જે માણસ સમયનાં એંધાણ પારખતો નથી એ આંધળો, ખરેખર, આંધળો છે ! અરે જેના વિશે તમારામાંથી બહુ જ થોડા જણાએ સાંભળ્યું હશે, એવા દૂર દૂરનાં એક ગામડામાં ગરીબ બ્રાહ્મણ માતાપિતાને ઘેર જન્મેલા આ પુરુષની મૂર્તિની ઉપાસના, અસંસ્કારી સમજીને તેની સામે સૈકાઓ થયાં બખાળા કાઢી રહેનારા દેશોમાં જ, અક્ષરશ : પૂજા થઈ રહી છે. એ શક્તિ કોની છે ? શું એ શક્તિ મારી કે તમારી છે ? એ શક્તિ બીજા કોઈની નહીં, પણ શ્રી રામકૃષ્ણરૂપે આપણે ત્યાં પ્રગટ થઈ હતી તે વિભૂતિની છે, કારણ કે તમે અને હું, ઋષિઓ અને આચાર્યો, અરે અવતારો અને આખું વિશ્વ સુધ્ધાં વધુ-ઓછે અંશે વ્યક્તિત્વ પામેલી, વધુ-ઓછે અંશે દૃશ્યરૂપ ધરેલી શક્તિના આવિષ્કારો છે. અહીં એક એવી જબરજસ્ત શક્તિનો આવિર્ભાવ થયો છે, જેના કાર્યનો હજી તો આરંભ માત્ર આપણે જોઈએ છીએ; પણ આ પેઢી પૂરી થાય તે પહેલાં જ તમે એ શક્તિનાં વધુ ને વધુ અદ્ભુત કાર્યો જોશો. ભારતના પુનરુદ્ધારને માટે યોગ્ય સમયે જ તે આવી છે, કેમ કે જે ચેતનશક્તિ ભારતમાં સર્વદા પ્રગટ થાય છે તેને આપણે અવારનવાર ભૂલી જઈએ છીએ.
દરેક પ્રજા પોતાની આગવી રીતે કાર્ય કરતી હોય છે. કેટલીક રાજકારણ દ્વારા, કેટલીક સામાજિક સુધારાઓ દ્વારા તો કેટલીક અન્ય માર્ગાે દ્વારા કામ કરતી હોય છે. આપણે માટે ધર્મ જ એક એવી ભૂમિકા છે, જેના ઉપર આપણે ચાલી શકીએ. અંગ્રેજ પ્રજા ધર્મને રાજકારણ દ્વારા પણ સમજી શકે; કદાચ અમેરિકન પ્રજા ધર્મને સામાજિક સુધારા દ્વારા સમજી શકે. પરંતુ હિંદુ તો રાજકારણને સુધ્ધાં કેવળ ધર્મ દ્વારા જ સમજી શકે. તેની પાસે સમાજશાસ્ત્ર સુધ્ધાં ધર્મ મારફત આવવું જોઈએ; દરેકે દરેક બાબત ધર્મ દ્વારા આવવી જોઈએ. ભારત માટે એ જ મુખ્ય વિષય છે; બાકીનાં બધાં તો રાષ્ટ્રના જીવનસંગીતમાં આરોહ-અવરોહ જેવાં છે. એ ધર્મ જ ભયમાં મુકાઈ ગયો હતો. એવું દેખાવા લાગ્યું કે આપણા રાષ્ટ્રીય જીવનનું મુખ્ય સુકાન આપણે ફેરવી નાખવા તૈયાર થયા હતા, જાણે કે આપણે આપણા અસ્તિત્વના આધારસ્તંભને બદલી નાખવા તૈયાર થયા હતા, જાણે કે આપણે આપણી આધ્યાત્મિકતાને સ્થાને રાજકારણને સ્થાપવાનો પ્રયાસ કરતા હતા. ભાઈઓ ! જો આપણો એ પ્રયાસ સફળ થયો હોત તો પરિણામે આપણો વિનાશ આવ્યો હોત. પરંતુ એમ બનવાનું ન હતું. આ મહાન ઋષિને તમે કેવી દૃષ્ટિથી જુઓ છો એની મને પરવા નથી; તેને તમે કેટલું માન આપો છો એની મારે મન કોઈ ગણતરી નથી. પરંતુ આ સત્ય ઘટનાની બાબતમાં તો તમારી સમક્ષ હું પડકાર ફેંકીને કહું છું કે ભારતમાં કેટલીક સદીઓથી પ્રગટ થઈ નથી એવી અદ્ભુતમાં અદ્ભુત શક્તિ આજે પ્રગટ થઈ છે; અને આ શક્તિને બરાબર સમજવાની, તેના દ્વારા ભારતના પુનરુદ્ધાર માટે, ભારતના કલ્યાણ માટે અને સમસ્ત માનવજાતિના કલ્યાણ માટે શું કરવામાં આવ્યું છે તે શોધી કાઢવાની, હિંદુ ભાઈઓ તરીકે તમારી ફરજ છે. અરે, આ વિશ્વધર્મ અને જુદા જુદા સંપ્રદાયો વચ્ચે ભ્રાતૃભાવ પેદા કરવાના વિચારો પર ચર્ચા અને વાદવિવાદ જગતના કોઈ પણ દેશમાં શરૂ થાય તે પહેલાં, ઘણા લાંબા સમય અગાઉ આ શહેરની દૃષ્ટિ સામે જ એક માનવી રહેતો હતો, જેનું જીવન સ્વયં એક વિશ્વ ધર્મપરિષદરૂપ હતું.
(સ્વા. વિ. ગ્રંથમાળા, ૪.૨૨૫-૨૬)
Your Content Goes Here



