ઋષિઓ જીવન કેવી રીતે વ્યતીત કરતા
ઉપનિષદના આ ઉપદેશકોનું જીવન ઘણું કરીને ખૂબ સાદગીભર્યું હતું. પરંતુ ક્યારેક વિલાસપૂર્ણ આવાસોમાં નિવાસી રાજપુરુષોએ પણ ઉપનિષદોના સંદેશાઓ આપ્યા છે. એક સિદ્ધાંત જે સ્વામી વિવેકાનંદે સ્વયં પુરસ્કૃત કર્યો છે અને તે એ છે કે વેદાંત અથવા ઉપનિષદોનો ઉદ્ભવ ક્ષત્રિયો મધ્યે થયો હતો, નહીં કે બ્રાહ્મણોમાં. આનું સમર્થન આપણને ભારતના ઈતિહાસમાં મળી રહે છે કે ધર્મના અથવા ફિલસૂફીના સહુથી ઉદાર વિચારોએ પ્રથમ જાતિ એવા બ્રાહ્મણોનું નહીં પરંતુ દ્વિતીય ક્રમની જાતિ એવા ક્ષત્રિયોનું પ્રદાન છે. દા.ત. કૃષ્ણ બ્રાહ્મણ ન હતા. તેઓ ક્ષત્રિય-સંતાન હતા. વેદાંતને સર્વભોગ્ય બનાવનાર પ્રચારક બુદ્ધ એક ક્ષત્રિય રાજાના પુત્ર હતા. અહીં બ્રાહ્મણોની અવગણના થતી નથી, પરંતુ બે પરિબળોનો સમન્વય છે. માટે દરેક જાતિ અથવા જ્ઞાનની દરેક શાખા બે પરિબળોથી અસ્તિત્વમાં આવી હોવી જોઈએ : એક રૂઢિવાદી અને બીજી ઉદારતાવાદી. ઉદારતા સંપૂર્ણ પ્રયોગોથી સ્વતંત્રત હોય તો તે સ્વત : મૃત્યુ પામે. માટે જ તેને પડકારરૂપ રૂઢિવાદ હોવો જોઈએ. આમ કરીને જ ઉદારમતવાદ રૂઢીવાદીઓના પડકાર સામે ટકી રહીને ધીમે ધીમે અધિકારત્વ પ્રાપ્ત કરી શકે. ભારતમાં બ્રાહ્મણોએ તે રૂઢિવાદનું પ્રતિનિધિત્વ કર્યું છે અને વેદાંતની બાબતમાં આપણે જોઈએ છીએ કે કેટલાક ઉપદેશકો બ્રાહ્મણો હતા તો કેટલાક હતા ક્ષત્રિયો. આવા આત્મા અને બ્રહ્મના સત્યના સર્વોચ્ચજ્ઞાનની પ્રાપ્તિ માટે બ્રાહ્મણો ક્યારેક ક્યારેક ક્ષત્રિયો પાસે જતા જોવામાં આવ્યા છે.
ઠીક, જે હોય તે, આ ઉપદેશકો આશ્રમમાં સાદંુ જીવન વ્યતીત કરતા. આશ્રમનો અર્થ છે એકાંત નિવાસ. અત્યારના આધુનિક સમયમાં આધ્યાત્મિક શિબિરોનું આયોજન શહેરની બહાર કુદરતને ખોળે નિર્જન સ્થાનમાં થાય છે, તેમજ જૂના સમયમાં સમગ્ર ભારતમાં, ખાસ કરીને હિમાલયના વિસ્તારોમાં આવા ઘણા જ આશ્રમો હતા. આવા ઘણા ઉપદેશકો સામાન્ય રીતે ઋષિઓ કહેવાતા, જેનો અર્થ થાય છે – દ્રષ્ટાઓ. કારણ કે તેઓ અલૌકિક સત્યોનો સાક્ષાત્કાર કરતા અને આશ્રમોમાં નિવાસ કરતા. ધનિકો કે રાજાઓ તેમનો નિર્વાહ અને સંરક્ષા કરવાની તેમની ફરજ છે તેમ માનતા.
તેઓની જરૂરિયાતો પણ ઘણી સાદી હતી. તેઓ ઝૂંપડીઓમાં નિવાસ કરતા. તેઓ સૂર્યોદયના એક કલાક પહેલાં – જેમને તેઓ બ્રાહ્મમુહૂર્ત કહેતા – જાગી જતા અને અંધારામાં કે આછા ઉજાસના સમયે નજીકના ઝરણામાં સ્નાન કર્યા પછી પ્રજ્વલિત અગ્નિની સમીપ બેસી જતા. આ અગ્નિ કાયમ પ્રજ્વલિત રહેતો. પરંતુ તે સમયે તે વધુ પ્રજ્વલિત રહેતો કારણ કે એ સમયે શિષ્યો તેમાં કાષ્ઠ ઉમેરતા હતા. ત્યાં બેસીને તેઓ ધ્યાનમાં ડૂબી જતા. લાંબા સમયના ધ્યાન બાદ અને થોડા ઉપદેશપ્રદાન પછી તેઓ તેમના સ્થાને પાછા ફરીને પોતપોતાનાં કાર્યો સંભાળતા. પછીથી વિદ્યાની ભિન્ન ભિન્ન શાખાઓના વર્ગાે લેવામાં આવતા, જેમાં મુખ્ય હતા – વેદો અને ઉપનિષદો. ઋષિઓ તેમના શિષ્યોને ધ્યાનની ક્રિયાઓ, ઈશ્વરપ્રાપ્તિનું વિજ્ઞાન એવી બ્રહ્મવિદ્યાનું શિક્ષણ આપતા. આધ્યાત્મિક અનુભૂતિ પ્રમાણે શિષ્યોની બુદ્ધિ કેળવાય એ હેતુથી તેઓ તેમને દર્શનશાસ્ત્રો પણ શીખવતા. શિક્ષણના અન્ય વિષયો પણ હતા, જેવા કે વેદાંગ, જે ઘણું કરીને ખગોળશાસ્ત્ર, પિંગળશાસ્ત્ર (કાવ્ય રચનાની વિદ્યા), વ્યાકરણ, વગેરે. શિષ્યોએ પણ આકરી તપસ્યાનું જીવન જીવવું પડતું, જેની સૌથી આવશ્યક શરત હતી બ્રહ્મચર્યનું પાલન. આ કઠણ જીવન અંગે પુરાતન શાસ્ત્રોમાં અનેક નિયમોનો ઉલ્લેખ છે. શિષ્યો તેમના ગુરુની નિશ્રામાં ઘણાં વર્ષો ગાળતા.
ગુરુના જીવનને અનુરૂપ પોતાનું ઘડતર કરવું, તે તેમના શિક્ષણના ભાગનું એક અતિ મહત્ત્વનું અંગ હતું.
પછીથી તેમાંના કેટલાક પોતાની દુનિયામાં પાછા ફરી, લગ્ન કરીને આદર્શ નાગરિકનું જીવન ગાળતા. તેઓ આધ્યાત્મિક સાધનાઓને છોડી ન દેતા, બલ્કે તેમને ચાલુ રાખીને જ્યારે તેઓ ૫૦ વર્ષની ઉંમર વટાવે ત્યાર પછી સંસારનો ત્યાગ કરી ધ્યાન-ચિંતનમય જીવન ગાળતા. ત્યાર પછીનો થોડો સમય સદંતર ત્યાગમય જીવન ગાળીને સંન્યાસી અથવા પરિવ્રાજકની સ્થિતિમાં રહેતા. આવું હતું સર્વસાધારણ ચિત્ર.
કહેવાની જરૂર નથી કે આવા સેંકડોના સેંકડો આશ્રમો હોવા છતાં તેમાંના સર્વકોઈ ઋષિઓ સંપૂર્ણતાને વર્યા ન હતા. તમારા જાણવામાં આવશે કે તેમાંના કેટલાક મહાન આધ્યાત્મિક ગુરુરૂપે અને કેટલાક વેદ-વેદાંતના મહાન પંડિતરૂપે અતિ પ્રસિદ્ધ હતા. અલબત્ત, તેમની પાસે અન્યોની તુલનાએ વધારે લોકો આવતા અને જેમની પાસે હજારોની સંખ્યામાં આવતા તેઓ ‘કુલપતિ’ કહેવાતા. આવા વડાઓ અત્યંત આદરપાત્ર હોય અને બધાનું સન્માન ધરાવતા હોય. રાજાઓ અને ઉમદા રાજપુરુષો તેમનો નિભાવ કરવાનું પોતાનું વિશેષ કર્તવ્ય ચોક્કસપણે માનતા.
આંતરિક સત્યોનો આવિષ્કાર
તમે સમજી શકશો કે વેદાંતનો જે લોકો વચ્ચે ૫્રાદુર્ભાવ થયો હતો, તે લોકો શા કારણે શાંત સ્થળે નિવાસ કરતા, જ્યાં તેમના ધ્યાનમાં બાધા ન આવે કે તેમાં તેમને ખલેલ ન પહોંચે, જ્યાં બહારનો અવાજ જરા પણ પહોંચતો ન હોય અને જ્યાં સ્થિર થઈને તેઓ પહેલાં અગોચર રહેલાં સત્યોનો આવિષ્કાર કરી શકે. તેઓ આકરી તપશ્ચર્યા કરતા. અને આમ જ હોવું જોઈએ તે તમે સમજી શકો છો. આમ એકાંતમાં દુષ્કર સાધના ન કરી હોત તો તેઓ કેવી રીતે જાણી શકત કે મનના હજી વધુ ગહન પ્રદેશથી સત્યાનુસંધાન માટે પ્રસ્થાન કરવું જોઈએ. માત્ર થોડા સમય પહેલાં જ પશ્ચિમમાં તમે લોકોએ અર્ધજાગૃત મન વિશે ચર્ચાઓ શરૂ કરી છે. તમે જુઓ છો કે મનનું વિજ્ઞાન આપણા સૌ માટે આધુનિક બાબત છે. અંતિમ સત્યોની શોધ માટે આ ઋષિઓને સખત શ્રમ કરવો પડ્યો હતો. અલબત્ત, ઘણા ઋષિઓએ પ્રાપ્ત કરેલ જ્ઞાન ક્ષતિગ્રસ્ત પણ હતું. તેમણે એવું માની લીધું કે તેમણે કંઈક અતિ મહત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ મન એ ઘણું સૂક્ષ્મ અને અટપટુ છે. આમ, જ્યારે કેટલાક સાધકોને અંતે સત્ય લાધ્યું છે અને બીજા ઘણા ભ્રમિત પણ થયા છે. આપણને નજરોનજર દેખાશે કે ઘણી શતાબ્દિઓ પછી આ અધિકારપ્રાપ્ત સત્યજ્ઞાનનો વિકાસ થયો છે. આ જ્ઞાનમાંથી જ રહસ્યવાદ અને દર્શનશાસ્ત્રનો જન્મ થયો છે.
Your Content Goes Here



