બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતન કાર્યક્રમ માટે વિવિધ વિષયો ઉપર અનેક વિચારણીય લેખ લખ્યા હતા, જે તેનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા પ્રસંગોપાત્ત પ્રસારિત થયા હતા અને ઘણા જ લોકપ્રિય બન્યા હતા. આકાશવાણી, રાયપુરના સૌજન્યથી હિન્દી સામયિક ‘વિવેક જ્યોતિ’ના મે, ૨૦૦૪ના અંકમાં પ્રસિદ્ધ થયેલ લેખનું સુરમ્ય યશસ્વી મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.

હું એક દિવસ કાર દ્વારા ભોપાલથી ઈન્દોર જઈ રહ્યો હતો. મારી સાથે મારા એક મિત્ર તથા તેનો આઠ વર્ષનો પુત્ર હતા. એક જગ્યાએ રસ્તાના છેડે એક પડદો લગાવેલ હતો, જેમાં લખ્યું હતું – ‘સૌજન્યથી બધા ખુશ રહે છે.’ બાળકે તે વાંચ્યું અને પૂછ્યું, ‘સ્વામીજી આ સૌજન્ય શું છે ?’ મેં કહ્યું, ‘બેટા, સદ્વ્યવહાર સૌજન્ય કહેવાય છે.’

સૌજન્યનો અર્થ થાય છે ‘સજ્જનતા’ – ભદ્રતા. સહુની સાથે મારો વ્યવહાર વિનયી હોવો જોઈએ. જો કોઈ મારા ઘેર મારા પિતા કે વડીલને મળવા આવ્યા હોય, તો તેમની સાથે વ્યવહાર કરવાના બે પ્રકાર છે. એક તો એ પૂછે કે તરત જ હું કહી દઉં કે નહીં, તેઓ ઘરમાં નથી અને દરવાજો બંધ કરી દઉં. બીજો એ છે કે જો આવનાર ઉંમરમાં મારાથી મોટા દેખાતા હોય તો તેમને નમસ્કાર કરું અને તેમને કહું કે આવો, પધારો-બેસો. પછી તેમને બેસાડીને હું કહું કે તેઓ તો નથી, જો કોઈ કામ જણાવવા લાયક હોય તો કહો. આ બીજો પ્રકાર સૌજન્ય કહેવાય છે.

માની લો કે કોઈ મારા કાર્યાલયમાં આવ્યા અને કોઈ કામ અંગે પૂછવા લાગ્યા. એક રીત એ છે કે હું શુષ્કપણે જવાબ આપંુ કે આગળ જઈને પૂછી લો, આ કામ અહીંનું નથી. બીજી રીત એ પણ હોઈ શકે છે કે હું નમ્રતાપૂર્વક વિભાગની જાણકારી આપી કહું – આપ એ વિભાગમાં જાવ. આ બીજી રીત સૌજન્ય છે.

હું રસ્તા પરથી જઈ રહ્યો છું. કોઈએ રસ્તા વિશે પૂછ્યું. એક રીત એ છે કે હું એક તરફ હાથ બતાવીને કહી દઉં – સામે જઈને પૂછો. બીજી રીત એ છે કે હું તેમની સાથે થોડે દૂર સુધી જઈને સાચી દિશા બતાવી દઉં. આ બીજી રીત સૌજન્ય છે.

હું બસ કે ટ્રેનમાં ચડવા માગું છું. ઘણી ભીડ છે, ધક્કામુક્કી થઈ રહી છે. એક વૃદ્ધ કે વૃદ્ધા પણ તે ભીડમાં ચડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. હું તેમને પહેલાં ચડવામાં મદદ કરું છું. આ સૌજન્ય છે.

એકવાર હું બસમાં જઈ રહ્યો હતો. ઘણી ભીડ હતી. લોકો ખીચોખીચ ઊભા હતા. એક વૃદ્ધા પણ લાકડીનો ટેકો લઈને નમીને ઊભી હતી. આ જોઈને એક વ્યક્તિ ઊઠીને ઊભી થઈ જઈ અને પોતાની બેઠક તે ઘરડી માજીને આપતાં બોલી ‘આવો માતાજી, અહીં બેસી જાઓ.’ આ સૌજન્ય છે.

અમે લોકો અમરનાથનાં દર્શન કરીને પાછા આવી રહ્યા હતા. અમે બાલતાલવાળો રસ્તો લીધો હતો. અમરનાથની ગુફાથી ઊતર્યા પછી લગભગ ૩ કિલોમીટર હિમનદી પાસે ચાલ્યા પછી એક રસ્તો ડાબી તરફ પંચતરણી બાજુ વળે છે અને જમણી તરફનો રસ્તો બાલતાલ તરફ જાય છે. ત્યાંથી લગભગ ૧૦૦૦ ફૂટ નીચે સીધું ઊતરવાનું છે. અમે લોકો નીચે પહોંચ્યા. જોયું તો એક મોટી ઉંમરની મહિલા આંસુ સારે છે. જાણવા મળ્યું કે તેને પંચતરણી જવું હતું અને ભૂલથી તે આ રસ્તે આવી ગઈ છે. તેના સાથીદારો વિખૂટા પડી ગયા છે. ઉપર સાથે આવીને રસ્તો બતાવવા માટે તે પ્રવાસીઓની સામે હાથ-પગ જોડી રહી હતી. દિવસ પણ વધતો જતો હતો. કયો પ્રવાસી ૧૦૦૦ ફૂટનું સીધું ચઢાણ ફરીથી ચડીને રસ્તો બતાવે ?

બધા જ તેને હાથથી રસ્તો બતાવી ચાલ્યા જતા હતા. અમારી ટોળીની એક યુવાન વ્યક્તિ પ્રૌઢાને હાથ આપીને ઉપર લઈ ગઈ અને પંચતરણીનો રસ્તો બતાવીને પાછી આવી. ભલેને તેને આમાં બે કલાકનો વિલંબ થયો અને વધારાનો શ્રમ પણ થયો, પણ એક સંતોષ સાથે તેનો ચહેરો પ્રસન્ન જણાતો હતો. આ સૌજન્યની એક પરાકાષ્ઠા છે.

જો વ્યક્તિ આ રીતનું સૌજન્ય પોતાના વ્યવહારમાં પ્રદર્શિત કરે, તો પછી કોણ તેનાથી ખુશ નહીં થાય ? આવી વ્યક્તિ બધાને પોતાના બનાવી લેતી હોય છે. સૌજન્યશીલ વ્યક્તિ બીજાની પીડાનો અનુભવ કરે છે અને તેને યથાસંભવ દૂર કરવા માટે ભૌતિક રીતે કાંઈ નહીં કરી શકે, તો ઓછામાં ઓછું તે સાંત્વનાના બે મીઠા શબ્દો તો કહી જ શકે છે. બોલવામાં વિચિત્ર શક્તિ હોય છે. તે ઝેરનો અગ્નિ પણ જન્માવી શકે છે અને અમૃતની શાંતિ પણ. હું એક એવા ચિકિત્સકને જાણું છું, જેના બે શબ્દો દર્દીનું અડધું દુ :ખ-પીડા ઓછી કરી નાખે છે. અને એવા ચિકિત્સકોનો પણ મને પરિચય છે, જેમના શબ્દો દર્દીની પીડાને વધારી દે છે.

સૌજન્ય માનવતાનું એક સુંદર પુષ્પ છે, જેની સુગંધથી જીવન મહેંકતું રહે છે.

Total Views: 111
By Published On: August 1, 2014Categories: Atmananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram