‘ઉદ્બોધન’થી પ્રસિદ્ધ પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી સાભાર લેવાયેલ અંશનો શ્રીમનસુખભાઈ
મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

મારું મન જ્યારે દક્ષિણેશ્વરની રાણી રાસમણિ કાલીવાડીમાં શ્રી પરમહંસદેવને જોવા અત્યંત આતુર બની જતું ત્યારે હતાશ મનથી હું રસ્તામાં ભટકતો ફરતો, રાહદારીઓને પૂછતો અને પછી દક્ષિણેશ્વર તરફ ચાલવા માંડતો. બાગબજારની પાણીના નાળાના પર ચાલીને બરાકપુર ટ્રંક રોડ પર થઈને ઉત્તર તરફ ચાલવા લાગ્યો. ઠીક ઠીક દૂર નીકળી ગયા પછી એક રાહદારીને દક્ષિણેશ્વરની રાણી રાસમણિની કાલીવાડી કયે રસ્તે છે એ પૂછ્યું. રાહદારીએ કહ્યું, ‘તે આ તરફ નથી, ગંગાને કિનારે છે. તમે રસ્તો ભૂલી ગયા લાગો છો.’ પછી હું બતાવેલા રસ્તે ગંગાની સામે ચાલવા માંડ્યો. છેલ્લે ચાલતાં ચાલતાં હું આરિયાદહ ગામની કાલીવાડીના ઉત્તરના દરવાજે આવીને ઊભો રહ્યો અને બેલતલા અને પંચવટીની પાસેથી પસાર થઈને મંદિરના પ્રાંગણમાં આવી ગયો. ત્યાં એક કર્મચારીને પરમહંસદેવ વિશે પૂછીને જાણ્યું કે તેઓ કાલીવાડીના એક ઓરડામાં રહે છે. પરંતુ તે દિવસે પરમહંસદેવ કોલકાતા ગયા હતા અને એ ઓરડાને તાળું માર્યું હતું. લગભગ સવારના ૧૧ વાગ્યાની વેળા હતી. અને પ્રચંડ તાપમાં પ્રાત :કાળથી ખુલ્લે પગે ચાલતાં ચાલતાં હું ખૂબ થાકી ગયો હતો. પરમહંસદેવ નથી એ સાંભળીને હતાશ થઈને ઓરડાની ઉત્તરે પગથિયાં પર કપાળે હાથ દઈને બેસી રહ્યો. અને એ પણ વિચારવા લાગ્યો કે હવે કઈ રીતે કોલકાતા પાછા જવું. ભૂખ અને તરસથી પીડાઈને શરીર પણ થાકી ગયું હતું. વળી સાથે પૈસા પણ ન હતા. ઘરે કોઈને કહીને પણ નીકળ્યો નથી. દક્ષિણેશ્વરમાં પણ કોઈ જાણીતું કે ઓળખીતું નથી. એ જ વખતે પગે ચાલીને કોલકાતા પાછા જવાની શક્તિ પણ ન હતી. આમ વિચારતાં વિચારતાં અધીર થઈને હું રોવા લાગ્યો અને વ્યાકુળ હૃદયથી અહીંતહીં જોવા લાગ્યો કે કોઈ સહૃદયી વ્યક્તિ મને મળે તો કેવું સારું. બગીચાના દરવાજેથી જોયું તો એક યુવાન માથે છત્રી રાખીને આવે છે અને તેણે મારી પાસે આવીને પૂછ્યું, ‘પરમહંસદેવ છે ?’ મેં કહ્યું, ‘ના, તેઓ કોલકાતા ગયા છે.’ એ યુવાન મારી વાત સાંભળીને થોડો હતાશ થયો. પછી અમારી બન્ને વચ્ચે થોડી વાતચીત થઈ. મારી ખરાબ સ્થિતિ જોઈને અને કોલકાતા પાછા જવાની કોઈ વ્યવસ્થા નથી એ સાંભળીને એ યુવાને મને દિલાસો આપ્યો અને કહ્યું, ‘હવે કોલકાતા પાછા શું જશો ? અહીં ગંગામાં નાહીને મા કાલીનો પ્રસાદ લઈ લો અને થોડો આરામ પણ કરી લો, પછી કોલકાતા જજો.’ મેં કહ્યું, ‘હું ઘરે કોઈને કહીને અહીં આવ્યો નથી. મારાં માતાપિતા મને શોધવા માટે દુ :ખકષ્ટ ભોગવતાં હશે.’ પેલા યુવકે જવાબ આપ્યો, ‘હું પણ કોઈને ઘરે કહીને નથી આવ્યો કે હું પગે ચાલીને કોલકાતા જઉં છું. માતાપિતા તો આવું વિચારવાનાં એથી વધારે શું ? મારી સાથે આવો અને ગંગામાં નાહી લો.’ મેં કહ્યું, ‘હું કોઈ કપડાં કે શરીર લૂછવા ટુવાલ પણ નથી લાવ્યો. અહીં એકાદ કપડું મળે ખરું ?’ અત્યાર સુધીમાં આ યુવકે બેત્રણવાર દક્ષિણેશ્વરમાં આવીને પરમહંસદેવનાં દર્શન કર્યાં છે. રામલાલદાદા, બધાં મંદિરના પૂજારીઓ અને કર્મચારીઓથી તે પરિચિત હતો. એટલે મારે નાહવા કે ખાવાપીવાની કોઈ અગવડતા ન પડી. આ યુવકને મળીને મારો અશાંત આત્મા શાંત અને બધાં દુ :ખકષ્ટ રહિત બન્યો. શ્રીશ્રી પરમહંસદેવની અપાર કરુણા ! એવું વિચારતાં વિચારતાં મારું હૃદય આનંદ સાગરમાં ડૂબી ગયું.

મને પૂછ્યા બાદ ખ્યાલ આવ્યો કે એ યુવકનું નામ શશીભૂષણ ચક્રવર્તી છે અને તે કોલેજમાં ભણતો હતો. એ યુવાનનો પરિચય મેળવીને મેં આનંદ અનુભવ્યો. આ જ શશીભૂષણ પછીથી સ્વામી રામકૃષ્ણાનંદના નામે, સર્વત્યાગી સંન્યાસીના રૂપે જાણીતા બન્યા. તે દિવસથી શશીભૂષણ સહોદરભ્રાતાની જેમ મને ચાહતા. અને એમના પ્રેમને હું મારા જીવનમાં ક્યારેય ભૂલી ન શક્યો.

ગમે તેમ હોય પણ શશીભૂષણ સાથે ગંગાસ્નાન કરીને, મા કાલીનો પ્રસાદ પામીને મારા હૃદયે ઘણી તૃપ્તિ અનુભવી. પછી સાંજે મેં કોલકાતા જવાનું નક્કી કર્યું. શશીભૂષણે મને કહ્યું, ‘પરમહંસદેવનાં દર્શન ન કરીને ઘરે પાછું જવું યોગ્ય ન કહેવાય. આવો અવસર બીજી વખત આવે કે નહીં એનું કંઈ નક્કી ન કહેવાય. જ્યારે એટલું કષ્ટ લઈને તેમનાં દર્શનલાભ કરવા અહીંયાં સુધી આવ્યા છો તો થોડો સમય રાહ જોવી જોઈએ.’ (ક્રમશ 🙂

Total Views: 94
By Published On: September 1, 2014Categories: Abhedananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram