સ્વામી વિવેકાનંદ વારંવાર પોતાના પ્રવચનમાં આત્મવિશ્વાસ જગાવવાનો ઉલ્લેખ કરે છેે. સ્વામીજી કહે છે કે જો તમને તમારી પોતાની જાતમાં વિશ્વાસ નથી તો તમારા જેવું આ જગતમાં કોઈ નાસ્તિક નથી. કેટલું કડવું પણ સત્ય વાક્ય છે! જે દિવસે, જે ક્ષણે આપણે આત્મવિશ્વાસ ગુમાવીએ છીએ, ત્યારથી આપણી દુરાવસ્થાનો પ્રારંભ થઈ જાય છે. માટે સ્વામીજી આપણને આહ્વાન કરતાં કહે છે કે સૌ પ્રથમ તમે તમારી જાત પર વિશ્વાસ કરો અને કહો કે બધી જ શક્તિ મારી અંદર છે. એને જાણી લો, ઓળખી લો, અને કહો કે હું બધું જ કરી શકું તેમ છું. મારા યુવકો, વિશ્વાસ રાખો કે તમારો સહુનો જન્મ મહાન કાર્ય કરવા માટે થયો છે. પોતાની જાત પર વિશ્વાસ, ઈશ્વર ઉપર વિશ્વાસ, આ જ છે સફળતાનું અને મહાનતાનું રહસ્ય.

આત્મવિશ્વાસનો અર્થ છે પોતાની જાતમાં અખૂટ વિશ્વાસ. આને વધુ સારી રીતે સમજવા માટે એક સત્ય ઘટનાનું ઉદાહરણ જોઈએ :

જાપાનમાં નોબુકાગા નામનો એક સેનાપતિ હતો. તેની પાસે ખૂબ થોડું સૈન્ય બળ હતું, છતાં તેની વિશેષતા એ હતી કે એ મોટાં યુદ્ધો જીતી જતો. વિરોધીઓને કેવી રીતે હંફાવવા, એમને ધૂળ ચાટતા કેવી રીતે કરવા એ અંગેની એમની પાસે અદ્ભુત કુનેહ હતી. તેની પાસે પોતાના સૈનિકોનું મનોબળ વધારવાની અને આત્મવિશ્વાસ વધારવાની જન્મજાત કુદરતી શક્તિ હતી.

એકવાર એવી ઘટના બની કે એના સૈન્યને પોતાના કરતાં ચારગણી મોટી સંખ્યા ધરાવતા સૈન્ય સામે યુદ્ધ કરવાનું થયું. આ સાંભળીને સૌ પહેલાં તો નોબુકાગાના સૈનિકો યુદ્ધમાં જતાં પહેલાં જ હિંમત હારી ગયા અને બોલવા લાગ્યા કે હવે તો આ યુદ્ધ આપણે જીતી નહીં શકીએ. આ આપણું છેલ્લું યુદ્ધ છે. હવે મૃત્યુ નક્કી છે. આવો નિર્બળ વિચાર કરીને તેમણે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દીધો. આ વાતની નોબુકાગાને ખબર પડી. તેણે એક યુક્તિ કરી. તેણે બધા સૈનિકોને એક મંદિરમાં બોલાવ્યા અને ભગવાનની સામે ઊભા રાખ્યા. બધા સૈનિકોને સંબોધીને તેણે કહ્યું કે આ યુદ્ધ આપણા માટે મહત્ત્વનું છે. આપણે જીતીશું કે હારીશું, ભગવાનને મંજૂર હશે એ પ્રમાણે થશે. ચાલો, હું એક સિક્કો ઉછાળું છું. જો યુદ્ધમાં આપણી જીત હશે તો સિક્કો ચત્તો પડશે અને જો હારી જવાના હોઈશું તો સિક્કો ઊલટો પડશે, કેમ બરાબરને! બધાએ ‘હા’ કહ્યું. નક્કી થયા મુજબ નોબુકાગા સિક્કો ઉછાળે છે.

ત્રણ વાર સિક્કો ઉછાળવામાં આવ્યો, ત્રણેય વખત ચત્તો પડ્યો. બધા સૈનિકો આનંદથી નાચવા લાગ્યા, તાલીઓ વગાડવા માંડ્યા. ‘જીત!’ ‘જીત!’ના નારાથી પ્રાંગણ ગુંજી ઊઠ્યું. થોડા દિવસ પછી જ્યારે યુદ્ધ થયું ત્યારે ચારગણા સૈન્ય સામે આ બહાદુર સૈનિકોએ જ્વલંત વિજય મેળવ્યો. બીજે દિવસે જ્યારે અભિનંદન સમારોહ યોજવામાં આવ્યો ત્યારે નોબુકાગાએ રહસ્ય ખોલતાં કહ્યું કે મંદિરમાં મેં જે સિક્કો ઉછાળ્યો હતો તેની બન્ને બાજુઓ સમાન જ હતી. આ તમારા બળની જીત નથી પણ તમારી અંદર રહેલા આત્મવિશ્વાસની જીત છે. તમારો આત્મવિશ્વાસ વધુ દૃઢ થયો અને તમે બમણી શક્તિથી યુદ્ધ કર્યું, એને પરિણામે આપણે જીતી ગયા.

દરેક માણસની સફળતા પાછળ ક્યાંક ને ક્યાંક એવી એક અદૃશ્ય શક્તિ કામ કરી રહી હોય છે અને એ શક્તિનું નામ છે આત્મવિશ્વાસ. વિજયનું સૂત્ર છે આત્મવિશ્વાસ.

Total Views: 96
By Published On: May 1, 2016Categories: Kaushikbhai Goswami, Sri0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram