ગયા અંકમાં દિવ્યપુરુષોના સંગનો લાભ કેવી રીતે ચરિતાર્થ થાય, અવતારતત્ત્વ કેમ કરીને સમજાય તે જોયું, હવે આગળ….

શ્રી‘મ’ની સ્મૃતિકથા

બંગાળી ‘કથામૃત’ના અંતમાં પ્રકાશકે ગ્રંથકારનું સંક્ષિપ્ત જીવન આપ્યું છે. વાચકો માટે એ ઘણું ઉપયોગી છે કારણ કે જેણે અમૃત વિતરણ કર્યું છે, એમના વિશે જાણવાની જિજ્ઞાસા પાઠકોના મનમાં થવી સ્વાભાવિક છે. અહીં મહેન્દ્રનાથનો પરિચય અત્યંત સંક્ષિપ્ત હોવા છતાં પણ એમના જીવનને વચનામૃતના ઉપદેશો સાથે મેળવીને બતાવવાથી તે બધાને માટે અત્યંત હૃદયગ્રાહી થયો છે. મહાશયને જેમણે પ્રત્યક્ષરૂપે જોયા છે તેઓ આ જીવનચરિત્રની વધારે સારી રીતે ધારણા કરી શકે છે. એમનું સમગ્ર જીવન રામકૃષ્ણમય હતું.

આપણે પણ જોયું છે કે માસ્ટર મહાશય શ્રીઠાકુર સિવાય બીજા કોઈ વિષય પર બોલતા ન હતા. એટલે એમની સામે વિવિધ પ્રકારના પ્રસંગો ઊભા થતા. પરંતુ બીજી ઘટના ઊભી થતાં જ તેઓ તેને ફેરવીને શ્રીઠાકુરની વાતો સાથે જોડી દેતા. એક ભક્તે કહ્યું, ‘ઉપનિષદ પર થોડું બોલો.’ માસ્ટર મહાશયે થોડું હસીને કહ્યું, ‘અરે, આ ઉપનિષદની જ વાતો થઈ રહી છે. શ્રીઠાકુરની વાતો શું બીજું કંઈ છે, એ જ તો ઉપનિષદ છે.’ એમણે ઉપનિષદમાંથી ઉદ્ધરણ આપ્યું – ઉપનિષદં ભો બ્રૂહિ ઇતિ—। – ઋષિ કહે છે – ઉક્તા ત ઉપનિષદ્ બ્રાહ્મીં વાવ ત ઉપનિષદમ્-અબ્રૂમ ઇતિ—। – ‘મેં તને ઉપનિષદ (ના જ્ઞાનનો બધો સંદેશ) કહી જ દીધો છે. કે જે (ઉપદેશ) બ્રહ્મની સાથે સંબંધ ધરાવે છે.’ (કેન : ૪.૭) બ્રહ્મવિષયક પરાવિદ્યા જ તમને કહું છું. ઉપનિષદ્ શબ્દનો અર્થ છે – રહસ્યમય ગંભીર તત્ત્વવિદ્યા. શ્રીઠાકુરનાં જીવન તથા વાણીમાં ધર્મનું રહસ્ય તથા ગંભીર તત્ત્વ રહેલાં છે. માસ્ટર મહાશયનું વર્ણન કરવાનું કૌશલ્ય અપૂર્વ હતું. એ સાંભળીને શ્રોતા અભિભૂત થઈ જતા. આ વાતને આપણે કથામૃત વાંચીને સમજી શકીએ છીએ. શ્રીઠાકુરની વાતો આપણને એમાં જેવી છે એવી જ મળે છે. એમાં લેખકે પોતાનું પાંડિત્ય બતાવવાનો પ્રયાસ કર્યો નથી.

અમે એમને વિભિન્ન સ્થાનો પર જોયા છે. પહેલાં એક સ્કૂલ-ભવનની સાથે સંલગ્ન તેમના એક નાના એવા ભાગમાં રહેતા હતા. પછીથી તેઓ એ મકાન છોડીને માર્ટન સ્કૂલના ચોથા માળે રહેતા. ત્યાર પછી તેઓ પોતાના જૂના નિવાસ્થાનમાં રહેવા ચાલ્યા ગયા. એને અત્યારે ‘કથામૃત ભવન’ કહે છે. ત્યાં અમે એમને જ્યારે જ્યારે જોયા ત્યારે નિરંતર શ્રીઠાકુરની ચર્ચા કરતાં જ જોયા હતા. ‘બીજી વાતો ન કરવી અને બીજું ચિંતન પણ ન કરવું’ આ ઉક્તિનું જાણે કે એમણે અક્ષરશ : પાલન કર્યું.

માસ્ટર મહાશય પ્રથમ પરિચયમાં જ લોકોને પોતાના બનાવી લેતા. મઠમાં કોની સાથે પરિચય છે, મઠ ક્યારે જાઓ છો, ત્યાં શું જુઓ છો, જેવી બધી વાતો તેઓ બારીકાઈથી પૂછતા. જે વ્યક્તિ મઠમાં જઈ આવી છે એમની પાસેથી મઠની વિસ્તૃત જાણકારી મેળવતા. ત્યારે હું સ્કૂલમાં ભણતો હતો, પોતાના એક સાથીમિત્રની સાથે એમની પાસે ગયો (પછીથી અમે બન્ને સંન્યાસી થઈ ગયા). વિવિધ પ્રકારની વાતો થયા પછી તેમણે કહ્યું, ‘ગાતાં આવડે છે?’ અમે બન્નેએ એકબીજા તરફ જોઈને કહ્યું, ‘બરાબર નથી આવડતું, છતાં પણ અમે બન્ને સાથે મળીને ગાઈ શકીએ છીએ.’ તેમણે કહ્યું, ‘બરાબર, તો એમ ગાઓ.’ દુર્ભાગ્યવશ એ સમયે જે ગીત યાદ આવ્યું તેનો ભાવાર્થ આવો છે : ‘પાતકી સમજીને શું આવી રીતે તમે પગથી ઠુકરાવી દો એ ઉચિત છે?’ એ સાંભળીને તેમણે કહ્યું, ‘શ્રીઠાકુર આટલા પાપી-તાપી પસંદ ન કરતા, આનંદનું ભજન ગાઓ.’ અમે બન્નેએ એક બીજું ભજન ગાયું, જે અત્યારે મને યાદ નથી. એમાં આનંદની અભિવ્યક્તિ હતી. એ સાંભળીને તેઓ પ્રસન્ન થયા. પછી એકવાર ફરીથી હું તેમને ત્યાં ગયો હતો. તેઓ અમને ચોથા માળની છત પર લઈ ગયા. ત્યાંથી આસપાસનાં મકાન દેખાતાં હતાં. અમને એ બતાવતાં તેમણે કહ્યું, ‘જુઓ, આ અમુક-તમુકનું ઘર છે ત્યાં ઠાકુર આવ્યા હતા.’ શ્રીઠાકુરના નાતે જ એમને આખા કોલકાતા શહેરનો પરિચય હતો. છત પરથી દિગંત વ્યાપી આકાશ દેખાતું હતું. તેમણે કહ્યું, ‘શ્રીઠાકુર કહેતા કે આકાશને જોવાથી ખૂબ ગહનતા સાથે ભૂમાનો સ્પર્શ મળે છે.’ આવી રીતે ઘણું ઘણું બતાવતા અને બધાની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરતા. આ એક અધ્યાય પૂરો થયો.

ત્યાર પછી જ્યારે હું સંન્યાસી બની ગયો ત્યારે એમનો ભાવ બદલાઈ ગયો હતો. ત્યારે તેઓ અમારા પ્રણામ સ્વીકારતા નહીં. તેઓ સંકુચિત થઈ જતા. કહેતા, ‘તમે તો સંન્યાસીઓ છો, ભલા મને પ્રણામ કેમ કરો છો?’ ત્યારથી તેઓ અમને કંઈ ખવડાવ્યા વગર જવા ન દેતા. શ્રીઠાકુરે એમને સાધુસેવા કરવાનું કહ્યું હતું. પછી ભલે અમારા જેવા છોકરા (યુવાન) જ કેમ ન હોય, પણ સાધુ જ હતા ને. એટલે તેઓ અમારું ઘણું આતિથ્ય કરતા. એક બીજું પણ જોયું કે ઘરમાં રહેતા હોવા છતાં એમનામાં અનાસક્તિનો ભાવ હતો. કોઈની સાથે વિશેષ સંબંધ નહીં, પોતાના જ ભાવમાં મગ્ન રહેતા. સ્કૂલભવન સાથે સંલગ્ન એક ઓરડામાં એકલા જ રહેતા. એ સમયે એમની ઉંમર ઘણી મોટી થઈ ગઈ હતી, કોઈ કોઈ અનુરાગી ભક્ત એમની પાસે રહેતા અને એમની સારસંભાળ રાખતા. ચાર માળના ભવનમાં પણ તેઓ એકલા જ રહેતા. પછીથી ઘરના લોકો આવ્યા. સર્વદા આત્મસ્થ રહેતા, પરંતુ બીજાના વિશે ઉદાસીન રહીને નહીં. બધાની સાથે મળીને ભગવત્ પ્રસંગ કરવો એ જ જાણે કે એમના જીવનનો આદર્શ હતો. આ બાબતનો પરિચય આપણને કથામૃતનાં દરેક પૃષ્ઠ પર જોવા મળે છે. જ્યારે તેઓ મઠમાં આવતા તો બહુ વાતો ન કરતા. જૂના સાધુઓ એમનું સન્માન કરતા. તેઓ સાધુઓના ઓરડામાં જતા અને એ લોકો શું કરે છે, કયાં કયાં પુસ્તકો વાંચે છે, કેવી રીતે જીવન વિતાવે છે એ તેઓ જોતા. આ જ એમના જોવાનો ઉદ્દેશ્ય હતો. ભક્તોને કહેતા, ‘મઠમાં જઈને માત્ર હા હો કરીને આવી ગયા, એનાથી સાધુસંગ થતો નથી. પ્રાત :કાળે જ્યારે સાધુ લોકો ઊઠીને જપ-ધ્યાન કરે છે, એ સમયે એમની સાથે બેસીને થોડીવાર સુધી પોતાની જાતને એ જ ભાવમાં તલ્લીન કરી દેવાનો પ્રયત્ન કરવો જોઈએ.’

મઠમાં સાધુસંગ ઉપરાંત એમણે નિર્જનવાસ પણ કર્યો હતો. કથામૃતમાં લખ્યું છે કે શ્રીઠાકુરે એમને દક્ષિણેશ્વરની સાધનાકુટિરમાં રહેવાનું કહ્યું હતું. વચ્ચે વચ્ચે તેઓ ભક્તો સાથે પંચવટીના બિલ્વવૃક્ષ નીચે બેસીને જપ-ધ્યાન કરતા. શ્રીઠાકુરની સ્મૃતિમાં રહેલ પ્રત્યેક સ્થાન એમને માટે પવિત્ર હતું. પંચવટીનાં વૃક્ષોનાં પાંદડાં અને કામારપુકુરની માટીને તેઓ અમૂલ્ય વસ્તુ સમજતા અને એ લાવીને પોતાની પાસે રાખતા. નાની નાની વાતો જે સામાન્ય દૃષ્ટિએ મનમાંથી નીકળી જાય એ બધી બાબતોને તેઓ એક ભક્તની દૃષ્ટિથી ભિન્ન નજરે જોતા.

માસ્ટર મહાશયે ઉત્તરાખંડ વગેરે તીર્થાેમાં જઈને સાધના કરી હતી, ક્યારેક એકલા તો ક્યારેક ભક્તો સાથે. સાધુ લોકો જ્યારે તપસ્યા કરવા જતા ત્યારે તેઓ એમની આર્થિક સહાયતા કરતા રહેતા. ભલે એ સહાયતા વધારે પ્રમાણમાં ન હતી, છતાં તેની પાછળ પણ એક તાત્પર્ય હતું. સાધુઓ તપસ્યા કરવા જતા હતા, નહીં કે કોઈ સ્વચ્છંદ જીવનયાપન કરવા. એટલે જેટલું ખરેખર આવશ્યક હોય, એટલું જ આપવું ઉચિત ગણાય. બધાને તેઓ એક રૂપિયો દેતા. આમ તો એ દિવસોમાં સાધુ માટે એક રૂપિયો ઓછો ન હતો. ઉંમરવાળા સાધુઓ માટે બે રૂપિયા નિર્ધારિત હતા અને બે સાધુઓને એમણે ત્રણ-ત્રણ રૂપિયા પણ આપ્યા છે. કેવળ ઠાકુરના ભક્ત છે એટલે મોકળે હાથે ધન આપતા હોય એવી કોઈ વાત નથી. સાંસારિક બાબતોમાં તેઓ ઘણા કૃપણ હતા. શ્રીઠાકુરના શિષ્ય હતા ને! તેઓ પણ આ બાબતમાં કંઈ કમ ન હતા. છતાં પણ આવશ્યકતા પડતાં ખર્ચ કરવામાં તેઓ પાછળ ન રહેતા. છતાં પણ તેઓ કેવળ દાતા જ નહીં, માસ્ટર (શિક્ષક) પણ હતા. તેઓ બરાબર ખબર લેતા રહેતા કે કોણ કેટલાં જપ-ધ્યાન કરે છે. કોઈ ઉત્તમ જીવન વિતાવે છે અને ધ્યાન-ભજન કરે છે એ જાણીને તેઓ ખૂબ રાજી થતા.

Total Views: 137

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram