ગયા અંકમાં આપણે રવીન્દ્રના વૈરાગ્યનો પ્રસંગ વાંચ્યો. હવે આગળ….

પ્રકરણ : ૧૨ (કથામૃત, પરિશિષ્ટ ઘ, પરિચ્છેદ ૧/૧૨૭૪ થી ૮૧)

અવતાર-સંગ અને અશ્વિનીકુમાર

પરિશિષ્ટના આગલા પરિચ્છેદમાં માસ્ટર મહાશયે અશ્વિનીકુમાર દત્તને લખેલો એક પત્ર જોડ્યો છે. અશ્વિનીબાબુ માત્ર થોડા જ દિવસ શ્રીઠાકુરની પાસે આવ્યા હતા. ઠાકુર સાથે એમનો ઘનિષ્ઠ સંપર્ક થઈ શક્યો ન હતો. તેઓ એક ચિંતનશીલ અને કુશળ લેખક હતા. પત્રમાં એમણે ઘણી હૃદયગ્રાહી ભાષામાં શ્રીઠાકુરનું જે સંસ્મરણાત્મક ચિત્ર રજૂ કર્યું છે તે ઘણું જ અપૂર્વ છે. એમણે શ્રીઠાકુરને જે દૃષ્ટિએ જોયા હતા, તે તેમની નિપુણ કલમથી કેવી રીતે સાકાર થઈ ગયું છે, એ જોવા યોગ્ય છે.

એવી વાત નથી કે જે લોકો લાંબા સમય સુધી શ્રીઠાકરના સાંનિધ્યમાં રહ્યા તેઓ જ તેમને સારી રીતે સમજી શક્યા હોય. આ સંદર્ભમાં સ્વામી સારદાનંદજીની એક ઉક્તિ ઉલ્લેખનીય છે. કોઈ એક ભક્ત જ્યારે એમની પાસે આવીને બોલ્યો, ‘મહારાજ, હું સાધુસંગ કરવા આવ્યો છું.’ તેના ઉત્તરમાં તેમણે કહ્યું, ‘જુઓ, દક્ષિણેશ્વરમાં શ્રીઠાકુર પાસે વારંવાર આવનારા કે કાલીમંદિરના કર્મચારીગણ કે આડોશ-પાડોશના લોકો કે જેમણે વર્ષો સુધી દરરોજ શ્રીઠાકુરનો સંગ કર્યો હતો, છતાં પણ એમના જીવનમાં કોઈ વિશેષ પરિવર્તન થયેલું દેખાતું નથી. બીજી બાજુ જે લોકો તેમના જીવનમાં અંતિમ ચાર વર્ષ દરમિયાન બહુ ઓછા દિવસો માટે શ્રીઠાકુરની પાસે આવ્યા, એમાંથી કેટલાક તો સપ્તાહમાં કદાચ એકાદવાર આવતા અને કેટલાક બહુ બહુ તો બે ચાર મહિના તેમની પાસે રહ્યા અને એ પણ લગાતાર નહીં. પરંતુ એમના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું અને જે લોકોએ શ્રીઠાકુર સાથે વર્ષો વિતાવ્યાં એમના જીવનમાં કોઈ પરિવર્તન થયું નહીં.’

એટલે સાધુની પાસે જવાથી જ કે એમની સાથે થોડો સમય ઘનિષ્ઠભાવે નિવાસ કરવાથી જ સાધુસંગના ફળનો નિર્ણય થતો નથી. સ્પષ્ટ છે કે પાત્ર તૈયાર ન હોય તો એમાં વસ્તુને રાખી શકાતી નથી. શ્રીઠાકુર પાસે આવીને જે લોકોએ પોતાના જીવનને ધન્ય બનાવ્યું, એમનો આધાર તૈયાર હતો. સંભવત : એટલે તેઓ એમની કૃપાની ધારણા કરી શક્યા હતા. જેમનો આધાર તૈયાર ન હતો તેઓ શ્રીઠાકુર પાસેથી કંઈ ન મેળવી શક્યા. ઓછામાં ઓછું બાહ્ય રીતે તો આવું લાગે છે.

એટલે સાધુસંગનો આ અર્થ નથી કે રોજ સાધુની પાસે જાઓ કે એમની સાથે રહો. શાસ્ત્રનું કહેવું છે કે જે અધિકારી છે, કેવળ એમને જ ફળસિદ્ધ મળે છે.

ગમે તેને ઉપદેશ આપવાથી લાભ થતો નથી, ઊલટાનું ક્યારેક ક્યારેક એનું વિપરીત ફળ પણ મળે છે. આના સચોટ દૃષ્ટાંતરૂપે વેદના ઇન્દ્ર-વિરોચન સંવાદને લઈ શકાય. આત્મા વિશે પ્રશ્ન પૂછતાં બૃહસ્પતિએ પરિવર્તનશીલ વસ્તુઓ વિશે બતાવવાનું શરૂ કર્યું; વિભ્રાંત કરવા માટે નહીં, પરંતુ મનને ક્રમશ : સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વમાં લઈ જવા કઈ રીતે બધી ઉપાધિઓથી પર આત્મતત્ત્વમાં પહોંચી જવાય એ માટે એક એક પગથિયું બતાવે છે.

શાસ્ત્રમાં એને અરંુધતી ન્યાય કહે છે. જે અરુંધતી નક્ષત્રને ઓળખતો નથી, તેને તેનું જ્ઞાન કરાવવા પહેલાં સપ્તર્ષિ મંડળને જોવાનું કહેવાય છે. ત્યાર પછી નીચેની તરફ વશિષ્ઠ નામનો ત્રીજો તારો છે એને દેખાડે છે. વશિષ્ઠ તરફ બરાબર ધ્યાન દેવાથી તેની નજીકમાં એક ખૂબ અસ્પષ્ટ નક્ષત્ર દેખાશે, તે જ અરુંધતી છે. પ્રારંભમાં જ અરુંધતીને બતાડવાથી તે દેખાશે નહીં. શાસ્ત્ર પણ આત્મજ્ઞાન આપતી વખતે આ પ્રકારે સ્થૂળથી સૂક્ષ્મ અને ત્યાર પછી સૂક્ષ્મતર તરફ લઈ જાય છે.

આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાનસ્વરૂપ વસ્તુની સાથે આપણો કોઈ પરિચય નથી અને એને જાણવો ઘણો કઠિન છે. જે બધી વસ્તુઓનો અનુભવ કરે છે, તેનો અનુભવ આપણે ભલા કેવી રીતે કરી શકીએ? ‘विज्ञातारमरे केन विजानीयात्’ (બૃહદારણ્યક ઉપનિષદ :૨.૪.૧૪) – વિજ્ઞાતાને આપણે ભલા કયા ઉપાયથી જાણીશું? – જે નિત્ય જ્ઞાતા છે, તે ક્યારેય જ્ઞાત અર્થાત જ્ઞાનનો વિષય હોતો નથી. જ્ઞાન દ્વારા આપણે વિભિન્ન વસ્તુઓને જાણીએ છીએ અને આ વિભિન્ન વસ્તુઓના જ્ઞાનને આપણા ચૈતન્ય સાથે જોડાયેલું જોઈએ છીએ. આ જોડાયેલા અંશને છોડી દેવાથી જે બાકી રહી જાય છે, તે જ શુદ્ધ ચૈતન્ય છે, આત્મા છે. આ શુદ્ધ ચૈતન્ય આપણા લોકોની ધારણા બહારની વસ્તુ છે. ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્્ય શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજાવતાં મૈત્રેયીને કહે છે કે તેના પછી સંજ્ઞા રહેતી નથી. અર્થાત્ વૃત્તિજ્ઞાન રહેતું નથી. આ સ્વરૂપને સમજવું ઘણું કઠિન છે. બધી ઉપાધિઓ સમાપ્ત થઈ જતાં જે શેષ રહે તે જ આત્મા છે. એનાથી વધારે તેનું વર્ણન કરી શકાતું નથી. જેવી રીતે ભગવાનને સમજવા સરળ નથી, તેવી જ રીતે જ્યારે તેઓ દેહ ધારણ કરીને આવે છે ત્યારે તેમને પણ સમજવા સહજ નથી. અત : એમના સંપર્કમાં આવનાર બધા લોકો એમને સમજી જાય એવી કોઈ સંભાવના નથી. શ્રીઠાકુર કહે છે, ‘ભગવાન રામને માત્ર ૨૪ ઋષિઓએ જ ઈશ્વરરૂપે જાણ્યા હતા, બાકીના બીજા બધા એમને દશરથપુત્રરૂપે જાણતા હતા.’ એમને જાણવાનો ઉપાય શું છે? એનો ઉપાય છે – મનની શુદ્ધિ. જેટલા લોકો શ્રીઠાકુરના સંપર્કમાં આવ્યા, તેઓ બધા શું શુદ્ધ મન લઈને આવ્યા હતા? શુદ્ધ મન લઈને આવ્યા ન હતા, એટલે જ તેઓ એમને સમજી ન શક્યા. એટલે જેટલા લોકો શ્રીઠાકુરના સંપર્કમાં આવ્યા તે બધા એમના સંગનો લાભ મેળવી ન શક્યા. કેવળ શારીરિક નિકટતાથી સંગ નથી થતો. દૃષ્ટાંત માટે આપણે કહી શકીએ કે જેમ બેતાર(વાદ્યયંત્ર)ના સૂક્ષ્મ તરંગો ચારેબાજુ પ્રવાહિત થઈ રહ્યા છે, પણ આપણા કાન એમને ગ્રહણ કરી શકતા નથી. તેઓ કેવળ એક વિશિષ્ટ યંત્ર દ્વારા જ પકડી શકાય. મનને પણ એવી રીતે ટ્યૂન કરીને એ તરફ લગાડવાથી આ વસ્તુને પકડી શકે. આ ઉપરાંત બીજો કોઈ ઉપાય નથી. મનમાં સદ્ભાવ ન હોવાથી સાધુસંગ થતો નથી. એટલે અવતારની પાસે જઈએ તો પણ એને ઓળખવા સંભવ નથી. ભાગવત્માં છે – જળ પર ચંદ્રનું પ્રતિબિંબ પડે છે, માછલીઓ એ પ્રતિબિંબિત ચંદ્રને પોતાના જેવું એક જળચર પ્રાણી સમજીને એની સાથે રમવા માંડે છે. તેને આકાશના ચંદ્રમારૂપે તે જાણતી નથી. અવતાર પણ જ્યારે આપણી વચ્ચે આવે ત્યારે આપણી દૃષ્ટિ એમને મનુષ્યના રૂપે જ જુએ છે. તો પછી જે લોકો તેમને ચાહે છે અને જેઓ તેમના પ્રત્યે દ્વેષનો ભાવ રાખે છે, એ બન્ને વચ્ચે શું પાર્થક્ય છે? – પાર્થક્ય છે. જે લોકો એમનો દ્વેષ કરે છે તેઓ સ્વયં એમનાથી દૂર હટી જાય છે અને જેમણે તેમને પોતાના બનાવી લીધા છે, વસ્તુધર્મના પ્રભાવથી એમનું મન શુદ્ધ થઈ જાય છે. તેમને ન જાણવા છતાં, તેમના સ્વરૂપને ન સમજવા છતાં એમને ચાહવાથી કલ્યાણ થાય છે. ભાગવત્માં કહ્યું છે કે ગોપીઓ શ્રીકૃષ્ણને પરમેશ્વરના રૂપે સમજી ન શકી અને એમને કાંતભાવે સ્વીકાર્યા. ભગવત્ તત્ત્વને સ્વરૂપત : ન જાણીને શ્રીકૃષ્ણ સાથે તેમણે કાંતભાવે પ્રેમ કર્યો, એટલે તેમની મુક્તિ થઈ. તેમાં તેમનો વસ્તુધર્મ છે. એટલે તેમનું કલ્યાણ થયું.

તો શું જે લોકો શ્રીઠાકુરના સાંનિધ્યમાં રહે તેમનું પણ આ રીતે કલ્યાણ થશે? – અવશ્ય થશે. જે કોઈ પણ તેમને ચાહશે, તેમનું સ્વરૂપ જાણીને કે જાણ્યા વિના પોતાના જાણીને જે તેમને ગ્રહણ કરશે, વસ્તુધર્મના પ્રભાવથી એમનું કલ્યાણ થશે. પુરાણ તો આ વિશે વધારે આગળ વધીને કહે છે કે તેમના પ્રત્યે દ્વેષનો ભાવ રાખવાથી પણ કલ્યાણ થાય છે. શિશુપાલ વગેરે ભગવાનનો દ્વેષ કરતા હતા. શત્રુતાને કારણે નિરંતર તેમનું ચિંતન કરવાથી અને સર્વત્ર તેમને જોતા રહેવાના ફળ સ્વરૂપે એમનું કલ્યાણ થયું. આ અતિશયોક્તિ છે, એમ આપણને લાગે, પણ વસ્તુમાહાત્મ્ય બતાવવા માટે એવું કહેવામાં આવ્યું છે. અન્યથા ઈંટ, પથ્થર, લાકડું, પશુ, મનુષ્ય – શું આ બધાં બ્રહ્મ નથી? શાસ્ત્રો કહે છે કે બધાં બ્રહ્મ છે. એટલે જો બ્રહ્મને આપણે જોઈ જ રહ્યા છીએ, તો બ્રહ્મસાક્ષાત્કારરૂપી ફળ પણ મળવું જોઈએ, પણ એ મળતું કેમ નથી? એટલે કે આપણે જગતને બ્રહ્મસ્વરૂપે જોતા નથી. તેને આપણે જગતરૂપે કે માયારૂપે જ જોઈએ છીએ. તેના અસલી સ્વરૂપમાં જોતા નથી. શાસ્ત્રો કહે છે, ‘સ્વરૂપની અનુભૂતિ થવાથી કલ્યાણ થશે.’ ભક્તિશાસ્ત્ર આટલા વધારે તર્ક-વિતર્કમાં જતું નથી. તેઓ કહે છે ભલે ગમે તે હોય, પણ તેમનામાં મન સ્થિર અને દૃઢ થવાથી વસ્તુધર્મ પ્રમાણે મન શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે. તેવી દૃષ્ટિ આત્મસાક્ષાત્કારને યોગ્ય બની જાય છે.

અહીંયાં જોવા મળે છે કે અશ્વિનીકુમાર દત્ત માત્ર ચાર-પાંચ દિવસ માટે શ્રીઠાકુરના સંપર્કમાં આવ્યા, પરંતુ એમના મન પર એવી અમિટ છાપ પડી કે જાણે એ છાપ એમને માટે જન્મ-જન્માંતરનો સહારો બની ગઈ. તેઓ પોતાના મનને એવી રીતે તૈયાર કરીને લાવ્યા હતા કે તેના પર શ્રીરામકૃષ્ણનું ચારિત્ર્ય ગહનતાપૂર્વક અંકિત થઈ ગયું. આચાર્ય શંકર કહે છે : क्षणमिह सज्जन-सङ्गतिरेका भवति भवार्णव-तरणे नौका।। – ‘એક ક્ષણ માટે પણ સજ્જનનો સંગ થવાથી આ (સંગ) સંસારસાગરમાંથી પાર જવાની નૌકા બની જાય છે.’ પરંતુ એ સંગ સાચા મનથી અને સાચા સમયે થવો જોઈએ. સજ્જનને સજ્જનરૂપે ન જોઈ શકવાથી તેનું ફળ મળતું નથી. જેવી રીતે દક્ષિણેશ્વરમાં પૂજારી, સેવક લોકો નિરંતર શ્રીઠાકુરના સંપર્કમાં રહ્યા, છતાં પણ તેમને તેનું કોઈ ફળ ન મળ્યું. એ દિવ્યશક્તિનો પ્રભાવ તેમના પર ન પડ્યો. બ્રહ્મ બધામાં વ્યાપ્ત છે, છતાં પણ તેમને આપણે બ્રહ્મસ્વરૂપે જોઈ શકતા નથી, આને જ માયા કહે છે. આપણી દૃષ્ટિ માયિક છે, ઈશ્વર બધે હોવા છતાં પણ આપણી દૃષ્ટિ માટે તે અગોચર છે. માયા દ્વારા તેઓ ઢંકાઈ જતા નથી, તેને બદલે આપણી દૃષ્ટિને ઢાંકી દેવામાં આવે છે. વાદળાં સૂર્યને ઢાંકી શકતાં નથી, પણ આપણી આંખોને ઢાંકી શકે છે. આપણે સમજીએ છીએ કે વાદળાંએ સૂર્યને ઢાંકી દીધો છે, અંતર બસ એટલું જ છે.

અવતાર જ્યારે દેહ ધારણ કરીને આવે છે ત્યારે તેમને માયા-મનુષ્ય કહેવાય છે. માયાના આવરણ દ્વારા તેઓ સ્વયંને મનુષ્યરૂપમાં દેખાડે છે, પણ વાસ્તવમાં તેઓ મનુષ્ય હોતા નથી. એટલે જ કહેવામાં આવ્યું છે કે એમણે જન્મ ગ્રહણ કર્યો છે. બધાની આંખો પર માયાનો પડદો નાખીને એમણે પોતાના સ્વરૂપને છુપાવી દીધું છે. વિશ્વમાં સર્વત્ર વ્યાપ્ત થયા છતાં પણ માયાજાળનો વિસ્તાર કરીને જાણે એમને પોતાની જાતને ઢાંકી લીધી છે.

આ માયાના હાથમાંથી છુટકારો મેળવવા માયાધીશને પકડવા પડે. ગીતામાં ભગવાન કહે છે :

मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते।।7.14।।

‘જે મારે શરણે આવે છે તે માયાથી પર થઈ જાય છે.’ શરણે આવેલાને તેઓ દિવ્યચક્ષુ આપીને કહે : दिव्यं ददामि ते चक्षुः। તેઓ અર્જુનને દિવ્યચક્ષુ આપીને પોતાનું સ્વરૂપ બતાવી દે છે. એમણે અર્જુનને દિવ્યચક્ષુ આપ્યાં અને અર્જુને એમને મહાઐશ્વર્યશાળી રૂપમાં જોયા. પછી એ પણ જોયું કે સમસ્ત ઐશ્વર્યવિહીન, સર્વ ઉપાધિવર્જિત રૂપમાં પણ તેઓ જ છે. એ તો હજી પણ દૂરની વાત છે.

અવતાર, જન્મ લીધા પછી પણ આપણી દૃષ્ટિમાં આવતા નથી. જેટલા જેટલા લોકો શ્રીઠાકુરના સંપર્કમાં આવ્યા તે બધાએ તેમને મનુષ્ય સમજ્યા. એટલે એમના સાચા અર્થમાં સાધુસંગ કે અવતાર-સંગ થયો નથી. બેચાર લોકો જે એમને ઓળખી શક્યા હતા, એમનાં ચરણોમાં આત્મસમર્પણ કરી શક્યા હતા, તેમનું જીવન ધન્ય થયું. એનું એક દૃષ્ટાંત આપણને અહીં મળે છે. (ક્રમશ 🙂

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram