સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના અંતિમ ચરણરૂપે સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહેલી ‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’નાં સંસ્મરણો પત્ર સ્વરૂપે ધારાવાહિકરૂપે અત્રે પ્રગટ કરી રહ્યા છીએ. આ યાત્રાનો શુભારંભ ૧૮મી મે, ૨૦૧૪ના રોજ આણંદ મુકામથી થયો છે. ‘વિવેક’ એવી ‘અશરીરી વાણી’ રૂપે પત્રલેખન કરાયું છે. – સં.
પત્ર – ૧
સ્વામી વિવેકાનંદનો જય હો !
૮, જૂન, ૨૦૧૪
રવિવાર
પ્રિય મિત્રો,
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત વિવેકાનંદ રથયાત્રામાં મુસાફરી કરી રહેલો હું ‘વિવેક’ છું – હું એક વાણી છું, મારો કોઈ આકાર નથી, ‘શ્રુણ્વન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રા :’ એવા મંત્રોરૂપે અતિપ્રાચીન ભારતમાં પવિત્ર નદીના કિનારા પર ગુંજાયમાન એવી સનાતનવાણી હું છું; ‘એકમ્ સદ્ વિપ્રા બહુધા વદન્તિ’ એ સ્વરૂપે ભારતના સંતો, ઋષિઓ દ્વારા યુગોથી ઉચ્ચારાતી વાણી હું છું; સ્વામી વિવેકાનંદ દ્વારા બુલંદપણે સર્વહૃદયોમાં પડઘાતી ‘‘મારું ભારતવર્ષ ! જાગો’’ તે વાણી હું છું. હું મારા સહસ્ર ભારતીય બંધુઓના હૃદયમાં ગુંજતો રહીશ – ‘‘જ્યાં સુધી તેઓ ઊઠે નહીં, જાગે નહીં અને ધ્યેય પ્રાપ્તિ કરે નહીં’’ – ધ્યેય છે, ભારતનું પુનર્જાગરણ – ધ્યેય છે, ભારતમાતાને પુનર્જીવિત કરવાની અને તેને પોતાના પ્રાચીનતમ ગરિમામય સિંહાસન પર આરૂઢ કરવી. આ અવસરે, ત્રણ અઠવાડિયાં અગાઉ, તારીખ ૧૮ મે, ૨૦૧૪, રવિવારની સવારે હું ગુજરાતના ૨૮ જિલ્લાઓના ૨૫૦ તાલુકાનાં ગામડાં અને શહેરોની સમગ્ર વર્ષ પર્યંત મુલાકાત લેનારા ‘વિવેકાનંદ રથ’માં શાંતપણે આરૂઢ થયો.
ઇતિહાસના મહત્ત્વપૂર્ણ સંયોગકાળે તેના સાક્ષી સ્વરૂપે આ રથમાં યાત્રા કરીને – એટલે કે એકબાજુ ચાર વર્ષથી ચાલતા આવેલા ‘સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી’ મહોત્સવના સમાપન વખતે અને બીજી તરફ ‘પરિવ્રાજકરૂપે સ્વામી વિવેકાનંદનું ગુજરાત-પરિભ્રમણની ૧૨૫મી જયંતી’ સમારોહના દ્વિવિધ પ્રસંગે હું આ રથયાત્રાનો સહયોગી થવા માટે ઉત્સુક હતો, તેથી મેં તે રથયાત્રામાં જોડાવાનો નિર્ધાર કર્યો.
મેં પૂર્વે કહ્યું તેમ હું અશરીરી વાણી છું અને જેઓ હૃદયથી ‘સાચા માનવ’ છે તેઓનાં હૃદયમાં વિરાજેલ છું – એવાં હૃદય કે જે પોતાના રાષ્ટ્ર માટે લાગણીશીલ છે અને તેની સેવા કરવા ઝંખે છે.
સ્વામી વિવેકાનંદ ‘સૌના સુહૃદ-મિત્ર’ છે. આપણે સૌ ‘તેમના’ મિત્રો છીએ – અને તેથી મેં તમને મારા મિત્રો કહ્યા છે.
શું તમે રથયાત્રાનો ફોટો જોયો છે ? તે એક ભવ્યાતિભવ્ય દર્શન છે. તે રથના આગળના ભાગે શિકાગો પરિષદની વ્યાખ્યાનમાળાની સુપ્રસિદ્ધ મુદ્રામાં શોભતું સ્વામી વિવેકાનંદનું સુદીર્ઘ સ્વરૂપ છે. રથના પાછળના ભાગે પણ સુખાસનમાં બિરાજેલા સ્વામી વિવેકાનંદનું દિવ્ય સ્વરૂપ અવસ્થિત છે. તેની સાથે તેના ઉપરના ભાગે શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવીનાં નાનાં સ્વરૂપો પણ બિરાજમાન છે. સ્વામીજીના સ્વરૂપની બન્ને બાજુ સિંહનાં પૂતળાંની જોડ શોભી રહી છે. રથના અગ્રભાગે જોમવંત પાંચ ઘોડાઓ જોતરાયેલા છે. સંક્ષિપ્તમાં કહી શકાય કે તેના દ્વારા સ્વામીજીનાં સૌંદર્ય, શૌર્ય, ભવ્યતા અને પ્રેમ રથસ્વરૂપે સાકાર થયાં છે.
અત્યાર સુધીમાં આણંદ જિલ્લાનાં ઘણાં સ્થળોની યાત્રા થઈ ચૂકી છે – જેવાં કે વઘાસી, વડોદ, સારસા, લીંગડા, સામરખા, મોગર, વાસદ, ભેટાસી, આંકલાવ, આસોદર, બોદાલ, બોરસદ, કંથારિયા, બોચાસણ, વિરસદ, ધર્મજ, ખંભાત, રાલેજ, જીણજ, તારાપુર, પીપળાવ, સોજીત્રા, ડભોઉ, નાર, પંડોળી, આમોદ, પેટલાદ, બાંધણી, મહેળાવ, કણજરી, બોરીઆવી, વડતાલ, વલેટવા, પીજ, વસો, પલાણા, મહેમદાવાદ, ખેડા.
આગામી જન્માષ્ટમી સુધીમાં આણંદ, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાની યાત્રા પૂરી કરવાની અમારી યોજના છે.
હું ચોક્કસ તમને આ યાત્રા દરમિયાન બનનારી ઘટનાઓ વિશે લખતો રહીશ.
અમારી યાત્રા સુખદ બની રહે અને રથયાત્રાના સહભાગી સંન્યાસી, બ્રહ્મચારી, ભક્તો, સ્વયંસેવકો અને કાર્યકર્તાઓ કે જે ઉનાળાની અત્યંત પ્રચંડ ગરમીમાં એક સ્થાનેથી બીજે સ્થાને એકમાત્ર ‘ઓ ભારતવર્ષ ! જાગો !’ એવી પ્રાર્થના સાથે દરરોજ યાત્રા કરતા રહીને તેઓની જે સેવા કરી રહ્યા છે, તે સર્વેનાં દેહ-મન-પ્રાણ સર્વદા સ્વામીજીનાં પવિત્ર ચરણોમાં રહે એવી તમે પ્રાર્થના કરો એવો મારો અનુનય છે.
જય વિવેકાનંદ !
તમારો સહૃદયી મિત્ર,
‘વિવેક’
પ્રતિ : સ્વામી વિવેકાનંદના સર્વમિત્રો
Your Content Goes Here



