સંપાદકીય નોંધ : સ્વામી વિદેહાત્માનંદજી મહારાજ દ્વારા અનુવાદિત હિન્દી પુસ્તક ‘સ્વામી વિવેકાનંદ કી પાવન સ્મૃતિયાઁ’ માંથી વિરજા દેવીનાં સંસ્મરણનો શ્રીયજ્ઞેશભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
સને ૧૯૦૦ના માર્ચના પ્રારંભમાં ફ્રાંસિસ્કોના યુનિયન સ્કવેયરમાં આવેલ રેડમેન્સ હોલમાં ‘ભારતીય આદર્શાે’ પર સ્વામી વિવેકાનંદનાં ત્રણ વ્યાખ્યાનોની એક શૃંખલાનું આયોજન થયું હતું. આ શૃંખલાના પ્રથમ વ્યાખ્યાન વખતે જ મને પહેલીવાર એમને સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તે વખતે શારીરિક અને માનસિક બંને પ્રકારે થોડી નાદુરસ્ત હોવાને કારણે હું ઘણી મુશ્કેલીથી એ વ્યાખ્યાન સાંભળવા ગઈ હતી અને હાૅલમાં બેસીને સ્વામીજીની રાહ જોતાં જોતાં વિચારતી હતી કે એમનું વ્યાખ્યાન સાંભળવા આવવાની મેં કોઈ ભૂલ તો નથી કરીને! પરંતુ હોલમાં પ્રવેશ કરતાં સ્વામીજીના ભવ્ય વ્યક્તિત્વને જોતાં જ મારી બધી શંકાઓ દૂર થઈ ગઈ. લગભગ બે કલાક સુધી તેઓ અમને ભારતના આદર્શાે વિશે બતાવતા રહ્યા, એવું લાગ્યું જાણે તેઓ અમને પોતાના દેશમાં જ લઈ ગયા; કે જેથી અમે એમને સમજી શકીએ અને એમના દ્વારા શીખવવામાં આવતાં મહાન સત્યોની થોડી ઘણી અવધારણા કરી શકીએ. વ્યાખ્યાન પૂર્ણ થયા પછી મારો પરિચય સ્વામીજી સાથે કરાવવામાં આવ્યો, પરંતુ એમના અદ્ભુત વ્યક્તિત્વથી અભિભૂત હોવાને લીધે સંકોચવશાત્ હું એમની સામે કંઈ બોલી ન શકી અને થોડે દૂર બેસીને એમને જોતી રહી. તે સમયે વ્યાખ્યાન સંબંધી અન્ય કાર્યોમાં રત એવા મારા મિત્રોની રાહ પણ હું જોતી હતી. બીજા વ્યાખ્યાન પછી હું ફરી મારા મિત્રોની વાટ જોતાં જોતાં દૂર બેસીને સ્વામીજીને જોતી હતી. એ જ સમયે તેમણે મારી સામું જોયું અને મને પોતાની પાસે આવવા કહ્યું. તેઓ એક ખુરશી પર બેઠા હતા, ત્યાં તેમની સમક્ષ હું જઈને ઊભી રહી. તેમણે કહ્યું: ‘મેડમ, જો આપ મને અલગ મળવા માગતાં હો તો ટર્ક સ્ટ્રીટના મકાનમાં આવજો. ત્યાં કોઈ પૈસા થશે નહિ, રૂપિયા-પૈસાની કોઈ વાત નહિ.’
મેં કહ્યું: ‘હું આપને મળવા ઘણી ઉત્સુક છું.’ તેમણે કહ્યું : ‘કાલે સવારે આવી જજો.’ મેં એમનો આભાર માન્યો. મોટા ભાગની રાત તો એ વિચારવામાં વીતી ગઈ કે હું એમને શું શું પૂછીશ, કેમ કે મહિનાઓથી ઘણા પ્રશ્નો મને પરેશાન કરતા હતા. એના સમાધાન માટે હું ઘણા બધા પાસે ગઈ હતી પરંતુ કોઈ મને સહાયતા કરી શક્યું ન હતું. બીજે દિવસે સવારે તેમના નિવાસસ્થાને પહોંચતાં જ મને કહેવામાં આવ્યું કે સ્વામીજી બહાર જઈ રહ્યા છે એટલે કોઈને મળી નહિ શકે. મેં કહ્યું કે તેઓ જાણે છે કે હું આવવાની છું, એમણે જ કહ્યું હતું કે હું આવી શકું છું. એટલે મને પગથિયાં ચડીને બેઠકઘર સુધી જવાની અનુમતિ મળી ગઈ. થોડા સમય પછી જ સ્વામીજી એક લાંબો ઓવરકોટ તથા નાની ગોળ ટોપી પહેરીને ધીમા અવાજે કંઈ ગણગણતા ઓરડામાં આવ્યા. તેઓ ઓરડાની બીજી તરફની એક ખુરશી પર બેઠા અને પોતાના અપ્રતિમ અવાજમાં ધીમે ધીમે કંઈ ગાવા લાગ્યા. ત્યાર બાદ એમણે કહ્યું : ‘હા, તો મેડમ, કહો.’ હું કંઈ બોલી ન શકવાને કારણે રડવા લાગી અને એવી રીતે રડતી રહી જાણે કે મારી ભાવનાઓનો બંધ તૂટી ગયો હોય. સ્વામીજી થોડીવાર મંત્ર-ગાન કરતા રહ્યા અને પછી બોલ્યા : ‘કાલે આ જ સમયે ફરી આવજો.’
આ રીતે દેવસમાન સ્વામીજી સાથે મારે પ્રથમ મુલાકાત થઈ. પછી જ્યારે હું એમના ઓરડામાંથી બહાર જઈ રહી હતી ત્યારે મને જણાયું કે મારી બધી સમસ્યાઓનું સમાધાન થઈ ગયું છે, મારા પ્રશ્નોના ઉત્તરો મને મળી ગયા છે. જો કે એમણે મને કંઈ પૂછ્યું ન હતું. સ્વામીજીના આ મેળાપને હવે ૨૪થી પણ વધુ વર્ષ વીતી ચૂક્યાં હોવા છતાં પણ મારા જીવનના મહાન વરદાનરૂપે આજે પણ તેની સ્મૃતિ સ્પષ્ટ છે. જ્યારે હું ટર્ક સ્ટ્રીટ પર થતા સ્વામીજીના ધ્યાનના વર્ગાેમાં જતી હતી ત્યારે મને એક મહિના સુધી દરરોજ તેમનાં દર્શન કરવાનું અદ્ભુત સૌભાગ્ય મળતું હતું.
વર્ગ પૂરો થયા પછી હું ત્યાં જ રોકાતી અને રસોઈ બનાવવામાં એમને મદદ કરતી. એમ પણ કહી શકાય કે મને એમની સાથે રસોડામાં જવાની અને એમને નાનાં-મોટાં કાર્યોમાં મદદ કરવાની પરવાનગી મળી હતી. તે દરમિયાન તેઓ ભોજન બનાવવાની સાથે સાથે વેદાંતચર્ચા તથા શ્લોકની આવૃત્તિ પણ કરતા રહેતા. ગીતાના ૧૮મા અધ્યાયના ૬૧મા શ્લોકની તેઓ વારંવાર રટણા કરતા :
ઈશ્વર: સર્વભૂતાનાં હૃદ્દેશેઽર્જુન તિષ્ઠતિ —।
ભ્રામયન્ સર્વભૂતાનિ યંત્રારૂઢાનિ માયયા —।।
‘હે અર્જુન, ઈશ્વર બધાં પ્રાણીઓના હૃદયમાં નિવાસ કરે છે અને પોતાની માયાની શક્તિથી જાણે કે કુંભારના ચાક પર રાખીને ફેરવતા રહે છે.’ તેઓ સંસ્કૃતમાં આ શ્લોકની આવૃત્તિ કરતા રહેતા અને વચ્ચે વચ્ચે એના પર ચર્ચા કરવા માંડતા.
કયારેક તેઓ બાળક સમાન થઈ જતા તો ક્યારેક વેદાંત-સિંહ થઈ જતા! તેઓ એવા અદ્ભુત હતા! એમનો સ્વભાવ એટલો બહુમુખી હતો ! મારા માટે તો તેઓ હંમેશાં દયાળુ તથા સ્નેહમય પિતા જ રહ્યા. એમણે મને કહ્યું કે હું તેમને ‘સ્વામીજી’ એમ કહીને નહિ પરંતુ ભારતીય બાળકો જેમ સંબોધન કરે છે તેવી જ રીતે ‘બાબા’ કહીને સંબોધું. એક વખત વ્યાખ્યાન પછી જ્યારે હું સ્વામીજી સાથે પગપાળા જઈ રહી હતી ત્યારે અચાનક મને તેઓ ખૂબ જ વિરાટ દેખાવા લાગ્યા. સામાન્ય માણસોની તુલનામાં તેઓ ખૂબ ઊંચા જણાતા હતા. રસ્તા પર ચાલતા માણસો એમની તુલનામાં ઠીંગણા લાગતા હતા અને એમનું વ્યક્તિત્વ એટલું ભવ્ય હતું કે લોકો એમને રસ્તો આપવા એક બાજુ ખસી જતા હતા.
એક દિવસ વ્યાખ્યાન પછી સ્વામીજી અમને ૧૦-૧૨ વ્યક્તિઓને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ ગયા. અમારામાંથી કોઈએ આઈસ્ક્રીમ મગાવ્યો, તો કોઈએ આઈસ્ક્રીમ સોડા લાવવા કહ્યું. સ્વામીજીએ આઈસ્ક્રીમ અને કેટલીક આઈસ્ક્રીમ સોડા મગાવી. સ્વામીજી આઈસ્ક્રીમ પસંદ કરતા હતા; આઈસ્ક્રીમ સોડામાં તેમને રુચિ ન હતી. ઓર્ડર લેનારી પરિચારિકાએ ભૂલથી સ્વામીજીને આઈસ્ક્રીમ સોડા લાવી આપી, પણ તેમણે કહ્યું કે તે બદલીને માત્ર આઈસ્ક્રીમ લાવે. દુકાનનો માલિક પરિચારિકાને આ અંગે કંઈક કહી રહ્યો હતો અને તેની વાત સ્વામીજીના કાને પડી કે તરત જ તેઓ બોલી ઊઠ્યા: ‘બિચારી બાલિકાને ઠપકો આપતા નહીં. જો તેને વઢશો તો હું તમારો બધો આઈસ્ક્રીમ સોડા પી જઈશ.’
ટર્ક સ્ટ્રીટમાં એક મહિનો વિતાવ્યા બાદ સ્વામીજી આલામેડા ગયા અને ત્યાં ‘હોમ ઓફ ટ્રુથ’માં રોકાયા. તે એક સુંદર બાગથી ઘેરાયેલ વિશાળ ભવન હતું. સ્વામીજી ધૂમ્રપાન કરતાં કરતાં એ બાગમાં લટાર મારતા હતા. ભવનની સામે જ એક વિશાળ પરસાળ હતી, જ્યાં બેસીને તેઓ ત્યાં એકત્ર થયેલા લોકો સાથે ક્યારેક ક્યારેક વાર્તાલાપ કરતા રહેતા હતા. ઈસ્ટરના રવિવારની રાતે પૂર્ણિમા હતી. વિસ્ટેરિયાની વેલ પુષ્પોથી ભરપૂર હતી અને પરસાળને એક પડદાની જેમ ઢાંકી દીધી હતી. સ્વામીજી ધૂમ્રપાન કરતાં કરતાં પરસાળમાં બેઠા હતા અને સુંદર વાર્તાઓ સંભળાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે તેઓ શિકાગોમાં હતા ત્યારે એમનાં પગરખાં પગને કેવી રીતે ખૂંચતાં હતાં. પછી એમણે પોતાના પગના અંગૂઠાનો ઈલાજ કરનારી એક મહિલા ડોક્ટર વિશે પોતાનો અનુભવ વ્યક્ત કરતાં કહ્યું હતું : ‘અરે મારો અંગૂઠો, અરે ! મારો અંગૂઠો ! જ્યારે જ્યારે મને એ મહિલા ડોક્ટર યાદ આવતાં ત્યારે ત્યારે મારા અંગૂઠામાં પીડા થવા લાગતી.’
ટોળામાંથી કોઈકે એમને ત્યાગ વિશે કંઈ બોલવા કહ્યું. સ્વામીજીએ કહ્યું, ‘ત્યાગ ! વત્સ, ત્યાગ વિશે આપ સૌ શું સમજી શકશો !’ કોઈએ પૂછ્યું, ‘તો શું અમે એટલા નિમ્નકોટિના છીએ કે ત્યાગ વિશે સાંભળી પણ ન શકીએ ?’ સ્વામીજી એક ક્ષણ માટે ચૂપ થઈ ગયા પરંતુ પછી તેમણે જ્ઞાનગર્ભિત અને પ્રેરક વ્યાખ્યાન આપ્યું. પાશ્ચાત્ય લોકો માટે તદ્દન નવી જ પ્રણાલી – શિષ્યત્વ તથા ગુરુ પ્રતિ પૂર્ણ સમર્પણ – વિશે તેમણે કહ્યું.
આલામેડામાં રહેતી વખતે દર શનિવારે બપોર પછી સ્વામીજી સ્વયં ભારતીય વાનગી બનાવતા હતા. તે સમયે પણ મને એમની સાથે રહેવા અને એમણે બનાવેલ વ્યંજનોનો આસ્વાદ માણવાનું સૌભાગ્ય મળતું. અલબત્ત, મેં સ્વામીજીનાં સાન્ફ્રાંસિસ્કો અને આલામેડાનાં વ્યાખ્યાન સાંભળ્યાં હતાં છતાં પણ મારા માટે સ્વામીજી સાથે આ ઘનિષ્ઠ સંપર્કની સ્મૃતિઓ જ સર્વાધિક મધુર હતી. એક વખત થોડીવાર ચૂપ રહ્યા પછી સ્વામીજીએ કહ્યું: ‘મેડમ, ઉદાર બનો, સર્વદા બંને દૃષ્ટિથી જુઓ. જ્યારે હું ઉચ્ચ સ્તર પર રહું છું ત્યારે કહું છું ‘સોઽહમ્ – હું બ્રહ્મ છું’ અને જ્યારે મારા પેટમાં દર્દ થાય ત્યારે કહું છું ‘મા, મારા પર કૃપા કરો’. સદૈવ બંને દૃષ્ટિથી જુઓ. બીજા એક વખતે એમણે કહ્યું હતું : ‘સાક્ષી બનતાં શીખો. જો રસ્તા પર બે કૂતરા ઝઘડતા હોય અને હું ત્યાં પહોંચી જાઉં તો હું પણ એ ઝઘડામાં જોડાઈ જઈશ. પરંતુ જો હું મારા ઓરડામાં ચૂપચાપ રહી શકું તો હું બારીમાંથી જ એ લડાઈ જોઈ શકીશ. એટલા માટે સાક્ષી બનતાં શીખો.’
આલામેડામાં રહેતી વખતે સ્વામીજીએ ટકર હોલમાં વ્યાખ્યાન આપ્યાં હતાં. ‘મનુષ્યનું પરમ ભાગ્ય’ વિષય પર એક અદ્ભુત વ્યાખ્યાનનો ઉપસંહાર કરતાં પોતાના વક્ષ:સ્થલ પર હાથ રાખીને તેમણે કહ્યું: ‘હું ઈશ્વર છું.’ શ્રોતાઓમાં ભયમિશ્રિત સન્નાટો છવાઈ ગયો અને અનેક લોકોએ સ્વામીજીના આ કથનને ધર્મવિરોધી ગણાવ્યું.
એકવાર એમણે એવું કંઈક કર્યું કે જેનાથી મને થોડું આશ્ચર્ય થયું. પણ એમણે કહ્યું હતું : ‘મેડમ, તમે લોકો સદૈવ આ તુચ્છ બાહ્ય આચરણને જ મહત્ત્વ આપો છો. પરંતુ મહત્ત્વ બહારનાનું નહીં, પણ જે એની અંદર છે, તેનું છે.’
અમે સ્વામીજીને હજુ થોડાઘણા અંશે જ સમજી શક્યાં હતાં; અમને જરા સરખી પણ ખબર ન હતી કે વાસ્તવમાં તેઓ કોણ હતા. ક્યારેક તેઓ મને આ વિશે કહેતા પણ હું મારી અજ્ઞતાને લીધે એમને કહેતી કે મને તો એવું લાગતું નથી. એટલે તેઓ હસીને કહેતા: ‘નથી લાગતું?’ એમનો પ્રેમ અને સહનશક્તિ અદ્ભુત હતાં. એક પછી એક સતત વ્યાખ્યાન આપવાને લીધે સ્વામીજીનું સ્વાસ્થ્ય લથડી ગયું. તેઓ કહેતા કે મંચ પરનું કાર્ય એમને પસંદ નથી, ‘જાહેરમાં વ્યાખ્યાન મારા માટે મૃત્યુની પીડા સમાન છે. આઠ વાગ્યે મારે ‘પ્રેમ’ વિશે બોલવાનું છે, પરંતુ આઠ વાગ્યે મારામાં પ્રેમનું સ્ફુરણ જ નથી થતું.
આલામોડામાં વ્યાખ્યાનો પૂર્ણ થયા પછી સ્વામીજી કેમ્પ ટેલર ગયા. ત્યાર બાદ થોડા સમય પછી તેઓ ભારત ચાલ્યા ગયા અને અમે કેલિફોર્નિયાવાસીઓ એમને બીજી વાર જોઈ ન શક્યાં. જે લોકો એમના સંપર્કમાં આવ્યા હતા, તેમના માટે એ સ્વીકારવું મુશ્કેલ છે કે તેઓ સદાને માટે ચાલ્યા ગયા છે. તેઓ અમારી સ્મૃતિમાં અને એમણે આપેલા ઉપદેશોમાં આજે પણ જીવિત છે. વિદાય લેતાં પૂર્વે એમણે મને કહ્યું હતું કે જો હું કોઈ દિવસ પાછી માનસિક સંતાપ અનુભવું તો મારે એમને યાદ કરવા; તેઓ હજારો માઈલ દૂર હોવા છતાં સાંભળશે અને આ સમયે પણ તેઓ સાંભળતા જ હશે.
Your Content Goes Here



