‘વેદાન્ત કેસરી’ના ડિસેમ્બર, ૨૦૦૮ના અંકમાં શ્રીરામકૃષ્ણ મઠ, ચેન્નઈના વરિષ્ઠ સંન્યાસી સ્વામી અભિરામાનંદજીના મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીહરેશભાઈ ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

ભગવદ્ ગીતા એક અમર કૃતિ છે. સદીઓથી તેના દરેક શ્લોક પર સેંકડો ટીકાઓ અને સમજૂતીઓ લખાતી રહી છે, છતાં આજે પણ તેનાં વધારે અર્થઘટનો થઈ શકે તેવી તે સક્ષમ છે. તેના કર્તા શ્રીકૃષ્ણની પ્રતિભા જ એવી છે કે જેમ જેમ આપણે ગીતાનો વધારે અભ્યાસ કરીએ છીએ, તેમ તેમ આપણને વધારે જ્ઞાન અને આનંદ મળે છે અને જીવન વિશેની આપણી સમજ વધારે સ્પષ્ટ બને છે. આપણે ગીતાના થોડા એવા શ્લોકો લઈશું જે કર્મના તત્ત્વજ્ઞાનને ત્રણ તબક્કામાં સમજાવે છે.

કર્મના ચાર સિદ્ધાંતો

ફરજ અને જવાબદારી વિરુદ્ધ હક અને વિશેષાધિકારો

પહેલા તબક્કામાં આપણે કુરુક્ષેત્રના રણમેદાનમાં પ્રવેશ કરીએ છીએ. પાંડવો અને કૌરવો સામસામે ગોઠવાયા છે. પાંડવોમાં સૌથી મહાન યોદ્ધો અર્જુન તેના સારથિ શ્રીકૃષ્ણને તેમનો રથ બે લશ્કરો વચ્ચે મૂકવા કહે છે, જેથી તે તેમને બરાબર જોઈ શકે. રથને મધ્યમાં મૂક્યા પછી સામેના લશ્કરમાં પોતાના વડીલો અને ગુરુઓને જોઈને અર્જુન ઉદાસ થઈ જાય છે. તેના હાથમાંથી ધનુષ્ય અને બાણ સરકી પડે છે. તેનું સમગ્ર શરીર ધ્રૂજે છે અને તેને પરસેવો વળી જાય છે. તે પોતાના જ ભાઈઓને કેમ હણી શકે ? તેના પોતાના જ ગુરુઓને, વડીલોને, સગાં-વહાલાંઓને મારીને કે અપંગ કરીને યુદ્ધ જીતવા કરતાં તો ભીખ માગીને જીવવું વધારે યોગ્ય નહીં થાય ? યુદ્ધ માટે વર્ષોની તૈયારી પછી હવે તે નૈતિક સમસ્યામાં ગૂંચવાઈ જાય છે. હથિયાર લઈને લડવું કે યુદ્ધમાંથી ખસી જઈને ભીખ માગીને રહેવું તે બાબતને તે નક્કી નથી કરી શકતો. છેવટે, તે નિર્ણય લેવા માટે જગતના સર્વજ્ઞ અને સર્વશક્તિમાન ઈશ્વર એવા શ્રીકૃષ્ણને શરણે જાય છે.

શ્રીકૃષ્ણ ભારપૂર્વક અર્જુનને હથિયાર હાથમાં લઈને બહાદુરીથી લડવા કહે છે. આ તબક્કે યુદ્ધમાંથી પાછા ખસવું એ તો કાયરતા છે અને તેથી શાશ્વત નિંદાનો ભોગ બનવું પડે તેમ છે. શ્રીકૃષ્ણ અનેક તર્કાેની મદદથી તેને પ્રેરણા આપે છે. છતાં અર્જુન પૂરો નિશ્ચિંત નથી થઈ શકતો. અંતે, શ્રીકૃષ્ણ તેને પોતાનું વિશ્વરૂપ દેખાડે છે અને અર્જુનને ખાતરી કરાવે છે કે આ પરિસ્થિતિમાં યુદ્ધ કરવું એ જ એક માત્ર સન્માનનીય માર્ગ છે. પછી અર્જુન સ્વસ્થ થાય છે અને આત્મવિશ્વાસ અને ઉત્સાહથી ૧૮ દિવસના યુદ્ધમાં ભાગ લે છે.

કેટલાક વિચારકો, ખાસ કરીને વિદેશી નિષ્ણાતોએ આક્ષેપ કર્યો છે કે ગીતામાં તો માનવહત્યાનો ઉપદેશ અપાયો છે. તેમને જે નથી દેખાયું તે એ છે કે અહીં કંઈ યુદ્ધ કે હત્યા પર ભાર નથી મૂકાયો, પણ અહીં તો કર્મયોગ અથવા તો નિષ્કામ કર્મ પર સ્પષ્ટ ભાર મૂકાયો છે.

આપણને દરેકને કેટલીક ફરજો અને જવાબદારીઓ હોય છે. સાથે સાથે કેટલાક હકો અને વિશિષ્ટાધિકારો પણ હોય છે. આ બન્ને હંમેશાં સાથે જ જતા હોય છે. દાખલા તરીકે ગૃહસ્થને તેના કુટુંબના બધા સભ્યો સમાજમાં ગૌરવથી જીવે, તેનાં બાળકો યોગ્ય શિક્ષણ મેળવે અને જીવનમાં લગ્નજીવન અને વ્યવસાય દ્વારા સ્થિર રહી આનંદથી રહે તે માટે કુટુંબ પ્રત્યે કેટલીક ફરજો અને જવાબદારીઓ હોય છે. આ માટે તે પોતાની સમગ્ર ઊર્જા અને સંસાધનોનો ઉપયોગ કરે છે અને તેની ફરજોને સંતોષપૂર્વક પૂરી કરી તે ૫ોતાના કુટુંબના સભ્યોની સહાયથી શેષ જીવન નિવૃત્તિમાં શાંતિથી ગાળે છે.

માની લો કે બીજો ગૃહસ્થ આ બધી જવાબદારીઓ પૂરી નથી કરતો, તે પોતાનાં સાધનો વ્યસનમાં અને બીજા વિકૃત આનંદોમાં વેડફી નાખે છે. તેનાં બાળકોને યોગ્ય શિક્ષણ નથી મળતું. તેમને ખરાબ પરિસ્થિતિમાં જીવવું પડે છે. આવી પરિસ્થિતિમાં તેનાં બાળકો વૃદ્ધાવસ્થામાં તેની સંભાળ રાખે તેવી અપેક્ષા તે રાખી શકતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો, જો તે તેની જવાબદારીઓ બરાબર બજાવતો નથી, તો તે બદલામાં કોઈ પણ હક કે વિશિષ્ટાધિકારોની આશા રાખી શકતો નથી. પોતાની ફરજો જેટલી બરાબર બજાવે તેટલા જ પ્રમાણમાં તેને સામેથી વિશિષ્ટાધિકારો મળતા હોય છે.

આપણે આ જ ઉદાહરણને શિક્ષક માટે વિચારીએ. માની લો કે તેની પાસે સો બાળકો છે. તેની ફરજ છે કે તેનાં આ બાળકો, બને તો, ઊંચા ગુણ સાથે પાસ થાય. તે તેમની સાથે થોડી છૂટ પણ લઈ શકે. તેમને જરૂર પડે તો ધમકાવી પણ શકે અથવા સુધારી પણ શકે. જો તે વિદ્યાર્થીઓનું માન નહીં મેળવી શકે તો પોતાનું કામ જવાબદારીપૂર્વક નહીં કરે. જેટલી હદે તે પોતાના વિદ્યાર્થીઓ પ્રત્યે તેની ફરજ બજાવશે, તેટલું જ તે તેમનું માન-સન્માન અને કેટલાક વિશિષ્ટાધિકારો પણ મેળવશે.

હજી પણ આ ઉદાહરણને આગળ લંબાવીએ, તો આપણે દેશના વડાનો દાખલો લઈએ. તેની પાસે બધી જ સત્તા છે. તે તો અમર્યાદિત વિશિષ્ટાધિકારો ભોગવે છે પણ તેની સાથે ફરજો પણ પુષ્કળ હોય છે. દેશના કોઈ પણ ખૂણામાં આવતી કુદરતી કે માનવસર્જિત આફત વખતે તેણે એક પળ પણ ગુમાવ્યા વગર ધ્યાન આપવું પડે છે. તે ભલે ઉત્તમ વહીવટ આપતો હોય છતાં ગમે તે પળે કોઈ પણ આશ્ચર્યજનક બનાવ માટે તેને તૈયાર રહેવું પડે છે. જો તે પોતાની જવાબદારી બજાવ્યા વગર કેવળ વિશિષ્ટાધિકારો જ ભોગવે, તો તે તરત જ પોતાની પ્રતિષ્ઠા અને હોદ્દો ગુમાવશે.

આ દાખલાઓ અને ચર્ચાના આધારે આપણે આ સિદ્ધાંતો શીખી શકીએ છીએ :

૧. જવાબદારી અને વિશિષ્ટાધિકાર હંમેશાં સમાંતરે જાય છે.

૨. વ્યક્તિ જેટલી વધારે જવાબદારી સ્વીકારે છે, તેટલા વધારે વિશિષ્ટાધિકારો તે ભોગવી શકે છે.

૩. પોતાની જવાબદારીઓ અને ફરજો બજાવ્યા વગર જ વિશિષ્ટાધિકારો અને હક માગવા એ અનૈતિક અને આત્મઘાતી છે.

૪. જ્યારે વ્યક્તિ પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક બજાવે છે, ત્યારે વિશિષ્ટાધિકારો માગ્યા વગર જ મળતા હોય છે. કર્મયોગનું આ જ એક મોટું રહસ્ય છે.

આ ચાર સિદ્ધાંતોના સંદર્ભમાં આપણે કુરુક્ષેત્રના રણમેદાનમાં ઊભેલા અર્જુનનો કિસ્સો લઈએ. તે ક્ષત્રિય કુળમાં જન્મ્યો હતો. જ્યારે પણ જરૂર પડે ત્યારે, યુદ્ધ કરીને સમાજનું આતતાયીઓથી રક્ષણ કરવાની તેની ફરજ છે, તે તેનો સ્વધર્મ છે. તેણે તેના બાળપણથી અનેક ગુરુઓ દ્વારા આની તાલીમ લીધી હતી. તેના ગુરુએ તેને એક અદ્વિતીય બાણાવળી બનાવ્યો હતો. તે માટે તેમણે તેને કઠોર તાલીમ જ નહોતી આપી, પણ તેના કારણે તેમણે એકલવ્ય જેવા શિષ્યોનો ભોગ પણ લીધો હતો. અર્જુન પાંડવોનો અદ્ભુત સૈનિક બને તે માટે સમગ્ર સમાજે પ્રદાન કર્યું હતું.

હવે, સમાજ પાસેથી આટલા બધા વિશિષ્ટાધિકારો મેળવીને જો તે ખરા ટાણે યુદ્ધમાંથી ખસી જાય, તો તે હાસ્યાસ્પદ જ બની જાય. આ તો તેના જેવો દાખલો છે કે એક ભારતીય વ્યક્તિ સૈન્યમાં જોડાયો અને યુદ્ધ ન થયું ત્યાં સુધી સૈન્યમાં સેવા કરી. તેને ઉત્તમ પગાર મળ્યો, સામાન્ય લોકો કરતાં ઓછી કિંમતે તેને સગવડો મળી અને સૈન્યમાં હોવાના કારણે તેને સમાજ દ્વારા ખૂબ જ સન્માન મળ્યું. પણ અચાનક પડોશી દેશ સાથે યુદ્ધ ફાટી નીકળ્યું અને આ સૈનિક યુદ્ધભૂમિમાં તો ગયો, પણ દુશ્મનોને જોતાં જ તે તાત્ત્વિક ભાષા બોલવા લાગ્યો કે આ દુશ્મનો આખરે તો થોડાં વર્ષો પહેલાં, ભાગલા થયા પહેલાં, આપણા જ ભાઈઓ હતા.

એટલે યુદ્ધમાં પોતાના જ ભાઈઓને મારવા એ તો અયોગ્ય ગણાય. જો એ આ તબક્કે આવું વિચારે અને યુદ્ધમાંથી ખસી જાય, તો જે દેશે તેને અને તેના કુટુંબને સગવડમાં જીવવા માટે જે ત્યાગ કર્યો હતો તેનો દ્રોહ ગણાય. સૈનિક માટે પણ તે અપમાનજનક ગણાય. ત્યારે યોગ્ય અને સન્માનજનક માર્ગ એ જ હોય છે કે યુદ્ધમાં દુશ્મનોનો સામનો કરવો અને યુદ્ધ જીતવું.

શ્રીકૃષ્ણ અર્જુનને આ જ સલાહ આપે છે : ‘હે અર્જુન, તેં સમાજ પાસેથી અનેક વિશિષ્ટાધિકારો અને હક્કો ભોગવ્યા છે જેણે તને મહાન યોદ્ધા તરીકે ઘડવામાં મદદ કરી છે. જો આ તબક્કે તું લડવામાંથી ખસી જઈશ, તો માફ ન કરી શકાય તેવી શરમનો તારે સામનો કરવો પડશે.’

આપણે નોંધવું જોઈએ કે અહીં મારવા પર ભાર નથી, પણ નિષ્કામ રીતે પોતાની જવાબદારીઓ પૂરી કરવા પર છે.

આ જ કર્મયોગનો પાયો છે. જ્યારે આપણે કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા રાખ્યા વગર જ સમાજની ફરજો પૂરી કરીએ છીએ, ત્યારે તે પ્રકારનું કામ આપણને મહત્તમ લાભ અને સંતોષ આપે છે અને આપણી આધ્યાત્મિકતાને પણ ઊર્ધ્વ કરે છે. (ક્રમશ 🙂

Total Views: 112
By Published On: August 1, 2014Categories: Abhiramananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram