ઓરડામાં બધી ક્રિયા કરવી પડશે. શ્રીરામકૃષ્ણની છબીને બીજા ઓરડામાં લઈ જાઓ. પલંગ હટાવી મારી પથારી જમીન પર કરી દો.’

શ્રીરામકૃષ્ણની છબીને બીજા માળે લઈ જવાઈ. શ્રી શ્રીમાના શરીરમાં બળતરા થતી હતી, તેથી સુધીરાદી નિવેદિતા સ્કૂલની વિદ્યાર્થિનીઓને પંખો નાખવા વારાફરતી મોકલતાં. વાણી, ગીતા, કનક અને શિવા સવારથી સાંજ સુધી પંખો નાખતાં. તે દરમ્યાન પ્રફુલ્લમુખીદેવીને કોઈ કારણસર કુમિલ્લા જવું પડ્યું. હવે શ્રી શ્રીમા રાધુ, માકુ તથા તેમના પુત્રોને પોતાની નજીક આવવા દેતાં નહિ. રાધુ વિશે વારંવાર કહેતાં, ‘તેને પાછી ગામડે મોકલી દો.’ એક દિવસ મેં કહ્યું, ‘આપ વારંવાર કહ્યા કરો છો કે તેને મોકલી દો, પણ શું આપ તેના વિના રહી શકશો?’ તેમણે દૃઢતાપૂર્વક કહ્યું, ‘હા, હું તેના વિના રહી શકીશ. મેં માયાનું બંધન કાપી નાખ્યું છે.’ ક્યારેક ક્યારેક હું રાધુ અને માકુના પુત્રોને તેમની પાસે લઈ જતી તો તેઓ કહેતાં, ‘સરલા, આને અહીંથી લઈ જા, કેમ લાવી?’ એક દિવસ તેમણે શરત મહારાજને બોલાવીને કહ્યું કે રાધુ અને માકુને ગામડે મોકલી દો. તેમણે સમજાવ્યું, ‘આપની માંદગીમાં તે લોકોને મોકલી દેવાથી તે લોકોને બહુ દુ:ખ થશે. થોડા દિવસ રાહ જોઈ લઈએ.’ શ્રી શ્રીમાએ એટલું જ કહ્યું, ‘તેમને મોકલી દો તો સારું રહેશે.’ પણ તે બંને છેલ્લે સુધી ઉદ્બોધન ભવનમાં જ રહ્યાં. પરંતુ માના ઓરડામાં ક્યારેય ન ગયાં.

તે દિવસોમાં શ્રી શ્રીમા આયુર્વેદિક દવા લેતાં હતાં. તેમનું ભોજન લાકડાના ચૂલા ઉપર રાંધવામાં આવતું. એમની ખાવામાંથી રુચિ ચાલી ગયેલી. તેઓ ખૂબ જ થોડા ભાતની સાથે થોડો પોસ્તો અને બેલુર મઠથી આવતી ભાજી લેતાં. વૈદ્યે તેમને ભાવે તેવું ભોજન લેવાની પરવાનગી આપેલી, તેમને દૂધ લેવાનું પણ કહેલું. તેમના હાથેપગે સોજા હતા તેથી સાદું મીઠું લેવાની મનાઈ હતી પણ સિંધાલૂણ લેવાની છૂટ હતી. જમવાના સમયે તેમને પથારી ઉપર તકિયાના ટેકે બેસાડવામાં આવતાં. ભોજનની થાળી જમીન પર રાખી હું તેમને મારા હાથે ખવડાવતી. ક્યારેક તેઓ એક વાટકી લઈ પોતાની જાતે જ ખાતાં પરંતુ વધારે સમય તેઓ વાટકી પકડી રાખી શકતાં નહિ.

હું તેમને દૂધ પિવડાવતી અને તાવ માપ્યા કરતી. જ્યારે પણ દૂધ ન પીવે ત્યારે કહેતી, ‘શરત મહારાજને બોલાવું?’ એ સાંભળતાં જ તેઓ નાની છોકરીની જેમ તરત જ દૂધ પીવા માંડતાં. દૂધનો છેલ્લો કપ તેઓ રાત્રે અગિયાર વાગ્યે લેતાં. એક રાત્રે મેં તેમને દૂધ આપ્યું, પરંતુ તેમણે ન પીધું. તેઓ બોલ્યાં, ‘દૂધ પીશ નહિ.’ રોજની જેમ મેં કહ્યું, ‘મા, હું મહારાજને બોલાવું?’ શ્રી શ્રીમા બોલ્યાં, ‘જા, બોલાવી લાવ. હું દૂધ પીશ જ નહિ.’ રાત ઘણી વીતી ગયેલી. બધાં સૂઈ ગયેલાં. શરત મહારાજ પોતાના ઓરડામાં જમીન પર સૂઈ ગયા હતા. મેં તેમને જગાડ્યા નહિ. શ્રી શ્રીમાના ઓરડામાં પાછી આવી તો તેમણે તરત જ પૂછ્યું, ‘ન બોલાવી લાવી?’ તેથી હું પાછી ગઈ. મહારાજની પાસે જઈ જેવો મેં થોડો જ અવાજ કર્યો, કે તેઓ ઊઠી ગયા. બધું જ સાંભળી તેઓ મા પાસે આવી ઊભા રહી ગયા, અંદર ઓરડામાં દીવો અને બહાર ફાનસ બળતાં હતાં.

મા : ‘શરત આવ્યો?’ હું : ‘હા મા ! તેઓ અહીં જ છે, આપની પાસે જ ઊભા છે.’ મા : ‘ક્યાં છે? આવ બેટા, અહીં આવ, પાસે બેસ. જો તો દીકરા, આટલી રાતે જગાડીને આણે તને કેટલી તકલીફ આપી?’

શરત મહારાજે પ્રેમપૂર્વક તેમના કપાળે અને હાથે સ્પર્શ કરતાં કહ્યું, ‘મા, હવે થોડુંક દૂધ પીશો?’ મા: ‘હા.’ મહારાજ : ‘સરલા પિવડાવી દેશે.’ મા : ‘ના, તેના હાથે પીશ નહિ. દિવસ રાત તે ફક્ત કહ્યા જ કરે છે, ‘મા ખાઓ, મા પીઓ’ અને મારી બગલમાં સળી (થર્મોમીટર) ખોસ્યા જ કરે છે. તેને ફક્ત આ બે જ બાબત આવડે છે. હું તેના હાથે પીશ નહિ, તું પિવડાવ.’

મહારાજના હાથ ધ્રૂજવા લાગ્યા. તેઓ કઈ રીતે પિવડાવે? તેઓ બહુ ગભરાઈ ગયા. મેં પણ વિચારી લીધું, ભલે જે થવાનું હોય તે થાય, હવે હું નહિ પિવડાવું. જ્યારે માએ મહારાજની સામે આમ કહ્યું છે તો હવે ભલે મહારાજ જ પિવડાવે. જો કે મેં મારું મોં હસતું રાખ્યું, પણ માએ મહારાજની હાજરીમાં આ રીતે કહ્યું તેથી મને ખરાબ લાગ્યું. હું ફાનસ અંદર લાવી અને દૂધ કપમાં રેડી દીધું. શરત મહારાજે તેમને ધીરે ધીરે પિવડાવ્યું.

મહારાજ : ‘મા, ધીમે ધીમે પીઓ.’ મા : ‘કેવા મીઠા શબ્દો ! મા, થોડું રોકાઈને ધીરે ધીરે પીઓ. કાશ! આને આ રીતે બોલતાં આવડતું હોત !’

દૂધ પિવડાવી શરત મહારાજે માની પથારી સરખી કરી અને મચ્છરદાની લગાવી દીધી.

મહારાજ : ‘મા, હવે હું જાઉં?’ મા : ‘હવે જા દીકરા, જા ! આહા ! મેં મારા દીકરાને કેવી તકલીફ આપી? આણે તને જગાડી દીધો. ફરી આવજે. દીકરા, દુર્ગા ! દુર્ગા !’

આની પહેલાં શ્રી શ્રીમા શરત મહારાજની હાજરીમાં ઘૂમટો રાખતાં અને તેમની સાથે સીધી વાત ન કરતાં. તેથી મહારાજ દુ:ખી થતા. તેઓ હસીને કહેતા, ‘જુઓ તો ખરા, જાણે કે હું તેમનો સસરો હોઉં!’ એ સમયે સસરા સામે વહુઓ હંમેશાં ઘુમટો રાખતી. તેથી શરત મહારાજે કહ્યું, ‘મારું દુ:ખ દૂર કરવા જ તેમણે આજે મારી સેવા સ્વીકારી.’ બીજે દિવસે મેં મહારાજને કહ્યું, ‘લાગે છે કે મા મારા પર ગુસ્સે થયાં છે. હવેથી હું તેમને દૂધ પણ નહિ પિવડાવું કે તાવ પણ નહિ માપું. બહારથી જ હું તેમની વ્યવસ્થા કરી દઈશ.’

મહારાજ : ‘તારે જ તેમને જમાડવાનું છે.’

હું : હું તેમને જમાડીશ અને તેમનાં બીજાં બધાં જ કાર્યો કરીશ પણ દૂધ પિવડાવવાનું અને તાવ માપવાનું કામ તો કોઈ બીજાએ જ કરી આપવું પડશે. આખો દિવસ આ પ્રમાણે વીત્યો. મા બધું જોઈ રહ્યાં હતાં.

(ક્રમશ:)

Total Views: 99
By Published On: April 1, 2014Categories: Pravrajika Bharatiprana0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram