ગયા અંકમાં આપણે જોયું કે ટિયા ઉડ્ડયન કરીને એક નવી જગ્યામાં ઊતરાણ કરે છે અને તે સ્થાનના લોકોની સભામાં સામેલ થઈને વિવિધ અનુભવો કરે છે, હવે આગળ…

‘ચારે તરફ દુ :ખ જોઈને મારુંં દિલ રડી ઊઠે છે. શું તમે ક્યારેય દિવસે સૂરજ જોયો છે? આપણી પાસે તો આશરો ય છે, પણ એની પાસે ગરમીથી બચવા કંઈ નથી. કેટલા દુ :ખની વાત છે? શું આપે રાત્રે તારા જોયા છે? એને ટાઢ લાગતી હશે કે કેમ, તેનો કોઈને ખ્યાલ છે? શું આપે શરીરને સ્પર્શતી હવાને અનુભવી છે? અને દિવસ-રાત સતત ચાલવાથી – વહેતા રહેવાથી એને થાક નહીં લાગતો હોય, એનો તમને ખ્યાલ આવે છે? શું કોઈને એ હવા પર દયા આવે છે?’ વળી ડૂસકાં સંંભળાવા માંડ્યાં. મને પણ કંઈક થઈ ગયું હતું કે જેથી મને દુ :ખીરામના જીવન અને મુશ્કેલીઓ પરના વિચારો ગમવા લાગ્યા. અરે મિત્ર, છૂટા પડવાનું મારું દુ :ખ હજી તાજું હતું અને એ આંસુ બનીને વહેવા લાગ્યું. સફેદ વાળવાળા એક પ્રભાવશાળી આદમી જેની દાઢી આંસુઓથી ભીની થઈ ગઈ હતી તેણે બોલવાનું શરૂ કર્યું, ‘આપણે કેટલા મૂરખ છીએ. આ દુનિયા એક દિવસ ખતમ થઈ જશે, એ તમે જાણો છો? શું આપને બધા જીવ અને એમનાં બચ્ચાં પર દયા આવે છે? એ બધાં બચશે નહીં એની આપને જાણ છે?’ બધા અત્યંત આક્રંદ કરવા લાગ્યા. ભાષણ હજુ વધારે જોરદાર થયાં. અધ્યક્ષને વિજેતા પસંદ કરવામાં મુશ્કેલી પડે છે એનો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો. એક ઉદાસ દુ :ખીરામ (એ સ્ત્રી છે કે પુરુષ એની ખબર પડતી ન હતી.) ઊભો થયો અને બોલવા લાગ્યો, ‘મારું અહોભાગ્ય છે કે મેં એ દેશમાં જન્મ લીધો છે કે જે આંસુ વહાવવામાં સૌથી આગળ છે… (ડૂસકાં)… આંસુ વહાવવામાં વિજયી રહેનારના ખાનદાનમાં જન્મ્યો છું એને લીધે હું આજે આ મુકામ પર પહોંચ્યો છું અને અહીં હું કોઈપણ કારણ વગર કલાકો સુધી આંસુ વહાવી શકું (વળી મોટેથી ડૂસકાં). મેં ખાધું છે કે મેં નથી ખાધું એ વાત પર પણ હું આંસુ વહાવી શકું છું. મને ઈનામ નથી મળ્યું કે મને ઈનામ મળ્યું છે એ બન્ને વાત પર હું આંસુઓની નદી વહાવી શકું છું. મારી દૃષ્ટિએ મિત્રો એને કહેવાય કે જે બીજાનાં દુ :ખદર્દમાં રડે. આપ સૌએ કોઈ પણ કારણ વગર કલાકો સુધી આંસુ વહાવવામાં શ્રેષ્ઠ બનવું જોઈએ. તો પછી બીજા કોઈ પણ સારા કારણને શોધવા શા માટે જવું જોઈએ (આંસુ).’

સામૂહિક નિસાસા અને ડૂસકાંં સંભળાવા લાગ્યાં. અધ્યક્ષને નિરાંત થઈ. આ દુ :ખીરામને કોઈ હરાવી શકે તેમ નથી, પણ હજુ અજેય ટિયા સાથે એમનો ભેટો થયો ન હતો. જે લોકો ત્યાં બેઠા હતા તેમનાથી વધારે તે દુ :ખી હતો. મારાં દુ :ખદર્દ અને ગુસ્સાએ મને મંચ સુધી પહોંચાડી દીધો અને પછી મેં શરૂ કર્યું, ‘આ મહાન દેશના નિવાસીઓ, હું ટિયા નામનો પોપટ છું અને આપને ત્યાં અતિથિ છું. આપ સૌએ મારાં આંખ અને આંસુની પોટલી ખોલી નાખી છે. આપ એટલા સારા છો એ માટે ધન્યવાદ… (હું પણ ડૂસકાં લેવા લાગ્યો અને બાકીનાને પણ જોરજોરથી ડૂસકાં લેતાં કર્યાં)… આ શ્રેષ્ઠ ઈનામ માટે હું પ્રાર્થી બની શકતો નથી. પણ હું કહેવા માગું છું કે મેં આપની પાસેથી જીવવાનું શીખી લીધું છે. હું એ મુકામે પહોંચી ગયો છું કે જ્યાં મને આંસુ વહાવવા માટે કોઈ કારણની જરૂર નથી. મારી પહેલાંના વક્તાઓની (આમ કહીને કે મેં તેમને દુ :ખીરામ નામ દીધું હતું. હું એમની ભાવનાઓને આઘાત પહોંચાડવા ઇચ્છતો ન હતો.) જેમ મને રડવા માટે કોઈ કારણની આવશ્યકતા નથી અને હું કોઈપણ કારણ વિના આંસુ વહાવી શકું છું. આપ સૌનો આભાર.’

હવે શ્રોતાઓ દ્વારા નીકળેલ અવાજો એક મૂંઝવણ ઊભી કરી રહ્યા હતા. એમનાં ડૂસકાં અને શોકની વચ્ચે હું જે સમજી શક્યો તે આ હતું કે તેઓ મને આ સ્થળનો સ્થાયી નાગરિક બનાવવા ઇચ્છતા હતા અને સ્થાયી નેતા પણ. હું રાજીખુશીથી એ માટે તૈયાર હતો. મારા જીવનમાં આંસુ વહાવવાં અને બીજાનાં દુ :ખમાં ભાગીદાર બનવા સિવાય બીજું હતું શું?

‘ટિયાજી, જીવનમાં મૂર્ખતા પર આંસુ વહાવવા સિવાય પણ વધારે સારાં કામ છે. આ જગ્યાએથી જલદી બહાર નીકળો.’ આ હંસજીનો અવાજ હતો. મારી ચેતના કામ કરતી ન હતી, હું કંઈ કરવા કે વિચારવા શક્તિમાન ન હતો. હંસના શબ્દો જાણે કે ક્યાંય દૂર, અતિ દૂરથી આવતા લાગ્યા. આંસુઓથી ભીની મારી પાંખો પર ઉદાસીનતાનો ભારે બોજ હતો. હંસની વાત માનવી મારા માટે અસંભવ હતી.

એમણે પોતાના શબ્દો દોહરાવ્યા. પણ હું અસહાય અને હતાશ હતો. ઊડવામાં પણ નિષ્ફળ.

ત્રીજીવાર ઠપકો મળતાં જ મેં પૂરાં મનપ્રાણથી ઊડવાનો પ્રયત્ન કર્યો. હું એ દુ :ખદ સ્વપ્નમાંથી જાગીને અવાક્ બની ગયો. ઉદાસીનતાને ખંખેરવા મારી અંદર ઝણઝણાટી થઈ અને મહાન પ્રયત્નથી ઊડીને હું હવામાં પહોંચ્યો.

ત્યાર પછી ઘણીવારે આપ જોશો તેમ ઊડવાના આ મહાન પ્રયત્નોએ જ મને બચાવ્યો છે. મેં ત્યાં જે બોધપાઠ મેળવ્યો તે માટે હું દુ :ખીરામનો આભારી છું. એમણે મને રોવાનું શીખવ્યું. સાથે ને સાથે સંઘર્ષની કલા પણ શીખવી. હવે હું જિંદગીને રેતીમાં ભળેલી ખાંડ જેવી ગણું છું. અહીંથી આપણે ઉપયોગી કે લાભદાયી બાબતોને સાથે લઈને બહાર નીકળી જવું જોઈએ. મારી દૃષ્ટિએ આ સંસારમાં એવું કંઈ નથી કે જેના પર આંસુ વહાવવાં જોઈએ. પળભરની ઉદાસીનતા તો બરાબર ગણાય પણ લાંબા સમય સુધી રડતા રહેવું એ બકવાસ છે. દુ :ખીરામ વિશે વિચારીને મને ઘણું દુ :ખ થાય છે.

મદમતમલ

સૌથી ઊંચો હું, સૌથી સારો હું, જીવનના મદમતમલ શિખર પર.

જેમ મશકમાંથી હવા સરર કરતી નીકળતી હોય તેમ આ સંતુષ્ટ મનમાંથી પણ ધીરજની હવા પસાર થતી હશે. હું પેલા રોદણાં રોનારાનો પનારો છોડીને નીકળ્યો અને પહોંચ્યો એક પહાડ પર. ત્યાં પણ મારું એવું જ સ્વાગત થયું. આ પરિવર્તન સારું લાગતું હતું. જીવનમાં મિત્રો બનાવવા અને આંસુ વહાવવા સિવાય બીજું ઘણું છે, એમ મેં વિચાર્યું. શ્રીમાન હંસે કહ્યું હતું તેમ મારે તો કંઈક મેળવવું હતું, કંઈક બનવું હતું.

જે સજ્જનને મેં હમણાં ગાતાં સાંભળ્યો હતો તે કોઈ પૌરાણિક વાર્તાના પાત્ર જેવો લાગતો હતો. તેનાં ભડકામણાં વસ્ત્રો જો કોઈ ભાંડભવાયો પહેરેે તો તેના દેહ પર એ વધારે ભૂત-ભડકામણાં લાગે. એમના નાના નાના પગ ઘણા મજબૂત હતા પણ એમનું પેટ ઘણું મોટું લાગતું હતું. નાના ટટ્ટુના મજબૂત પગ પર એક મોટું સૂવર હોય તેવા તેઓ લાગતા હતા. તેઓ અક્કડ દેખાવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ એમની અક્કડતા સ્પષ્ટ રીતે છતી થતી રહેતી હતી. મારી અનિચ્છા હોવા છતાં હું હસી પડ્યો.

‘એ લીલિયા, અહીં ક્યાંથી? હસે છે કેમ? તું કોણ છો?’

તેના શબ્દો તેની શકલ કરતાં પણ વધારે હાસ્યજનક હતા. એને જોઈને મારી ઉદાસીનતા દૂર થઈ ગઈ. હસી લેવાથી મને થોડીક નિરાંતનો અનુભવ થયો.

બહારથી મૂર્ખ લાગતો હતો પણ ભીતરથી હતો બુદ્ધિશાળી, આ વાતને એની આંખોએ જોવાથી જાણી શકાય તેમ હતું. મેં મારાં સાહસો-યાત્રાઓ વિશે એને કહ્યું અને એણે રુચિપૂર્વક સાંભળ્યું. મને આ જોઈને નવાઈ લાગી કારણ કે સમજુ-શાણા માણસો વીતેલી વાતોને આટલી ધીરજથી સાંભળતા નથી.

મને પેલા હોલાજીની વાત યાદ આવી, ‘સીધા સાદા લોકો વાસ્તવિક રીતે મન દઈને વાત સાંભળે છે. ચાલાક લોકો બનાવટી રસરુચિ બતાવે છે અને બાકીના લોકોને કોઈ વાર્તાઓ કે વાત સાથે સંબંધ જ નથી હોતો.’

(ક્રમશ 🙂

Total Views: 107
By Published On: July 1, 2015Categories: Samarpanananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram