(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)
(ગયા અંકમાં મૌન સાધનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકારૂપ છે, સાધકના જીવનનું અનિવાર્ય અંગ છે, એનું વિવેચન વાંચ્યું, હવે આગળ…)
મૌન-સાધના વિશે એક મહત્ત્વપૂર્ણ વાત એ હોય છે કે મન સર્જનાત્મક પ્રતિભાનો વિકાસ કરતું રહે છે. ઉદાહરણ તરીકે, પોતાનાં મનોરંજન અને આનંદ માટે તીવ્ર ક્રિયાશીલતા અને બાહ્ય મનોરંજનમાં અભ્યસ્ત વ્યક્તિને જ્યારે અચાનક પોતાનાં આંતરિક સંસાધનોના ભરોસે છોડી દેવામાં આવે, અને જો એ તેના દ્વારા વિફળ બનાવી દેવામાં ન આવે તો તેનું મન વિચિત્ર પ્રક્રિયા કરશે અને પોતાનાં પ્રસુપ્ત આત્મસંતુલન તેમજ મૌલિકતાનું અનુસંધાન કરશે. બાળકોના શિક્ષણ વિશે પણ આ સત્ય છે. જો આપણે કૃત્રિમ રમકડાં અને કોલાહલપૂર્ણ રમતોથી એમનું મન વ્યસ્ત ન રાખીએ તો બાળકો નવાં રમકડાં અને રમતોને શોધી કાઢશે. આંતરિક કાર્યશક્તિને આ રીતે તીવ્ર બનાવવી એ જ શિક્ષણનો સાર છે. જ્યારે જડ પદાર્થ દ્વારા આપણું મન ભાર કે દબાણથી ઘેરાયેલું ન હોય ત્યારે આપણે વધારે સારું ચિંતન કરી શકીએ છીએ. જ્યારે આપણી આંખો એક લક્ષ્ય તરફ અભિમુખ થાય છે ત્યારે આપણે વધારે સ્પષ્ટતાથી જોઈ શકીએ છીએ. અને આ સાધ્ય હેતુ માટે મૌન-સાધનાથી વધારે પ્રભાવક બીજું કંઈપણ નથી.
બધા પ્રબુદ્ધ લોકો એ અનુભવે છે કે જ્યારે આપણું બાહ્ય જગત શાંત રહે છે, ત્યારે જ આપણા સ્વભાવનો આંતરિક અંશ પ્રભાવક રીતે અભિવ્યક્ત થાય છે. આ જ કારણે પ્રબુદ્ધ માણસો લોકોની ભીડથી વારંવાર અલગ રહે છે. તેઓ પોતાના વિચાર પ્રસ્તુત કરવા વધારે ઉત્સુક નથી હોતા. તેઓ ગહન ચિંતન કરે છે અને ચુપચાપ કાર્ય કરે છે. જેઓ આપણી જેમ સતત ક્રિયાશીલ નથી રહેતા એવા લોકો માટે આપણે મોટે ભાગે ખોટી ધારણા કરી લઈએ છીએ. આપણે એવી કલ્પના કરી લઈએ છીએ કે એમનું જીવન વ્યર્થ છે, કારણ કે તેઓ સતત બાહ્ય કાર્યોમાં વ્યસ્ત નથી રહેતા. પરંતુ આપણે ક્યારેય એક શાંત અને મનનશીલ આત્મા દ્વારા પ્રસારિત ભલમનસાઈને માપી શકતા નથી.
Phillips Brooks આ વાતને સુંદર રીતે વર્ણવે છે, ‘વાસ્તવિક રીતે આપણા પોતાના નાના જીવનવર્તુળમાં અત્યંત પ્રવૃત્તિશીલ લોકોના આપણે સૌથી વધારે ઋણી નથી. જે સામાન્ય માણસોને આપણે જાણીએ છીએ, તેઓ સૌથી વધારે પ્રવૃત્ત હોય, ધૂમકેતુ જેવા હોય અને જે કોઈ ઊર્જાના પ્રવાહ કે કાર્ય પાછળ દોડતા દેખાતા હોય એવું જરૂરી નથી. પરંતુ જેનાં જીવન તારલા જેવાં હોય છે અને પોતાની તેજસ્વિતા ને નિષ્ઠાનો શાંત પ્રકાશ આપણા પર ઠાલવતાં રહે છે, એના તરફ આપણે મીટ માંડી રહીએ છીએ અને એમાંથી આપણને ગહન શાંતિ ને હિંમત મળી રહે છે. આપણામાંના ઘણા લોકો જેમને સક્રિય ઉપયોગિતાની તક મળતી નથી, તે બધાને અહીં વારંવાર ખાતરી મળી રહે છે, એવું મને લાગે છે.
આપણે આપણા માનવબંધુઓ માટે કંઈ કરી શકતા નથી. છતાં પણ આપણે એમને માટે કંઈક બની શકીએ છીએ એ જાણવું સારું રહેશે. એ સ્પષ્ટપણે જાણવું સારું રહેશે કે કોઈ પણ વિનમ્રતમ નરનારી પ્રબળ, ઉમદા, શુદ્ધ, નિર્મળ અને ભલાં બની શકે તો એમ ને એમ જ વિશ્વ ભલું બની જાય, વળી પોતાના ભલમનસાઈના આ જ અસ્તિત્વ દ્વારા કોઈને પણ સહાયતા અને સાંત્વના મળી જાય.’
આપણે પોતાના આધ્યાત્મિક જીવન સાથે થોડા આગળ વધવાના પ્રયાસ પહેલાં જ કેટલાક મૌલિક સદ્ગુણો પ્રાપ્ત કરી લેવા જોઈએ. જો આપણું મન ઉત્તમ વિચારોથી ભરેલું રહે તો કોઈપણ સમયે આપણે પોતાની જાતને એકાકી કે અસુરક્ષિત નહીં માનીએ. જ્યારે એક વ્યક્તિ સાથે કોઈ બીજી વ્યક્તિ વાતચીત કરવા કે મનને આનંદમાં રાખવા નથી હોતી, ત્યારે એક સાધારણ વ્યક્તિ પોતાને એકાકી હોવાનો અનુભવ કરે છે. વળી એવી કોઈ વ્યક્તિ કે જે અલ્પમાત્રામાં જ પોતાની આધ્યાત્મિક ગહનતામાં પ્રવેશી ચૂકી છે, તે પોતાના એકાકી રહેવાના કોઈપણ અવસરે પોતાના અંતરાત્માની સાથે એકાકાર થઈને ઘણી પ્રસન્ન રહે છે. આપણે બધાએ પોતાના અંતરાત્માની સાથે એકાકી રહેવાનું શીખી લેવું જોઈએ. લોકોની એવી ધારણા છે કે સતત બીજાની સંગતિ મળતી ન રહે તો તેઓ પ્રસન્ન રહી શકતા નથી.
વળી કેટલાક લોકો એવું વિચારે છે કે તેમને મનની શાંતિ પ્રાપ્ત કરવા પ્રત્યેક વસ્તુ કે વ્યક્તિથી દૂર હટી જવું જોઈએ. પરંતુ જ્યા સુધી આપણે પોતાના અજ્ઞાન અને સ્વાર્થપરાયણતાથી વ્યથિત થતાં રહીએ છીએ ત્યાં સુધી આપણે કોઈ પર્વતની ગુફામાં પ્રવેશીને પણ એકાકી રહી શકતા નથી. આપને આશ્ચર્ય થઈ શકે કે જો મૌન એટલે ભીડથી દૂર જવું અને જીવનના કોલાહલપૂર્ણ અંશને દૂર કરી દેવો, એ ન હોય તો મૌનનું તાત્પર્ય શું છે ? મૌન દ્વારા ઉપર્યુક્ત અભિપ્રાય વ્યક્ત થતો નથી. એના માટે લોકોથી દૂર ભાગવા કરતાં કંઈક વધારે કરવાની આવશ્યકતા છે. આપ વનના ગહનતમ પ્રદેશોમાં પ્રવેશ કરી શકો છો, આમ છતાં પણ જો આપનું મન કોલાહલપૂર્ણ હોય તો આપ શાંતિ પ્રાપ્ત ન કરી શકો. જો આપની મનોવૃત્તિ વિક્ષુબ્ધ હોય તથા આપની પોતાના અંતરાત્મા સાથે સંગતિ થઈ ન શકતી હોય તો આપ શાંતિ મેળવી ન શકો. આ બધી એવી વસ્તુઓ કે જેને આપણે મેળવવાની છે અને આપણે જીવનના પ્રપંચમાં પડીએ તે પહેલાં જ તેમને મેળવી લઈએ, એ વધારે સારું રહેશે.
આ સંસારમાં આપણે પ્રત્યેક વસ્તુને પોતાની ઇચ્છાનુસાર મેળવવાની આશા ન રાખી શકીએ. સંસારમાં નિરાશા તથા અણધારેલી ઘટનાઓ બનતી રહે છે; પરંતુ આ બધી વિપત્તિઓ હોવા છતાં જો આપણાં મન અને આદતની મનોવૃત્તિને પ્રાપ્ત કરી લીધી હોય તો આપણે સુરક્ષિત અને સંતુલિત રહી શકીએ છીએ. આપ બૌદ્ધિક રૂપે માની શકો છો કે ક્રોધ કરવો, અધીર થવું અને કડવાં વેણ કહેવા એ ખરાબ વાત છે. પરંતુ અણધારી રીતે અવાંછિત શબ્દો નીકળી જાય છે અને જ્યાં સુધી તમે તેનો અનુભવ કરતા હો, તે પહેલાં જ આપ અપ્રિય ભાષણ કરી ચૂક્યા હો છો. આપણે પોતાના મનને સામંજસ્યમાં સુનિયોજીત કરીને અને પોતાના જીવનને ઉચ્ચતર શક્તિઓ સાથે જોડીને હંમેશાંને માટે આ આપદાઓમાંથી પોતાની જાતને બચાવી શકો છો.
સફળતાનું એક મોટું રહસ્ય એ છે કે આપણે પોતાની પૂર્ણ સત્તા સાથે કાર્ય કરીએ છીએ અને આપણે એ પૂર્ણતયા શાંત એવં એકાગ્ર થયા વિના કરી શકતા નથી. આ જીવનનું સાધારણ સૂત્ર છે, પરંતુ તે મેળવવામાં એટલું સરળ નથી. અને આપણે કોઈ બીજા દ્વારા પોતાના માટે કરવાની આશા પણ ન રાખી શકીએ. કેટલાક લોકો એવું ઇચ્છે છે કે ચિંતનનું આ કાર્ય એમને માટે કોઈ બીજો કરી દે. એક મહત્તર મન પણ કોઈ બીજા મન માટે ચિંતન કરી શકતું નથી.
આ રીત આપણે ક્યારેય હાર્દિક સંતોષ કે ઉચ્ચતમ પ્રજ્ઞાને પ્રાપ્ત કરી શકતા નથી. કોઈ બીજું મન કે મગજ આપણી સમસ્યા પર વિચાર કરી શકતાં નથી, કારણ કે તે સંપૂર્ણ સ્થિતિને જાણતા નથી. આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ, પણ આપણે આપણી સાચી પરિસ્થિતિથી કોઈને અવગત કરાવી શકતા નથી એટલે આપણી સમસ્યાઓનું સમાધાન મેળવવા માટે એક ઉપાય છે- પોતાના અંતરતમમાં પ્રવેશ કરવાનું શીખી લેવું. (ક્રમશ 🙂
Your Content Goes Here



