રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં.

વઢવાણમાં થોડા દિવસો ગાળી ત્યાંના પ્રસિદ્ધ રાણકદેવીના મંદિરનાં દર્શન કરી, ભારતીય સંસ્કૃતિમાં વિવાહ સંસ્કાર-સંબંધની ઉદાત્તતા પરના વિચારો કરતાં કરતાં સ્વામીજી એક દિવસ સાંજના સમયે લીંબડી પહોંચ્યા. મુસાફરીમાં પરિશ્રમથી થાકી ગયા હતા. એટલે શહેરની બહાર એક શિવમંદિરમાં રાતવાસો કરવાનું વિચાર્યું. પણ મંદિરના વૃદ્ધ પૂજારીએ કહ્યું કે ત્યાં રહેવાની સગવડ નથી, બાજુમાં એક જગ્યા છે, જ્યાં સાધુઓને ઉતારો આપવામાં આવે છે. સ્વામીજીએ બાવાઓના અડ્ડામાં આશ્રય લીધો. જમી પરવારીને સૂતી વખતે એમને ખબર પડી કે એ તો વામમાર્ગીઓનો અડ્ડો છે. તેમણે તરત જ ત્યાંથી ભાગી છૂટવાનું વિચાર્યું. પણ બાવાઓ કંઈ ઓછા ચબરાક ન હતા. તેઓએ ઓરડીની બહાર સાંકળ ચડાવી દીધી હતી. એટલે સ્વામીજી માટે નાસી જવાનું અશક્ય બની ગયું. બાવાઓના મહંતની વિચિત્ર માગણીથી સ્વામીજી એકદમ ભડકી ગયા. મહંતે કહ્યું : ‘તમે કોઈ પ્રભાવશાળી સાધુ છો. વર્ષોથી બ્રહ્મચર્યનું પાલન કરો છો. તો તમારી લાંબી તપશ્ચર્યાનું ફળ અમને આપો. અમારી એક ખાસ સિદ્ધિ માટે તમારા બ્રહ્મચર્યનો ભંગ કરાવવો પડશે. તેના વડે અમને અમુક સિદ્ધિની શક્તિ પ્રાપ્ત થશે.’ સ્વામીજી ગભરાયા પણ સમયસૂચકતા વાપરી કશું બોલ્યા નહિ. બીજે દિવસે સવારે દૂધ દેવા માટે એક છોકરો આવ્યો તેની સાથે સ્વામીજીએ મિત્રતા કરીને તેને સહાય માટે વિનંતી કરી. બાજુમાં એક માટીના ઘડાનો ટુકડો પડ્યો હતો તેના પર તેમણે કોલસાથી લખ્યું – ‘સાધુ ભય મેં હૈ’ અને તેને સંતાડીને આ સંદેશો લીંબડીના ઠાકોર સાહેબને પહોંચાડવાનું કહ્યું. છોકરો દોડીને રાજમહેલમાં પહોંચી ગયો. પણ ત્યાંના દરવાનોએ તેને અંદર આવવા દીધો નહિ. ઠાકોર સાહેબ ત્યારે મહેલની છત પર લટાર મારતા હતા. તેમણે જોયું કે નીચે દરવાનો છોકરાની સાથે પ્રવેશ માટે રકઝક કરી રહ્યા છે. કોણ જાણે તેમને શું સૂઝ્યું, તેમણે ઉપરથી જ દરવાનોને છોકરાને પ્રવેશ આપવાની આજ્ઞા કરી. છોકરાએ સ્વામીજીનો સંદેશો આપ્યો કે તરત જ ઠાકોર સાહેબે સિપાહીઓને બાવાઓના અડ્ડામાં મોકલાવી તેમને છોડાવ્યા અને સ્વામીજીને પોતાની સાથે રાજમહેલમાં જ રહેવાની વિનંતી કરી. ખરેખર, રામ રાખે તેને કોણ ચાખે !

શ્રીરામકૃષ્ણદેવ જનકરાજા વિશેની વાતો રમૂજમાં કહેતા :

જનક રાજા મહા તેજા તેને શું હતી ત્રુટિ ? તેણે તો વળી બન્ને તરફથી પીધી હતી દૂધની પ્યાલી.

જનક રાજા એવા તેજસ્વી હતા કે તેમણે દૂધની પ્યાલી બન્ને તરફથી પીધી હતી, અર્થાત્ સંસારમાં રહીને રાજકર્મ નિપુણતાથી કર્યું અને પછી આધ્યાત્મિક સાધના પણ એટલી ઉત્કટતાથી કરી, તો સંસારનો પણ આનંદ માણ્યો અને અધ્યાત્મનો પણ આનંદ માણ્યો.

ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે : ‘કર્મણૈવ હિ સંસિદ્ધિમ્ આસ્થિતા જનકાદય :’ (ગીતા-૩/ર૦) અર્થાત્ ‘જનક જેવા રાજાઓએ માત્ર નિયમ કર્તવ્ય કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.’ આમ જનકરાજા કર્મયોગનો આદર્શ છે. પણ એ તો પૌરાણિક પાત્ર છે. શું આજના યુગમાં આ શક્ય છે? આપણા મનમાં આવો પ્રશ્ન સ્વાભાવિકપણે થાય છે. આનો ઉત્તર આપણને લીંબડીના ઠાકોર સાહેબ યશવંતસિંહજીના જીવનમાં મળે છે. લીંબડીના મહારાજા યશવંતસિંહજી ખુશમિજાજી અને દરિયાદિલ હતા. હવે, મહારાજાની આગ્રહભરી વિનંતીને માન આપીને સ્વામીજી મહેલમાં રહેવા આવી ગયા.

કાઠિયાવાડ એજન્સીના ઇજનેર મિ. બ્રુશની દેખરેખ નીચે ૧૮૮૧માં મહારાજાએ નયનરમ્ય મહેલ બંધાવ્યો હતો જેનો ખર્ચ રૂપિયા ૫ લાખ થયો હતો. આ મહેલ અમેરિકાના એક શહેરમાં આવેલ એક વિશિષ્ટ નગર-ગૃહના મકાનની પ્રતિકૃતિ હતો, જેમાં સંગીતમય ડંકા વગાડતી એક વિશિષ્ટ ઘડિયાળ સહુથી ઉપર શોભતી હતી. મહારાજાએ વિદેશથી ખાસ રાચરચીલું મગાવેલ અને એ સમયે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ એવા કલાકાર મિ. વાનારુથ દ્વારા મહેલને સુશોભિત બનાવાયો હતો.

લીંબડીના ઠાકોર સાહેબ યશવંતસિંહજીનો જન્મ ૨૩ મે, ૧૮૫૯ના રોજ થયો હતો. ૧૮૭૭માં તેઓ ગાદીએ બેઠા તે પહેલાં જ તેમણે ઈંગ્લેન્ડ અને અમેરિકાની મુલાકાત લીધી હતી. ભારતના ગણ્યાગાંઠ્યા રાજવીઓ જ તે જમાનામાં વિદેશ ગયા હતા. તેમણે સ્વામીજીને વિદેશ જવા માટેનું સૂચન કર્યું. આમ સ્વામીજીને વિદેશમાં જઈ દિગ્વિજય કરવા માટેની પ્રેરણા આપવામાં કદાચ તેઓ સૌથી મોખરે હતા. ઠાકોર સાહેબ યશવંતસિંહજીને કોઈ સંતાન ન હતું. તેઓ સ્વભાવથી જ આધ્યાત્મિક વલણ ધરાવતા હતા. વળી, જ્યારે સ્વામીજી લીંબડી પધાર્યા તેના થોડા દિવસો પૂર્વે જ તેમના નાના ભાઈનું અવસાન થયું હતું. એટલે તેઓ અધ્યાત્મ અને દર્શનની કથાઓ સાંભળવા ખૂબ જ આતુર રહેતા. સ્વામીજી પાસેથી મંત્રદીક્ષા મેળવી તેઓ તેમના શિષ્ય બની ગયા. આ સમયગાળામાં રાજમહેલની પાસે જ આવેલ અકળેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રીવૈજનાથ હતા, જેઓ પાછળથી ગોવર્ધન પીઠના શંકરાચાર્ય બન્યા હતા. યશવંતસિંહજી સ્વામીજીના શિષ્ય બન્યા તેથી તેઓ રાજી થયા. તેમની સાથે પણ સ્વામીજીની અન્ય પંડિતોની હાજરીમાં સંસ્કૃતમાં ઘણી ચર્ચા થતી. થોડા દિવસો રહી સ્વામીજીએ જ્યારે લીંબડી છોડ્યું ત્યાં સુધીમાં તો લીંબડીમાં અદ્ભુત આધ્યાત્મિક વાતાવરણ સર્જાઈ ગયું હતું.

સ્વામીજી આ સુરમ્ય મહેલમાં કેટલાક દિવસો રહ્યા અને મહેલના ભવ્ય દરબાર કક્ષમાં લીંબડીના મહારાજા ઠાકોર સાહેબ શ્રી યશવંતસિંહજી (૧૮૫૯-૧૯૦૭) સાથે તેમણે અનેક વિષયોની ચર્ચા કરેલી.

ઠાકોર સાહેબે સ્વામીજીને પોતાના વિદેશના અનુભવોની વાત કરી. તેજસ્વી, વિદ્વાન અને સુસંસ્કૃત રાજા એવા (૧૮૭૬માં) ઇંગ્લેન્ડની મુલાકાતે જનાર તેઓ કાઠિયાવાડના પ્રથમ રાજવી હતા. ઇંગ્લેન્ડની તેમની બીજી મુલાકાત સમયે તેમણે ૧૮૮૭માં મહારાણી એમ્પ્રેસના જ્યુબિલી ઉત્સવમાં ભાગ લીધો હતો. રાણીએ સ્વહસ્તે તેમને કે.સી.આઈ.ઈ.નો ખિતાબ આપી વિભૂષિત કર્યા હતા. વોશિંગ્ટન ડીસી વ્હાઈટ હાઉસમાં પ્રમુખ કલીવલેન્ડે મહારાજાનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. તેમની ઇંગ્લેન્ડ અને અમેરિકાની મુલાકાતોથી તેઓ પોતે શું શીખ્યા તેનું વિગતે વર્ણન ઠાકોર સાહેબે કરેલું અને સ્વામીજીને વિનંતી કરી કે સનાતન ધર્મના ઉપદેશ-પ્રચાર માટે આ દેશોમાં જવું જોઈએ.

ઠાકોર સાહેબ સાથે કેટલાક સુખદ દિવસો વિતાવ્યા પછી, સ્વામીજીએ ગુજરાતનાં અન્ય સ્થળોની મુલાકાતે જવા તેમની પાસેથી વિદાય લીધી. જૂનાગઢ, દ્વારકા, સોમનાથ, પોરબંદર, ભૂજ, નારાયણ સરોવર, ભાવનગર, સિહોર, પાલીતાણા, નડિયાદ, વડોદરા વગેરેની મુલાકાત પછી સ્વામીજી મુંબઈ પહોંચ્યા. (૧૮૯૨ના એપ્રિલના અંતમાં) અને ત્યાંથી મહાબળેશ્વર ગયા. ઠાકોર સાહેબ પણ ત્યાં આવ્યા છે એ જાણી સ્વામીજી ખૂબ આનંદિત થયા. ઠાકોર સાહેબ પણ પોતાના ગુરુની સાથેની આ અણધારી મુલાકાતથી રાજીના રેડ થઈ ગયા. જેટલા દિવસો તેઓ એક સાથે રહ્યા ત્યાં સુધી વિભિન્ન આધ્યાત્મિક વિષયો પર ચર્ચા કરી, ઠાકોર સાહેબે તે બધું પોતાની નોંધપોથીમાં લખી રાખ્યું. તા. ૩ થી ૧૩, ૧૮, ૨૩, ૨૫ અને ૨૮ મેના દિવસોની નોંધપોથીમાં આ ઊંડી આધ્યાત્મિક ચર્ચાના મુદ્દાઓ ઠાકોર સાહેબે લખેલ છે. (આ નોંધપોથીના અંશો ૧૮૯૬માં પ્રથમવાર પ્રકાશિત પુસ્તક ‘યશવંત ચરિત્ર’માં આપેલ છે. શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, લીંબડી દ્વારા આ પુસ્તકનું પુન : પ્રકાશન કરવામાં આવ્યું છે.)

૯ મે ૧૮૯૨, ઠાકોર સાહેબ લખે છે : ‘સ્વામી વિવેકાનંદના શાસ્ત્રોના ઊંડા જ્ઞાનથી મને સુખદ આશ્ચર્ય થાય છે. તેમની સાથેની ચર્ચાઓને કારણે મારા શાસ્ત્રો વિશેના જ્ઞાનમાં ઘણી સમૃદ્ધિ આવી છે.’

૧૫મી જૂન સુધી ઠાકોર સાહેબ સાથે મહાબળેશ્વરમાં રહીને સ્વામીજી પૂનામાં આવ્યા અને ત્યાં પણ તેમની સાથે કેટલાક દિવસો ગાળ્યા.

બંને યુવાન હતા (ઠાકોર સાહેબ સ્વામીજી કરતાં ચાર વર્ષ મોટા હતા. તેમનો જન્મ ૨૩-૫-૧૮૫૯ના થયો હતો) તેઓ બંને તુરત જ ગાઢ મિત્રો બની ગયા. ઠાકોર સાહેબ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા કે સ્વામીજીનું જ્ઞાન માત્ર આધ્યાત્મિક ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી પણ વિશ્વના કોઈ પણ વિષય પર સ્વામીજી અસામાન્ય બુદ્ધિમત્તા ધરાવે છે. સ્વામીજીએ પણ ઠાકોર સાહેબના શિક્ષણ ક્ષેત્રે આપેલા અપૂર્વ યોગદાન માટે તેમની અસામાન્ય ગુણવત્તાની ભરપૂર પ્રસંશા કરી. ભારતના નવજાગરણ માટે, ભારતીય કન્યાઓને ખાસ શિક્ષણ આપવાની જરૂર છે એવું ઠાકોર સાહેબ દૃઢપણે મંતવ્ય ધરાવતા હતા.

શાસન અને પ્રજા વચ્ચે ઊભા થતા મુશ્કેલ પ્રશ્નોનો ભારે ચીવટતાપૂર્વક સહજ ઉકેલ લાવવાની તેમની વિશિષ્ટતા અને પોતાના દૃષ્ટિબિંદુને સુંદર અંગ્રેજીમાં રજૂ કરવાની તેમની ક્ષમતા જોઈને નામદાર સર જેમ્સ ફરગ્યુસનનું ધ્યાન તેમના તરફ આકર્ષાયું હતું. તેમણે ઠાકોર સાહેબ સમક્ષ લોકલ લેજિસ્લેટીવ કાઉન્સીલમાં સ્થાન આપવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઠાકોર સાહેબે પોતાની ફરજ એટલી કુશળતાથી બજાવી કે મહામહિમ લોર્ડ રેએ લખ્યું હતું : ‘મારા પ્રિય મિત્ર, હવે જ્યારે તમારો લેજિસ્લેટીવ કાઉન્સીલનો કાર્યકાળ પૂરો થયો છે ત્યારે મને લખવા દો કે હું કેટલો દિલગીર છું. સરકાર ભવિષ્યમાં તમારી સેવાઓથી વંચિત રહેશે અને મને કહેવા દો કે તમે કાઠિયાવાડના સૌથી યોગ્ય પ્રતિનિધિ હતા.’

ઠાકોર સાહેબ વહીવટમાં અત્યંત નિપુણ હતા, હૃદયથી ઉદાર હતા અને કલ્યાણકારી કાર્ય કરનારા હતા. તેઓ અત્યંત પવિત્ર આત્મા હતા, એક સાચા રાજર્ષિ હતા. અંગ્રેજ લેખક જ્હોન હ્યુસ્ટન તેમના વિશે લખે છે : ‘તેમના જીવનની પવિત્રતાએ તેમને ‘મહાન રાજા જનક’ની પદવી અપાવી છે. તેઓ વિતેલા યુગના ઘરેણા જેવા હતા અને મહાન જ્ઞાની હતા.’ સ્વામીજી સાથે ઠાકોર સાહેબને એટલી બધી આત્મીયતા થઈ ગઈ કે તેમણે વારંવાર તેમને વિનંતી કરી : ‘મારી સાથે ચોક્કસ લીંબડી ચાલો અને લાંબા સમય સુધી ત્યાં જ રહો.’ સ્વામીજી ઉત્તર આપ્યો, ‘હમણાં નહિ. મહારાજા, મારે ઘણાં કાર્યો કરવાનાં છે. તે મને આગળ વધવા દબાણ કરે છે, પણ જો મારે નિવૃત્ત જીવન પસાર કરવાનું ક્યારેય પણ થશે તો તમારી સાથે જ હશે.’ … પણ ખેદની વાત છે ! સ્વામીજીએ ક્યારેય નિવૃત્ત જીવન પસાર કર્યું જ નહિ. કાર્યના અતિ બોજથી તેઓ ૪૦ વર્ષની વયે પહોંચે તે પહેલાં જ ૪ જુલાઈ ૧૯૦૨ના રોજ તેમણે મહાસમાધિ લીધી. ઠાકોર સાહેબે પણ ૧૫ એપ્રિલ ૧૯૦૭ના રોજ વિદાય લીધી. ઈલીઝાબેથ શાર્પના મતે, ‘તેમના મહેલના એક ભાગમાં મધરાતે લાગેલી ભયાનક આગને કારણે તેમને અને તેમનાં રાણીને ભાગી જવું પડયું. તેના આઘાતમાંથી તેઓ ક્યારેય બહાર આવી શક્યા નહિ. લીંબડીના અતિ સમૃદ્ધ પુસ્તકાલયમાં રહેલી મૂલ્યવાન સંસ્કૃત હસ્તલિખિત પ્રતો અને ભસ્મીભૂત થયેલ મહેલની કેવળ યાદ રહી ગઈ, જેના કારણે રાજવીની આંખો અશ્રુઓથી ઊભરાતી રહી.’

પશ્ચિમમાંથી પાછા આવ્યા બાદ ઠાકોર સાહેબના લાગણીભર્યા નિમંત્રણથી સ્વામીજીએ લીંબડીની મુલાકાતે જવા ઘણા પ્રયાસો કર્યા પણ તે ક્યારેય શક્ય બન્યું જ નહીં. જ્યારે સ્વામીજી ખેતડીમાં હતા ત્યારે લીંબડીના ઠાકોર સાહેબ તરફથી નિમંત્રણ તેમને મળ્યું હતું અને તેમણે લીંબડી જવા નક્કી પણ કરેલું. તા. ૧૪-૧૨-૧૮૯૭ના પત્રમાં પોતાના ગુરુભાઈ સ્વામી બ્રહ્માનંદજીને તેઓ લખે છે, ‘લીંબડીના રાજા પણ લાગણીસભર લખે છે. હું તેની ઉપેક્ષા કરી શકું તેમ પણ નથી. હું કાઠિયાવાડની ઉડતી મુલાકાત કરીશ.’ લીંબડી જવા સ્વામીજી ખેતડીથી નીકળ્યા અને રતલામ જંકશન સુધી આવ્યા પણ ખરા, પણ પોતાની નાદુરસ્ત તબિયતને કારણે ગુજરાતની મુલાકાતે જવાના વિચારને છોડી દેવા તેમને ફરજ પડી. ૧૮૯૮માં સ્વામીજી કાશ્મીર ગયા, ત્યાંથી તેમણે ગુજરાત જવા વિચારેલું. ૧૭મી સપ્ટેમ્બર, ૧૮૯૮ના રોજ કાશ્મીરથી શ્રીહરિપદ મિત્રને તેમણે પત્રમાં લખેલું : ‘સંભવ છે કે હું કચ્છ, ભૂજ, જૂનાગઢ, ભાવનગર, લીંબડી અને વડોદરાની મુલાકાતે જાઉં અને પછી કલકત્તા તરફ પ્રયાણ કરું.’ જો કે આ વખતે પણ તેમના નબળા આરોગ્યને કારણે આ ઇચ્છા તેઓ પૂરી કરી શક્યા નહિ.

પશ્ચિમની બીજી મુલાકાતેથી પાછા આવ્યા બાદ, સ્વામીજીએ ફરીથી લીંબડીના ઠાકોર સાહેબના અને અન્યોના નિમંત્રણથી ગુજરાતની મુલાકાતે જવા નક્કી કરેલું. તેઓ તેમના ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણાનંદજીને તા. ૩જી જૂન, ૧૯૦૧ના બેલુર મઠથી લખેલા પત્રમાં લખે છે : ‘તમે અહીં એક મહિનો આરામ લીધા બાદ, તમે અને હું સાથે ગુજરાત, મુંબઈ, પૂના, હૈદરાબાદ, મૈસૂરથી મદ્રાસનો ભવ્ય પ્રવાસ કરીશું. શું તે ભવ્ય પ્રવાસ નહિ હોય ?’ બેલુર મઠથી ૧૯૦૧માં તેમણે મિસ મેકલાઉડને લખેલું : ‘હું મારા બધા જ મિત્રોને ફકત ‘તમે કેમ છો ?’ તેવું કહેવા માટે જ મુંબઈ પ્રેસીડન્સી સુધી લાંબી યાત્રા કરીશ… મુંબઈના શુભેચ્છકોએ તેઓ કંટાળી જાય ત્યાં સુધી પ્રતીક્ષા ને કેવળ પ્રતીક્ષા જ કરી છે. એટલે મારે આ વખતે તો મળવું જ છે.’ આ વખતે પણ સ્વામીજીને લીંબડી અને બોમ્બે પ્રેસીડન્સીનાં અન્ય સ્થળોની મુલાકાતે જવાનું શક્ય બન્યું નહીં.

લીંબડીના મહારાજા યશવંતસિંહજી સ્વામીજીની દિવ્ય પ્રતિભાથી અનન્ય રીતે પ્રભાવિત થઈ ગયા હતા. તેમણે પ્રસ્તાવ મૂક્યો કે તેમના માટે એક આશ્રમ બંધાવી આપશે, પણ સ્વામીજીએ કહ્યું, ‘ના મહારાજા, મારે જવું જ પડશે.’ ન છૂટકે ઠાકોર સાહેબે સ્વામીજીને વિદાય આપી. કેટલાક ભક્તોની શ્રદ્ધા છે કે સ્વામીજી ભલે પછીથી સદેહે લીંબડી આવી નહોતા શક્યા પરંતુ કોઈ દૈવી યોજનાથી પોતે લીંબડીમાં રહેવા માટે આપેલું વચન પૂર્ણ થયું. તેઓ પ્રત્યક્ષપણે લીંબડી આવી શક્યા નહિ પણ કદાચિત્ તેઓ સૂક્ષ્મ સ્વરૂપે આવ્યા અને તે પણ એકલા નહિ; તેમની સાથે શ્રીરામકૃષ્ણ અને શ્રીશ્રીમા સારદાદેવીને પણ લેતા આવ્યા. (‘પ્રબુદ્ધ ભારત’ જૂન, ૧૯૭૭માં શ્રી પ્રેમ. એચ. જોશીના લેખના આધારે.)

૧૯૦૬માં લાગેલી આગમાં લીંબડીના આ સુંદર મહેલનો મોટોભાગ ભસ્મીભૂત થયો પણ સ્વામીજી જે દરબાર કક્ષમાં રહ્યા હતા તેને જરા પણ અસર થઈ ન હતી. પાંસઠ વર્ષો બાદ વર્તમાન લીંબડીના ઠાકોર સાહેબ શ્રી છત્રસાલસિંહજીએ આ ભવ્ય મહેલ ‘શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર’ નામે જાહેર સંસ્થાને દાન આપ્યો અને હવે આ સંસ્થાએ તેની સર્વ સ્થાવર-જંગમ મિલકતો રામકૃષ્ણ મિશનને સોંપી દીધી છે. પૂર્વેના દરબાર કક્ષમાં આજે શ્રીરામકૃષ્ણ, શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદની છબીઓ અને શ્રી રામકૃષ્ણની એક આરસની મૂર્તિની રોજ પૂજા કરવામાં આવે છે. આ બધું કેવી રીતે શક્ય બન્યું ? આની પાછળ એક રસપ્રદ વાર્તા છે.

રૂઢિચુસ્ત જૈન પરિવારના રૂના એક વેપારી શ્રી છબીલભાઈ શાહનો રંગુન, કોલકાતા અને મુંબઈમાં વેપાર ચાલતો હતો. અસાધ્ય જણાતા પેટના દુખાવાના રોગને કારણે તેમને વતન લીંબડી પાછા આવવાની ફરજ પડી, જ્યાં તેમનું આરોગ્ય પૂર્વવત્ થયું. ઓકટોબર ૧૯૬૬માં, તેમના પત્ની

શ્રીમતી અજવાળીબહેનને ભારે મધુપ્રમેહનો રોગ થયો. એક દિવસે તેમણે શ્રી છબીલભાઈને કહ્યું કે ગઈ રાતના તેમને એક યોગીનાં દર્શન થયાં અને તેને પ્રણામ કર્યા પછી પોતે કંઈક રાહત અનુભવી. શ્રી છબીલભાઈને કુતૂહલ સાથે આશ્ચર્ય થયું કે તેમનાં પત્નીને જીવનદાન આપનાર એ યોગી કોણ હશે. કોઈને પણ યોગી વિશે ઓળખ મળી નહિ. દરમિયાન, આકસ્મિક રીતે શ્રી છબીલભાઈને શ્રીરામકૃષ્ણના જીવન વિશે ગુજરાતી સામયિક (અખંડાનંદ – ઓગસ્ટ ૧૯૭૬)માં ટૂંકો પરિચય વાંચવામાં આવ્યો અને તેમના વિશે વધુ જાણવાની તેમને આતુરતા થઈ આવી. તેમણે રાજકોટ આશ્રમમાંથી કેટલાંક પુસ્તકો મેળવ્યાં અને તે વાંચી ગયા. આ બધાં પુસ્તકોમાંના એકમાં શ્રીરામકૃષ્ણની તસવીર જોઈને, શ્રીમતી અજવાળીબહેને તેમને જેનાં દર્શન થયેલાં તે આ જ યોગી હતા તેવો દાવો કર્યો. બંને પતિ-પત્નીને શ્રીરામકૃષ્ણ પ્રત્યે આકર્ષણ થયું. તરત જ એક ભક્ત મંડળની રચના કરવામાં આવી જે નિયમિત પ્રાર્થના સભાનું સંચાલન કરવા લાગી. એક ભાડાના નાના મકાનમાં કાર્ય શરૂ થયું. તેમની સંખ્યા વધવા લાગી એટલે સહુને મળવા માટે એક મોટી સુવિધાપૂર્ણ જગ્યાની જરૂરિયાત ઊભી થઈ. એ સમયે જ્યાં લીંબડી મહેલમાં સ્વામીજી રહેલા એ જગ્યાનો કોઈ ઉપયોગ થતો ન હતો. ૧૯૦૬ની આગમાં પુસ્તકાલય વગેરે રાખ થઈ ગયેલ. વળી ચોરી થવાની સંભાવનાએ કેટલીક મૂલ્યવાન સોના-ચાંદીની વસ્તુઓ તો ક્યારની ય અન્યત્ર લઈ જવામાં આવેલી. કેટલાક સજ્જનોએ મહાવિદ્યાલય (કાૅલેજ) માટે એ જગ્યા મેળવવાનો પ્રયાસ કરેલો પણ યોજના પડી ભાંગી. કોઈકે (રમૂજ કરતાં) સૂચવ્યું, ‘પ્રાર્થના સભા માટે એ જગ્યા અંગે શા માટે પૂછવું ન જોઈએ?’ પણ

શ્રી છબીલભાઈ આ હેતુસર પૂછપરછ કરવાની જરૂરી હિંમત બતાવી શક્યા નહિ.

એક રાત્રિએ શ્રી છબીલભાઈને ‘તે અંગે જરૂર પૂછો, તમને મળી જશે’ તેવો અવાજ સંભળાયો. એ અવાજ ત્રણ વાર સંભળાયો. બીજી સવારે

શ્રી છબીલભાઈએ રાજમાતાના અંગતમંત્રીને ફોન કર્યો કે ચોક્કસ હેતુની વાત કરવા માટે રાજમાતા તેમને મુલાકાત માટે સમય આપે. એ જ સાંજે રાજમાતા પ્રવીણકુંવરબા સાથે તેમને મળવાનું થયું, પૂરી વાત સાંભળીને રાજમાતાને અતિ હર્ષ થયો પણ આ અંગે પોતાના વિચારો શું છે તે કળાવા દીધું નહિ. આ બાબતે કોઈ નિર્ણય લેતા પહેલાં દૂર દિલ્હીમાં રહેતા તેમના પુત્ર લાલજી (શ્રી છત્રસાલજી)ની સંમતિ હોવી જરૂરી છે તેમ કહ્યું. એક સપ્તાહમાં જ શ્રીછત્રસાલજી લીંબડી આવ્યા અને દરબાર કક્ષમાં પ્રાર્થના સભા યોજવા માટેની દરખાસ્ત સાથે તરત જ સંમત થયાં અને પછી આખોય મહેલ શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરને (૧૪-૧૦-૧૯૭૧ના રોજ) દાનમાં આપ્યો. રાજમાતા પણ તરત જ સંમત થયા કારણ કે તેમણે સાંભળેલું કે કેટલાક લોકોએ શ્રીરામકૃષ્ણના નામે લીંબડીમાં પ્રાર્થના મંડળ શરૂ કર્યું છે. હકીકતે રાજમાતાએ તેમના સાથીઓ સાથે એ જ દિવસની સાંજે પ્રાર્થના સ્થાને મુલાકાત કરવાનું વિચારેલું જે સમયે શ્રી છબીલભાઈએ વિનંતી સહ આ દરખાસ્ત મૂકેલી. પણ રોમાંચક આનંદની આવી ઘટનાનું બનવું એ કાંઈ તેમના માટે સંજોગોવશાત્ ન હતું.

રાજમાતા શ્રીપ્રવીણકુંવરબા (સ્વ. દિગ્વિજયસિંહજીનાં પત્ની) આબુ પર્વતની મુલાકાતે ગયેલાં. (શ્રી દિગ્વિજયસિંહજી શ્રી દૌલતસિંહજીના ઉત્તરાધિકારી હતા, જેઓ શ્રી યશવંતસિંહજીના વારસ નિયુક્ત કરાયેલ.) ત્યાં તેમના ગુરુ સ્વામી શ્રદ્ધાનંદજીના આશ્રમમાં દીવાલ પર ટીંગાતું એક ચિત્ર જોયું અને ઉત્સાહિત થઈ તેમણે પૂછયું, ‘આ છબી કોની છે ?’ સ્વામીએ જવાબ આપ્યો, ‘કેમ, તેઓ બંગાળના પ્રસિદ્ધ સંત શ્રી રામકૃષ્ણ પરમહંસ છે.’ રાજમાતાને સ્મરણ થઈ આવ્યું કે છેક ૧૯૫૧થી તેમને શ્રીરામકૃષ્ણનાં દર્શન થયાં હતાં. જ્યારે તેઓ સૂતાં ત્યારે તેમને ખુલ્લી આંખે એક યોગીનાં દર્શન થતાં હતાં અને તેની સામે દીવાલ પર એ છબી ફરતી રહેતી. તેમના ગુરુ પાસેથી જ્યારે જાણ્યું કે તેમને થતાં તે દર્શન શ્રીરામકૃષ્ણનાં હતાં ત્યારે તેઓ અતિ આનંદિત થયાં. પાછળથી ૧૯૫૪માં, જ્યારે તેઓ ગંભીર, બીમાર થયાં ત્યારે તેમણે જોયું કે તેમની સામે આંખમાં આંસુ સાથે શ્રીરામકૃષ્ણ ઊભા છે. રાજમાતાને જમણા હાથે આશીર્વાદ આપીને તેઓ અદૃશ્ય થયા. રાજમાતા તેમની બીમારીમાંથી સાજાં થયાં અને તેમના ગુરુને આ દર્શનની મહત્તા વિશે પૂછયું. સ્વામી શ્રદ્ધાનંદજીએ કહ્યું, ‘સંભવ છે કે શ્રીરામકૃષ્ણ તમારા દ્વારા કોઈ કામ કરાવવા માગે છે.’ ૧૮ વર્ષો પછી જ્યારે શ્રીછબીલભાઈએ શ્રીરામકૃષ્ણ માટે મહેલની જગ્યા આપવા વિનંતી કરી ત્યાં સુધી (છેક ૧૯૬૮ સુધી) રાજમાતા આ બાબત કાંઈ સમજી શકયાં નહિ. રાજમાતા અને અન્ય ભક્તોને એવું લાગ્યું કે લીંબડી આવવાનું વચન સૂક્ષ્મરૂપે સ્વામીજીએ નિભાવ્યું છે, એટલું જ નહિ સાથે શ્રીરામકૃષ્ણ અને

શ્રીશ્રી મા સારદા દેવીને પણ લાવ્યા હતા. (રાજમાતા શ્રીપ્રવીણકુંવરબા થોડા સમય પૂર્વે જ સ્વર્ગવાસી થયાં.)

લીંબડીના મહારાજા યશવંતસિંહજીએ સ્વામીજીને વિદાય આપતાં પહેલાં સલાહ આપી કે કોઈ પણ જગ્યાએ નિવાસ કરવામાં સાવધાન રહેવું જેથી વામમાર્ગીઓના અડ્ડામાં જે સ્થિતિ આવી હતી તેનું પુનરાવર્તન ન થાય. તેમણે પોતે જ કાઠિયાવાડના કેટલાક રાજાઓ અને દીવાનજીઓ પર પરિચય પત્ર લખી આપ્યા, જેથી તેમના ગુરુ સ્વામીજીને કોઈ અગવડ ન વેઠવી પડે.

Total Views: 110
By Published On: December 1, 2014Categories: Nikhileswarananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram