(સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાંના શ્રીરાજીવ મલ્હોત્રાના અંગ્રેજી લેખનો શ્રી હરેશ ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
(ડિસેમ્બરથી આગળ…)
સ્વામી વિવેકાનંદ અપક્રાંતિના વિચારનો ૧૮૯૦માં પશ્ચિમમાં પરિચય કરાવે છે.
ઓગણીસમી સદીના મધ્યમાં ડાર્વિનના ઉત્ક્રાંતિના વિચારે પશ્ચિમી વિજ્ઞાન જગતમાં જબરી હલચલ પેદા કરી અને ફરી એક વાર પશ્ચિમી વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સંઘર્ષ ઊભો કર્યો. આવા તાત્ત્વિક પર્યાવરણમાં સ્વામી વિવેકાનંદ આ ખાઈમાં પુલ બાંધવા મદદ કરે તેવા પ્રાચીન ભારતીય વિચારોને લાવ્યા. ‘ડાર્વિનની ઉત્ક્રાંતિ’, તેમણે કહ્યું, ‘પોતે પોતામાં અધૂરી છે, કારણ કે તે જીવનની ઉત્પત્તિને કેવળ ભૌતિક સંદર્ભમાં જ અને પદાર્થગત રીતે હોવાનો દાવો કરે છે. પશ્ચિમનો ધર્મ પણ એટલો જ મર્યાદિત છે, કારણ કે સર્જનનો ખ્યાલ ઉત્ક્રાંતિને મંજૂરી નથી આપતો.’
સ્વામીજી પ્રાચીન ભારતીયોની તીવ્ર દૃષ્ટિ વિશે લખે છે, ‘તે આજે આધુનિક સમયમાં હજી બરાબર સમજાઈ નથી અને તે જ અપક્રાંતિ છે.’ આમ કહેવાનો તેમનો અર્થ છે, એ વિચાર કે ઈશ્વર, જે બ્રહ્માંડ તરીકે પ્રગટ થયા છે, તે જ બ્રહ્માંડમાં અપક્રાંતિ છે. એટલે, ઉત્ક્રાંતિ એ ઈશ્વરનું બ્રહ્માંડ હોવાનું જ પરિણામ છે. તે લખે છે,’ એટલે, શરૂઆત બુદ્ધિ હતી. શરૂઆતમાં એ બુદ્ધિ સમાવિષ્ટ થાય છે, અને અંતરમાં એ બુદ્ધિ ઉત્ક્રાંતિ થાય છે. આ વિશ્વમાં પ્રદર્શિત થયેલ બુદ્ધિનો કુલ સરવાળો તે પોતાને વિશ્વમાં જે વ્યક્ત કરે છે તેટલો જ હોવા જોઈએ. આ વૈશ્વિક બુદ્ધિને જ આપણે ઈશ્વર કહીએ છીએ.
તે ડાર્વિનના ઉત્ક્રાંતિના વિચારની પ્રમાણભૂતતાના વિરોધમાં વિજ્ઞાનની જ દલીલનો ઉપયોગ કરી રહે છે:
* શક્તિના અખંડત્વના નિયમને સમગ્ર અસ્તિત્વને સાંકળી લેવા સુધી વિસ્તારવો જોઈએ. ‘કાર્ય એક પ્રગટ થયેલ કારણ જ છે. કારણ અને કાર્ય વચ્ચે પાયામાં કોઈ જ તફાવત નથી… આપણે જોયું છે કે આ વિશ્વમાં બધું જ અવિનાશી છે. અહીં કશું જ નવું નથી: કશું જ નવું નહીં હોય.’
* સમય અને કારણ એક દિશામાં જતાં નથી, પણ વર્તુળાકાર છે. ‘ભારતીય પુરાણોનો એવો સિદ્ધાંત છે કે બધી જ પ્રગતિ મોજાંના સ્વરૂપમાં છે.’
* ઉચ્ચ બુદ્ધિ એ નીચ બુદ્ધિનું પરિણામ માત્ર નથી અને તેનાથી ઊલટું પણ એટલું જ સાચું છે, કારણ કે ઉચ્ચ બુદ્ધિ પહેલાં નીચ બુદ્ધિમાં અપક્રાંત હતી. ‘આપણે માણસ કે પ્રાણીઓમાં જેને સ્વાભાવિક વૃત્તિ કહીએ છીએ, તે સ્વૈચ્છિક કાર્યોની જેમ સક્રિય હોવી જોઈએ અને ઘટતી પણ હશે અને સ્વૈચ્છિક કાર્યો અનુભવ વગર અશક્ય છે.’ ડાર્વિન ઉત્ક્રાંતિ અને પશ્ચિમના ધર્મો-બન્નેને પડકારતાં સ્વામીજી આ બન્ને ધ્રુવોને સાંખ્ય તત્ત્વજ્ઞાનમાં જુએ છે, જે ઈશ્વરનું પદાર્થમાં અપક્રાંતિ અને પદાર્થની ઈશ્વરમાં ઉત્ક્રાંતિને વ્યાપી રહે છે. તે ઉત્ક્રાંતિ અને અપક્રાંતિની સતત વર્તુળાકાર પ્રવૃત્તિનું વર્ણન કરે છે, જેની નથી શરૂઆત કે નથી અંત.
* પશ્ચિમી શ્રોતાઓ સમક્ષ આ અપક્રાંતિનો વિચાર સ્વામીજીનાં અનેક પ્રવચનોમાં મુખ્ય બન્યો. મુખ્ય પ્રવચનોમાં ‘માયા અને ભ્રમ’, ‘બ્રહ્માંડ’, ‘માઈક્રોકોઝમ’, ‘સાક્ષાત્કાર’, ‘પૂર્ણ અને પ્રગટીકરણ’, ‘માણસનો સાચો સ્વભાવ’, ‘બ્રહ્માંડ અને આત્મા’ હતાં. આ મુખ્ય સંકલ્પનાઓએ અનેક નવા વિચારોને પ્રગટ કર્યા, જેમાંથી કેટલાકને નીચે વર્ણવ્યા છે.
‘સર્જન’ જેવું કશું જ નથી
સ્વામી વિવેકાનંદ ઉત્ક્રાંતિ – અપક્રાંતિને વેદાંતની ત્રણે શાખાઓને અનુકૂળ રહી સમજાવે છે. ૧૮૯૩માં વિશ્વ ધર્મ પરિષદ પછી તરત આપેલ એક પ્રવચનમાં તેમણે સમજાવ્યું કે બ્રહ્માંડ આ રીતે વર્તુળાકારમાં પ્રગટ થાય છે અને વિલીન થઈ જાય છે : ‘વિશ્વના બધા જ પદાર્થાે મૂળ પાયાના આકાશ નામના પદાર્થનું પરિણામ છે અને જીવનની બધી જ ગતિ, પછી તે ગુરુત્વાકર્ષણ હોય કે આકર્ષણ હોય કે વિકર્ષણ હોય, મૂળ પાયાની ગતિનું પરિણામ છે. પ્રાણ જ્યારે આકાશ પર કાર્ય કરે છે, ત્યારે તે વિશ્વને સર્જે છે અથવા પ્રગટ કરે છે. એક વર્તુળ (યુગ)ની શરૂઆતમાં આકાશ ગતિહીન અને અપ્રગટ છે. પછી પ્રાણ તેના પર કામ કરવાનું શરૂ કરે છે. તે આકાશના વધારેને વધારે ભૌતિક આકાશોને સર્જે છે – છોડ, પ્રાણી, મનુષ્યો, તારા વગેરે. એક અનંત સમય પછી આ ઉત્ક્રાંતિ અટકે છે અને અપક્રાંતિ શરૂ થાય છે. જ્યારે નવું વર્તુળ શરૂ થાય છે, ત્યારે બધું જ ફરી સૂક્ષ્મ સ્વરૂપમાં એટલે કે મૂળ આકાશ અને પ્રાણમાં ફેરવાતું જાય છે. હવે આકાશ અને પ્રાણથી પણ પર કશુંક છે. બન્ને જેને મહત-વૈશ્વિક ચિત્ત – કહે છે તેવી ત્રીજી બાબતમાં ભળી જાય છે. આ વૈશ્વિક ચિત આકાશ અને પ્રાણને નથી સર્જતું, પણ પોતાને જ તેમાં ફેરવી નાખે છે. ‘મહત જ આકાશ અને પ્રાણ બને છે અને આ બે વચ્ચેનો સંપર્ક સમગ્ર બ્રહ્માંડને સર્જે છે. એટલે શૂન્યમાંથી કશું જ નથી ‘‘સર્જાતું’’.’
તે આ મુદ્દાને ફરી સમજાવતાં કહે છે કે કારણ અને કાર્ય એકબીજાને જ સૂચવે છે.
‘હજારો વર્ષો પહેલાં તત્ત્વજ્ઞાનના મહાન પિતા કપિલે કહ્યું હતું કે વિનાશ એટલે મૂળ કારણમાં પાછા જવું. જો અહીં પડેલ ટેબલ નાશ પામે, તો તેના મૂળ કારણમાં ચાલી જશે, એ સૂક્ષ્મ કણોમાં અને આકારમાં, તેને જો ફરી જોડવામાં આવે તો જેને ટેબલ કહેવાય છે તે બને છે. જો માણસ મૃત્યુ પામે, તો તે એ મૂળ તત્ત્વોમાં પાછો ચાલ્યો જશે જેણે તેને શરીર આપેલ. જો આ પૃથ્વી નાશ પામે તો તે પોતાનાં મૂળ તત્ત્વોમાં પાછી ચાલી જશે કે જેણે તેને આ આકાર આપ્યો હતો. આને નાશ કહેવાય એટલે કે કારણમાં પાછા જવું. તેથી આપણે શીખીએ છીએ કે કાર્ય પણ કારણ જેવું હોય છે, અલગ નથી હોતું. માત્ર તે અલગ આકારમાં હોય છે.’
વર્તુળાકાર સમય અને શરૂઆત વિનાનાં વિશ્વોની અનંત શ્રેણીઓ
સમયના વર્તુળાકાર સ્વભાવથી એ કેવી રીતે સમજાવી શકાય તે સ્વામીજી બતાવે છે. પશ્ચિમના શ્રોતાઓ માટે એક ચમત્કૃતિભરી બાબત એ છે કે ‘પૂર્ણ શરૂઆત’ જેવું કશું જ છે નહીં. એક એવો સમય છે જ્યારે આ સમગ્ર વિશ્વ પીગળી જાય છે અને સૂક્ષ્મ બને છે અને અંતે પૂર્ણ રીતે અદૃશ્ય થઈ જાય છે. અલબત્ત, તે આત્યંતિક સૂક્ષ્મ સ્વરૂપમાં તો રહે જ છે. મૂળ કારણમાં જવું અને ફરી પ્રગટ થવું, આકાર લેવો, તેને સંસ્કૃતિમાં ‘સંકોચ અને વિકાસ’ કહે છે. આમ આપણે જોઈએ છીએ કે એ અર્થમાં સર્જન નથી કે કશુંક શૂન્યમાંથી સર્જાય. તે માટે વધારે યોગ્ય શબ્દનો ઉપયોગ કરીએ તો પ્રગટીકરણ છે અને ઈશ્વર તેને પ્રગટ કરનાર છે. વિશ્વ બ્રહ્મમાંથી ઉચ્છ્વાસરૂપે બહાર આવે છે અને ફરી તે તેનામાં જ સંકોચાઈ જાય છે. ફરી તે તેને બહાર કાઢે છે. વેદમાં તેની સર્વોત્તમ ઉપમા આપી છે – ‘તે અનંત બ્રહ્મ આ વિશ્વને ઉચ્છ્વાસમાં બહાર પ્રગટ કરે છે અને પછી તેને શ્વાસમાં ફરી અંદર લઈ લે છે. ‘તે પ્રથમ યુગમાં કેવું હતું ? જવાબ છે : પહેલા યુગનો શું અર્થ છે ? તે હતો જ નહીં… આ વિચાર આપણે ઈશ્વરને અનંત સર્જક તરીકે બતાવે છે… કારણ કે વિશ્વ શરૂઆત કે અંત વગરનું છે અને ઈશ્વર પણ ! (ક્રમશ:)
Your Content Goes Here



