સરયૂબાલાદેવીની નોંધ : ૧૪ મે, ૧૯૧૧

આજે જ્યારે હું શ્રીમાને મળવા ગઈ ત્યારે મેં જેવા તેમને પ્રણામ કર્યા કે તરત જ તેમણે મોટા અવાજે કહ્યુંું, ‘ઠીક, તું આવી છો, બેટા ! મને નવાઈ લાગતી હતી કે તું આટલા દિવસથી ન આવી તો તને શું થયું હશે ? એમ ત્યારેે તું કેમ આવતી ન હતી ?’

‘મા, હું અહીં ન હતી,’ મેં જવાબ આપ્યો, ‘હું મારા પિતાને ત્યાં હતી.’

શ્રીમાએ મારા સંબંધીઓના સમાચાર પૂછ્યા અને પછી કહ્યુંું, ‘આજે કેટલી ગરમી છે !’ આમ કહીને તેમણે મારા હાથમાં એક પંખો આપ્યો અને બોલ્યાં, ‘તું વહેલી વહેલી જમીને અહીં આવી છો બિચારી હવે મારી બાજુમાં સૂઈ જા.’ શ્રીમા માટે જમીન ઉપર એક સાદડી બિછાવવામાં આવી હતી. તેમની પથારીમાં સૂતાં મને સંકોચ થાય છે તે જોઈને તેમણે કહ્યુંું, ‘બેટા ! એમાં વાંધો નહીં, જરૂર સૂઈ જા.’

છેવટે મારે સૂવું પડ્યું. મને લાગ્યું કે તેમને ઝોકાં આવતાં હતાં તેથી હું ચૂપ રહી, થોડી વાર પછી કેટલીક શિષ્યાઓ આવી. ત્યાર બાદ બે સંન્યાસિનીઓ આવી. તેમાંથી એક સંન્યાસિની વૃદ્ધ અને એક યુવાન હતાં. બંધ આંખોએ શ્રીમાએ પૂછ્યું, ‘એ તો ગૌરીદાસી છે ને ?’

એક યુવાન સ્ત્રીએ પૂછ્યું, ‘મા, તમે કેવી રીતે જાણી શક્યાં ?’ શ્રીમાએ કહ્યુંું, ‘મને તેવું લાગ્યું ખરું.’ થોડી વાર પછી તેઓ ઊઠ્યાં.

યુવાન સ્ત્રીએ કહ્યુંું, ‘હું બેલુર-મઠ હતી. પ્રેમાનંદ સ્વામીજીએ અમને જમાડ્યાં. તેઓ ત્યાં હોય ત્યારે જમ્યા વગર કોઈ જઈ જ ન શકે.’

શ્રીમાએ જોયું કે તે યુવાન સ્ત્રીએ પોતાના કપાળમાં લાલ ચાંદલો કર્યો ન હતો તેથી તેને તેમણે હળવો ઠપકો આપ્યો.

પછીથી ગૌરી મા (ગૌરીદાસી)એ શ્રીમા પાસેથી મારા વિષે બધું સાંભળ્યું અને મને પોતાના આશ્રમમાં આવવા આમંત્રણ આપ્યું.

‘અમે ત્યાં પચાસથી સાઠ છોકરીઓને તાલીમ આપીએ છીએ,’ તેમણે કહ્યુંું, ‘તમને સીવણકામ આવડે છે ?’ મેં જવાબ આપ્યો, ‘થોડું આવડે છે.’ ત્યારે તેમણે મને જે કાંઈ થોડું હું જાણતી હોઉં તે પોતાની છોકરીઓને શીખવવા માટે કહ્યુંું.

શ્રીમાની સંમતિથી હું એક દિવસ ગૌરી માની શાળા જોવા ગઈ. તેમણે મને ખૂબ પ્રેમથી આવકારી અનેે છોકરીઓને શીખવવા માટે રોજ બે કલાક આવવા આગ્રહપૂર્વક કહ્યુંું. મેં જવાબ આપ્યો, ‘મારા મર્યાદિત જ્ઞાન સાથે એક શિક્ષક બની જવું તે માત્ર મશ્કરીરૂપ જ થશે; અલબત્ત, તમને રાજી રાખવા હું તેમને થોડું ઘણું શીખવી શકું.’ પણ ગૌરી મા મને છોડે તેવાં ન હતાં. છેવટે મારે સંમતિ આપવી પડી.

એક દિવસ હું શાળા પછી ગૌરી માના આશ્રમેથી સીધી શ્રીમા પાસે ગઈ. ઉનાળાના દિવસો હતા. હું જરા થાકી ગઈ હતી. જ્યારે હું તેમને પગે લાગી ત્યારે તરત જ તેમણે મારા સામું જોયું…તેમણે વ્યાકુળ બની કહ્યુંું, ‘તારું પોલકું જલદી ઉતારી નાંખ. હવાથી જરા ઠંડી થા…’ મેં વધારે મોટેથી કહ્યુંું, ‘કૃપા કરી હવે તો મને પંખો આપો, હું મારી જાતે પંખો નાખીશ,’ વધુ સ્નેહાળ સ્વરે તેમણે કહ્યુંું, ‘વાંધો નહીં, બેટા ! વાંધો નહીં. પહેલાં ઠંડી તો થા.’ પ્રસાદમાંથી કાંઈક મિષ્ટાન્ન અને પાણીનો પ્યાલો જ્યાં સુધી તેઓ મને ન આપે ત્યાં સુધી તેમને ચેન ન પડે. શાળાની ગાડી મારી રાહ જોતી ઊભી હતી તેથી મારે થોડી ઉપલક વાતચીત કરીને તરત રજા લેવી પડી.

(શ્રી શ્રીમાતૃચરણે, પૃષ્ઠ : ૭૮-૭૯)

Total Views: 116
By Published On: July 1, 2016Categories: Ma Sarada Devi0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram