(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)
(કામનાઓના સંયમ દ્વારા દિવ્યતાનું પ્રગટીકરણ, એ વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ…)
પરંતુ ફ્રોઇડવાદી (Freud) મનોવિજ્ઞાનના સંદર્ભમાં વર્તમાન અનુચિંતન દ્વારા જે વિચાર પ્રસારિત થયો છે એ માને છે કે પરા-અહમ્ (Super-Ego) દ્વારા લાગેલા આચ્છાદનને હટાવ્યા પછી પણ માનસિક તણાવ એમ ને એમ જ રહે છે. એટલે એમના કથન પ્રમાણે માનસિક અંતર્દ્વંદ્વ પૂર્ણરૂપે સમાપ્ત થઈ શકતો નથી ને એ જ તણાવનું કારણ છે. દા.ત. જો કોઈ માણસ ટી.વી. કે વી.સી.આર. લઈને વનમાં મનોરંજન માટે ચાલ્યો જાય તો ત્યાં તેે પોતે પૂર્ણરૂપે સ્વતંત્ર નથી, એવી તેને અનુભૂતિ થશે. તેને ભીતર ને ભીતર જ બંધનની અનુભૂતિ થાય છે. તેને એવો ખ્યાલ આવે છે કે તે ભીતરથી જ રુંધાઈ રહ્યો છે અને પોતાની જાતનો વિનાશ કરી રહ્યો છે. જો તે માણસ પશુવત્ નહીં હોય તો તેની આંતરિક વેદના સતત ખટકતી રહેશે. આ ઉદાહરણ પરથી એ જાણવા મળે છે કે સંયમ બાહ્ય નથી, માનવવિવેક જ સૌથી મહાન સંયમ છે. એક વરિષ્ઠ સ્વામીએ કહ્યું છે, ‘અંતરાત્માનો અવાજ ઈશ્વરની વાણી છે!’ ભલે આપણા પર બાહ્ય-નિયંત્રણ ન હોય તો પણ આપણું મન કે અંત :કરણ આપણને સાચું શંુ છે અને ખોટું શું છે, એવો સ્પષ્ટ નિર્ણય સંભળાવી દે છે.
મનોવૃત્તિ અથવા નિમ્નશ્રેણીનાં ઇન્દ્રિય-સુખોની કામનાની પૂર્તિ માટે ભલે આપણે નિર્જન વનમાં ચાલ્યા જઈએ તો પણ આપણને તણાવથી છુટકારો મળશે નહીં. એવી પરિસ્થિતિઓમાં પણ આ વાતનો સ્વીકાર કરવો પડશે કે બાહ્ય પરિસ્થિતિ જ બાહ્ય તણાવનું એક માત્ર કારણ નથી. મૂળભૂત વૃત્તિઓની કામનાઓ કે જે દેહસુખ કે બીજાં સંબંધીત કારણોથી પ્રગટ થાય છે તે માનસિક તણાવમાં પરિણત થઈ જાય છે.
સામાન્યત : માનસિક તણાવ થવાનું એક બીજું કારણ જીવન જીવવાની ખોટી ધારણાઓ પણ છે. જો આપણે પોતાના જીવનને સમન્વિત તેમજ સંતુલિત ન રાખીએ અથવા પોતાના જીવનના અસ્તિત્વ પ્રત્યે સાચો દૃષ્ટિકોણ ન અપનાવીએ તો આપણે તણાવો તરફ નિશ્ચિતપણે ઢળી પડીએ છીએ. એ સાચું છે કે આપણી દૈહિક કામનાઓની અપૂર્તિજન્ય નિષ્ફળતાથી તણાવ ઉત્પન્ન થાય છે પરંતુ જે ક્ષણે આપણે કામનાઓને સમજી લઈને તેને યોગ્ય દિશામાં વાળીએ છીએ ત્યારે આપણને આપણા તણાવોનો સાચો ઉપચાર નજરે ચડશે.
જે વ્યક્તિ આત્માભિવ્યક્તિ માટે અત્યંત આતુર રહે છે તેઓ પણ સાધારણતયા માનસિક તણાવગ્રસ્ત હોય છે. જ્યારે તેઓ અભિવ્યક્તિના આવેગથી વંચિત રહી જાય છે ત્યારે સામન્ય રીતે એવું જોવા મળ્યું છે કે એમના વ્યવહારમાં વિચિત્રતાની ઝલક જોવા મળે છે. તેઓ વિદ્રોહનો માર્ગ અપનાવવા માંડે છે. ઉદાહરણ તરીકે જ્યારે માતા-પિતા પોતાનાં બાળકો પર એ વિશ્વાસને વશીભૂત થઈને આનાથી તેમનંુ ભલું થશે એમ માનીને કેટલાક બંધન લાદે છે. આવે વખતે બાળકો વિદ્રોહનો માર્ગ અપનાવે છે. એમને એવું લાગે છે કે તેમની સ્વતંત્રતા પર વિના કારણ અવરોધ નાખવામાં આવે છે. જ્યારે પિતા પોતાનાં બાળકોને એવો આદેશ આપે કે આટલું વધારે ટીવી ન જુઓ ત્યારે તેઓ ટીવી જોવા માટે લલચાવાના જ. બાળકો રોક-ટોકને ખરાબ માને છે. જેમ જેમ તેઓ ઉંમરમાં મોટાં થતાં જાય છે તેમ તેમ તેમનામાં આત્મપ્રકાશનની લાલશા વધારે તીવ્ર બની જાય છે. કિશોરાવસ્થાનાં બાળકોમાં અનેક ઉદાહરણ જોવા મળે છે, જેમાં બાળકો પોતાનાં માત-પિતાના વિચારો તેમજ આદર્શાેથી વિપરીત વ્યવહાર કરતાં હોય છે. માત-પિતા પોતાનાં બાળકોની મનોવૈજ્ઞાનિક માગને બરાબર સમજીને એમની સાથે તે પ્રમાણે વ્યવહાર કરે, એ એમની જવાબદારી છે. જ્યારે ક્યારેય બાળકોમાં આવી ભાવના પ્રબળ થતી દેખાય છે ત્યારે એમના પર હંમેશાં ફરમાનો લદાતાં હોય છે, વળી ક્યારેક અવરોધ ઊભો કરવામાં આવે છે અને એમની ઇચ્છાઓને વિફળ કરવામાં આવે ત્યારે એમને માટે વિદ્રોહ કરવો અનિવાર્ય બની જાય છે. થોડીક સમજદારીથી આ પરિસ્થિતિ નિવારી શકાય છે. બાળકોની આત્માભિવ્યક્તિની માગ પ્રત્યે માત-પિતાનું વલણ સહાનુભૂતિપૂર્ણ હોવું જોઈએ અને એવા ઉપાયોથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ કે પરિણામ ગંભીર ન બની જાય. આત્માભિવ્યક્તિને સારી તક ન આપવામાં આવે તો બાળકોનાં મનમાં અનેક પ્રકારની અસ્વાભાવિકતાઓ ઉત્પન્ન થશે.
માનસિક તણાવનું એક બીજું કારણ વધુ માત્રાનો ભાવનાત્મક આવેગ છે. આને આપણે મહત્ત્વાકાંક્ષા કહીએ છીએ. એક વ્યક્તિ જેમાં પ્રાધિકાર, પદ અથવા બૌદ્ધિક ઉપલબ્ધિઓની પ્રબળ ઇચ્છા હોય અને તે બીજાની સાથે પ્રતિસ્પર્ધામાં મનધાર્યું ફળ મેળવવામાં પોતાની જાતને અક્ષમ જુએ કે પોતાને જે મેળવવાની લાલસા હતી એવા પદ પર કોઈ બીજાને પહેલેથી જ બેઠેલ જુએ, ત્યારે તે અત્યંત નિરાશ થઈ જાય છે. આવે વખતે તેની જે ઇચ્છા છે તે મેળવવામાં આશાવિહોણો બની જાય છે અને ભીષણ તણાવથી પીડાય છે. ઉદાહરણ તરીકે યુનિવર્સિટીમાં ભિન્ન-ભિન્ન વિભાગોમાં અધ્યક્ષતાનો ૫્રશ્ન જુઓ. આજ-કાલ આ પદ યોગ્ય વ્યક્તિઓને વારફરતી અપાય છે, એટલે એનાથી વધારે સમસ્યા ઊભી થતી નથી. જો આ નિયમને દૂર કરવામાં આવે તો વિવિધ વિભાગના પ્રાધ્યાપકોમાં ભારે અકલ્પ્ય તણાવ ઊભો થશે. એક વ્યક્તિ એવું માને છે કે અધ્યક્ષપદ માટે તેની વિશ્વસનીયતા બરાબર છે, પરંતુ યુનિવર્સિટી તેની ઉચ્ચ યોગ્યતાને માન્ય ગણતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો આકાંક્ષા અસીમ ચિંતા અને તણાવ ઉત્પન્ન કરે છે.
આ સમય દરમ્યાન એવું જોવા મળ્યું છે કે એક યુવાન વિદ્વાન પોતાની તીવ્ર આકાંક્ષાને કારણે માનસિક રોગ અને વ્યાકુળતાથી ગ્રસ્ત છે. એનાં વ્યવહાર-વર્તનમાં અસ્વસ્થતા અને મનની નિર્બળતા દેખાવા લાગી. જે વિદ્વાનો પોતાના પ્રતિસ્પર્ધીઓથી સદા આગળ નીકળી જવા ઇચ્છે છે તેઓ જ ચિંતા અને મનોરોગથી પીડાતા હોય છે. જ્યારે એમની ઇચ્છાઓ પૂરી ન થાય ત્યારે તેઓ તીવ્ર માનસિક તણાવથી ઘેરાઈ જાય છે. આ રીતે પદ, માન અને ખ્યાતિની ઉચ્ચાકાંક્ષા તણાવનું કારણ બની જાય છે.
તણાવ ઉત્પન્ન કરનાર ઘટકોમાં એક કારણ છે બૌદ્ધિકવાદ. એને ઉદાહરણ દ્વારા સમજવું યોગ્ય ગણાશે. ધારો કે એક વ્યક્તિ વિદ્વાન પરિવારમાં જન્મે છે. એમાં દરેક વ્યક્તિને ઉચ્ચ શિક્ષણ મળે છે. એમાંથી કોઈ મહાસ્નાતક છે તો વળી કોઈ ડાૅક્ટર વગેરે. બધાની ક્ષમતાઓ ચમત્કારપૂર્ણ છે, પરંતુ આ વ્યક્તિ એટલો મેધાવી નથી અને એની રુચિ અન્ય ક્ષેત્રમાં છે. તે વિચારે છે, ‘જો હું મારી પોતાની પસંદગીનું કામ કરું તો મારા કુટુંબીઓ શું વિચારશે ? હું વિદ્વાનોના પરિવારમાં જન્મ્યો છું.
જો હું શિક્ષણમાં વિદ્યાકીય શ્રેષ્ઠતા પ્રાપ્ત ન કરી શકું તો મારું જીવન દુ :ખપૂર્ણ બની જશે.’ હવે લાચાર બનીને તે પરિવારના લોકોનું અનુકરણ કરવા પ્રયત્ન કરશે અને પોતાને માટે માનસિક સંતાપને નોતરશે. પરંતુ જો તે વિચારે, ‘મારી ક્ષમતા અને દક્ષતા કોઈ બીજા ક્ષેત્રમાં છે, મારી વિશિષ્ટતા અલગ છે અને હું મારા પોતાના જ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકીશ. મારા માટે પિતા અથવા દાદાની જેમ વિદ્યાકીય શ્રેષ્ઠતા મેળવવી આવશ્યક નથી,’ તો તે પોતાની જાતને સ્વસ્થ રાખી શકે. આ રીતે તે પોતાની યોગ્યતા અને ક્ષમતાને અનુકૂળ રહીને આગળ વધશે તો તે પ્રસન્નચિત્ત અને સંતુષ્ટ રહેશે તેમજ પોતાના જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરી શકશે.
મહત્ત્વાકાંક્ષા આપણને વધારે ને વધારે પરિશ્રમ કરવા ઉત્તેજે છે અને જો કોઈપણ વ્યક્તિ અતિપરિશ્રમમાં રત રહે તો તે તણાવગ્રસ્ત બનશે જ. જે વ્યક્તિ પર અનેક જવાબદારીઓ હોય તે ઉચ્ચ આકાંક્ષાઓથી અંજાઈ જઈને કે બીજા કારણથી વિશ્રામ કરી શકતો નથી તેમજ નિરંતર ભયંકર તણાવથી ઘેરાયેલ રહે છે. આ રીતે પ્રશંસનીય એવં સમાજ દ્વારા માન્ય ઉચ્ચતર મૂલ્ય પણ ભિન્ન ભિન્ન પ્રકારનાં અસંતુલનનું કારણ બને છે. અને એ આપણને મોટે ભાગે ભયાનક માનસિક તણાવ પ્રત્યે દોરી જાય છે.
(ક્રમશ 🙂
Your Content Goes Here



