આજે આપણે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા શી છે એ વિશે થોડું ચિંતન કરીશું. એક વ્યક્તિ કે જે સંસારથી પૂરેપૂરા નિર્લેપ, કામ-કાંચનના પૂર્ણત્યાગી, જગત સાથે કંઈ લાગે વળગે નહીં, ગણાય ધૂની, હરહંમેશ સમાધિમાં. અરે એમને સમાધિમાંથી નીચે ઉતારવા કાનમાં ૐ જેવું પવિત્ર ઉચ્ચારણ કરવું પડે. સંસાર તેમને જરાય સ્પર્શી શક્યો નહીં, પરમહંસ! પરમાત્મામાં લીન, કોઈ રાજનીતિ, અર્થનીતિ, સમાજનીતિની વાત જ નહીં. પણ ધર્મનીતિ ખરી. બધી પાર્થિવ નીતિઓથી તેઓ પર અને ઊર્ધ્વ છતાં તેની કેવી પ્રાસંગિકતા! તેઓ પૂરેપૂરા મુક્ત પુરુષ. તે વખતની કહેવાતી અંગ્રેજી સભ્યતાથી ઊંચેરા હતા, એટલે જ ‘તમે આવતા નહીં’ એમ બ્રાહ્મોસમાજીઓએ કહ્યું હતું. તેમના ઉપદેશોમાં વર્તમાન, ભૂત કે ભવિષ્ય નથી, પરંતુ તે છે શાશ્વત!
કદાચ આપણને સૌને વિચિત્ર લાગે કે આવા મહાપુરુષનો આપણને પૂરતો પરિચય નથી. કેવળ પુસ્તકોનાં પાનાં પરથી જે માહિતી મળે તે જ છે.
આ યુગને તેઓ કંઈક નવું આપવા અવતર્યા હતા. ‘કળિયુગમાં સત્ય બોલવું એ પણ તપ છે, જે સાચું બોલે છે તે ભગવાનના ખોળામાં બેઠો છે,’ એમ તેઓ કહેતા. આપણને લાગે આ તે શી વાત! આજથી જ, અરે અત્યારથી જ સાચું બોલીશ, પણ પછી આપણને ખબર પડે કે એ કેટલું કઠિન છે. ખરેખર કસોટી થાય તેવું. સત્ય બોલાય નહીં અને અમસ્તુ ખોટું બોલી જવાય. ઘરમાં બાળકને કે ઘરના બીજા સભ્યને આપણે ક્યારેક કહીએ છીએ કે કોઈનો ફોન આવે તો કહેજો કે હું ઘરમાં નથી. સામે જ બેઠા હોઈએ અને બિચારાં પુત્ર કે પત્નીને કહેવું પડે કે તેઓ ઘરે નથી, બહાર ગયા છે. પોતે તો ખાડામાં પડે, પણ બીજા બેને તાણતો જાય. કામકાજથી દૂર રહેવા, કારણ વગર ખોટું બોલવું પડે. એટલે જ ખરેખર એવું લાગે છે કે સાવ સામાન્ય સત્ય પણ કળિયુગના માણસો ઉચ્ચારી શકતા નથી. એમાં જ શ્રીઠાકુરની મહાપ્રાસંગિકતા- જીવને કહે છે કે ભાઈ જેવો છો તેવો જ દેખાવાનો પ્રયત્ન કર. મન અને મુખ એક કર, પણ આપણે ક્યાં એમની વાત કાને ધરીએ છીએ.
શ્રીરામકૃષ્ણમાં ભેદબુદ્ધિ ન હતી અને આપણે આખું જીવન ભેદબુદ્ધિના વૃક્ષને ખાતર-પાણી આપીને મોટું કરીએ છીએ. પછી તેનાં મૂળિયાં ઊંડાં ઊતરી જાય છે એટલે ધર્મ, ભાષા, વર્ણ, દેશ બધે જ ભેદબુદ્ધિ છે અને વળી એ મત સાચો છે એવું સાબિત કરવા તનતોડ મહેનત કરીએ છીએ. આ ભેદબુદ્ધિથી જાતિ-સંપ્રદાયમાં કેવા કેવા ભેદ ઉદ્ભવે છે. એને લીધે કેટલા કલહ-કંકાસ, લડાઈ-ઝઘડા, રક્તપાત થતાં રહે છે. જાતિ અને ધર્મના ભેદોએ દેશને ભાંગી નાખ્યો છે. એટલે જ પ્રભુએ કહ્યું છે, ‘ભક્તોની જાતિ નથી.’ પણ એમની વાત કોણ માને ? આજનો માનવ શ્રીરામકૃષ્ણદેવની અભેદભાવની બુદ્ધિને જોઈને જીવનમાં ચાલે અને જીવે તો તે ખરેખર આજની વર્તમાનયુગની વિષમતા અને સંઘર્ષોમાંથી બચી શકે, ભારતમાં દેખાતી સંકીર્ણતા દૂર થાય. દંભ, સંકીર્ણતા અને અસહિષ્ણુતા દેશમાં ભરપૂર ભર્યાં છે. એ વખતે આ અત્યંત વિષમ પરિસ્થિતિમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશની પ્રાસંગિકતા ઘણી છે.
આપણા દેશની સંસ્કૃતિમાં ઘણું વૈવિધ્ય છે. આપણે બધા એક જ ઢાળામાં ઢળાયા નથી. બહુમત, બહુપથ, અનેક સંપ્રદાય, ભિન્ન ભિન્ન ભાષાઓ વગેરે રહેવાનાં જ. પણ આમ જોઈએ તો એ બધાં નોખી નોખી જાતનાં મોતી છે. એ બધાંને શાશ્વત સૂત્રરૂપે સંસ્કૃતિ-સંહતિરૂપે બાંધે છે. ‘મયિ સર્વમ્ ઈદમ્ પ્રોતમ્ સૂત્રે મણિગણા ઇવ’ ગીતાના આ ઉપદેશ પ્રમાણે ઉપર્યુક્ત વૈવિધ્યની આવશ્યકતા છે. પણ એ સંસ્કૃતિને ભોગે નહીં, સંહતિના ભોગે નહીં. આપણાં શાસ્ત્રોએ કહેલું આ વચન શાશ્વત છે – એકમ્ સત્ વિપ્રા બહુધા વદન્તિ’ (ઋગ્વેદ). ઘાટ ઘડ્યા પછી નામ-રૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોય. નામે-રૂપે અનંત ભાસે. આ માટે શ્રીરામકૃષ્ણદેવ આપણા પરિવારનું ઉદાહરણ આપી કહે છે, ‘ઘરમાં રહેતી નારી કોઈની માતા છે, કોઈની પત્ની છે, કોઈની બહેન છે, પણ અંતે તો તે એક જ વ્યક્તિ છે.’ સંસારની આ બધી દેખાતી વિવિધતામાં પણ એકતા જોવી એ જ રામકૃષ્ણદેવની મોટી ઉપલબ્ધિ છે. ભારત આ વિવિધતામાં વિશ્વાસ ધરાવે છે. એ એની સ્વાભાવિક પ્રકૃતિ છે. નાના મોટા અનેક સંપ્રદાયોની મેળવણી અહીં જોવા મળે છે. એટલે જ શ્રીરામકૃષ્ણદેવનો ‘જેટલા મત તેટલા પથ’ ઉપદેશ આજે સૌથી વધારે પ્રાસંગિક છે. એમણે ક્યારેય કોઈ ધર્મ કે સંપ્રદાય કે વ્યક્તિને નીચો ગણ્યો નથી. દરેક વ્યક્તિ, દરેક ધર્મ અને સંપ્રદાય પોતપોતાને સ્થાને મહાન છે, એમ કહ્યું છે. આ જ શ્રીરામકૃષ્ણની પ્રાસંગિકતા છે.
શ્રીરામકૃષ્ણ અને સ્વામીજીના સાહિત્યનો અભ્યાસ કરશે તો ‘રામકૃષ્ણ ચરિતમાનસ’માં કહ્યું છે તેમ :
‘દ્વેષ ન કીજે કાહુ સે, કીજે સબસે પ્યાર—।
સબકે હીય હરિવાસ કરે,
જગપતિ જગકરતાર—।।
તો એ બધા ભેદભાવ દૂર થઈ જાય. એટલા માટે જ ધર્મનું સાચું તત્ત્વ સમજવામાં સામાન્ય માનવ વિફળ થયો હોય એવું દેખાય છે. આજનો દરેક ધર્મ કે સંપ્રદાય જો કેવળ રામકૃષ્ણના ઉપદેશને અનુસરે તો સમાજ શાંતિમાં અગ્રગામી બની શકે. તેઓ હિંદુઓના ઈશ્વર, મુસલમાનોના ખુદા અને ખ્રિસ્તીઓના ઈસુ છે, તેમની પાસે જે ખરા હૃદયથી જાય છે તેઓ ખરેખર પોતાના છે, એવું હૃદયમાં અનુભવે છે. સૌ પ્રત્યે શ્રદ્ધા, ભ્રાતૃભાવનાનો વ્યવહાર, શાંતિ, મૈત્રી, બહારથી ભલે વિવિધ હોય પણ ખરેખર અંતરથી એક છે એવો પરિચય મળે છે અને આ જ છે શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા. તેઓ ભારતની એકતાનું પ્રતીક છે, તેઓ ભારતના આત્મા છે, તેમનાં જીવન અને દર્શનમાં ભારતનાં સંકટમોચન દેવી રહેલાં છે. તેઓ એક અસામાન્ય માનવ હતા. તેમને કોઈ સંપ્રદાયના વાડામાં બાંધી ન શકાય. તેઓ આદિ-અંતવિહિન એક ચિરંતન સત્તા છે. દેશ અને કાળથી પર અને ઊંચેરા છે. તેઓ નિત્ય સત્યના પ્રતીક છે. તેમનું જીવન અને તેમની વાણી નિત્યસત્યનો મહિમા ગાય છે અને એ ઐક્ય જ આપણને શ્રીરામકૃષ્ણ તરફ આકર્ષી જાય છે. અનૈક્ય છે, પણ એ ગૌણ છે અને ઐક્ય મુખ્ય છે. એટલે જ શ્રીરામકૃષ્ણદેવનો પથ હતો-પરસ્પર શ્રદ્ધા રાખો અને સૌ કોઈને ચાહો. ભારતે હંમેશાં આ ઉદાત્ત તત્ત્વોનું અનુસરણ કર્યું છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા, ‘જેના પેટમાં જે પચે’ એ જ નીતિ. લોકો રામકૃષ્ણદેવના ઉપદેશને કેવી રીતે અનુસરે છે એના ઉપર જ ભારતનું ભાવિ આધારિત છે. શ્રીરામકૃષ્ણદેવ બધા મત, પથ અને ધર્મમાં શ્રદ્ધા રાખવાનું કહેતા. ભારતવાસીઓ જો એમનો આ ઉદાર મત સ્વીકારે અને એને અનુસરવું એ પોતાનું કર્તવ્ય સમજે તો સમાજનું ચિત્ર કંઈક અલગ જ બની જાય. આવા ઉદાત્ત મતને કારણે ભારત મહાન તીર્થભૂમિ બન્યું છે. ભારતની સંસ્કૃતિ એટલે એક પુષ્પગુચ્છ. તેમાં નાનાં, મોટાં, વિવિધ રંગનાં, ભિન્ન ભિન્ન સુગંધવાળાં પુષ્પોનો સમાવેશ થયો છે, પણ પુષ્પગુચ્છ તો હોય છે એક જ! આ જ છે ભારતની વિશિષ્ટતા. આ જ છે ભારતના મહાન અવતારવરિષ્ઠ રામકૃષ્ણદેવની સંહતિ, તેનું પ્રતીક. ભલે શ્રીરામકૃષ્ણદેવ બ્રહ્મમય રહેતા પણ વ્યુત્થાન સમયે તેમની સમક્ષ રહેલાં રૂપ-રસ-ગંધ બધાંને બ્રહ્મમય જ જોતા. બધાયમાં હું અને મારામાં બધાય! આમ શ્રીરામકૃષ્ણ રાષ્ટ્રિય સંહતિ-એકતાનું શ્રેષ્ઠ પ્રતીક છે તેથી તેઓ અત્યંત પ્રાસંગિક છે.
**
Your Content Goes Here



