(ગતાંકથી આગળ…)

પ્રકરણ : ૮

૨૭ ઓક્ટોબર, ૧૮૮૫

આ પરિચ્છેદમાં શ્રીરામકૃષ્ણ જ્ઞાન અને અજ્ઞાનના વિષયમાં વધારે વિસ્તારથી વાત કરે છે. આપણે લોકો સાધારણ બુદ્ધિથી જેને અજ્ઞાન કહીએ છીએ, શ્રીરામકૃષ્ણ એને એવું જોતા નથી. એમની દૃષ્ટિએ ઈશ્વરને જાણવા એનું નામ જ જ્ઞાન અને એને ન જાણવા એનું નામ અજ્ઞાન.

અહંકાર અને જ્ઞાનલાભ

શ્રીરામકૃષ્ણ ડાૅક્ટરને કહે છે, ‘જુઓ, અહંકાર ગયા વિના જ્ઞાન ન થાય. મનુષ્ય ત્યારે જ મુક્ત થાય છે જ્યારે એનો ‘હું’ દૂર થઈ જાય છે. ‘હું’ અને ‘મારા’ એ જ અજ્ઞાન છે. ‘તમે’ અને ‘તમારું’ એ જ જ્ઞાન છે. સાચો ભક્ત કહે છે, ‘હે ઈશ્વર, તમે જ કર્તા છો, તમે જ બધંુ કરો છો, હું તો બસ યંત્ર જ છું, મારી પાસે જેવું કરાવો છો, હું એવું જ કરું છું.’

ત્યાર પછી શ્રીરામકૃષ્ણ અહંકારની વાત કરે છે : ‘જે લોકોએ થોડાં પુસ્તકો વાંચ્યા હોય, એમનામાં અહંકાર સમાઈ જાય છે. કાલીકૃષ્ણ ટાગોરની સાથે ઈશ્વરની ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું, ‘હું બધું જાણું છું.’ શ્રીરામકૃષ્ણ કહે છે કે જે જાણે છે, તે શું આવું કહેતો ફરે છે કે તે જાણે છે ? અર્થાત્ તે ચૂપ થઈ જાય છે. એક પ્રકારના લોકો કહે છે કે જે થોડું ઘણું લખી વાંચી લે છે ત્યાં જ પોતાનું પાંડિત્ય દેખાડવા વ્યાકુળ બની જાય છે. તેઓ જે પ્રશ્ન કરે છે, એનો અર્થ એ નથી કે તેઓ તે જાણવા ઇચ્છે છે. એ પ્રશ્ન દ્વારા તેઓ પોતાની વાત કહેવાનો મોકો શોધે છે. એમની અવસ્થા બોલવાની જ છે, સાંભળવાની નથી. બોલવાની શા માટે ? પોતાનું પાંડિત્ય પ્રદર્શિત કરવા માટે. શ્રીરામકૃષ્ણ ઇંગિતથી આઘાત કરતા કહે છે, ‘જે બાબુ છે, તે શું એવું કહેતો ફરે છે કે હું બાબુ છું ?’ બીજા લોકો કહે છે, તે સ્વયં ચૂપ રહે છે.

અહંકારના જ પ્રસંગમાં તેઓ બતાવે છે કે દક્ષિણેશ્વરનાં કાલીમંદિરની એક મહેતરાણીને કેવો અહંકાર હતો !

એનું કારણ એ હતું કે એમના દેહ પર બેએક ઘરેણાં હતાં. અર્થાત્ અહંકાર કરવા યોગ્ય તો કશું નથી અને જે કંઈ થોડું ઘણું છે તે પણ જાણે કે કેવળ એની જ પાસે છે અને બીજાની પાસે નથી, આ જ અહંકાર છે. શ્રીરામકૃષ્ણ અહંકાર જોતાં જ નારાજ થઈ જતા. કેટલાક લોકોને કહે છે, ‘અહંકારનો ટેકરો’. ‘ટેકરો’ એવી ઊંચી જમીન છે કે જ્યાં પાણી ટકતું નથી. જ્યાં અહંકાર છે ત્યાં ઉપદેશ કામ આવતો નથી. ઉપદેશ દેતી વખતે સમય, ક્ષેત્ર અને આધારનો વિચાર કરી લેવો જોઈએ. એટલે ભગવાન શ્રીકૃષ્ણ ગીતા (૧૮.૬૭)માં કહે છે :

ઈદં તે નાતપસ્કાય નાભક્્તાય કદાચન —।

ન ચાશુશ્રૂષવે વાચ્યં ન ચ માં યોઽભ્યસૂયતિ —।।

‘જેમણે તપશ્ચર્યા નથી કરી, જે અભક્ત છે, એમને આ તત્ત્વજ્ઞાન ન દેવું, જે સાંભળવા નથી ઇચ્છતા એમને એવું ન કહો અને જે ભગવાનના દ્વેષી છે એમને પણ તત્ત્વજ્ઞાન ન દેવું.’ તો શું આ પક્ષપાત છે? એવી વાત નથી. વિચાર કરીને ઉપદેશ આપવાનું કારણ એ છે કે એ કોના જીવનમાં ફળદાયી બનશે, એ જોવાની આવશ્યકતા છે. જેમનામાં ગ્રહણ કરવાની આકાંક્ષા નથી, જે એવો અભિમાની છે કે એના અંત :કરણમાં કંઈ પ્રવેશે જ નહીં, એને કહેવાથી કોઈ લાભ નથી.

ભગવાન ઈસુએ કઠોરભાષામાં કહ્યું છે : Do not cast pearls before swines – સૂવરની સામે મોતી વિખેરવાથી કંઈ લાભ થતો નથી.’ સૂવરનો પ્રેમ વિષ્ટા સાથે છે, મોતી સાથે નહીં, મોતીનું મૂલ્ય તે જાણતું નથી એટલે તે એને ગ્રહણ ન કરી શકે. એટલે જ શાસ્ત્ર અધિકારી વ્યક્તિ જોઈને તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપવાનું કહે છે. જે દરિદ્ર છે, એને ધન આપો; પણ જે ધનવાન છે, એને ધન આપવાથી શું થાય ? જેને રોગ થયો છે, રોગનું જ્ઞાન પણ છે, એને દવા આપવાથી ફાયદો થશે. જેને રોગ નથી કે જે વ્યક્તિ એમ સમજે છે કે મને કોઈ રોગ નથી, એને દવા દેવાથી શો લાભ ? તે તો દવાનું મહત્ત્વ જ સમજતો નથી. એટલે શાસ્ત્રનું વિધાન છે કે અધિકારી વ્યક્તિ જોઈને જ ઉપદેશ દેવો જોઈએ. જે અધિકારી છે એમને જ સિદ્ધિ અને એમને જ ફળની પ્રાપ્તિ થાય છે. (ક્રમશ 🙂

Total Views: 110

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram