સ્વામી વિવેકાનંદના કેળવણીના આદર્શાેમાં એકાગ્રતા પાયાનો વિષય છે. બધું જ્ઞાન મનોયંત્રના માધ્યમથી જ આપણે મેળવીએ છીએ. પણ સ્વામીજીના મત પ્રમાણે આ પ્રક્રિયામાં જ્ઞાનની પ્રાપ્તિ કેવળ બાહ્ય સ્રોતો દ્વારા થતી નથી. બાહ્ય પરિસ્થિતિઓ આપણને જ્ઞાનપ્રાપ્તિ માટે ઉત્તેજિત કરે છે. સાચું જ્ઞાન તો આવિષ્કાર અને આવરણોનાં ઢાંકણોને દૂર કરવાથી પ્રાપ્ત થાય છે. એટલે જે મનરૂપી સાધનથી આપણે જ્ઞાનનો આવિષ્કાર કરી શકીએ છીએ તેને પરિશુદ્ધ અને તીક્ષ્ણ ધારદાર રાખવું જોઈએ.
સ્વામીજી જે જ્ઞાનપ્રાપ્તિ માટે જે મનની વાત કરે છે તેને આપણાં શાસ્ત્રો બુદ્ધિ અથવા વિજ્ઞાનમય આત્મા કહે છે. ઉપનિષદોમાં મનુષ્યના વ્યક્તિત્વને પંચકોષોમાં વિભાજિત કરવામાં આવે છે. તે છે
(૧) અન્નમયકોષ કે આત્મા (૨) પ્રાણમય-આત્મા (૩) મનોમય-આત્મા (૪) વિજ્ઞાનમય-આત્મા કે બુદ્ધિ અને (૫) આનંદમય આત્મા.
કઠોપનિષદ ૧.૩.૧૨માં કહ્યું છે :
एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते । दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदशिर्भिः ।।
આ આત્મા બધાં જ પ્રાણીઓમાં સંતાઈને રહેલો છે અને દેખાતો નથી. પરંતુ પોતાની તીક્ષ્ણ અને સોંસરવી ઊતરી જાય એવી બુદ્ધિ દ્વારા ખોજ કરનારા દૃષ્ટા-ઋષિઓ વડે એને જોઈ શકાય છે.
સ્વામીજીના મત પ્રમાણે આ બુદ્ધિ એકાગ્રતા અને ધ્યાન દ્વારા તીક્ષ્ણ બનાવી શકાય છે. આ રીતે એ જ્ઞાનપ્રાપ્તિનું એક ઉત્તમ સાધન બની જાય છે.
મુંડકોપનિષદ ૨.૨.૩માં કહ્યું છે :
धनुर्गृहीत्वौपनिषदं महास्त्रं शरं ह्युपासानिशितं सन्धयीत । आयम्य तद्भावगतेन चेतसा लक्ष्यं तदेवाक्षरं सोम्य विद्धि ।।
ઉપનિષદનો (ઉપનિષદમાંથી મળતો) સંદેશ એક મોટા ધનુષ્ય જેવો છે અને જીવાત્મા એ ધનુષ્યમાં રાખવા માટેનું બાણ છે. એ બાણને ધ્યાનથી તીક્ષ્ણ બનાવો. પછી એ ધનુષ્યને જોરથી ખેંચો એટલે કે દુનિયાના વિચારોથી મનને પાછું ખેંચી લો અને એને બ્રહ્મ સાથે તાકો. એ બ્રહ્મ તમારું લક્ષ્ય છે. એ બ્રહ્મને મનથી ભેદી નાખો.
કેળવણીની પ્રક્રિયામાં જ્યારે બુદ્ધિરૂપી સાધન અશુદ્ધ અને વિક્ષિપ્ત હોય ત્યારે જ્ઞાનપ્રાપ્તિમાં અડચણ આવે છે. પણ આ સાધનને પરિશુદ્ધ અને એકાગ્ર બનાવવાથી જ્ઞાનપ્રાપ્તિ સરળસહજ અને આનંદદાયી બની જાય છે. એટલે જ સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું હતું કે જો એમને ફરીથી કેળવણી મેળવવાનું થાય તો સૌ પહેલાં તેઓ પૂર્ણરૂપે મનની એકાગ્રતા એટલે કે તીક્ષ્ણ બુદ્ધિશક્તિ કેળવશે અને પછી જે કંઈ માહિતીજ્ઞાન મેળવવાનાં હોય તે સરળ બની જશે અને એમાં તીવ્ર ગતિ પણ આવશે.
આવી તીક્ષ્ણ કે એકાગ્ર બુદ્ધિથી કોઈ વિષયવસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી એની મેળે એનું રહસ્ય પ્રગટ થશે. આ એકાગ્રતા અને એ મેળવવાની ઉત્કટ ઝંખના સાથે આપણે અનાસક્તિનો ગુણ પણ કેળવવો જોઈએ. આ એકાગ્રતા જેટલા પ્રમાણમાં ઉત્કટ બને તેટલા પ્રમાણમાં અનાસક્તિ પણ કેળવવી જોઈએ.
સ્વામી વિવેકાનંદ કહે છે :
‘આપણી પાસે તો જ્ઞાન પ્રાપ્ત કરવાની એક જ પદ્ધતિ છે. ક્ષુદ્રમાં ક્ષુદ્ર માણસથી માંડીને તે મહાન યોગી સુધી બધાને એ જ પદ્ધતિનો ઉપયોગ કરવાનો રહે છે. એનું નામ ચિત્તની એકાગ્રતા દ્વારા જ્ઞાનપ્રાપ્તિ. પોતાની પ્રયોગશાળામાં કામ કરતો રસાયણશાસ્ત્રી પોતાના ચિત્તની સર્વ શક્ત્ાિઓને પોતે જે પદાર્થનું પૃથક્કરણ કરતો હોય છે તેમાં કેન્દ્રિત કરે છે ને એમ કરીને પોતે પદાર્થનું રહસ્ય જાણી શકે છે. ખગોળવેત્તા પણ પોતાની બધી શક્તિઓને એકાગ્ર કરીને દૂરબીનમાંથી સૂર્ય, ચંદ્ર, આકાશનાં ગ્રહનક્ષત્રોને જુએ છે ને ત્યારે એ બધાનું રહસ્ય એની આંખથી છાનું રહી શકતું નથી… આ સામર્થ્ય, અંતરાયને પ્રહારથી છેદી નાખવાની શક્તિ ચિત્તની એકાગ્રતામાંથી જ ઉદ્ભવે છે. માનવમનના સામર્થ્યને કશી મર્યાદા નથી. જેમ તમે એને વધારે એકાગ્ર કરશો તેમ એ વધારે કાર્યસાધક બનશે. પદ્ધતિનું રહસ્ય આટલું જ છે.
ચિત્તને એકાગ્ર કરવાની શક્તિના વિકાસ સાથે અનાસક્ત્ાિની વૃત્તિને પણ કેળવતા રહેવું જોઈએ. એક જ વસ્તુ પર મનને કેન્દ્રિત કરતાં શીખવું જોઈએ તો ખરું, પણ સાથે સાથે ગમે તે ક્ષણે એક વસ્તુ પરથી એને પાછું વાળી બીજી વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકવાની આપણામાં શક્તિ હોવી જોઈએ.આ બંને શક્તિઓનો એક સાથે વિકાસ કરવાથી બધા ભયમાંથી બચી જઈ શકાશે.
આનું નામ તે માનસિક શક્તિઓનો પદ્ધતિસર વિકાસ. મારે મન તો શિક્ષણનું સાચું સત્ત્વ તે આ ચિત્તને એકાગ્ર કરવાની શક્તિ જ છે. હકીકતોનો ઢગલો એકઠો કરવો તે શિક્ષણ નથી. જો મારે મારું શિક્ષણ ફરી પ્રાપ્ત કરવાનું હોય ને જો એમાં મારું કંઈ ચાલી શકે એમ હોય તો હું આ માહિતીઓનો ઢગ એકઠો કરવાની પંચાતમાં પડવાનું જરા પણ પસંદ નહિ કરું. મને ચિત્તને એકાગ્ર કરવાની અનાસકત રહેવાની શક્તિઓને વિકસાવવાનું જ વધારે ગમશે. એ રીતે ગ્રહણ કરનારું સાધન વધારે કાર્યક્ષમ બન્યું હોય પછી હકીકતોનો સંગ્રહ કરતાં શી વાર લાગવાની હતી ? એટલે બાળકમાં એકી સાથે બે શક્તિઓનો વિકાસ કરતા રહેવું જોઈએ.’ (આપણા હાથમાં ભારતનું ભાવિ, પૃ.૫૦-૫૨)
ઉપર્યુક્ત આદર્શ માટે સ્વામીજીના જીવનની કેટલીક ઘટનાઓ અને એમનું પોતાનું મન શ્રેષ્ઠ દૃષ્ટાંત છે :
‘સ્વામીજી જ્યારે અમેરિકામાં એક દિવસ નદી કિનારે ટહેલતા હતા ત્યારે અચાનક તેમણે જોયું કે કેટલાક યુવકો પૂલ પર ઊભા રહીને નદીમાં તરતાં ઇંડાંનાં છોતરાં પર નિશાન તાકીને ગોળી મારવાનો વારંવાર પ્રયત્ન કરે છે. પરંતુ તેઓ એક પણ વખત સફળ ન થયા. આ જોઈને સ્વામીજીના મુખ પર હાસ્ય તરવરી ઊઠ્યું. તેઓમાંના એક યુવકે આ જોયું. સ્વામીજી સામે પડકાર ફેંકીને તેણે કહ્યું : ‘દેખાય છે તેટલું આ કામ સરળ નથી. જોઈએ તો ખરા આપ કેવું નિશાન તાકી શકો છો.’ જરા પણ ખચકાયા વગર સ્વામીજીએ બંદૂક લઈ લીધી અને એક પછી એક ઇંડાના છોતરાનું નિશાન ગોળીથી લીધું. પેલા યુવકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને લાગ્યું કે ચોક્કસ સ્વામીજી ઘણા વખતથી બંદૂક વાપરતા હશે. સ્વામીજીએ તેઓને કહ્યું કે આ પહેલાં મેં કદી બંદૂક હાથમાં પકડી પણ નથી. આ લક્ષ્યભેદની મારી સફળતાનું રહસ્ય છે મારો મન ઉપરનો સંયમ.’
(હવે પછીના અંકમાં સ્વામીજીનાં અન્ય ઉદાહરણો જોઈશું.)
Your Content Goes Here



