તમે – તમારામાંનો કોઈપણ – હજુ માતાજીના (શ્રીમા સારદામણિદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો દેશ બધા દેશોથી વધારે નબળો અને પાછળ શા માટે છે? કારણ કે અહીં શક્તિનું અપમાન થાય છે. ભારતમાં તે અદ્ભુત શક્તિને પુનર્જીવિત કરવા માતાજીએ જન્મ ધારણ કર્યો છે; અને તેમને કેન્દ્ર બનાવવાથી જગતમાં ગાર્ગીઓ અને મૈત્રેયીઓ ફરી એક વખત જન્મશે. વહાલા બંધુ, અત્યારે તમે થોડું સમજો છો, પણ ધીરે ધીરે તમે તે બધું જાણી શકશો. માટે તેમનો મઠ મારે પહેલો જોઈએ છે…. શક્તિની કૃપા વિના કંઈ સિદ્ધ થતું નથી. અમેરિકા અને યુરોપમાં હું શું જોઉં છું? શક્તિની પૂજા, શક્તિની પૂજા. તેઓ જો કે તેને અજ્ઞાનથી અને ભૌતિક સુખપ્રાપ્તિ માટે જ પૂજે છે. ત્યાર પછી, જે લોકો તેને માતા તરીકે લેખીને શુદ્ધ ભાવે સાત્ત્વિક બુદ્ધિથી પૂજે, તો તેઓ કેટલું કલ્યાણ સાધી શકે તેની કલ્પના કરો ! હું દિવસે દિવસે દરેક વસ્તુને વધારે ને વધારે સ્પષ્ટ સમજતો જાઉં છું, મારી અંતર્દૃષ્ટિ વધારે ને વધારે ઊઘડતી જાય છે. તેથી આપણે માતાજી માટે પ્રથમ મઠ બાંધવો જોઈએ. પ્રથમ માતા અને માતાની પુત્રીઓ, પછી પિતા અને પિતાના પુત્રો. તમે આ સમજી શકો છો? …. મારે મન તો માતાજીની કૃપા પિતાની કૃપા કરતાં લાખો ગણી કિંમતી છે. માતાની કૃપા, માતાના આશીર્વાદ મારે મન સાર્વભૌમ બાબત છે….. મને માફ કરજો, પણ માતાજી બાબતમાં હું જરાક અંધશ્રદ્ધાળુ છું. જો માતાજી આજ્ઞા કરે તો તેમના ભૂતો બધું કરી શકે. ભાઈ ! અમેરિકા રવાના થતા પહેલાં મેં માતાજીને આશીર્વાદ મોકલવા માટે લખ્યું હતું. તેમના આશીર્વાદ આવ્યા અને એક કૂદકે હું સમુદ્ર પાર કરી ગયો, જુઓ તમે ! આ કાતિલ ઠંડી ઋતુમાં હું એક સ્થળેથી બીજે સ્થળે વ્યાખ્યાન કરતો ફરું છું અને વિપરીત સંજોગો સામે લડું છું કે જેથી માતાજીના મઠ માટે પૈસા એકઠા થાય.

બાબુરામનાં માએ વૃદ્ધત્વને કારણે તેમની મતિ ગુમાવી લાગે છે અને તે કારણે તે જીવંત માતાને બદલે માટીની મૂર્તિમાં દુર્ગાનું પૂજન કરવા માગે છે.

ભાઈ, શ્રદ્ધા પ્રાપ્ત કરવી અઘરી છે. ભાઈ, હું તમને જીવંત દુર્ગાનું પૂજન કેમ કરવું તે બતાવીશ અને ફક્ત પછી જ હું મારા નામને યોગ્ય થઈશ. જીવંત દુર્ગા મા માટે જમીન ખરીદીને તેમની સ્થાપના કરાશે ત્યારે હું નિરાંત અનુભવીશ અને ત્યાં સુધી હું મારી જન્મભૂમિમાં પાછો ફરીશ નહીં. તમે આ કરશો ત્યારે જ હું પૈસા મોકલીને નિરાંતનો દમ અનુભવીશ. સઘળી વ્યવસ્થા કરીને મારી આ દુર્ગાનો ઉત્સવ પૂરો કરશો. ગિરીશ ઘોષ શ્રીમા માટે અદ્ભુત સન્માન ધરાવે છે; તે ધન્ય છે અને તેના અનુયાયીઓ ધન્ય છે. ભાઈ, મને જ્યારે માનું સ્મરણ થાય છે ત્યારે હું ઉદ્ગાર સાથે બોલી ઊઠું છું : ‘અંતે રામ, છે શું ?’ ભાઈ, તમને હું કહું છું કે ત્યાં જ મારું ઝનૂન રહેલું છે અને રામકૃષ્ણ માટે, મારા ભાઈ, તમારું કહેવું છે કે રામકૃષ્ણ અવતાર હતા અથવા ગમે તે બીજું, પણ જેમને મા પ્રત્યે ભક્તિ નથી તેમને ધિક્કાર છે! (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા : ૬.૩૩૪-૩૫)

Total Views: 101
By Published On: December 1, 2014Categories: Vivekananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram