ઈ.સ.1856માં રેલવે દ્વારા કરાંચીને લાહોર સાથે જોડતો લોહ માર્ગ તૈયાર કરવાનું કામ બ્રન્ટન અટકવાળા બે અંગ્રેજ ભાઈઓને સોંપાયું. બ્રાહ્મણાબાદના ખંડેર નગરમાંથી ઈંટો અને પથ્થર મળ્યાં અને એમનું કામ થોડું સરળ બન્યું. મુલતાનથી લાહોરનો રસ્તો બંધાતાં હરપ્પા કે હડપ્પા ગામ વચ્ચે આવ્યું. ત્યાંથી પણ રસ્તો બાંધવાની સામગ્રી વિપુલ માત્રામાં મળી. આ વાત કનિંગહામ નામના અંગ્રેજ સેનાપતિના ધ્યાનમાં આવી અને ઈ.સ. 1861માં તેને આ પ્રાચીન સ્થાપત્યો શોધવાનું કામ સોંપાયું. કનિંગહામને આ હડપ્પામાંથી અવનવી પ્રાચીન વસ્તુઓ મળી અને 70 વર્ષે મોહેંજો-દરો કે હરપ્પા કે હડપ્પા નામની સિંધુ તટની સંસ્કૃતિ અણધારી હાથ લાગી. આને દ્રવિડ સંસ્કૃતિરૂપે ઓળખવામાં લાભ થાય એવા નમૂના મળ્યા.

આ સંસ્કૃતિને ઓળખાવતાં બે સ્થળ છે. (1) સિંધુને મળતી ચિનાબની નદી સાથે જોડાયેલ રાવિ નદીના કિનારે આવેલ હરપ્પા કે હડપ્પા. (2) તેનાથી 300 માઈલ દૂર સિંધુ તટ પર આવેલ મોહેંજો-દરો એટલે કે મરેલાનો ટેકરો. આ સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવતાં 14 સ્થળ મળ્યાં છે.

હિમાલયની પગથારોથી બલુચિસ્તાનના મકરાણ કિનારા સુધી અને દૂર કાઠિયાવાડમાં એટલે કે ચન્નુ ડેરો, દબર કોટ, કુલ્લી, અમરી, નાલ, અમીલા અને રંગપુર જેવા વિસ્તારોમાંથી મળી આવેલ અવશેષો શહેરો વચ્ચેના મહાવ્યાપારની વ્યવસ્થા સૂચવે છે. આર્યોના આગમન પહેલાં આ મહાન સંસ્કૃતિનું રાજ્ય ફેલાયેલું હતું. આ રાજ્યની ઉત્તરની રાજધાની હડપ્પા અને દક્ષિણની રાજધાની મોહેંજો-દરો હતી. ત્રીજી શતાબ્દીમાં આ વિસ્તાર વધારે આબાદીપોષક હતો. મળેલા અવશેષોમાંથી મુદ્રાંકિત પાટીઓના અવશેષો ધ્યાન ખેંચે તેવા છે. મુદ્રાઓ ઉપર લિપિબદ્ધ લખાણો છે. તેના ઉપર પ્રાણીચિત્રો, માનવચિત્રો, વસ્તુચિત્રો, ચિત્રાંકનો અને ચિત્રલિપિ પણ છે. કેટલાક લોકોને આ લિપિમાં સુમેરિયન લિપિનો પડછાયો દેખાય છે. વળી કેટલાક તેને ઇજિપ્તની ચિત્રલિપિ સાથે સરખાવે છે. લિપિના 400 જેટલા અક્ષરો જુદા પાડી શકાયા છે. મુદ્રા પાટી કે માટીનાં વાસણો પરના એક લેખમાં 12થી વધારે અક્ષરો લખાયેલા જોવા મળતા નથી. આર્યોના આગમન પહેલાં બલુચિસ્તાનની બ્રાહુઈ ભાષાની જેમ આ ભાષા પણ દ્રાવિડ-વર્ગની હોવાનું સ્વીકારાય છે.

લિપિ કરતાંય વધારે સમજી શકાય તેવાં ચિત્રો આપણને ઘણું ઘણું કહી જાય છે. નદીના મગરનાં રેખાંકનો સારા પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત રીંછ, વાનર, હંસ, ખિસકોલી, પોપટ વગેરેની મુદ્રાઓ મળી આવી છે. મોટાં શિંગડાવાળું હરણ અને ટપકાંથી શોભતું કાશ્મિરી સાબર પણ દેખાય છે. શિયાળ, વરુ, ઉંદર, નોળિયો, ગરોળી, ઘો, કાચિંડા અને કાચબાનાં ચિત્રો પણ અંકિત થયેલાં છે. આ ઉપરાંત એ ચિત્રમાળામાં માછલી પણ છે. પ્રાચીન સંસ્કૃતિની કરોડરજ્જુ વિશાળ નદીઓ હતી એટલે એ સંસ્કૃતિ તે નદીના નામે જ ઓળખાતી, તેથી માછલાંનાં ચિત્રો તો હોવાનાં જ.

આ ઉપરાંત ઘેટાં-બકરાં અને એ સંસ્કૃતિમાં બહુ જાણીતો ન હોય તેવો ઘોડો, નંદી, ઊંટ, વાઘ, પાડા, હાથી તેમજ બિલાડી પણ એ ચિત્રમાળામાં સ્થાન પામ્યાં છે. હરપ્પામાંથી બિલાડીનાં અસ્થિ પણ મળી આવ્યાં છે. ચન્નુ ડેરામાંથી મળેલી ઈંટ પર બિલાડી તથા કૂતરાના પંજાને ચાર-પાંચ હજાર વર્ષથી સાચવી રખાયાં છે. તે બતાવે છે કે કાચી ઈંટ પર બિલાડી દોડતી હશે ને તેની પાછળ કૂતરું પડ્યું હશે તેમજ તેના ઉપર બન્નેના પંજાની છાપવાળી ઈંટ ભઠ્ઠામાં પાકી ગઈ હશે. ગેંડા, પાડા જેવાં પ્રાણીઓનાં હાડ મળી આવ્યાં છે. એ વખતે આવાં પ્રાણીઓ હરી-ફરી શકે તેવાં ગાઢ જંગલો અને જંગલને પોષનારો ભારે વરસાદ પણ પડતો રહેતો હશે. એટલે ઈંટો પકવવા માટે પૂરતું બળતણ મળી રહેતું હશે.

આ સંસ્કૃતિનાં શહેરોમાં ભૂગર્ભ ગટર-ડ્રેનેજની વ્યવસ્થા પણ હતી.  અહીં ઘઉં, તલ, વટાણા, રાઈ, કઠોળ, જવ જેવાં અનાજ પકવી શકાતાં અને અનાજના કોઠારો ભરી રખાતા એવી નિશાનીઓ મળી છે. રાતું રંગેલું વણેલું કાપડ ચાંદીની એક બરણીની આસપાસ વીંટાયેલું મોહેંજો-દરોમાંથી મળ્યું છે, એટલે ત્યાં કપાસ થતો હશે અને ધાતુકામ તથા વણાટકામ સાથે રંગકામ પણ થતું હશે.

હરપ્પા અને મોહેંજો-દરો જેવાં બે શહેરો મળ્યાં છે. આ ઉપરાંત બીજાં નાનાં નગરો, કસબાઓ અને વહીવટી થાણાં પણ હતાં. આ બન્ને શહેરોનાં મકાનો એક જ યુગમાં બંધાયેલાં હશે. તેની બાંધણી એક જ પ્રકારની અને યોજનાબદ્ધ છે. મકાનો ઈંટોનાં અને વ્યવસ્થિત બાંધણીવાળાં હતાં. તેમાં રસ્તા, ભૂગર્ભ ગટરો, સાર્વજનિક સ્નાનાગાર, નિવાસી મકાનો, વ્યાપારી દુકાનો વગેરે જોવા મળે છે. સ્નાનાગાર પાસે ઓરડીઓ પણ જોવા મળે છે. હડપ્પામાંથી વિચિત્ર ઢબનાં જે મકાનોના અવશેષ મળી આવ્યા છે, એનાથી પણ નાનાં મકાનનાં બાંધકામ મોહેંજો-દરોમાંથી મળી આવ્યાં છે. તેના પરથી તે દેવમંદિર, ધર્મમંદિર કે અભ્યાસશાળા હશે તેવું લાગે છે. મોહેંજો-દરો પાસે એક બૌદ્ધ સ્તૂપ હજીય ઊભો છે. જો કે આ સંસ્કૃતિ અને બૌદ્ધ સંસ્કૃતિ વચ્ચે સદીઓનું અંતર છે. આ સંસ્કૃતિમાં લોકોએ માટીનું મહત્ત્વ ઘણું પારખ્યું હશે એટલે એના બાંધકામમાં માટીની ભિન્ન ભિન્ન વસ્તુઓ વપરાઈ છે. નર્તકીની નર્તન મુદ્રાવાળી સુંદર મૂર્તિ અને મૂર્તિનાં અંગોપાંગ જુદાં જુદાં ઘડાયેલાં હશે અને પછી ચાંપ કે ખીલીથી જોડી દેવાયાં હશે. અહીં સુંદર વસ્ત્રપરિધાનવાળા અને દાઢીવાળા પુરુષની પ્રતિમા પણ જોવા મળે છે. બળદની એક નાનકડી આકૃતિ પણ મળી છે. મોહેંજો-દરોમાંથી મળેલી નર્તકીની મૂર્તિ કલાનો એક શ્રેષ્ઠ નમૂનો છે. શિલ્પાકૃતિઓનાં બીજ આ સંસ્કૃતિમાં વવાયાં હતાં. સ્ત્રી-પુરુષનાં માટીનાં પૂતળાં પણ મળી આવ્યાં છે. તેના પરથી તારણ થઈ શકે કે માથાના વાળની ગૂંથણી, માથે પહેરવાનાં શૃંગાર, માળા-મેખલા તથા વલય જેવાં આભૂષણો ત્યારે ધારણ કરાતાં હશે. અલંકારોમાં ગળબંધ, કંદોરા, માળા, બાજુબંધ જેવાં આભૂષણો મળે છે. હડપ્પાની એક ઓરડી નીચે 7-8 ફૂટ જમીન ખોદતાં સોનાનાં અનેક ઘરેણાં અને ઝવેરાતના અલંકારો મળ્યા છે. તેમાં બંગડીથી માંડીને નાના મણકા સુધીનાં આભૂષણો છે. ચોરોથી બચવા અને બચાવવા આવી વ્યવસ્થા થતી હશે તેમ માની શકાય. ઈસુ પહેલાની ત્રીજી-ચોથી સદીમાં સોના, ચાંદી અને રત્નોના અલંકારો વપરાતા.

અહીં દેવ-દેવીની સ્પષ્ટ કહી શકાય એવી માટીની મૂર્તિઓ જોવા મળે છે. દેવીની અસંખ્ય મૂર્તિઓ પૃથ્વીપૂજા કે શક્તિપૂજાનું સૂચન કરે છે. એક મુદ્રામાં ઊપસેલ સ્ત્રી ચિત્રમાં તેના પેટમાંથી નીકળતો એક છોડ દેખાય છે એટલે કે ભૂમિને માતા તરીકે માનવાની ધર્મભાવના એ સમયે વ્યાપક હશે.

ખેતીમાંથી વિપુલ પ્રમાણમાં જે અનાજ ઉત્પન્ન થતું, તેમાંથી વધારાનું અનાજ સપ્તસિંધુની નદીઓ તથા મકરાં, કચ્છ, કાઠિયાવાડના માર્ગે જતું હશે. એ દૃષ્ટિએ વ્યાપાર-વાણિજ્યનું પણ તે એક મોટું મથક હતું એમ માની શકાય. વ્યાપાર માટેનાં વજન-માપનાં સાધનો પણ એમાં જોવા મળ્યાં છે. આમ વિશ્ર્વભરમાં નદીઓના કિનારે વિકસેલી પ્રાચીન સંસ્કૃતિઓમાં સિંધુખીણની સંસ્કૃતિ ખરેખર એક મોખરાનું અને આગવું સ્થાન ધરાવે છે. વિશ્ર્વભરના પુરાતત્ત્વવિદો આ સંસ્કૃતિને ઊગતા સૂરજ જેવી ગણે છે.

Total Views: 110
By Published On: November 1, 2016Categories: Suramya Yashasvi Maheta0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram