(ગતાંકથી આગળ…)
૪. કલ્યાણ મહારાજની દૃઢ ઇચ્છાશક્તિ તથા કાર્યકુશળતા
કલ્યાણ મહારાજ પાસેથી તેમના પોતાના વિશે કોઈ જાણકારી લેવાનું ઘણું કઠિન હતું. અમે તો એમના પૂર્વાશ્રમનું નામ સુદ્ધાં જાણતા ન હતા. પછી મને જાણવા મળ્યું કે તેમનું ત્યારનું નામ દક્ષિણરંજન ગુહા હતું. તેઓ બરિસાલથી આવ્યા હતા. બરિસાલના લોકો દૃઢ ઇચ્છાશક્તિસંપન્ન તથા અટલ પ્રવૃત્તિવાળા હોય છે. અશ્વિનીકુમાર દત્ત જેવા કેટલાક અતિ ઉત્તમ રાષ્ટ્રીય નેતા તે જ જીલ્લાના હતા. મહારાજ અતિ દૃઢ ઇચ્છાશકિતવાળા મહાપુરુષ હતા. તેમને કોઈ ઝુકાવી શકતું નહીં. તેઓ થાકનો અનુભવ કર્યા વિના કામકાજ કરતા જ રહેતા.
જેમ કે મેં ઉલ્લેખ કર્યો છે કે મોટાભાગે તેઓ રાતના જાગી જતા અને સેવાશ્રમ તરફ જતા. તેમણે બીજા કોઈને આમ કરવાની ફરજ પાડી ન હતી. બધું કામકાજ તેઓ કરતા હતા. એટલે તેમની મહાસમાધિ પછી અમે વિચાર્યું, ‘હવે આ કામને કોણ સંભાળશે ?’ કેમ કે આ વિશે તેઓ જ બધું જાણતા હતા, તેઓ જ બધી વ્યવસ્થા જોતા અને તેઓ ક્યારેય બીજે ક્યાંય ગયા નહીં, આશ્રમમાં જ રહ્યા.
જ્યારે લોકો કામકાજ અંગે આવતા તો તેઓ બહુ જ ઓછા શબ્દો બોલતા હતા. તેઓ હંમેશાં કર્મઠ રહેતા, કંઈક ને કંઈક કરતા રહેતા – સેવાશ્રમમાં, બગીચામાં કે જઈને પશુઓની સંભાળ લેતા રહીને કંઈ પણ વધુ વાતચીત કર્યા વિના હંમેશાં વ્યસ્ત રહેતા. હું તો વાસ્તવમાં જ એ જાણવા આતુર રહેતો કે આટલો મોટો વહીવટ તેઓ બૂમ-બરાડા કે ગુસ્સે થયા વિના કેવી રીતે સંભાળી શકતા હતા. તેઓ ઘણા જ સ્થિર અને શાંત સ્વભાવના હતા તથા બીજા લોકો પણ પોતપોતાનું કામ બહુ જ શાંતિપૂર્વક કરતા હતા.
લોકો એવું વિચારતા કે તેઓ કંજૂસ છે, કેમ કે દર્દીઓની પથારીની ચાદરો અને ઓશીકાના ખોળિયાને ટાંકા લગાવી સીવતા રહેતા. તેઓ આ બધું ખરીદી પણ શકતા હતા પણ તેઓ કહેતા, ‘હું ખોટા ખર્ચ કરી પૈસા શું કામ ગુમાવું.’ તેઓ વસ્ત્ર-કપડાંના બે છેડાને સીધા રાખીને એક કરી એવી રીતે હાથથી સીવતા હતા કે વસ્ત્ર એક બીજા પર ચડી જતું નહીં. આ ખૂબ સુંદર રીત હતી. મેં પણ એકવાર આમ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ટાંકા એક સમાન આવતા નહીં તથા છેડામાં સળ પડી જતી હતી! મેં તેમને આ વાત કહી તો તેમણે કહ્યું : ‘નારાયણ, જ્યારે તું ચાદરોને સીવે ત્યારે તારે તેને વધારે ખેંચવી-તાણવી જોઈએ નહીં. તેને ફક્ત સાથે રાખો. જો તું એક છેડો તાણીશ તો બીજો ઢીલો રહેશે, તો આવું જ થશે.’ તેમનું કામ કેટલું સાફ-સુઘડ હતું! તેઓ આની કળા જાણતા હતા. હકીકતે તો તેઓ ધૈર્યશીલ હતા.
અખંડાનંદજીની મહાસમાધિ પર કલ્યાણ મહારાજનો પ્રતિભાવ
મેં સાંભળ્યું છે કે અખંડાનંદ મહારાજ ક્યારેય કનખલ આવેલા નહીં. પરંતુ કલ્યાણ મહારાજ સાથે તેમનો પત્ર વ્યવહાર થતો રહેતો હતો. કલ્યાણ મહારાજની મહાસમાધિ પછી કેટલાંક વર્ષે જ્યારે હું તેમની પેટીઓના સામાનને તપાસી રહ્યો હતો ત્યારે મને એક તાર મળ્યો જે તેમને સ્વામી અખંડાનંદ મહારાજની મહાસમાધિની સૂચના – ખબર આપવા માટે મળ્યો હતો. આ જ તાર-પત્રની પાછળ કલ્યાણ મહારાજ દ્વારા લખવામાં આવેલું હતું, ‘મિશનની પ્રેમાળ વ્યક્તિ -પ્રકાશ ચાલ્યો ગયો, હવે પ્રેમના સ્થાને નીતિ-નિયમ-કાનૂનનું વર્ચસ્વ રહેશે.’ અર્થાત્ હવે આપણે નિયમો દ્વારા ચાલવાનું રહેશે. આજ સુધી પ્રેમથી કામ થઈ રહ્યું હતું. હકીકતે તે જ સમયે મઠ અને મિશનના કાર્યનિયોજન માટે નિયમ-પુસ્તિકા બની કે આપણા સંન્યાસીઓએ કેવી રીતે રહેવું જોઈએ.
જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ત્રણ મહિના દરમિયાન અમારો સેવાશ્રમ મલેરિયાગ્રસ્ત દર્દીઓથી ભરેલો રહેતો હતો. આ પ્રશ્ને આ વિસ્તાર ભારે ખરાબ અસરવાળો છે. અમે વરંડાઓમાં વધારાની પથારીઓ મૂકતા અને પડદા લગાવી દેતા. સદ્ભાગ્યે, શિયાળામાં બહુ ઓછા દર્દી રહેતા હતા. શિયાળામાં, ખાસ કરીને, ડિસેમ્બરના પાછલા દિવસોથી જાન્યુઆરી સુધી લોકોનું આરોગ્ય સારું રહે છે. એક વાર મેં જોયું કે સેવાશ્રમમાં એક પણ દર્દી નથી. આ એવો સમય હોય છે કે જ્યારે મચ્છર, ગરોળી, માખી, જીવ-જંતુ, સાપ વગેરે હોતાં નથી. બધાં છુપાઈ જાય છે. આ ઘણો જ ઠંડીનો સમય હોય છે. પણ તે આરોગ્યપ્રદ રહે છે. તે સમયે ન્યુમોનિયાથી પીડાતાં એક વૃદ્ધ દંપતિ સિવાય એક પણ દર્દી ન હતો.
શ્રીરામકૃષ્ણની જન્મશતાબ્દી સમયની આસપાસ સરકાર તરફથી એવી સૂચના મળેલી કે અમે ક્ષયના દર્દીઓને બીજા દર્દીઓ સાથે રાખી શકીએ નહીં. સરકારે ક્ષયરોગના દર્દીઓ માટે અલગ હોસ્પિટલ – ચિકિત્સાલય બનાવેલ એટલે આવા દર્દીઓને આપણા સેવાશ્રમમાં રાખવાની મંજૂરી ન હતી.
કલ્યાણ મહારાજ નિયમોનું કઠોર પાલન કરતા હતા. જ્યારે તેઓ કોઈ વાતને પકડી લેતા તો પછી તેમને પાછા વાળી શકાતા નહીં. એક દિવસ તેઓ કોઈ મુદ્દે મારી સાથે ચર્ચા કરી રહ્યા હતા. મેં મજાકમાં જ તેમને પૂછ્યું, ‘શું તમે બરિસાલના તો નથી ને ?’ તને કોણે કહ્યું કે હું બરિસાલનો છું.’ મેં કહ્યું, ‘મને એવો અણસાર આવે છે કે આપ ત્યાંના છો.’ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. પછી મને જાણવા મળ્યું કે તેઓ બરિસાલના જ હતા. તેઓ એ ક્યારેય ભૂલ્યા નહીં કે આવો પ્રશ્ન મેં તેમને પૂછ્યો હતો. આમ અમારા વચ્ચે એટલું સામીપ્ય હતું કે હું તેમની સાથે આવા તર્ક કરી શકતો હતો. આનું તેમને ક્યારેય ખરાબ લાગ્યું નહીં. તેઓ આવું પસંદ કરતા હતા.
‘તુઈ તુઈ’નો પ્રસંગ
હું તેમની સાથે મુક્ત મને વાત કરતો. શરૂઆતના દિવસોમાં હું તેમને તુઈ (તું) કહેતો હતો. તેઓ પણ મને તુઈ કહીને વાત કરતા હતા. બંગાળી ભાષામાં નાનેરાઓ સાથે વાત કરવા સમયે આવો પ્રયોગ થાય છે. તેઓ મને તુઈ કહીને વાત કરતા હતા અને હું પણ તેમને તુઈ કહીને બોલાવતો હતો, જો કે આનો અર્થ શું થાય છે તે મને ક્યારેય સમજમાં આવ્યો નહીં કેમ કે તેમના સિવાય કોઈપણ મારી સાથે બંગાળીમાં વાત કરતા ન હતા. આવું કેટલાક સમય સુધી ચાલતું રહ્યું. પછી એકવાર બેલુર મઠથી આવેલા સ્વામી જ્ઞાનાત્માનંદજીએ મને કહ્યું, ‘અરે નારાયણ, તારે મહારાજને તુઈ કહેવું જોઈએ નહીં, તુઈ તો માત્ર ઓછી બુદ્ધિના અથવા નાનેરાઓ સાથે વાત કરવા સમયે કહેવાય છે.’ મેં જવાબ આપ્યો, ‘મને આની જાણ ન હતી, મને તો તેઓ આ રીતે બોલાવે છે અને અંગ્રેજીમાં તો આ માટે એક જ શબ્દ છે- ઢજ્ઞી (યૂ).’ ‘નહીં નહીં, બંગાળીમાં આપની (આપ), તુમિ (તમે) અને તુઈ (તું) છે. તું અણસમજુ બાળક છે ને તેઓ તને ‘તુઈ’ કહે તે ઠીક છે પરંતુ તારે તેમને ‘આપની’ – આપ કહીને સંબોધવા જોઈએ.’ મેં કહ્યું, ‘ઓહ આમ વાત છે? તેમણે તો મને ક્યારેય કહ્યું નહીં.’ સ્વામી જ્ઞાનાત્માનંદજીએ નિર્દેશ આપ્યો, ‘તેઓ તને આ જણાવશે નહીં, પરંતુ તારે આપ જ કહેવું જરૂરી છે અને જો, તું તેમના ઓરડામાં પણ જવાનું ન રાખ, તેઓ તેમના ઓરડામાં કોઈનું આવવાનું પસંદ કરતા નથી. તું બહાર ઊભો રહીને જ વાત કર.’ ઠીક છે, મેં તો તેમનું કહેવાનું સ્વીકારી લીધું અને તે બપોરે મેં મહારાજના ઓરડાની બહાર ઊભા રહીને પૂછ્યું, ‘મહારાજ આપની કેમન આછેન (મહારાજ આપ કેમ છો) ? તેમણે ઉત્તર આપ્યો, ‘હવે તારો આ નવો ગુરુ કોણ છે ? ‘તમે તો મને આટલા દિવસો સુધી અંધારામાં જ રાખ્યો, સાચી વાત જણાવી નહીં. મારે તમને તુઇ ક્યારેય કહેવું ન જોઈએ. લોકો કહે છે કે તમને તુઇ શબ્દથી સંબોધવા તે તો ઘણું જ અયોગ્ય છે. તમને તો ‘આપની’ – તમે કહીને સંબોધવા જોઈએ. હવે મને આપની ભાષાના રહસ્યની જાણ થઈ ગઈ છે. લોકો તો એવું પણ કહે છે કે તમારી આજ્ઞા વિના મારે તમારા ઓરડામાં આવવું જોઈએ નહીં.’ તેમણે કહ્યું, ‘જુઓ, એ બધી વાત ભૂલી જા, હવે સીધો અંદર આવી જા. અખંડાનંદ મહારાજે તને મારી પાસે મોકલ્યો છે, સમજ્યો ? તું તેનું જ પાલન કર જે હું કહું, નહીં કે બીજાનું. તું તારી હેસિયતમાં રહે. અંદર આવ અને એવું જ વર્તન-વ્યવહાર કર જેમ પહેલાં કરતો હતો. તેઓ તારી કાન ભંભેરણી કરે છે.’ મેં કહ્યું, પરંતુ તમારે આ રીતે મને મૂર્ખ બનાવવો જોઈએ નહીં. મારાથી તમને એ રીતે બોલાવાય નહીં.’ તેમણે કહ્યું, ‘પહેલાં તું અહીં અંદર આવ.’ હું અંદર ગયો અને તેમની માફી માગી કેમ કે આટલા દિવસો સુધી મેં તેમને તુઈ કહ્યંુ હતું. તેઓ હસ્યા ને કહેવા લાગ્યા. ‘એ કાંઈ મોટી વાત નથી. શબ્દ એટલો મહત્ત્વનો નથી, તું અંતરથી શું અનુભવી રહ્યો છે, તે જ બધું છે.’ પરંતુ મેં કહ્યું, ‘નહીં, શબ્દો પણ ભાવને અનુરૂપ હોવા જોઈએ.’ પછી તેમણે સ્વામી જ્ઞાનાત્માનંદજીને કહ્યું, ‘તો તમે એને બગાડી રહ્યા છો. હું તો તેની વાતનો આનંદ લઈ રહ્યો હતો. જ્યારે તે મને તુઈ કહેતો હતો ત્યારે મને ખૂબ સારું લાગતું હતું. (ક્રમશ 🙂
Your Content Goes Here



