ગયા અંકમાં નરેન્દ્રની પોતાના સાથીની બીમારીમાં સહાયતા અને વૃક્ષમાં રહેલ કહેવાતા
બ્રહ્મરાક્ષસના અસ્તિત્વની સત્યપરીક્ષાના પ્રસંગો વાંચ્યા, હવે આગળ…
મિત્રો સાથે ખેલકૂદ અને ધીંગામસ્તી કરતાં નરેન સદા ખુશ રહેતો પણ ક્યારેક ક્યારેક હસીમજાક કરતાં કરતાં એકાએક આકાશ તરફ એકીટસે જોવા લાગતો. એ સમયે એના ચહેરાનું હાસ્ય ઊડી જતું અને તે ગંભીર દેખાતો. ત્યાર પછી તે બોલી ઊઠતો, ‘હું રાજા બનવાનો છું, હું આમ કરવાનો છું, હું તેમ કરવાનો છું.’ છોકરાઓને એની આ ઉક્તિઓનું રહસ્ય ન સમજાતું. થોડીવાર પછી નરેન ફરીથી હસવારમવામાં ડૂબી જતો. એના આવા વિચિત્ર વ્યવહારને જોઈને એનું મિત્રવૃંદ એને પ્રેમથી ‘પાગલ બિલે’ કહેતું. તેના મિત્રો કહેતા, ‘બિલે ઘણો સારો છે. ખૂબ મોજમસ્તી કરે છે, હસીમજાક કરે છે, પણ થોડો ધૂની મિજાજનો છે. એ ક્યારે શું કહેશે, એનું કંઈ ઠેકાણું નહીં !’
વિદ્યાલયમાં ભણતી વખતે પણ નરેનના આચરણમાં એક પ્રકારની દૃઢતા જોવા મળતી. એકવાર એના ભૂગોળના શિક્ષકે કહ્યું, ‘તારા જવાબમાં ભૂલ છે.’ પરંતુ નરેનને પોતાના જવાબમાં પૂરેપૂરો વિશ્વાસ હતો. શિક્ષકે એના હાથ પર સટાસટ સોટીઓ વીંઝી. નરેને ઉંહકારો પણ ન કાઢ્યો. પછીથી શિક્ષકને પોતાની ભૂલ સમજાઈ અને એમણે નરેનની માફી માગી. આ વાત સાંભળીને એનાં માતાએ કહ્યું, ‘જે વાત તને ઉચિત અને સાચી લાગે એના પર તારે દૃઢ રહીને વર્તવું જોઈએ.’ એના ચરિત્રની આ જ દૃઢતા એના ભાવિ જીવનમાં પણ ઘણા મોટા પ્રમાણમાં ઉપયોગી સિદ્ધ થઈ હતી.
એકવાર હસતાં હસતાં જ ઘરની ભીતર એક નાટકમંડળી શરૂ કરી દીધી. દત્ત કુટુંબનાં બધાં બાળકો સાથે મળીને ઘરમાં રહેલા દેવાલયમાં અલગ અલગ નાટકો રજૂ કરવા લાગ્યાં. કેટલાંય નાટક પછી તેના એક કાકા એટલા ગુસ્સે થયા કે એમણે આ નાટકના રંગમંચને દૂર કરી દીધો.
ત્યાર પછી નરેને ઘરના આંગણામાં વ્યાયામ શાળા શરૂ કરી. અહીં બધાં બાળકો ખૂબ વ્યાયામ કરવા લાગ્યાં. વ્યાયામને લીધે શોરબકોર પણ થતો. એક દિવસ નરેનના પિતરાઈ ભાઈનો હાથ મચકોડાઈ ગયો. બસ, પછી તો તેના કાકાએ એકવાર ફરીથી નારાજ થઈને તત્કાલ વ્યાયામની બધી વ્યવસ્થા ત્યાંથી દૂર કરી દીધી. પછી નરેને લાઠીદાવ, કુસ્તી, હોડી ચલાવવી, તરવું જેવા ખેલોમાં નિપુણતા મેળવી લીધી. એકવાર એક મેળામાં યોજાયેલ મુક્કાબાજીની સ્પર્ધામાં તેને પ્રથમ પુરસ્કારરૂપે ચાંદીનું એક પતંગિયું મળ્યું હતું. કોઈ ને કોઇ કાર્યમાં સર્વદા તલ્લીન રહેવું, એ નરેનની એક વિશિષ્ટતા હતી. ક્યારેક ઘરના બધા લોકોને મેજીક લેન્ટર્ન – જાદુઈ ફાનસ દ્વારા સ્લાઈડ ચિત્ર બતાવતો. ક્યારેક ઘોડેસવારી માટે નીકળી પડતો. રમતમાં એને રેલગાડી બનાવવાનો ઘણો શોખ હતો. એ દરમ્યાન એને જાતજાતનાં ભોજન બનાવવાનો ચસ્કો લાગ્યો. તે દાળચોખા લઈને ભાતભાતની ખીચડી રાંધતો. દરેક રાંધેલી વસ્તુમાં મરચું નાખતો અને એને થોડું તીખું બનાવતો. નરેનનો સ્વભાવ અત્યંત મધુર હતો. એને લીધે પોતાના ઘર અને શેરી-મહોલ્લાના સૌ લોકોનો અત્યંત પ્રિય બની ગયો. (ક્રમશ 🙂
Your Content Goes Here



