રાજકોટના શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે સ્મરણિકામાં પ્રકાશિત રામકૃષ્ણ મઠ અને મિશનના હાલના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં.

મંદિર એ પ્રભુનું નિવાસ સ્થાન છે. એ ખરું છે કે પ્રભુ તો સર્વત્ર વિરાજમાન છે છતાં પણ જેવી રીતે કોઈ મહાન વિભૂતિની મુલાકાત એકાદ સ્વાગતખંડમાં કે સ્વચ્છ સુશોભિત દીવાનખાનામાં થાય છે, તેવી રીતે જગન્નિયંતા પ્રભુનું દર્શન ભક્તોને મંદિરમાં થાય છે. જે લોકોને એવી ઝાંખી કરવી છે એમને તો અન્ય કોઈ સ્થળ કરતાં મંદિરમાં એમની ઝાંખી સવિશેષ થઈ શકે છે.

મનુષ્ય કેટકેટલાં ચણતરો ઊભાં કરે છે! પરંતુ એ બધાંની પાછળ તેની કોઈ ને કોઈ ઐહિક વાસના કાર્ય કરી રહી હોય છે. જ્યારે મંદિરની પ્રતિષ્ઠા તો કેવળ મનુષ્ય અને પ્રભુના મિલન માટે જ થાય છે. જાણે પોતાના ‘ગૃહ વિશેષ’ સમા મંદિરમાં પ્રભુનું અવતરણ થાય છે અને ત્યાં ભક્તિવિનમ્રભાવે તેમની કૃપાની પ્રતીક્ષા કરતો મનુષ્ય ઊભો હોય છે. આ દૃષ્ટિએ જોઈએ તો મંદિર એટલે પ્રભુ અને મનુષ્ય વચ્ચે રહેલો એક દિવ્ય સેતુ છે.

દિવ્ય તત્ત્વની અનંત ક્ષિતિજ

‘બાહ્યાભ્યંતરશુચિ :’ બનીને મનુષ્ય પ્રભુના મંદિરમાં પ્રવેશ કરે છે. ત્યાં એ પ્રાર્થના કરે છે, પોતાના પ્રિય પ્રભુ આગળ હૃદયનાં કપાટ ખોલી નાખે છે, પવિત્ર વસ્તુઓનું ચિંતન કરે છે; પુણ્યશાળી બનવાનું વ્રત લે છે અને એ રીતે પરમશક્તિમાન પ્રભુ સાથે એ પોતાના ચિત્તનો દોર સાંધે છે. એટલા માટે જ મંદિરના આયોજન પાછળ ભવ્યતા, ગંભીરતા અને સુંદરતાનું એવું સુભગ મિલન થયું હોય છે કે તે મનુષ્યને કોઈ જુદા જ પ્રદેશમાં, જુદા જ વાતાવરણમાં લઈ જાય છે, જ્યાં એની કલ્પના સ્વત : ઓગળી જાય છે અને એના દિવ્યતત્ત્વની અનંત ક્ષિતિજનાં દર્શન થાય છે.

સાત્ત્વિક આંદોલનો

મંદિરમાં ભક્તો નિત્ય નિયમિત પૂજા કરે, સાધના કરે અને પરિણામે ત્યાંના વાતાવરણમાં હંમેશાં દિવ્ય આંદોલનો રમ્યા કરે; આવાં દિવ્ય આંદોલનો જ પ્રસ્તુત સ્થળનો મહિમા વધારે. કોઈવાર જ્યારે દુ :ખ, શોક, શંકા કે ચિત્તક્ષોભનાં વાદળો આપણને ઘેરી લે છે ત્યારે પ્રભુના ધામનું શરણ લેવાથી એ વાદળો વિખેરાઈ ગયાં હોય એવો અનુભવ શું આપણને થતો નથી? ખરેખર જ્યાં પૂજા-ઉપાસના થતી હોય ત્યાં શુભ તન્માત્રાઓ ઊભરાય છે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘લોકો દરરોજ ત્યાં જાય છે; તેઓ જેમ જેમ વધારે ને વધારે જાય છે તેમ તેમ વધારે ને વધારે પાવન થાય છે. જેનામાં સત્ત્વગુણ ઓછો હોય તે માણસ ત્યાં જાય તો એ જગ્યાનું વાતાવરણ તેના ઉપર અસર કરે અને તેનામાં સત્ત્વગુણનો વિશેષ ઉદય થાય છે. જેમનામાં સત્ત્વગુણની વિશેષ પ્રધાનતા હોય તેવા સાધુસંતો એવા સ્થળમાં સત્ત્વનાં આંદોલનો ફેલાવે છે અને આજુબાજુ અહર્નિશ પોતાનો પ્રચંડ પ્રભાવ પાથરે છે.’ અને આવા સાધુસંતો ક્યાં વિચરે છે? અલબત્ત, મંદિરો કે ગુફાઓમાં.

શાંતિ પ્રદાતા આપણાં તીર્થમંદિરો

આ દૃષ્ટિએ આપણે કહી શકીએ કે મંદિર તો સમાજની, સમુદાયની એક અત્યંત આવશ્યક અપેક્ષાની પૂર્તિ કરે છે; તો પછી જ્યાં હજારો ભક્તિપૂત હૃદયો પ્રભુનામસંર્કીતનની હેલીએ ચડ્યાં હોય, પ્રભુના સાંનિધ્યનો પરમાનંદ લૂંટી રહ્યાં હોય અને ભક્તિનાં એ આંદોલનોથી વાતાવરણ સભરભર્યું હોય એવા પાવનકારી મંદિરથી વિશેષ કલ્યાણકર બીજું શું હોઈ શકે? યુગયુગાંતરોથી ઘૂમતા અસંખ્ય નામી-અનામી સાધકોના આધ્યાત્મિક આંદોલનોથી પવિત્ર અને પરિ-પ્લાવિત બનેલાં મંદિરો કરતાં બીજી કઈ વસ્તુ મનુષ્યના ચિત્તને વિશેષ ઉન્નત કરી શકે? અમરનાથ, બદરીનાથ, કૈલાસ, કાશી વિશ્વનાથ, કામાક્ષી, જગન્નાથ, દ્વારકા, સોમનાથ, મદુરાઈ, કન્યાકુમારી અને ચિદંબરમ્ આવાં પવિત્ર સ્થળોમાં જ મનુષ્યની શાંતિ અને કૃતકૃત્યતાની તીવ્ર ઝંખના પરિપૂર્ણ થશે કે અન્ય સ્થળોમાં? તીર્થધામની યાત્રાએ જવાનું જીવનભરનું સ્વપ્ન સાકાર કરવા હજારો વર્ષોથી કલ્પનાતીત અંતરાયોને એ વેઠતો આવ્યો છે, એ હકીકત શું આપણે ભૂલી જઈશું? શું આપણે તીર્થયાત્રાએથી ખાલી હાથે પાછા ફરીએ છીએ?

નૂતન મંદિરો

કહેવામાં આવે છે કે આપણે આપણા ગંતવ્યસ્થાનથી દૂર દૂર ઘસડાઈ રહ્યા છીએ, આપણું મનોબળ ઘટી રહ્યું છે. એ ખરું છે કે આજે કુદરતી બળોને નાથીને વિજ્ઞાન આગળ વધી રહ્યું છે અને અંતરાત્માના પ્રદેશમાં સત્યને શોધીને પ્રત્યક્ષ કરવા મથતા લોકોને એ જબ્બર પડકાર ફેંકી રહ્યું છે. આ પડકારને સુયોગ્ય રીતે ઝીલી લેવા માટે આપણે દેશભરમાં પથરાયેલાં વિદ્યમાન મંદિરો પ્રતિ વિશેષ ઉત્કટભાવથી વળવું જોઈએ. એટલું જ નહીં પરંતુ આપણા પુરાણા ખ્યાલો સાથે કેટલાક નવા ખ્યાલો મેળવીને આપણે ‘નૂતન મંદિરો’ ઊભાં કરવાં જોઈએ. સ્વામી વિવેકાનંદે યોગ્ય જ કહ્યું છે કે સંકોચ નહીં, પણ નવી નવી દિશામાં વિકાસ, વિસ્તરણ એ જ જીવનનો ખરો નિયમ છે.

મંદિરો એટલે આધ્યાત્મિક ડાયનેમો

મંદિરોની ઉત્તમ સારસંભાળ રાખવામાં આવે અને એમના પવિત્ર વાતાવરણમાં સત્યના જિજ્ઞાસુઓને આત્મવિકાસની યોગ્ય તકો પૂરી પાડવામાં આવે તો આ મંદિરો જ ડાયનેમો-ઊર્જાસ્રોત બનીને ચિત્તમાં ઉદાત્તગુણોનો સંચાર કરે; એવા ઉદાત્તગુણોના અભાવે તો દેશની ખાનાખરાબી થઈ રહી છે ને? મનુષ્યનું જીવન કેવળ શારીરિક, બૌદ્ધિક કે નૈતિક જરૂરિયાતો સંતોષવામાં જ સમાઈ જતું નથી. વસ્તુત : તો આધ્યાત્મિક પ્રકાશ મેળવવો એ એની સૌથી મોટી જરૂરિયાત છે. લોખંડી સ્નાયુઓ, ભવ્ય બુદ્ધિપ્રતિભા અને પોલાદી ઇચ્છાશક્તિ ધરાવનાર પુરુષ જગત સંહારક રાક્ષસ બની શકે, પરંતુ જ્યારે એવા પુરુષમાં આધ્યાત્મિક અંતર્દૃષ્ટિનો પ્રાદુર્ભાવ થાય ત્યારે એમાંથી ‘સર્વભૂતહિતે રતા :’ એવો એકાદ બુદ્ધ કે ઈસુ ઊભો થાય. મંદિર તો મનુષ્યનું આધ્યાત્મિક શ્રેય સાધી આપે, એ તેનામાં આધ્યાત્મિક આકાંક્ષાઓ પ્રેરે.

મંદિર એટલે મનુષ્ય અને ઈશ્વરનું
મિલન સ્થાન, જડતાનો નિગૂઢ અંધકાર ભેદવા માટે એ મનુષ્ય-હૃદયને પ્રકાશ આપે છે. મનુષ્યનાં બુદ્ધિ અને અંત :કરણની સર્વોચ્ચ અને ઉદાત્તતમ અભિવ્યક્તિઓને સાકાર કરતી જીવંત શ્રદ્ધાનું કેન્દ્ર એટલે મંદિર.

જ્ઞાન-ભક્તિ-યોગ-કર્મનો સમન્વય

સને ૧૮૯૮ માં બેલુર મઠ અને મંદિરની વાત કરતાં પૂજ્યપાદ સ્વામી વિવેકાનંદજીએ કહેલું, ‘અહીંથી શક્તિનો જે સ્રોત વહેશે તે આખા જગતમાં પૂરની જેમ રેલાઈ જશે અને લોકોના જીવનપ્રવાહને અનેકવિધ માર્ગાેએ વાળશે. અહીંથી જે આદર્શાેનો ઉદય થશે તેમાં જ્ઞાન, ભક્તિ, યોગ અને કર્મનો સમન્વય હશે; આ મઠના વાસીઓનો સંકેત મળતાંવેંત ધરતીના દૂર દૂરના ખૂણાઓમાં પણ ચેતનપ્રદ પ્રેરણાઓનો પ્રવાહ ફેલાઈ જશે.’

અને આવી જીવંત શ્રદ્ધા સાથે સ્વામીજીએ બેલુર મઠના મંદિરમાં શ્રીરામકૃષ્ણના પવિત્ર અવશેષોનું સ્થાપન કર્યું. આજે ક્યાંય ક્યાંયથી લોકો લાખોની સંખ્યામાં આ મંદિરમાં આવે છે અને કરુણા, શાંતિ તેમજ ધન્યતા પામે છે.

સ્મરણીય ઘટના

ભારતના આ સૌરાષ્ટ્ર પ્રદેશમાં સ્વામી વિવેકાનંદે પોતાના જીવનના નિર્ણાયક કાળનો એક વર્ષથી પણ વિશેષ સમય ગાળ્યો હતો. એ શું સ્મરણીય ઘટના નથી?

ગુરુદેવની મહાસમાધિ પછી સ્વામીજીએ ભાગ્યે જ સોળ વર્ષ વિતાવ્યા. પરંતુ આ બધાં વર્ષ દરમિયાન રાષ્ટ્રના સપૂતે દેશના ખૂણે ખૂણે પરિભ્રમણ કર્યું. ૧૮૯૩ પછી એમણે ઘણો ખરો કાળ પશ્ચિમના દેશોમાં વિતાવ્યો. પરંતુ સૌરાષ્ટ્રને એમણે પોતાના ટૂંક જીવનનો મૂલ્યવાન હિસ્સો આપ્યો હતો. આ સમય દરમિયાન તેઓ અહીંના રાજવીઓને ઉપદેશ આપતા, દીવાનો અને પંડિતોને સલાહ આપતા તથા તીર્થધામોની યાત્રા કરતા. તેઓ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં અહીંથી તહીં ખૂબ વિચર્યા હતા. જે પ્રદેશે સ્વામીજી ઉપર ભૂરકી છાંટીને આટલા સમય સુધી એમને અહીં રોકી રાખ્યા તે પ્રદેશની ભૂમિમાં જરૂર નિજની કોઈ આત્મસંપત્તિ ભરી પડી હશે, એમાં શંકા નથી.

Total Views: 125
By Published On: December 1, 2014Categories: Atmasthananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram