ગયા અંકમાં આપણે કલ્યાણ મહારાજ પછીની કનખલ સેવાશ્રમની વ્યવસ્થાની સમસ્યાઓ વિશે થોડું વાંચ્યું હતું. હવે આગળ…

‘એકવીસ દિવસ’ : પરીક્ષણનો એક વિષય

હું એક બીજી રસપ્રદ ઘટનાનું વર્ણન કરીશ. રાજસ્થાનના એક મહાન યોગી કનખલમાં આવીને યાત્રાળુઓ માટે બનેલી એક ધર્મશાળામાં રહેતા હતા. એક દિવસ તેમણે તેમના એક શિષ્યને પંચાંગ વાંચવાનું કહ્યું. જ્યારે એક ખાસ દિવસ વાંચવામાં આવ્યો તો યોગીએ તેને વાંચવાનું બંધ કરવા કહ્યું. તે રાતના જ્યારે તેઓ પોતાના પલંગ પર સૂતા હતા ત્યારે તેમના શિષ્યો તેમના માટે ભોજન લાવ્યા. તેઓ બોલ્યા નહીં, પણ તેમણે સંકેત કર્યો કે ભોજનની તેમને ઇચ્છા નથી. એટલે શિષ્યો એ ભોજન લઈ ગયા. તે રાતે યોગી પથારીમાંથી ઊઠ્યા નહીં. સવારે શિષ્યો ફરીથી ગયા. યોગી પથારીમાંથી હલ્યા નહીં, ના તો શૌચ માટે ગયા કે ન તો તેમણે કશું ખાવાનું લીધું. તેઓ સંપૂર્ણ પ્રશાંત અને મૌન હતા. આ રીતે બે દિવસ પસાર થયા. હવે તેમના શિષ્યો વ્યાકુળ બની ગયા, મૂંઝવણમાં મુકાયા.

અમારા સેવાશ્રમમાં આવીને તેઓએ કહ્યું, ‘અમારા ગુરુદેવ મહાયોગી છે, તેમની આ રીતની અવસ્થા છે. અમને સમજાતું નથી કે તેમને શું થઈ ગયું છે. શું આપ આવીને જોશો ?’ જ્યારે તેમણે ‘મહાયોગી’ કહ્યું તો હું ખાસ આકર્ષાયો (આવા લોકોને જોવા માટે મને હમેશાં કુતૂહલ રહેતું. જો કે મારે કહેવું જોઈએ કે આવી જિજ્ઞાસા મારી મૂર્ખતા હતી. વર્ષો પહેલા મેં સાંભળ્યું હતું કે એક વ્યક્તિ ૪૦ દિવસથી જમીનમાં દટાયેલો છે, માત્ર તેને જોવા માટે જ હું અઢાર માઈલ ચાલીને ગયેલો).

અમારા ડાૅક્ટરો સાથે હું યોગીને જોવા ગયો. (શરીરનો બાંધો જોતાં) તેઓ ઘણા સુડોળ તથા હૃષ્ટ-પુષ્ટ હતા. તેઓ કશું બોલ્યા નહીં. તેમના શિષ્યોએ પોતાના ગુરુદેવ દ્વારા પંચાંગ વાંચવાનું કહેવાની વાતની સાથે સાથે તેમના વિશે કેટલીક વાતો પણ કરી. ડાૅક્ટરે તેમને તપાસીને કહ્યું, ‘અમારે તેમના લોહીની તપાસ તેમજ અન્ય તપાસ પણ કરવી પડશે. અમે તેમને હોસ્પિટલ લઈ જઈએ છીએ.’ એટલે અમે તેમને સેવાશ્રમ લઈ આવ્યા. અહીં બધી જ તપાસ કર્યા પછી ડાૅક્ટરોએ કહ્યું, ‘યોગી કોઈપણ પ્રકારના રોગથી મુક્ત છે; આયુર્વિજ્ઞાનની દૃષ્ટિથી તેઓ સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં છે.’ ડાૅક્ટરો પણ એ જોઈને આશ્ચર્યચકિત હતા કે તેઓ (યોગી) ન તો ભોજન લે છે, ન તો કશું પ્રવાહી લે છે, અથવા ના તો શૌચ માટે જાય છે તથા ના તો તેમના શરીરમાંથી દુર્ગંધ આવે છે. ત્યારે મેં શિષ્યોને પૂછ્યું, ‘પંચાંગની કઈ તિથિ છે ?’ તે તિથિ સંક્રાંતિ હતી. એ સમયે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તથા તે દિવસ ઘણો જ પવિત્ર માનવામાં આવે છે. અમે તેમના શિષ્યોને કહ્યું કે યોગીને સેવાશ્રમમાં જ રહેવા દો અને તેમને આશ્વાસન આપ્યું કે અમે તેમની સેવા-શુશ્રૂષા કરીશું. શિષ્યવૃન્દ પણ અમારી સાથે જ રહ્યા.

મેં જોયું કે યોગીની દશા જ્યારથી વિલક્ષણ થઈ હતી તેના બરાબર એકવીસ દિવસ પૂરાં થતા સંક્રાંતિ આવતી હતી. એટલે બ્રહ્મજ્ઞાની દ્વારા એકવીસ દિવસમાં દેહત્યાગ અંગે શ્રીરામકૃષ્ણની વાતનું સ્મરણ રાખીને મને તેમના પર નજર રાખવામાં કુતૂહલ હતું. (‘મસ્તકનો ભાગ સાતમી ભૂમિકા છે. ત્યાં મન પહોંચવાથી સામાધિ થાય છે અને બ્રહ્મજ્ઞાની બ્રહ્મનું પ્રત્યક્ષ દર્શન કરે છે. પરંતુ તે અવસ્થામાં શરીર વધુ દિવસ ટકતું નથી. હમેશાં બેભાન, કશુંં ખાઈ શકાય નહીં, મુખમાં દૂધ નાખવાથી પણ તે નીકળી જાય છે. આવી અવસ્થામાં રહેવાથી એકવીસ દિવસની અંદર મૃત્યુ થાય છે.’ – મહેન્દ્રનાથ ગુપ્ત, ‘શ્રીરામકૃષ્ણ વચનામૃત’, પાનું-૧૦૪ (રામકૃષ્ણ મઠ, નાગપુર, ૨૦૦૫) દરરોજ તેમની પાસે જઈને હું બે થી ત્રણ કલાક રહેતો હતો. વિશ્વાસ રાખો, તેઓ જરાપણ હાલતાં-ચલતાં નહીં. અમે તેમને ઊંચક્યા તથા કોઈ મુશ્કેલી વિના તેમને સ્નાન કરાવ્યું. તેમના તરફથી કોઈ વિરોધ થયો નહીં. તેઓ બરાબર ફુગ્ગા જેવા (હળવા) હતા. અમને સહુને આશ્ચર્ય હતું. પથારીની સ્વચ્છતા તથા શરીર-ગંધને દૂર કરવા અમે તેમના પર ચંદનનું તેલ તથા બીજા મલમ લગાવ્યા. તેમના તરફથી કોઈ પરિવર્તન, કોઈ ક્રિયા, કોઈ વાતચીત થતી નહીં. મેં નળી વાટે (૯-શિંા) ગ્લુકોઝ તથા લીંબુનું સરબત આપવાનો પ્રયત્ન કર્યો. સાધારણ રીતે અમે આમ કરતા હોઈએ છીએ. તેમના મ્હોમાં ચમચી જતી ન હતી, કેમ કે તેમ કરવું તેમને ખલેલ પહોંચાડી શકે તેમ હતું. એટલે હું નળીને હળવેકથી દબાવતો અને થોડું ભોજન તેમના શરીરમાં જતું. તેથી સ્થિતિમાં બિલકુલ કોઈ જ પરિવર્તન ન હતું.

મઠમાં કેટલાક ભાઈઓએ મારા અંગે ટીકા કરી કે ‘તેનું માથું ફરી ગયું છે. પોતાનું કામ છોડીને દર્દી તેમની પાસે આવીને બેસી રહે છે. આ શું થઈ રહ્યું છે?’ તેઓએ મને પૂછ્યું, ‘શું તું એકવીસ દિવસની ભવિષ્યવાણી પર વિશ્વાસ રાખે છે ?’ મેં કહ્યું, ‘જ્યાં સુધી આ વાત ખરી થતી નથી ત્યાં સુધી હું કંઈ જ કહી શકું નહીં.’ તેમણે કહ્યું, ‘તું ઘણો વધુ સમય વેડફે છે.’ મેં કહ્યું, ‘આ સમયની બરબાદી નથી, હું આને એક બહુ મોટા પરીક્ષણ તરીકે જોઉં છું.’

(યોગીના) અંતિમ દિવસે હું તેમને જોવા આવ્યો. રાત હતી. હું તેમની પથારી પર તેમની જમણી બાજુએ બેઠો તથા ઝીણવટથી તેમનું નિરીક્ષણ કર્યું. મેં તેમની જાંઘ પર હાથ રાખ્યો.

બરાબર ૧૧ :૦૦ વાગ્યે તેમણે તેમનું માથું મારી તરફ ફેરવ્યું. મધુર હાસ્ય સહિત તેમણે પોતાનો હાથ મારા હાથ પર રાખ્યો ને પછી તેમનું માથું એક બાજું નમી ગયું. તેઓ મહાસમાધિમાં લીન થઈ ગયા.

હું જાણતો હતો કે તેમનું જીવન હવે રહ્યું નથી કેમ કે દેહમાંથી ચૈતન્ય નીકળી ગયું હોય છે. વિચલિત થયા વિના મેં ડાૅક્ટરને બોલાવવા મોકલ્યા. ડાૅક્ટરે આવીને તે સંન્યાસી-યોગીની તપાસ કરી તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા.

હવે પ્રશ્ન એ છે કે : હું તો ખરેખર જ વિસ્મિત હતો કે નિર્વિકલ્પજ્ઞાન બાદ દેહ માત્ર ‘એકવીસ દિવસ’ ટકે છે. એમ શ્રીરામકૃષ્ણ કેવી રીતે સચોટ પણે જણાવી શકતા હતા. દેહને પોતાનું પરિબળ-સંવેગ હોય છે. તેને પોષણ આપવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવે તો આ પરિબળ-સંવેગ એકવીસ દિવસ સુધી રહી શકે છે તે પછી તે સમાપ્ત થઈ જાય છે કેમ કે હવે તેને પોષિત કરી શકાતું નથી. આ જ વાત શ્વાસ લેવા માટે પણ છે. તેમનો શ્વાસ ઘણો કોમળ હતો; તેનો ખ્યાલ જ આવતો નહીં. તેમના શ્વાસની ખાતરી કરવા માટે મેં તેમના નાકની પાસે દોરાના તાંતણા રાખ્યા.

શરૂમાં તો હું શ્વાસનો અનુભવ કરતો હતો; પરંતુ પછીથી નહીં. આ બધાં તથ્યો એ બતાવે છે કે જ્યારે કોઈ પરમસત્તા સાથે એકાકાર બની જાય છે તો શું થાય છે, કેમ કે સામાન્ય ઈન્દ્રિય-બોધ (સંજ્ઞા-બોધ) અથવા પ્રપંચના રાજ્યમાં લાવવા માટે કશું જ રહેતું નથી. શ્વાસની ઇચ્છા અથવા કોઈ ક્રિયા માટે પ્રવૃત્તિ રહેતી નથી. આ ઇચ્છા તથા મહત્ત્વાકાંક્ષા જ છે જે જીવને સ્વાભાવિકપણે મન તરફ ખેંચી લાવે છે. જ્યારે ઈન્દ્રિય-જગત તરફનું કોઈ આકર્ષણ રહેતું નથી. ત્યારે તે પૂર્ણપણે તે શુદ્ધ-ચેતનમાં વિલીન થઈ જાય છે. પણ જો પરોપકારની ઇચ્છા હોય તો વાત જુદી છે, નહીં તો તે પરમ-સત્તામાં ભળી જાય છે. પરંતુ શરીરને પોતાના બળ-સંવેગ હોય છે.

તે (યોગી)માં અમે કોઈ શારીરિક દુર્બળતા, કોઈ પણ શારીરિક પરિવર્તન અથવા સડી જવાનું કોઈ પ્રમાણ જોયું નહીં – આવું કશું જ ન હતું. તેઓ ઘણા જ સ્વસ્થ હતા. પરંતુ એકવીસ દિવસ પછી તેમનો દેહ ત્યાગ ગયો. આ એક તપાસનો વિષય હતોે. (ક્રમશ 🙂

Total Views: 112

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram