સિંગાપોર, જૂન ૧૮૯૩
વહાલા મિત્રો, સ્વામીજી પેનાંગથી આવ્યા સિંગાપોર. સિંગાપોરમાં એમણે દીઠેલ દૃશ્યોનું તેઓ પોતે જ વર્ણન કરે છે.
‘સિંગાપોર એ સ્ટ્રેઈટ્સ સેટલમેન્ટ્સની (અત્યારે મલયેશિયાની) રાજધાની છે. તાડવૃક્ષોનો ખૂબ જ નમૂનેદાર સંગ્રહ ધરાવતો એક સુંદર બોટેનિકલ ગાર્ડન (બાગ) અહીં આવેલો છે. ‘પ્રવાસીનું તાડ વૃક્ષ’ એ નામથી ઓળખાતું પંખા આકારનું સુંદર તાડવૃક્ષ અહીં પુષ્કળ પ્રમાણમાં ઊગે છે અને બ્રેડ-ફ્રૂટનાં વૃક્ષ સર્વત્ર જોવામાં આવે છે. મદ્રાસમાં જેમ કેરીની વિપુલતા છે તેમ અહીં પ્રખ્યાત મેંગોસ્ટીનની વિપુલતા છે; પણ કેરી તો કોઈક અનોખી જ ચીજ છે. વિષુવવૃત્તની આટલા નજીક હોવા છતાં અહીંના લોકો મદ્રાસીઓથી અર્ધા જેટલા પણ કાળા નથી. સિંગાપોરમાં એક સુંદર સંગ્રહસ્થાન પણ છે.’
(સ્વામીજીએ યોકોહામાથી ૧૦ જુલાઈ, ૧૮૯૩ના રોજ આલાસિંગાને લખેલ પત્રમાંથી)
સિંગાપોરનો ઐતિહાસિક બોટનિકલ ગાર્ડન સ્વામીજીના પ્રદાર્પણથી ૫વિત્ર બન્યો છે. સ્વામીજીએ તેની મુલાકાત લીધી તે
પહેલાં ૧૮૨૨માં ‘બોટનિકલ અને એક્સપેરીમેન્ટલ ગાર્ડન’ના નામે સર સ્ટેમ્ફોર્ટ જેમ્સ (એક પ્રકૃતિવિદ્) દ્વારા ફોર્ટ કેનીંગમાં સ્થપાયો હતો. આ ગાર્ડનમાં થતાં ફળો, શાકભાજી, મરીમસાલા અને બીજી કાચી સામાગ્રીની મોટી ઉપજ થતી હોવાથી તેનું આર્થિક રીતે પણ એક મહત્ત્વ હતું.
૧૮૫૯માં બોટનિકલ ગાર્ડન નવેસરથી બનાવવામાં આવ્યો. ત્યારબાદ જૂના બોટનિકલ ગાર્ડનનું મહત્ત્વ ઓછું થયું. નવા ગાર્ડનની રખેવાળી તત્કાલીન સુપ્રિન્ટેડેન્ટ અને લેન્ડસ્કેપ ડિઝાઈનર લોરેન્સ નિવેનને સોંપવામાં આવી. આ જંગલ (વર્જીન રેઈન ફેરેસ્ટ) જેવી જગ્યાને ત્યાંનાં મોટાં મોટાં વૃક્ષોની સાથે એક જાહેર ઉદ્યાનમાં ફેરવવાની તેની યોજના હતી. ૧૮૭૭માં ક્યુમાંથી સૌ પ્રથમ રબ્બરનાં વૃક્ષનું બિયારણ લાવવામાં આવ્યું. હેન્રિ નિકોલસ રીડલી નામના પ્રકૃતિવિદ્ કે જે મેડ રીડલી (પાગલ રીડલી) ના નામે જાણીતા હતા તેઓ ૧૮૮૮માં આ ઉદ્યાનોના નિયામક બન્યા. સાથે ને સાથે તેઓ રબ્બરનાં વૃક્ષોની ખેતીના ઉત્પાદનના પ્રણેતા બન્યા. પ્રોફેસર એરિક હોલ્ટમે એક વિચિત્ર પ્રકારનાં ચળકતાં ઓર્કિડની વર્ણસંકર જાત ઊભી કરવાની દિશામાં બીજી એક સિદ્ધિ પ્રાપ્ત કરી.
૧૯૪૨ થી ૧૯૪૫ સુધીના સિંગાપોર પરના જપાનના કબજા દરમિયાન હિદેજો તાનાકાદાતે નામના તોહોકુ ઈમ્પિરિયલ યુનિવર્સિટીના જીઓલોજી વિભાગના અધ્યાપકે આ સિંગાપોર બોટનિકલ ગાર્ડન અને સંગ્રહાલયની સત્તા સંભાળી. આ બગીચાઓને ફરીથી સોનન બોટનિકલ ગાર્ડન્સ એવું બીજું નામ અપાયું. બીજા વિશ્વયુદ્ધ પછી આ ઉદ્યાનોને ફરીથી બ્રિટિશ સરકારને પાછા સોંપી દેવામાં આવ્યા. સિંગાપોરને હરિયાળું અને તેને બગીચાનું શહેર બનાવવાની યોજના હેઠળ આઝાદી પહેલાં આ ઉદ્યાનોએ મહત્ત્વનો ફાળો આપ્યો છે.
Your Content Goes Here



