સંપાદકીય નોંધ : ડૉ. એ.આર.કે. શર્માના પુસ્તક “Swami Vivekananda’s Leadership Formulas to become Courageous’ નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.
સ્વામી વિવેકાનંંદના જીવનની કેટલીક પ્રેરક ઘટનાઓ
દૃઢ સંકલ્પનો આશ્ચર્યજનક ગુણ સ્વામી વિવેકાનંદના જીવનની પ્રત્યેક ઘટનામાં જોવા મળે છે. એમાંથી અહીં કેટલીક ઘટનાઓનું વિવરણ આ પ્રમાણે છે.
ક) સ્વામી વિવેકાનંદની અસાધારણ દૃઢતા
આપણે સ્વામી વિવેકાનંદના નિરંતર પ્રયાસની એક ઝલક અહીં મેળવી શકીએ છીએે, એમાં એમણે મદ્રાસના પોતાના એક શિષ્યને લખેલા પત્રમાં પોતાના હૃદયના કેટલાક ઉદ્ગાર વ્યક્ત કર્યા છે. આ પત્રનો કેટલોક અંશ અહીં આપીએ છીએ :
‘હું આખી જિંદગી વિપત્તિ અને અત્યાચારોમાં ઘસડાયો છું; સ્વજનો અને સ્નેહીઓને લગભગ ભૂખમરાથી મરતાં મેં જોયાં છે; ઉપહાસ અને અવિશ્વાસનો હું ભોગ બન્યો છું તથા જે માણસો મન હસી કાઢે અને તિરસ્કારે તેમના જ પ્રત્યે સહાનુભૂતિ દાખવવા માટે મારે ઘણું સહન કરવું પડ્યું છે. પણ વત્સ ! જેમ આ જગત વિપત્તિની શાળા છે, તેમ મહાત્માઓ અને પયગમ્બરોને માટે એ દયા, ધૈર્ય, તેમજ મુખ્યત્વે તો પગ પાસે વિશ્વના ચૂરેચૂરા થાય તો પણ ડગે નહિ એવું મનોબળ કેળવવાની પણ શાળા છે. હું તેમની દયા ખાઉં છું. તેઓનો કંઈ દોષ નથી. સમાજમાં ભલે તેઓ મોટા હોય અને ઉચ્ચ સ્થાને વિરાજતા હોય; છતાં તેઓ બાળકો છે, ખરેખર બાળકો છે… તેમની ઊંઘમાં કદી ખલેલ પડતી નથી. સદીઓના જુલમનાં પરિણામરૂપે ભારતમાં પ્રવર્તી રહેલા સંતાપો, દુ :ખ, અધ :પતન અને ગરીબીની ચીસો, તેમનાં જીવનરૂપી સુંદર દીવાનખાનાંમાં કદાપિ ખલેલ પાડતાં નથી. યુગોથી ચાલ્યા આવતા, માનસિક, નૈતિક અને શારીરિક જુલમોએ પ્રભુની પ્રતિકૃતિ સમા મનુષ્યને કેવળ ભારવાહી પશુની કોટિમાં ઉતારી દીધો છે.
…દુ :ખી મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને સહાય માટે ઊંચે – અર્થાત્ ઈશ્વર પ્રત્યે – નજર કરો. એ સહાય ‘અચૂક આવી મળશે.’ મારા હૃદય પર આ બોજો ધારણ કરીને અને મગજમાં આ વિચાર રાખીને બાર બાર વર્ષો સુધી હું ભટક્યો છું. કહેવાતા ધનિકો અને મોટા માણસોને ઘેર ઘેર ધક્કા ખાધા છે. સહાયની શોધમાં, લોહી નીંગળતા હૃદયે, અર્ધી દુનિયા ઓળંગીને હું આ પરદેશની ભૂમિ ઉપર આવેલો છું. ઈશ્વર મહાન છે; હું જાણું છું કે તે મને સહાય કરશે. આ ભૂમિમાં ટાઢથી કે ભૂખથી ભલે મારું મૃત્યુ થાય; પણ યુવાનો, ગરીબ, અજ્ઞાન અને દલિતો માટેનો આ જંગ અને સહાનુભૂતિની ભાવના હું તમને વારસામાં સોંપું છું.’ (સ્વા.વિ. ગ્રંથમાળા : ૬.૯૨-૯૪)
ખ) એક દિવસ કે એક વર્ષમાં વિજય મેળવવાની આશા ન રાખો
મદ્રાસમાં સ્વામી વિવેકાનંદના એક મિત્ર ડાૅક્ટર નંજુન્દારાવે એમની પાસેથી મદદ માગી હતી. એમને લખેલા પત્રમાં સ્વામીજી એમને દૃઢસંકલ્પ સાથે કાર્ય કરવાનો સંદેશ આપે છે :
ન્યૂયોર્ક,
૧૪ એપ્રિલ, ૧૮૯૬
પ્રિય ડૉ. નન્જુન્દ રાવ,
આજે સવારે તમારો પત્ર મળ્યો. હું આવતીકાલે ઈંગ્લેન્ડ જવા માટે રવાના થવાનો છું. એટલે થોડીક પ્રેમભરી પંક્તિઓ જ લખી શકીશ. બાળકો માટે તમે જે પત્રિકા પ્રગટ કરવાનું ધારો છો તેના પ્રત્યે મારી સંપૂર્ણ સહાનુભૂતિ છે અને એને આગળ ધપાવવા માટે મારાથી બનતું હું કરીશ. ‘બ્રહ્મવાદિન્’ની જ પદ્ધતિએ ચલાવીને તમારે તેને સ્વતંત્ર બનાવવું જોઈએ; માત્ર શૈલી તથા વિષયોને ઘણા વધુ લોકભોગ્ય બનાવવાં. દાખલા તરીકે, સંસ્કૃત સાહિત્યમાં અહીંતહીં ચારે બાજુએ વિખરાયેલી પડેલી પેલી અદ્ભુતકથાઓ ફરીથી લખીને તેમને લોકપ્રિય બનાવવાની તક તમે સ્વપ્નમાંય ધાર્યું હોય તેના કરતાં વધુ મોટી છે. આવી વાર્તાઓનું લેખન એ તમારા સામયિકની એક ખાસ વિશિષ્ટતા હોવી ઘટે. વખત મળશે ત્યારે હું પણ મારાથી બનશે એટલી વાર્તાઓ લખીશ. પત્રને પાંડિત્યપૂર્ણ બનાવવાનો જરા પણ પ્રયાસ કરશો નહિ; એ માટે તો ‘બ્રહ્મવાદિન્’ પત્ર છે; આમ કરશો તો મારી ખાતરી છે કે તમારું માસિક ધીમે ધીમે જગતમાં બધે પોતાનો રસ્તો કરતું જશે. ભાષા બને તેટલી સરળ વાપરજો તો તમને જરૂર સફળતા પ્રાપ્ત થશે. એ સામયિકનો મુખ્ય હેતુ વાર્તાઓ દ્વારા ‘સિદ્ધાંતો’નો ઉપદેશ આપવાનો હોવો જોઈએ. એને તત્ત્વજ્ઞાનથી ભરપૂર બિલકુલ બનાવશો નહિ …. ભારતવર્ષમાં આપણામાં જે બાબતની ઊણપ છે તે છે સંકલનશક્તિની, વ્યવસ્થાશક્તિની અને એની પહેલી ચાવી છે આજ્ઞાપાલન.
…. વીરતાપૂર્વક આગળ ધપો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશાં સર્વોચ્ચ વસ્તુને વળગી રહો. મક્કમ બનો. ઈર્ષ્યા અને સ્વાર્થવૃત્તિને તિલાંજલિ આપો. જો તમે આજ્ઞાપાલક અને સત્ય, માનવતા અને તમારા દેશનાં કાર્ય, એ પ્રતિ એકનિષ્ઠ રહેશો તો જગત આખાને હચમચાવી શકશો. યાદ રાખજો કે શક્તિનું રહસ્ય છે ‘વ્યક્તિ’ એટલે કે જીવન, અન્ય કશું જ નહિ. આ પત્રને સાચવી રાખજો અને જ્યારે જ્યારે મનમાં ઈર્ષ્યા કે અકળામણ થઈ આવે ત્યારે ત્યારે એની અંતિમ પંક્તિઓ વાંચી જજો. ઈર્ષ્યા એ તમામ ગુલામોનું હળાહળ છે; આપણા રાષ્ટ્રોનું એ જ વિષ છે. એનો હંમેશાં ત્યાગ કરજો. તમારું કલ્યાણ થાઓ અને તમને સફળતા સાંપડૉ.
પ્રેમપૂર્વક તમારો,
વિવેકાનંદ
(સ્વા.વિ. ગ્રંથમાળા : ૭.૩૪-૩૫)
ગ) વિસ્મયકારી દૃઢસંકલ્પ : સ્વામી વિવેકાનંદ તામિલ ભાષા શીખવા ઇચ્છે છે
૧૮૯૬માં લંડનથી પોતાના મદ્રાસના એક શિષ્ય આલાસિંગાને લખેલા પત્રમાં સ્વામી વિવેકાનંદે પોતાની વિસ્મજનક દૃઢતાનો પરિચય આપ્યો છે. એ સમયે સ્વામી વિવેકાનંદ વેદાન્ત દર્શન વિશે લેખ લખી રહ્યા હતા. એમણે આલાસિંગાને કહ્યું કે તે એમને વેદાન્ત પર લખેલ પુસ્તકનું તામિલ સંસ્કરણ એમના લંંડનના સરનામે મોકલે તથા એની સાથે તમિળભાષાના અક્ષર તથા શબ્દની સાથે એમના હિન્દી સમતુલ્ય શબ્દ પણ એક પાના પર લખીને મોકલે. એટલે તેઓ તમિળના અક્ષર શીખી શકે તથા ઉપનિષદનું તમિળ સંંસ્કરણ વાંંચી શકે.
૧૪, ગ્રે કોટ ગાર્ડન્સ,
વેસ્ટમિંસ્ટર, લંડન, ૧૮૯૬
પ્રિય આલાસિંગા,
હું વેદાન્ત ફિલસૂફી વિશે કશુંક વિશાળ પાયા ઉપર લખવાની પ્રવૃત્તિમાં પડ્યો છું. વેદાંતની ત્રણ દૃષ્ટિઓને અનુલક્ષીને જુદા જુદા વેદોમાં આવેલા ફકરાઓ એકઠા કરવાનાં કાર્યમાં હું ગૂંથાયેલો છું. સંહિતાઓ, બ્રાહ્મણો, ઉપનિષદો અને પુરાણોમાંથી પહેલાં અદ્વૈતવાદ, પછી વિશિષ્ટાદ્વૈતવાદ અને ત્યારબાદ દ્વૈતવાદને લગતા ફકરાઓ એકઠા કરવા માટે કોઈકને કામે લગાડીને તમે મને મદદ કરી શકો. દરેક કિસ્સામાં, એ ફકરાઓનું વર્ગીકરણ કરવું અને દરેક પુસ્તકનું નામ અને પ્રકરણ આપીને સુવાચ્ય અક્ષરોમાં એ લખવા. ફિલસૂફીમાંથી થોડું પણ એકાદ પુસ્તક રૂપે પાછળ મૂકી ગયા વગર પશ્ચિમને છોડી જવું એ તો એક દુ :ખદ ઘટના કહેવાય.
મૈસૂરમાં તામિલ લિપિમાં લખેલું એક પુસ્તક પ્રસિદ્ધ થયેલું છે; તેમાં બધાં એકસો આઠ ઉપનિષદોનો સમાવેશ કર્યો છે. મેં એ પુસ્તક પ્રોફેસર ડોયસનના પુસ્તકાલયમાં જોયું. એ જ પુસ્તકની દેવનાગરી લિપિમાં પુનર્મુદ્રિત પ્રત મળી શકશે ? જો એ મળી શકે એમ હોય તો મને એક નકલ મોકલજો. જો એ પુસ્તક ન મળે તો મને તામિલ આવૃત્તિ મોકલશો અને એક કાગળ ઉપર તામિલ મૂળાક્ષરો અને જોડાક્ષરો પણ લખી આપશો અને બધાની પાસે એના નાગરી સમાનાક્ષરો મૂકશો કે જેથી હું તામિલ અક્ષરો શીખી શકું. (સ્વા.વિ. ગ્રંથમાળા : ૭.૧૦૦)
ઘ) ક્યારેક ક્યારેક ઘણું સહન કર્યા પછી, પણ એની કોઈ વાત નથી
સ્વામી વિવેકાનંદે પોતાના એક મિત્ર સુશ્રી બહેન ક્રિસ્ટીનને ફ્રેચમાંં લખેલો આ પત્ર દૃઢ સંકલ્પનું ફળ અવશ્ય મળે છે એ વાત દર્શાવે છે.
૬ પ્લેસ, ડેસ ઈટેટ્સ, યુનિસ,
પેરિસ
૧૪ ઓકટોબર, ૧૯૦૦
(સિસ્ટર ક્રિસ્ટીન)
મારા જીવનના અનુભવથી હું એટલું શીખ્યો છું કે જેને માટે હું ખંતથી શોધ કરું છું તે મને મળે છે. કેટલીકવાર એ પ્રાપ્તિ ઘણું સહન કર્યા પછી થાય છે, પણ તેનો કાંઈ વાંધો નથી ! મળેલા ફળની હૂંફમાં બધું જ ભુલાઈ જાય છે. મિત્ર ! તમે પણ તકલીફોમાંથી પસાર થાઓ છો, પણ તમને પણ તેનું સુફળ મળશે જ. દિલગીરીની વાત માત્ર એટલી જ છે કે અત્યારે તમને જે મળે છે તે સુફળ નહીં પણ વધારાની તકલીફ જ છે.
મારાં સત્કર્મોનો સૂર્ય જાજવલ્યમાન, સુંદર અને તેજસ્વી રીતે ઊગતો દેખું છું. મિત્ર ! તમારી બાબતમાં પણ આમ જ બનશે. આ ભાષાનું મારું જ્ઞાન મારી લાગણી સંપૂર્ણ રીતે વ્યક્ત કરાવી શકે તેટલી શક્તિ ધરાવતું નથી. પણ કઈ ભાષા ખરેખર તે વ્યક્ત કરી શકે ?
માટે તે હું પડતું મૂકું છું અને મારી ભાવનાઓને નરમ, સ્નેહાળ અને તેજસ્વી ભાષાનાં કપડાં પહેરવાનું તમારા અંત :કરણ પર છોડું છું. શુભરાત્રિ!
તમારો શ્રદ્ધાસ્પદ મિત્ર,
વિવેકાનંદ
(સ્વા.વિ.ગ્રંથમાળા : ૭.૪૫૯)
ચ) ગભરાઓ નહીં, કોઈ વસ્તુ
ચિરસ્થાઈ નથી
કુમારી માર્ગારેટ નોબેલને લખેલા આ પત્રમાં સ્વામી વિવેકાનંદ એમને નિરંતર પ્રયાસની ભાવના વિકસિત કરવા માટે પ્રેરે છે.
રીજલે,
૧ નવેમ્બર, ૧૮૯૯
પ્રિય બહેન માર્ગાેટ,
(ભગિની નિવેદિતા)
…. એમ જણાય છે કે તમારા મન પર એક જાતનો વિષાદ છવાયો છે. ચિંતા ન કરશો. કશું કાયમ રહેવાનું નથી. ગમે તેમ પણ જીવન શાશ્વત નથી. એટલી એની મહેરબાની ! અરે, હજી અસંખ્ય યુગો સુધી – શક્ય હોય તો વસ્તુસ્થિતિ સુધરે નહિ ત્યાં સુધી – જગતના સર્વ શ્રેષ્ઠોના અને વીરોના ભાગ્યમાં કષ્ટ જ લખાયું છે. ઓછામાં ઓછી તે એક સાધના છે કે જે સ્વપ્ન ભાંગી નાખે છે. જે ક્ષણોમાં હું સ્વસ્થ હોઉં છું તે વેળા મારાં એ કષ્ટો માટે હું રાજી થાઉં છું. આ જગતમાં કોઈકે તો દુ :ખ ભોગવવું જ જોઈએ. કુદરતના આ નિયમના ભોગ બનેલા બીજાઓમાં હું પણ છું તેનો મને આનંદ છે.
ભવદીય,
વિવેકાનંદ
(સ્વા.વિ.ગ્રંથમાળા : ૭.૩૩૧)
Your Content Goes Here



