યુવાનો અને શાણપણ
યુવાન! કેવો ઉત્તેજક શબ્દ! જ્યારે તમે આ શબ્દ સાંભળો છો ત્યારે તમારા લોહીની નળીઓમાંથી પસાર થતો રોમાંચ અનુભવતા નથી! યુવાન શક્તિ અને ઊર્જાનું પ્રતીક છે; યુવાન હિંમત અને ઉત્સાહનું મૂર્તરૂપ છે. વાંકો વળી ગયેલ વૃદ્ધ પણ આ ચમત્કારિક શબ્દ ‘યુવાન’ સાંભળીને ટટ્ટાર ઊભો થઈ જાય છે અને પોતાની છાતી ફુલાવી દે છે! આપણું રાષ્ટ્ર, અરે સમગ્ર વિશ્વ આ યુવાનો પર ઘણી આશા-અપેક્ષાઓ રાખે છે. એનું કારણ એ છે કે જો કોઈ નક્કર અને મહાન કાર્ય સિદ્ધ કરવાનું હોય તો એને પૂર્ણ કરવાની ક્ષમતા આ યુવાનો ધરાવે છે.
આ યુવાનોમાં કોઈ પણ સૌથી મુશ્કેલ કાર્યને હસતે મુખે હાથમાં લેવાની ક્ષમતા છે. પછી ભલે એ કાર્ય કરવા સખત પરિશ્રમ કરે તો પણ તેઓ જરાય થાક અનુભવતા નથી. આવું તરોતાજા અને ગરમ લોહી એમની રક્તવાહિનીઓમાં વહે છે. કર્મના ક્ષેત્રમાં ક્યારેક નિષ્ફળતા આપણી સમક્ષ તરી આવે એ સ્વાભાવિક છે. આવી ક્ષણે યુવાનો પ્રબળ હૃદયની તાકાત અને પુન : જીવિત કરેલા ઉત્સાહથી અને ‘ગમે તે થાય પણ આ વખતે તો હું મારા ધ્યેયને સિદ્ધ કરીશ જ’ એમ કહીને આગળ ધપે છે. માત્ર યુવાનોમાં જ ધર્મ, દર્શન, સાહિત્ય, કળા, વિજ્ઞાન, ટેક્નોલોજી, કૃષિ, અને ઉદ્યોગ જેવાં સર્જનાત્મક ક્ષેત્રોમાં તાલીમબદ્ધ થવા માટે તરોતાજા દિમાગ અને અત્યંત ફળદાયી આવડત અને કાર્યશક્તિ રહેલાં છે. અને વળી યુવાનો જ ખંતીલા પ્રયાસોમાં પોતાની જાતને જોડી શકે છે અને અમાપ ઊંચાઈઓને આંબી શકે છે તેમજ કોઈએ ન મેળવેલ માનયશ મેળવી શકે છે.
યુવાનો સમક્ષ અનંત તકો રહેલી છે. પરંતુ યુવાને આ તકોનો યોગ્ય ઉપયોગ કરવા અને પોતાના તેજસ્વી બુદ્ધિવાળા ભાવિને આકાર આપવા શાણપણ કેળવવું પડે. યુવાનમાં શારીરિક શક્તિ, માનસિક શક્તિ, કદીએ નમતું ન જોખે તેવો ઉત્સાહ અને અનંત સર્જનાત્મક શક્તિ સાથે પાછળ લાગ્યા રહેવાની તાકાત હોય છે. પરંતુ જો તેનામાં શાંત શાણપણની અદૃશ્ય તાકાત અને શાંતિ-સ્થિરતા ન હોય તો બધું વ્યર્થ જવાનું ! આ શાણપણ શું છે? સંસ્કૃતમાં એને વિવેક કહે છે. આ વિવેકબુદ્ધિ કોઈપણ યુવાનને સાચું શું છે અને ખોટું શું છે, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, શું મેળવવું જોઈએ અને શું છોડી દેવું જોઈએ અને શું જોવું જોઈએ અને શું ન જોવું જોઈએ એ જાણવા શક્તિમાન બનાવે છે.
એટલે જ યુવાનો આ અત્યંત ઉપયોગી એવી વિવેકબુદ્ધિ કેળવે એ ખૂબ આવશ્યક છે. આપણા યુવાનો પોતાના વિચારોમાં, વાણીમાં અને કાર્યોમાં અત્યંત સચેત રહેવા જોઈએ. સાવધાની એ શાણપણનું સૌથી મોટું સંતાન છે. જે કામ કરવાનું હોય એ ન થાય તો મોટી ઊણપ ઊભી થશે, ઘણું ગુમાવવું પડશે અને જેને કર્યા વિના છોડી દેવું જોઈએ એ થઈ જાય તો અણગમતાં પરિણામો આવવાનાં જ.
જો આ જીવનમાં કંઈ મહાન કાર્યસિદ્ધિ મેળવી ન હોય તો આ માનવજન્મ વ્યર્થ છે. જો મૂળ વૃત્તિઓ અને આસક્તિ પર સંયમ ન લાવી શકાય અને એને આગળ વધવામાં પ્રોત્સાહિત કરાય તો માનવ આત્માની ઉત્ક્રાંતિ શક્ય નથી. મનને અસ્થિર કરે તેવી બધી લલચામણી બાબતોને દૂર કરવા વધારે સતેજ બનવું જોઈએ અને તમે જે કંઈ પણ જુઓ છો, સાંભળો છો કે ભોગવો છો તેમાં તીક્ષ્ણ વિવેકબુદ્ધિ હોવી જોઈએ. દાખલા તરીકે જો કોઈ વ્યક્તિ પ્રકૃતિનું સૌંદર્ય જુએ અને માણે તો એનું હૃદય મુક્ત બનશે અને લાગણીઓ પણ પરિપક્્વ બનશે.
આકાશના તારા અને ગ્રહોની અદ્ભુત દુનિયામાં એક ઝાંખી કરીએ તો હૃદય ઉદાત્ત વિચારો અને લાગણીઓથી ભરાઈ જાય. આકાશી રંગના સાગરની ક્ષિતિજ તરફ એક ઊડતી નજર આપણી રક્તવાહિનીઓમાં સાહસ અને ઉત્તેજનાની રોમાંચકતા વહેતી કરી દેશે.
આવાં દૃશ્યો જોવા અને માણવાથી આપણી લાગણીઓ સમૃદ્ધ બને છે, કલ્પના પરિશુદ્ધ બને છે અને તે આપણા મનોભાવવાળા વ્યક્તિત્વને પોષે છે. એને બદલે જો કોઈ પણ વ્યક્તિ મોહક દૃશ્યો જુએ તો તે મનને ખલેલ પહોંચાડે છે, મૂંઝવે છે અને બુદ્ધિને ઉન્મત્ત કરી દે છે. એટલે જ આવાં દૃશ્યો તરફથી તરત જ નજર ફેરવી લેવી જોઈએ. આ જ શાણપણને યુવાનોએ વિકસિત કરવું જોઈએ.
Your Content Goes Here



