ગદાઈ (બાળક શ્રીરામકૃષ્ણ) જ્યારે સાત વર્ષનો હતો ત્યારે એના પિતાજીનું અવસાન થયું હતું. પિતાના વિયોગથી ખૂબ દુ :ખી થઈ ગદાઈ ગંભીર અને અંતર્મુખ થઈ ગયો. એ નિશાળમાં જતો પણ ગામડાંમાં થતાં નાટકોમાં ગવાતાં દેવદેવીઓનાં ભજનો શીખવા તરફ તેનું મન વધારે લાગતું. દેવદેવીઓની માટીની મૂર્તિઓ બનાવવાનું પણ તેને ખૂબ ગમતું.
ગામની નજીક જગન્નાથપુરી જવાના રસ્તા પરની ધર્મશાળામાં સાધુસંતો ઊતરતા. કોઈ કોઈ વાર ગદાઈ તેમની પાસે પહોંચી જતો. એમના પ્રત્યે તેના મનમાં કુદરતી રીતે જ પ્રેમ ઊભરાતો હતો. તેમના ત્યાગી, શાંત જીવનની ઊંડી અસર બાળક ગદાઈના મન ઉપર થતી. સાધુસંતો ભગવાનનું ધ્યાન-ભજન કરતા હોય અને વળી ક્યારેક ભિક્ષા માટે પણ આવે. ગદાઈ એમની સેવાચાકરી કરે. રસોઈ માટે બળતણ ભેગું કરે, ચૂલો પેટાવી આપે, રાંધવામાં મદદ કરે, આમ કેટલાંય કામ કરતો. જે સાધુઓ ધર્મશાળામાં વધુ રોકાય તેમની સાથે તે ખૂબ હળીમળી જતો.
પુત્રની સાધુભક્તિ જોઈને માતા ચંદ્રામણિ રાજી થતાં. સાધુસંતોની કૃપા તો મોટા આશીર્વાદ રૂપ ગણાય છે. એક દિવસ સાધુની જેમ લંગોટી પહેરીને ગદાઈ માતા સામે આવી ઊભો અને બોલ્યો, ‘મા ! જુઓ, બાવાજીએ મને કેવો વેશ પહેરાવ્યો છે !’
આ જોઈને માતા ચંદ્રામણિની ચિંતાનો પાર ન રહ્યો. એમને બીક લાગી કે આ બાવાઓ મારા દીકરાને કોઈ દિવસ ફોસલાવીને ઊપાડી તો નહીં જાય ને !
સાધુઓને આ વાતની ખબર પડી. તેઓ ચંદ્રામણિને ઘેર ગયા અને કહ્યું, ‘મૈયા ! તમારા ગદાઈને ઉપાડી જવાનો વિચાર પણ અમારા મનમાં નથી. એ તો મહાપાપ !’ હવે ચંદ્રામણિની ચિંતા દૂર થઈ.
Your Content Goes Here



