ખુશે સ્વામી વિવેકાનંદના આદર્શ ‘માનવ સેવા એ જ પ્રભુની સેવા’નું અનુસરણ કર્યું, એ વાત આપણે અગાઉ જોઈ, હવે આગળ…
પ્રકરણ : ૧૧
પહેલ કરવાની ભાવના માટે ખુશે
સ્વામી વિવેકાનંદનું અનુસરણ કર્યું
એક દિવસ ખુશને સ્વામી વિવેકાનંદના બાળપણની એક પ્રેરણાદાયી ઘટનાનું વર્ણન કરતાં તેનાંં દાદીજીએ કહ્યું, ‘નરેન્દ્ર બાળપણમાં ઘણો ચંચળ સ્વભાવનો હતો. સાથે ને સાથે તેના મિત્રો ક્યારેય કલ્પના પણ ન કરી શકે, એવાં સાહસિક કાર્ય કરતો રહેતો. એક દિવસ તે પોતાના કેટલાક મિત્રો સાથે કોલકાતાના બંદર પર ગયો. ત્યાં તેઓ એક યુદ્ધ જહાજ જોવા ઇચ્છતા હતા. પરંતુ ત્યાંના દરવાને કહ્યું કે તે માટે તેમણે અધિકારીની પરવાનગી લેવી જરૂરી છે. નરેન્દ્રે એ અધિકારીનું ઠામઠેકાણું પૂછી લીધું અને પોતાના મિત્રો સાથે તેના કાર્યાલયમાં ગયો. ત્યાં બીજા એક દરવાને તેને અટકાવ્યો અને કહ્યું કે બાળકોને આ કાર્યાલયમાં પ્રવેશ કરવાનો નિષેધ છે. નરેન્દ્રે જોયું તો જે પરવાનગીનો પાસ આપે છે તે અધિકારીનું કાર્યાલય પહેલા માળે છે. તેણે પાછળની બાજુએ એક ગોળાકાર લોખંંડની સીડી જોઈ. તે સીડી અધિકારીના કાર્યાલય સુધી જતી હતી. એ જ દિવસોમાં કોઈ પણ મોટેરા બ્રિટિશ અમલદારને મળતા ગભરાતા. પરંતુ નરેન્દ્ર તો તે સીડી પરથી અધિકારીના કાર્યાલયમાં દાખલ થઈ ગયો. બ્રિટિશ અધિકારીએ પણ બાળક નરેન્દ્રનો ઉત્સાહ જોઈને તેને પાસ આપી દીધો. પાછા ફરતી વખતે નરેન્દ્રે પરવાનગીનો પાસ પેલા દરવાનને બતાવ્યો, દરવાને આશ્ચર્યથી પૂછ્યું કે તે ઓરડા સુધી કેવી રીતે પહોંચ્યો. નરેન્દ્રે નટખટતાપૂર્વક કહ્યું કે તે એક જાદુગર છે. પછી નરેન્દ્ર અને તેના મિત્રોએ તે યુદ્ધ જહાજને આનંદપૂર્વક નિહાળ્યું.’
ખુશે સ્વામી વિવેકાનંદની પહેલ કરવાની ભાવનાનું અનુસરણ કર્યું
ખુશને સ્વામી વિવેકાનંદના જીવનની આ ઘટના પરથી ઘણી પ્રેરણા મળી. તે ઘટનામાં તેમણે હિંમતપૂર્વક પહેલ કરવાની ભાવના બતાવીને પોતાના મિત્રો સાથે કોલકાતા બંદર પરનું યુદ્ધ જહાજ જોયું હતું. ખુશ પણ એવા અવસરની રાહ જોવા લાગ્યો કે જેનાથી તે પોતાના નાના એવા બાળવિશ્વમાં આ સિદ્ધાંતની મદદથી પહેલ કરવાની ભાવના બતાવી શકે. થોડા દિવસો પછી રાજકોટમાં એક મહિના માટે એક સરકસ કંપની આવી. તેનો ચારે બાજુ પ્રસાર-પ્રચાર થતો હતો. તે સરકસ ખુશના ઘરની પાસે જ ઊતર્યું હતું.
તેણે વિચાર્યું કે નાનાં બાળકો માટે પશુઓ જોવાની વિશેષ રજા મળી જાય તો કેવું સારું! જેવો ખુશ સરકસના પ્રબંધકને મળવા ગયો તો તેને બારણે ઊભેલ એક વિચિત્ર ચહેરાવાળા દરવાને રોકી દીધો. ખુશે ત્યારે સરકસના પ્રબંધકને મળવાનો કોઈ બીજો વિકલ્પ શોધવાનું વિચાર્યું. તે સરકસની પાછળની બાજુએ ગયો અને ત્યાંની દીવાલને કૂદીને ઓળંગવાનું વિચાર્યું. સરકસના પ્રબંધકનું કાર્યાલય ત્યાં હતું. પરંતુ કમભાગ્યે દીવાલ પરની તેની પકડ છૂટી ગઈ અને તે નીચે પડી ગયો. તે જોરથી રડવા લાગ્યો, કારણ કે પડવાથી તેને ઘણી પીડા થતી હતી.
સરકસના પ્રબંંધકે પોતાની બારીમાંથી તેને જોયો અને તરત જ તે ત્યાં આવી પહોંચ્યો. ખુશ બાળકો માટે વિશેષ અનુમતિ મેળવવા ઇચ્છો હતો, એ પ્રબંંધકે જાણ્યું. તેમણે જોયું કે તેના ડાબા હાથના હાડકામાં લાગ્યું હતું અને તેનાથી તેને ઘણી પીડા થતી હતી. ખુશને તત્કાલ ચિકિત્સાની આવશ્યકતા હતી. તેમણે તેને આશ્વાસન આપતા કહ્યું કે તેઓ બાળકો માટે પશુઓને જોવાની પરવાનગી આપી દેશે. પછી તેવો ખુશને પ્રાથમિક ઉપચાર માટે ડાૅક્ટર પાસે લઈ ગયા. ખુશના ડાબા હાથ પર પાટો બાંંધી દીધો અને એ હાડકું બરાબર થવામાં લગભગ એક સપ્તાહ વીતી ગયું.
ખુશનાંં માતાપિતા અને વૃદ્ધ દાદા-દાદીજીને તેને હાથે પાટો બાંંધેલો જોઈને ખૂબ દુ:ખ થયું, પરંતુ તેના આ સાહસિક કાર્ય માટે તેમણે તેના માટે ગર્વ પણ અનુભવ્યો. તેમણે ખુશને ઠપકો ન આપ્યો, કારણ કે તેનાથી તેના આત્મવિશ્વાસની ભાવના પર આઘાત લાગે તેમ હતો.
ખુશ પોતાના મિત્રો સાથે સરકસમાં જાય છે
થોડા જ સમયમાં ખુશનો હાથ સારો થઈ ગયો અને તે ગર્વપૂર્વક પોતાના મિત્રોને સાથે લઈને સરકસના પ્રબંંધક મહોદય પાસેથી મેળવેલ
પાસની મદદથી સરકસ જોવા ગયો. સરકસના અંતેવાસીઓએ બાળકોને સમજાવ્યું કે કેવી રીતે તેઓ જંગલી પશુઓને સરકસમાં પોતાનાં કળાકૌશલ બતાવવા તાલીમ આપે છે. એમણે ખુશ અને તેના મિત્રોને બતાવ્યું કે પશુઓની સ્મૃતિશક્તિ મનુષ્યની સરખામણીમાં ઘણી અલ્પકાલીન હોય છે.
તેઓ વધારે સમય સુધી પોતાના મનને એકાગ્ર રાખી શકતાં નથી. એટલે પશુઓને એક નાના એવા અભ્યાસ માટે પણ વધારે સમયની અને વધારે ધૈર્યની જરૂર પડે છે.
બધાં બાળકો ખૂબ રાજી થઈને સરકસના એક વિશેષ દર્શન કરીને પોતાના ઘરે પાછા આવ્યાં અને પોતાના ઘરના મોટેરાઓને તેઓ ઉત્સાહપૂર્વક સરકસની ઘણી વાતો કહેવા લાગ્યા. જો કે ડાબા હાથનું હાડકું જરા તૂટી જવાથી ખુશને થોડી પીડા ભોગવવી પડી, પરંતુ તેની ઉપલબ્ધિના આનંદના પ્રમાણમાં જાણે કે તેને પોતાના દર્દનો અનુભવ ઓછો થયો.
સ્વપ્નજગતમાં ખુશની બૂલેટ ટ્રેઈનમાં યાત્રા
પહેલાંની જેમ ખુશ પોતાની સફળતાને સ્વામી વિવેકાનંદ સાથે સ્વપ્નલોકમાં કહેવા ઇચ્છતો હતો. એ રાત્રે તે તરત જ સૂવા માટે પોતાની પથારીમાં પડ્યો અને ધીરે ધીરે પોતાના સ્વપ્નલોકમાં પહોંચી ગયો. તરત જ તેણે પોતાની જાતને એક અત્યંત આધુનિક રેલવે સ્ટેશન પર ઊભેલો જોયો અને તેણે જોયું કે સ્વામી વિવેકાનંદ પ્લેટ ફોર્મ પર એક બૂલેટ ટ્રેઈનમાં બેસીને આવે છે. અને તેમણે ખુશને પણ એ ટ્રેઈનમાંં અંદર આવવા કહ્યું. બૂલેટ ટ્રેઈન ચુંબકીય સિદ્ધાંત પર ચાલે છે એ બીજી સાધારણ રેલગાડીઓ કરતાં અનેક રીતે વિલક્ષણ હોય છે. આ બૂલેટ ટ્રેઈન પ્રતિકલાકે ૫૦૦ કિ.મી. નું અંતર કાપે છે. જ્યારે બીજી સામાન્ય રેલગાડીઓ દરકલાકે ૧૪૦કિ.મી.નું અંંતર કાપે છે. આ ટ્રેઈનોનું કાર્બન મિશ્રિત ફાઈબર દ્વારા નિર્માણ કરવામાં આવે છે. તેનું વજન ઘણું ઓછું હોય છે, કારણ કે આ ચૂંબકીય રેલગાડીઓમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ રેલગાડીઓનું એન્જિન એક તલવારના આકાર જેવું દેખાય છે, કારણ કે તેને એરોડાઈનેમિક સિદ્ધાંતના આધારે તૈયાર કરવામાં આવે છે. તેમાં નીચેની તરફ પાટા પર ચાલનારા લોખંડના પૈડાં નથી હોતાં. તેને ચલાવવા માટે ડિઝલ કે વિદ્યુત એન્જિનની જરૂર પડતી નથી. તેમાં એક વિશિષ્ટ પ્રકારની ઈલેક્ટ્રિક કોઈલ્સ જોડાયેલી રહે છે. એ મેગ્નેટિક ફિલ્ડ – ચૂંબકીય ક્ષેત્ર તૈયાર કરે છે. એની મદદથી આ ટ્રેઈન વધારે ઝડપથી આગળ ધપે છે. રેલગાડીના ડબ્બા ચાલતી વખતે પાટાને સ્પર્શ કરતાંં નથી. એ ડબ્બા પાટાથી લગગભ ૧ થી માંડીને ૧૦ સે.મી.થી ઉપર જ રહે છે. પાટાથી ઉપરને ઉપર ચાલવાનું એટલા માટે સંભવ બને છે કે પાટા પર લાગેલ મેગ્નેટિક કોઈલ્સ અને ડબ્બાની નીચે એક વિશાળકાય મેગ્નેટની વચ્ચે એક વિરુદ્ધ શક્તિ (રિપેલીંગ ફોર્સ) તૈયાર થાય છે. આ જ કારણથી ટ્રેઈન અને પાટાની વચ્ચે કોઈ ઘર્ષણ થતું નથી અને તે દર કલાકે પ૦૦ કિ.મી.ની ઝડપે દોડે છે.
આ ટ્રેઈન ઘણી ઘાટીઓ, પહાડોને પસાર કરીને માર્ગમાં આવતાં અનેક નાનાં મોટાં નગરોમાં થઈને પસાર થાય છે. માર્ગમાં સ્વામી વિવેકાનંદે ચારિત્ર્ય નિર્માણના મહત્ત્વને સમજાવતા ખુશને કહ્યું, ‘સાંભળ ખુશ, તારે એક ઉજ્જવળ ચારિત્ર્યનું નિર્માણ કરવું પડશે. જો કોઈ સતત ખરાબ કે અભદ્ર વાતો સાંભળતો રહે, ખરાબ વિચાર કરતો રહે, બૂરાં કામ કરતો રહે તો તેના મગજ પર તેનો હંમેશાં માઠો પ્રભાવ પડે છે. સાથે ને સાથે એનો પ્રભાવ અને એના વિચાર પર અને કાર્યો પર અવશ્ય પડવાનો જ. આ વિશે તે અજાણ રહેતો હોવા છતાં પણ.. તે જાણે કે એક મશીનની જેમ તેમનાથી પ્રભાવિત થતો રહેશે અને તે બધા તેની પાસે ખરાબ કાર્યો કરાવશે. આવી રીતે જ્યારે કોઈ વ્યક્તિ સારા વિચારોને આશ્રય આપે છે, સારાં કર્મ કરે છે, તો આ બધા પ્રભાવોના સરવાળે ભલું જ થાય છે. અને તેઓ એ જ રીતે એ વ્યક્તિને ભલાં કર્મ કરવા પ્રેરે છે. …જ્યારે એવું થાય છે ત્યારે એ વ્યક્તિના ચારિત્ર્યનું નિર્માણ સંભવ બને છે. એક સુદૃઢ ચારિત્ર્ય જ પોતાના માર્ગમાં આવનારી વજ્રથીએ કઠોર મુશ્કેલીઓની દીવાલોને તોડીને તે પોતાનો રસ્તો બનાવી લે છે.’
જ્યારે ખુશ વિભિન્ન શહેરોમાં થઈને પોતાની યાત્રાનો આનંદ લઈ રહ્યો હતો ત્યારે તેણે સાંભળ્યું કે તેનો ભાઈ તેને પથારી પરથી ખેંચીને સ્વપ્ન જગતમાંથી આ જગતમાં આવવા માટે જગાડી રહ્યો છે. તે કહેતો હતો કે તેને શાળાએ જવાનું મોડું થાય છે. ખુશ હવે પોતાના સ્વપ્ન જગતમાંથી બહાર આવ્યો અને ઝડપથી શાળાએ જવાની તૈયારી કરવા લાગ્યો.
પ્રકરણ : ૧૨
ખુશ ઉચ્ચમાધ્યમિક શાળામાં પહોંચ્યો
ખુશના સ્વપ્નલોકમાં સ્વામી વિવેકાનંદ સાથે મળ્યાને હવે એક વર્ષ વીતી ગયું છે અને એ દરમિયાન ઘણી વાતો શીખી લીધી છે. સાથે ને સાથે પોતાના ચારિત્ર્યનું નિર્માણ પણ ઘણી સારી કરી લીધું છે, પરિણામે ખુશ ધોરણ પાંચની વાર્ષિક પરીક્ષામાં પોતાના વર્ગમાં વિશેષ યોગ્યાતા સાથે સર્વપ્રથમ આવ્યો છે. એનું કારણ એ છે કે તે વર્ગમાં શિક્ષકે ભણાવેલા પાઠને ધ્યાનથી સાંભળતો અને ઘરમાં પણ ઘણી એકાગ્રતા સાથે વાંચતો. હવે તેની ઉનાળાની રજાઓ પૂરી થવાની છે અને પછીના સત્રમાં તે શાળામાં છઠ્ઠા ધોરણમાં ભણવા જશે. ખુશ માટે આ એક મોટી વાત છે. હવે તે નિમ્ન પ્રાથમિક શાળામાંથી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવાનો હતો અને એમની શાળાનો ગણવેશ તેમજ ટાઈ વગેરે ઉચ્ચતર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સમાન રહેશે.
ખુશને પોતાના સ્વપ્નલોકમાં હવે સ્વામી વિવેકાનંદનાં પરાર્શ અને સહાયતાની ઘણી આવશ્યકતા હતી કારણ કે હવે તે ઉચ્ચતર પ્રાથમિક શાળાના અભ્યાસમાં ક્રમશ: ઉન્નતિ કરવા ઇચ્છતો હતો. ઉચ્ચતર પ્રાથમિક વિદ્યાલયમાં પ્રવેશ લેવામાં હવે એક દિવસ બાકી હતો. ખુશ એ રાત્રે સ્વપ્નલોકમાં સ્વામી વિવેકાનંદ પાસે આશીર્વાદ લેવા માટે જલદીથી પથારીમાંથી બેઠો થઈ ગયો. તરત જ સ્વામી વિવેકાનંદ તેના સ્વપ્નલોકમાં પ્રગટ થયા અને કહ્યું, ‘બેટા, હવે તું મોટો થઈ ગયો છે. એક વર્ષથી આપણે બન્ને મળી રહ્યા છીએ. તેં ઘણી વાતો શીખી લીધી છે અને એમનું ઉચ્ચ આચરણ પણ કરી લીધું છે. એનાથી તારા જીવનનો પાયો પાકો તૈયાર થઈ ગયો છે અને ભવિષ્યમાં તું મોટો થઈને એક મહાન વ્યક્તિ બનીશ. સાંભળ બેટા; હું એક અશરીરીવાણી છું, પરંંતુ સ્વપ્નજગતમાં તારા નાના એવા મનને પ્રસ્ફુટિત કરવા મેં અનેક રૂપ ધારણ કર્યાં હતાં. હું અશરીરીવાણી હોવાને કારણે એવું બની શકે છે કે હવે સ્વપ્નલોકમાં ભિન્નભિન્ન રૂપો લઈને ઉપસ્થિત નહીં થઈ શકું. પરંતુ હું સદૈવ તને પ્રેરણા આપતો રહીશ. જ્યારે પણ તું પોતાની ભીતર જોઈશ ત્યારે તું સદૈવ પોતાની ભીતર મારી આ દિવ્યવાણીને સાંભળી શકશે. હું તને મારા પોતાના હાર્દિક આશીર્વાદ આપું છું.’ આમ કહીને સ્વામી વિવેકાનંદ અન્તર્ધાન થઈ ગયા.
જેવો બીજે દિવસે સવારે ખુશ ઊંઘમાંથી જાગ્યો ત્યારે તે પૂર્ણ ઉત્સાહ અનુભવતો હતો. આજે તે નિમ્નપ્રાથમિક વિદ્યાલયમાંંથી ઉચ્ચતર પ્રાથમિક વિદ્યાલયમાં સ્થાનાંતરિત થઈ જશે. તેણે પોતાના નવા ગણવેશ સાથે નવી ટાઈ પહેરી હતી. પોતાના નવાં પુસ્તકો દફતરમાં રાખીને તે પોતાની શાળા તરફ આત્મવિશ્વાસ સાથે જવા લાગ્યો. જેવો તે વિદ્યાલયમાં પ્રવેશ્યો ત્યારે તેનું મગજ ઉચ્ચ વિચારોથી ભરાઈ ગયું.
આપણે ખુશને તેની ઉચ્ચતર પ્રાથમિક શાળાના અભ્યાસ માટે શુભકામનાઓ આપીએ અને પોતાના વિદ્યાકાલીન શિક્ષણ પ્રાપ્ત કરતી વખતે તે સ્વામી વિવેકાનંદના આદર્શાેને વ્યાવહારિક રીતે, સારી રીતે પ્રદર્શિત કરી શકે તેવી અપેક્ષા રાખીએ. તે દેશનો પ્રબુદ્ધ નાગરિક બને અને પોતાના સ્વાવલંબન તથા શ્રેષ્ઠ વ્યક્તિત્વથી અનેક લોકોને પ્રેરણા પણ આપી શકે.
Your Content Goes Here



