ગયા અંકમાં આપણે હિંદુધર્મની આશ્રમવ્યવસ્થા અને વર્ણવ્યવસ્થાનું માળખું તથા તેની શુભાશુભ અસરો વિશે જાણ્યું, હવે આગળ…
ધર્મ : વિભિન્ન માર્ગાે
હિન્દુધર્મના ધર્મગ્રંથો ત્રણ પ્રકારના છે : શ્રુતિ, સ્મૃતિ અને પુરાણ. આ ઉપરાંત રામાયણ અને મહાભારત એ બે મહાકાવ્યો પણ પવિત્ર ગણાય છે. મહાભારતનો એક ભાગ, શ્રીમદ્ ભગવદ્ ગીતા, હિન્દુધર્મનો એક ધર્મગ્રંથ ગણાય છે. વેદો અને તેમના ઉપનિષદ જેવા ઘટકો ‘અંત :કરણમાં સ્ફૂરિત’ ધર્મગ્રંથો છે જેને શ્રુતિઓ કહેવાય છે. મનુ જેવા જ્ઞાની પુરુષો વડે સમયાંતરે ઘડાયેલા સામાજિક કાયદાઓ સ્મૃતિઓ કહેવાય છે. જે એક એક ઈશ્વરને સમર્પિત છે તેવા ધર્મગ્રંથો પુરાણો કહેવાય છે. તે સૃષ્ટિના સર્જન અને વિનાશ, દેવો તથા રાજાઓની વાર્તાઓ તથા વંશાવલીનું વિવરણ કરે છે. હિન્દુધર્મનાં વિધિવિધાનો ‘શ્રુતિ, સ્મૃતિ અને પુરાણો’ પર આધારિત છે તેવો તે દાવો કરે છે. આ અનેક શાસ્ત્રોક્ત સ્ત્રોતોમાંના વિચારો તથા સંદર્ભાેની વિભિન્નતા વિશાળ અને દુર્બાેધ છે, પરંતુ મોક્ષના સંદર્ભમાં સ્પષ્ટપણે વ્યક્ત કરી શકાય તેવી છે. હિન્દુ વિચારકોને ખ્યાલ આવ્યો કે બધા લોકોને માનવજીવનના હેતુ વિશે અને પૃથ્વી તથા વિશ્વની ઉત્પત્તિ તેમજ અસ્તિત્વ વિશેના સત્ય માટેની તેમની શોધમાં એક જ માર્ગ ન આપી શકાય. તેમને એ પણ ખ્યાલ આવ્યો કે ઈશ્વર વિશેના અથવા મૃત્યુ પછી જીવનના અસ્તિત્વ વિશેના પ્રશ્નોનો જવાબ આપવા માટે માનવબુદ્ધિ પર્યાપ્ત ન પણ હોય. તેઓ જાણતા હતા કે કોઈપણ પ્રકારની ‘આસ્થા’ પર પ્રશ્ન થઈ શકે છે અને તેઓ પ્રશ્ન પૂછવાનું દબાવી દેવા માગતા ન હતા. આથી, મોક્ષપ્રાપ્તિ અંગેની તેમની સમાયોજના માનવોને તેમના વ્યક્તિત્વને સાનુકૂળ માર્ગ પસંદ કરવાની છૂટ આપે છે.
હિન્દુધર્મના તત્ત્વજ્ઞાનની ત્રણ મૂળભુત વિભાવનાઓ છે : આત્મા, સંસાર તથા મોક્ષ. આત્મા શરીર ધારણ કરે છે. આત્મા અવિનાશી છે. બધા સજીવ પ્રાણીઓમાં તે એક સમાન જ છે અને મૃત્યુ પછી તે બીજાં શરીર (જરૂરી નથી કે માનવ) માં પ્રવેશે છે. સંસાર એ શરીરના જીવન તથા મૃત્યુનું અને તે આત્માના બીજા શરીરમાં પુનર્જન્મનું ચક્ર છે. આત્મા એક જીવનથી બીજા જીવન સુધી શરીર સાથે સંબંધથી બંધાયેલો છે અને મોક્ષ એ આત્માની જન્મ તથા પુનર્જન્મના આ ચક્રમાંથી મુક્તિ છે. મોક્ષ ઘણા સ્વરૂપે આવી શકે છે : પરમાત્માના અંશ એવા આત્મા સાથેનું જોડાણ મોક્ષ છે; મોક્ષ એવી અનુભૂતિ છે કે ‘મારો આત્મા અને પરમાત્મા એક જ છે’; મોક્ષ પામેલ વ્યક્તિ કર્મનાં ફળ વડે બંધાયેલો નથી; મોક્ષ એટલે ઈશ્વર તરફનું સંપૂર્ણ સમર્પણ; મોક્ષ એટલે હર્ષ અને શોક જેવા જીવનના ઘણા દ્વન્દ્વોથી મુક્તિ; તે સર્વોચ્ચ સ્થિતિનાં માનસિક શાંતિ અને ગાંભીર્ય છે. (સ્વર્ગ અને નર્કના ખ્યાલોનો પુરાણોમાં ઉલ્લેખ છે પરંતુ વેદોમાં નથી. કર્તાના કર્મ મુજબ નક્કી થયેલા સમય સુધી આત્મા આ સ્થાનોમાં રહે છે અને વળી પાછો કર્મના આધારે માનવ અથવા બીજા સ્વરૂપે પુનર્જન્મ લે છે.)
વ્યક્તિની દેહ, મન, અથવા બુદ્ધિપરક અભિમુખતા મુજબ પસંદ કરાતા મોક્ષના ત્રણ પથ છે. આત્મા, પુનર્જન્મ અને ઈશ્વર વિશેની નિશ્ચિત અવધારણાઓ સાથે કે વગર દેહમાર્ગ-કર્મયોગ લઈ શકાય છે : કર્મફળ પ્રત્યેની વિમુખતા માનસિક પરિતાપોમાંથી તેને મુક્તિ તરફ દોરી જાય છે. પછી વ્યક્તિ કર્મના બંધનમાં બંધાયેલી નથી રહેતી. મનુષ્યરૂપધારી પરમાત્મા (જેને વર્ણનાતીત બ્રહ્મ પણ કહે છે) પ્રત્યેના સમર્પણનો ભાવ એટલે મનમાર્ગ-ભક્તિયોગ. અહીં ઈશ્વર દયાળુ, સર્વવ્યાપી, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે. તે તેના ભક્તોનું ધ્યાન રાખે છે અને તેમની પ્રાર્થનાઓનો જવાબ આપે છે. જેમને અનુભૂતિના આધારે સાકાર (મનુષ્યરૂપધારી) ઈશ્વર અસ્વીકાર્ય લાગે તેવા લોકો ત્રીજો માર્ગ બુદ્ધિમાર્ગ-જ્ઞાનયોગ અનુસરી શકે છે. જેઓ વિવેકશીલ છે તેઓ તત્ત્વજ્ઞાનની સાંખ્ય શાખાને અનુસરી શકે છે. જ્યાં ક્રિયાનો કર્તા કાર્ય નિષ્પન્ન કરનારાં પાંચ તત્ત્વો પૈકીના એક તરીકે જોવાય છે. આ તત્ત્વો : અધિષ્ઠાન, કર્તા, કરણ, ચેષ્ટા, અને દૈવ. અજ્ઞેય બ્રહ્મ તરફ આધ્યાત્મિક વલણ ધરાવતા હોય તેવા લોકો વેદાન્ત દર્શનશાસ્ત્રનો માર્ગ લેશે જ્યાં વ્યક્તિને અનુભૂતિ થાય છે કે ‘અહં બ્રહ્માસ્મિ.’ કેટલાક રાજયોગનો માર્ગ લેશે જે સમાધિ – મનની પરમાનંદની સ્થિતિ – તરફ લઈ જતી તબક્કાવાર પ્રક્રિયા છે.
આ સમાયોજના ખરા અર્થમાં મનુષ્યની અજ્ઞાત માટેની શોધનું સામાન્યીકરણ કરાયેલ નિરૂપણ છે. યહૂદી, જરથોસ્તી, ખ્રિસ્તી, ઈસ્લામ, શીન્ટો, શીખ તથા બહાઈ ધર્મો સગુણ-સાકાર ભગવાનમાં માનનાર ભક્તિમાર્ગી છે. બૌદ્ધ ધર્મ બૌદ્ધિકતા સાથે સુસંગત છે જ્યારે જૈન ધર્મ કર્મનાં વલણ તરફ વધારે સાદૃશ છે. આદિમ લોક જાતિની દુનિયાના સજીવારોપણધારી ધર્મો, હિન્દુ અને શીન્ટો ધર્મની પ્રાણીઓ તથા વૃક્ષોની પૂજાનું ભક્તિમાર્ગ હેઠળ વર્ગીકરણ થાય છે, કારણ કે તેમના માટે અગોચર બ્રહ્મનું પ્રાગટ્ય પ્રાણી અથવા વૃક્ષના સ્વરૂપે થયેલ છે. કન્ફયુસીઅસવાદના ટેકેદારો, અનીશ્વરવાદી, અજ્ઞેયવાદી તથા ધર્મમાં ન માનનારાઓને સાંખ્યદર્શન જેવા બુદ્ધિના માર્ગ પરના ગણી શકાય કારણ કે તે કર્મના માર્ગ પર છે જેને ઈશ્વરની જરૂર નથી. તેમનો મોક્ષ આત્મા, બ્રહ્મ, પુનર્જન્મ અથવા પરમતત્ત્વ વિશેની કોઈ ધારણા માટેની જરૂર વગર, માત્ર મનની પ્રશાંત અવસ્થા હોઈ શકે છે. વેદાન્ત ફિલોસોફી પણ લગભગ અનીશ્વરવાદી જ છે : ‘જો હું જ બ્રહ્મ છું, તો ઈશ્વરને ભજી ન શકું.’
આંકડાશાસ્ત્રમાં જેમ બીજા માનવીય માપદંડોનું ‘સાધારણ’ વિભાજન જોવા મળે છે તેમ ધાર્મિકતામાં પણ ભાવાત્મક અને અભાવાત્મક વિચારો એક ઘંટાકાર વળાંકની જેમ વિસ્તરેલા છે. માનવજાતિનો એક મોટો ભાગ સગુણ સાકાર ઈશ્વરને અનુસરે છે – ભક્તિયોગ; તેમાં હિન્દુઓની વિશાળ બહુમતીનો સમાવેશ થાય છે. કર્મયોગ અને જ્ઞાનયોગના માર્ગના અનુયાયી એક અંદાજ મુજબ દરેકના ૧૦% આસપાસ હોઈ શકે.
અનેક દેશો પૈકીના ઈરાન, ઈરાક, ઇજિપ્ત અને ઇંડોનેશિયા જેવા વિશ્વના ઘણા બધા દેશોમાં ઇસ્લામે ત્યાંના પ્રવર્તમાન ધર્મોને પોતાની શક્તિના જોરે વશ કરી લીધા. ઇસ્લામના શક્તિશાળી હુમલાની સામે હિંદુ ધર્મ તેના આંતરિક બળને કારણે ટક્કર ઝીલી શક્યો : ૭૦૦ વર્ષના ગાળામાં આશરે ૨૫% ધર્માંતરિત થયા.
પૂર્વે જણાવ્યું તે મુજબ હિંદુ ધર્મ પર મુખ્ય સૈદ્ધાંતિક ભય તો ખ્રિસ્તી ધર્મ તરફથી આવ્યો. પોતાનામાં સુધારા કરીને હિંદુ ધર્મ ખ્રિસ્તીધર્મે સર્જેલા વિશેષ દબાણની સામે ટક્કર ઝીલવા સક્ષમ બન્યો છે. ૨૦૦ વર્ષ કરતાં વધુ સમયના ગાળામાં મિશનરીઓના ધર્માંતરણના પ્રયત્નો છતાં ભારતીય ખ્રિસ્તીઓની ટકાવારી માત્ર ૧૯૫૧માં ૨.૫% હતી; તે દોઢ કરતાં વધુ સદીમાં હિંદુ ધર્મે આદરેલા સુધારાવાદી પ્રયત્નો દ્વારા મેળવેલી સફળતાનું સારું પરિણામ છે.
હિન્દુધર્મની વર્તમાન સ્થિતિનું વર્ણન કરતાં પહેલાં હિન્દુધર્મર્ની સામાજિક બાજુના ‘ખરાબ’ અને ‘વિકૃત’ પાસાંને કેવી રીતે દૂર કરવામાં આવ્યાં અને ધાર્મિક સુધારાઓ કેવી રીતે હાથ ધરાયા તે જાણવું જરૂરી છે. હિન્દુધર્મમાં સામાજિક ન્યાય કેવી રીતે પુન :સ્થાપિત થયો તે અંગે અને ધાર્મિક સુધારાઓ વિશે સંક્ષિપ્ત વિહંલાવલોકન કરીએ. (ક્રમશ 🙂
Your Content Goes Here



