(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)

(ગયા અંકમાં મનને સામંજસ્યમાં સ્થાપીને પોતાના જીવનને ઉચ્ચતર શક્તિઓ સાથે જોડીને આપદાઓમાંથી કેવી રીતે બચી શકીએ એ જોયું, હવે આગળ…)

કાર્યની અધિકતાથી આપણે થાકતા નથી; ક્યારેક ક્યારેક કાર્યની ઓછપની લીધે આપણે થાકી જઈએ છીએ. પોતાને નિર્દેશિત કરવાની કળા ન જાણવાને લીધે તથા એકાગ્રતા અને સંતુલનની વૃત્તિ ન મેળવી શકવાને કારણે આવું થાય છે. જ્યારે આપણે આ ગુણો ધરાવતા હોઈએ છીએ ત્યારે આપણને સદૈવ સૂક્ષ્મવેધી શક્તિ પ્રાપ્ત થાય છે. બૌદ્ધિકરૂપે આપણે આ બધાંનું મૂલ્ય સમજી શકીએ છીએ, પરંતુ આ કેવળ તેનો નૈતિક પક્ષ છે. જ્યારે આપણે એને પ્રયોગમાં લાવીએ છીએ, ત્યારે તે જીવનમાં સર્વાધિક ગતિશીલ, વ્યાવહારિક અને મૂલ્યવાન વસ્તુ બની જાય છે. જ્યારે જીવનમાં તેને પ્રયોજીએ છીએ ત્યારે આપણે તેનું ફળ મેળવીએ છીએ. બેચેન અને આકુળવ્યાકુળ વ્યક્તિ સ્થિરધીર બની જાય છે. શારીરિકરૂપે દુર્બળ અને અસંતુલિત વ્યક્તિ ક્રમશ : શાંતચિત્ત બની જાય છે; કોઈ આકર્ષણ કે પ્રભાવરહિત મંદવ્યક્તિ અચાનક વિકસિત થઈ જાય છે અને થોડી માત્રામાં ઊર્જા પ્રાપ્ત કરે છે. આ બધું ભીતરથી આવે છે અને એને કારણે તેનો દૂરગામી પ્રભાવ પડે છે. અનેક વ્યક્તિ એવી હોય છે કે જે વાતચીત, ઉપદેશ કે કોલાહલ કરી શકે છે, છતાં પણ એવી વ્યર્થ વાતોથી આપણને સંતોષ મળતો નથી. શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક રીતે રહીને આપણે સાચી આધ્યાત્મિક અંતર્દૃષ્ટિ વિકસાવી શકીએ છીએ. આ અંતર્દૃષ્ટિ આપણને આંતરિક અને તાત્ત્વિક મૂલ્ય મેળવવામાં સમર્થ બનાવે છે.

મહાન વિચાર અને આદર્શ સદૈવ આપણી સમક્ષ રહે છે. પ્રત્યેક વ્યક્તિ એ સાંભળે છે, પરંતુ જ્યારે કોઈ વિશુદ્ધ આત્મા કોઈ વિચારને સાંભળે છે, ત્યારે તેને ગ્રહણ પણ કરે છે. આવો આત્મા કહે છે કે મારે આના વિશે હજુ વધારે જાણવું જોઈએ; તે ચિંતન, મનન અને વિચાર કરે છે. તે પોતાની આંતરિક ગહનતામાં પ્રવેશી જાય અને પછી તેને ફલિત કરે છે. છતાં પણ જે ઉતાવળિયો રહે છે અને દરેક વસ્તુ તત્કાલ મેળવવા ઇચ્છે છે, એવી વ્યક્તિ પાસે આવો અવસર આવતો નથી. આ આપણી સૌથી મોટી વિપત્તિઓમાંની એક છે. જે વસ્તુઓ આપણે દીર્ઘકાળના દૃઢ નિશ્ચયપૂર્વકના પ્રયત્નોથી પ્રાપ્ત કરીએ છીએ, તે વસ્તુઓ લાંબા સમય સુધી ટકી રહે છે તથા આપણા જીવનમાં પરમ સમૃદ્ધિ લાવે છે. એટલે આપણે અતિ ઉતાવળ અને તત્કાલ પરિણામવાળા આ વિચારોને બને તેટલી ઝડપથી ત્યજી દેવા જોઈએ. ગહન ગંભીર વસ્તુઓ અચાનક હાથમાં આવી જતી નથી. આપણે ધીરજ રાખવી જોઈએ. આપણે પોતાના સ્વભાવની અનેક ખામીઓને જાણી શકીએ છીએ, પરંતુ આપણી ભીતર ગમે તેટલા દોષ કે વ્યતિક્રમ(બાધા) ભલે રહ્યા, પરંતુ તે બધંુય સમાપ્ત કરી શકાય છે. ચુપચાપ કાર્ય કરતા જાઓ. તમે તત્કાલ સફળ થાઓ તો વધારે ઊર્જા અને સંકલ્પ સાથે પ્રયત્ન કરો. જે પ્રતીક્ષા માટે તૈયાર છે એમને પોતાની આ વૃત્તિ બચાવી લે છે અને દુર્ગમ મુશ્કેલીઓને પણ પાર કરવા સમર્થ બનાવે છે; જ્યારે અધીર વ્યક્તિ પોતાના અવસરોને ગુમાવતો રહે છે. એટલે મૌન અને ધૈર્ય એકી સાથે ચાલે છે. મૌનમાં આશ્ચર્યજનક સર્જનાત્મક શક્તિ છે. મહાન પુરુષોના જીવનનું અનુશીલન કરો. મહાપુરુષોના જીવનમાં વિચાર પ્રગટ થાય છે, પરંતુ તેઓ બહાર જઈને તેનો પ્રચાર કરતા નથી. પોતાને આદર્શની અનુભૂતિ થઈ જાય ત્યાં સુધી તેઓ ચુપચાપ ચિંતન અને શાંતિપૂર્વક કાર્ય કરે છે.

જો આપણે શાંત વિશ્રામમાં થોડો સમય ગાળવાની ટેવ પાડી શકીએ તો તે આપણી શારીરિક શક્તિ અને નૈતિકતા પર સ્પષ્ટ લાભદાયી પ્રભાવ પાડશે. પોતાનાં દૈનંદિનનાં કર્તવ્યોના નિર્વહનમાં જ્યારે આપણે પોતાને થાકેલ કે માનસિકરૂપે તણાવગ્રસ્ત હોવાનો અનુભવ કરીએ ત્યારે વિશ્રામ અને વિચારોના સંયોજન દ્વારા અશાંત તેમજ કષ્ટદાયી અનુભવોને દૂર ફેંકી દઈને આપણે સ્ફૂર્તિ અને નિશ્ચિંતતા અનુભવી શકીએ છીએ. એ આપણને પોતાના કામને વધુ સારી રીતે કરવામાં સમર્થ બનાવે છે. પ્રાય : લોકો પોતાના દૈનિક પરિશ્રમ પછી ઊંઘથી પણ આરામ મેળવી શકતા નથી. પછીના દિવસની સવારે તેઓ ઊઠે ત્યારે કોઈ સ્ફૂર્તિ કે આરામને સ્થાને પોતાને થાકેલો અનુભવે છે. તેનું કારણ શું છે ? તેઓ રાત્રે તો કામ કરતા નથી. આમ છતાં પણ તેઓ પોતાના કાર્ય વિશે ચિંતિત હતા. પથારીમાં સૂતી વખતે તેઓ પોતાનાં કાર્યો, પરેશાનીઓ અને ચિંતાઓને પણ સાથે રાખતા હતા. પોતાના જીવનને સુવ્યવસ્થિત કરવાનો આ સાચો ઉપાય નથી. કામ કરવાનો એક સમય હોય છે, મનોરંજન અને વિશ્રામનો પણ સમય હોય છે; પરંતુ મૌન શ્રેષ્ઠ વિરામદાતા છે. મૌનવૃત્તિથી વધારે તીવ્ર વિશ્રામદાયી કંઈપણ નથી અને પ્રત્યેક વ્યક્તિને તે મેળવવાનો અધિકાર છે. જ્યારે બધું શાંત રહે છે અને આપણા વિચારો પણ શાંત રહે છે તેમજ સમગ્ર તંત્રિકાતંત્ર વ્યવસ્થિત રહે છે, આપણે કોઈના પ્રત્યે અનાદરભાવ રાખતા નથી અને આપણું મન શાંત અને સંતુલિત રહે છે ત્યારે નિસ્તબ્ધતાની આંતરિક ગહનતામાં આપણને એવું ભદ્ર અને સુખપ્રદ તત્ત્વ મળે છે કે જેનો બીજા લોકો પણ અનુભવ કરે છે.

કેટલો મધુર છે સ્વર મૌનનો,

કેટલો મૃદુલ છે સ્પર્શ એનો.

કેટલો સુરભિત છે નિ :શ્વાસ એનો,

કેટલું મનમોહક છે રૂપ એનું.

અહા ! થોડી વાર શાંત થઈ જાઓ,

જેથી મારો આત્મા દિવ્ય શાંતિના પ્રદેશમાં,

સ્વયંનું દર્શન, શ્રવણ, સ્પર્શ અને

અનુભવ કરી શકે.

સર્વાધિક પ્રભાવશાળી અને સ્ફૂર્તિવાળા આપણા જીવનમાં કેટલીક કોમળ ચીજો પણ મળે છે. પરંતુ એમનો આપણે અનુભવ કરવામાં નિષ્ફળ રહીએ છીએ, કારણ કે આપણામાં અનુભૂતિની મૃદુલતાનો અભાવ રહે છે. જ્યારે આપણે દેખાતી ભૌતિક આંખોને આંજી દે તેવી બાબતોથી વિક્ષુબ્ધ થઈ જઈએ છીએ ત્યારે આપણે પોતાની ઓળખાણને ગુમાવી દઈએ છીએ.

પરંતુ શાંત સંયોજનની એક ક્ષણમાં જ્યારે આપણી બધી કાર્યશક્તિ પૂરેપૂરા સામંજસ્યમાં રહે છે, ત્યારે આપણે અનુભવીએ છીએ કે આપણે સાર્વભૌમ સત્તાનો અંશ છીએ. આ ક્ષણમાં આપણે પોતાના જીવનની પૂર્ણતાનો અનુભવ કરીએ છીએ, કારણ કે ત્યારે આપણું જીવન મહાન જીવન સાથે અને આપણું ક્ષુદ્ર મન સાર્વભૌમ મન સાથે એકાકાર થઈ જાય છે; સાથે ને સાથે આપણું અવાક્ મૌન અને અકથ્ય આશ્ચર્ય એક બાજુએ સ્થિત થઈ જાય છે. (ક્રમશ 🙂

Total Views: 115
By Published On: April 1, 2016Categories: Paramananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram