ઘોડાને પાણી પાવા માટે જળાશયે લઈ જઈ શકાય; ત્યાં પહોેંચીને પાણી પીવું કે ન પીવું એ ઘોડાની મરજી ને મોજ ! હકીકતે ઘોડો તરસ્યો હોવો જરૂરી છે. કોઈ કોઈને શીખવે એ વાતમાં દમ નથી, જેને શીખવવાનું છે તે બાળકમાં એ માટેની મનોવૃત્તિ હોવી જરૂરી છે. બહુ બહુ તો બાળક શીખે એવા સંજોગોમાં એને મૂકી શકાય. આમ તો સામાન્ય બાળક પ્રાપ્ત સંજોગોમાંથી શીખવાને તત્પર જ હોય છે. બાળકની શીખવાની ક્ષમતા તો એ શાળાએ જાય તે પહેલાંથી જ વિકસવા માંડી હોય છે. શાળાપ્રવેશ પૂર્વે એના શિક્ષણનો આધાર છે પરિવાર દ્વારા જાણ્યે કે અજાણ્યે અપાતા અનુભવો !

શીખવું એટલે આંખ, કાન, નાક, જીભ ને ત્વચા – એ પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવેલા અનુભવોનો વખત આવ્યે ઉપયોગ કરવો. સામાન્ય રીતે જોઈને, સાંભળીને, સૂંઘીને, ચાખીને અને અડકીને અનુભવ મેળવાય છે. આ સિવાય છઠ્ઠી ગૂઢ ઇન્દ્રિય દ્વારા સાહજિક રીતે જ્ઞાન મળતું હોવાની પ્રાચીન માન્યતા છે. અંત :પ્રેરણાથી થતો આ અનુભવ તર્કથી પર છે. બાળપણથી જ માનવમાં આ રીતે જ્ઞાન મેળવવાની શક્તિની પૂરી સંભાવના છે. અંતર્જ્ઞાનથી પ્રાપ્ત સત્ય આગળ જતાં પંચેન્દ્રિયોને જ્ઞાન-અર્જન માટે વધુ સાબદી કરે છે.

બાળક શીખે તે માટે ઉપયોગમાં લેવાનાં સાધનો તેને સુલભ કરી આપવાનાં છે, આ પછી અપેક્ષિત વ્યવહાર કે વર્તનનું નિદર્શન કરી બતાવવાનું છે એટલે કે બાળક જે કરે તેવી ધારણા હોય તે બાબત વાલીએ જાતે કરી બતાવવાની હોય છે. નિદર્શન પણ એક રમત હોય તેવી સાહજિકતાથી કરવાનું છે. બાળકને એમ લાગવું જોઈએ કે તે રમે છે પણ વાસ્તવમાં તે એ રીતે શીખવાની પ્રક્રિયામાં સામેલ થતું હોય છે ને છેવટે શીખે છે. આ રીતે શીખવતી વખતે બાળકને શીખવીએ છીએ તેવો ભાવ કે ભાર ચહેરા પર પાથરીને બાળકને શિક્ષણ આપવા ઇચ્છનારને સફળતા મળવી સંઠભવ નથી. એ રીતે શીખવાને બેસાડાયેલ બાળકનું ચંચળ ચિત્ત તો એ વખતે કયાંય ચકરાવા લેતું હોય એવું બને ! જેમ ઘડામાં પાણી રેડતી વખતે એ ઊંધો ન હોવાની ખાતરી કરવી જરૂરી છે તેમ બાળકને શીખવાની પરિસ્થિતિમાં મૂકતી વખતે તેનામાં શીખવાની વૃત્તિ સક્રિય બને તેવી ધીરજ મોટેરાંએ ધરવી ઘટે છે.

બાળકમાં શીખવાની વૃત્તિ સહજ છે કેમ કે તે અનુકરણશીલ છે. અનુકરણનો આનંદ અને ગૌરવ માણતું બાળક સહજમાં શિક્ષણ પામતું હોય છે. અનુકરણ કરવા માટેની ક્રિયા કે વર્તનનો ખ્યાલ બાળકને સામાન્ય રીતે પરિવાર સિવાય બીજે ક્યાંથી મળે? બાળકો મોટેરાઓનાં અનુકરણ દ્વારા જેટલું શીખે છે તેટલું બીજી રીતે શીખતાં નથી. સારી-નરસી ટેવો પણ મોટેરાઓને જોઈને બાળક દ્વારા અપનાવાતી હોય છે. આથી પરિવારજનોએ બાળક સમક્ષ એવું જ વર્તન કરવું જોઈએ કે જેને તે અનુસરે. આ બાબત સમગ્ર દિનચર્યાને લાગુ પડે છે – જેમ કે સમયસર જાગવું, અભિવાદન કરવું, મોં સાફ કરવું, શૌચ-સ્નાન પછી પ્રાર્થના કરવી, શિષ્ટભાષામાં શુદ્ધ ઉચ્ચાર સાથે બોલવું, આગંતુકને નમસ્કાર કરવા, સાચું બોલવું, વ્યસનમુક્ત રહેવું, ચોખ્ખાઈ જાળવવી, વ્યવસ્થિત રહેવું – આવું ઘણું બધું મોટેરાં કરે તો જ નાનેરાં એ અપનાવે છે તે જવાબદાર વાલીઓએ વિસરવું ન જોઈએ. આવું અપેક્ષિત વર્તન કરનાર બાળકને મોટેરાં દ્વારા મળતા ધન્યવાદના શબ્દો તેને તેવું વર્તન પ્રસંગ આવ્યે ફરીને પણ કરતા રહેવાની પ્રેરણા આપે છે. સદ્વર્તનનું પુનરાવર્તન તેણે મેળવેલ શિક્ષણ અને કૌશલ્યનું દૃઢીકરણ કરે છે, મજબૂત કરે છે.

બાળકને શીખવવાની એક ઉત્તમ પરિસ્થિતિ તે છે વાર્તાકથન. વાલીએ બાળકને વાર્તા કહેવા માટે ચોક્કસ સમય ફાળવવો જોઈએ. વાર્તા કહેવાની કળા પણ કેળવવી જોઈએ. વાર્તા દ્વારા બાળકનું મનોરંજન તો થાય જ છે. ઉપરાંત તેને ભાષાનું શિક્ષણ મળે છે; એટલું જ નહીં તેના દ્વારા ઇતિહાસ, ભૂગોળ, નીતિ, વિજ્ઞાન અને ગણિત સુધ્ધાંનું શિક્ષણ મળી શકે છે. આપણા બાળસાહિત્યમાંથી શાળાકીય વિષયોના શિક્ષણની ભૂમિકા રચાય તેવી વાર્તા અને ગીતો જરૂર મળી શકે. બાળગીતો પણ વાર્તાની જેમ અનૌપચારિક ઢબે બાળચિત્તમાં શિક્ષણ સરકાવી દેતાં હોય છે. આમેય બાળક તાલ-લયનું ચાહક છે. બાળક જે કંઈ કંઠસ્થ કરવા પ્રેરાય તેનો ભાવાર્થ એ જાણતું હોય તે ઇચ્છનીય છે. સંપન્ન પરિવાર પોતાનાં બાળકો માટે પુસ્તકો વસાવે. વિજ્ઞાનના સિદ્ધાંતો સમજવાની મનોભૂમિકાની રચના માટે ઉપયોગી થાય તેવા પ્રયોગો માટેનાં સાદાં સાધનો બાળકને ક્રિયાશીલ કરે તે સહજ છે.

બાળક શીખે ને ઘરથી વેગળું રહેવાને ટેવાય તે માટે તેને ખૂબ વહેલેરું, કહેવાતાં ક્રીડાઘરોમાં દાખલ કરાય તે ઇચ્છનીય બાબત નથી. પરિવાર અને તેમાંય સંયુક્ત પરિવાર ચોક્કસ સમજ અપનાવીને બાળકના બચપણને ખંડિત થતું અટકાવી શકે, સંસ્કાર આપી શકે અને શાળાપ્રવેશ માટેની ભૂમિકા રચી શકે.

શિક્ષણના પાયામાં ખ્યાલ(સંકલ્પના)નું ખૂબ મહત્ત્વ છે. પરિવાર બાળકના ખ્યાલ-ઘડતર માટે સજગ પ્રયાસ કરી શકે. કોઈ પણ બાબતના ખ્યાલનું ઘડતર થવું એટલે જે તે બાબતની ગેરહાજરીમાં તેનો ઉલ્લેખ થતાં મનોમન તેને સમજી શકવું. આ ખ્યાલોમાં પશુ-પંખી, દાણા, અનાજ, વજન, સમય ને ઊંચાઈથી માંડીને દયા, ધીરજ, પ્રેમ, કરકસર જેવી બાબતો વયાનુસાર સમજાઈ શકે. ખ્યાલ-ઘડતર માટે બાળકને સંબંધિત બાબતોનું અવલોકન કરવાની ભરપૂર તકો આપવી જોઈએ. કમ્પ્યૂટર, ટીવી જેવાં સાધનોનો વિવેક સાથેનો સીમિત ઉપયોગ શિક્ષણ માટે સહાયભૂત નીવડી શકે.

બાળકને શીખવવા માટેના સંજોગો ઊભા કરવા વાલી સમજપૂર્વક તત્પર રહે ને બનતી જોગવાઈ કરે એ જરાય ઓછું નથી. શિક્ષણપદ્ધતિ અંગે જડતા ન ચાલે. મોટેરાંને ફાવે તે નહીં પણ નાનેરાંને રુચે તે શિક્ષણપદ્ધતિ ઉત્તમ લેખાય.

Total Views: 87
By Published On: July 1, 2016Categories: Ishwar Parmar0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram