ઇ.સ. 1897માં નવગોપાલ ઘોષ નામના શ્રીરામકૃષ્ણદેવના એક ગૃહસ્થભક્તે નવું મકાન લીધું હતું. એમાં શ્રીરામકૃષ્ણદેવની છબી પધરાવવા માટે અલગ પૂજા ખંડ પણ તૈયાર કરાવ્યો હતો. સ્વામી વિવેકાનંદજીએ ત્યાં ઠાકુરની છબીની સ્થાપના કરીને પૂજા-આરતી કરી હતી. એ જ સમયે સ્વામીજીએ ‘ૐ સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મસ્વરૂપિણે, અવતારવરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમ:’ શ્રીરામકૃષ્ણદેવના આ પ્રણામમંત્રની રચના કરી હતી. સ્વામીજીએ શ્રીરામકૃષ્ણદેવને શા માટે ‘અવતારવરિષ્ઠાય’ કહ્યા તેનું આજે આપણે ચિંતન કરીને આપણા મનને પવિત્ર કરીએ.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે ત્યારે ત્યારે હું અવતાર લઈ ધર્મની સ્થાપના કરીશ. પુરાણોમાં ભગવાન વિષ્ણુના મત્સ્ય અને વરાહ અવતારની કથા આવે છે જેમાં હયગ્રીવ અને હિરણ્યાક્ષ જેવા અસુરો ધર્મના આધારસ્તંભ એવા વેદોને લુપ્ત કરી દે છે અને પૃથ્વીને સમુદ્રમાં ડુબાડી દે છે.આથી એ સમયે ભગવાન વિષ્ણુ અનુક્રમે મત્સ્ય અને વરાહ અવતાર લઈ એ બન્ને અસુરોનો સંહાર કરે છે.
ઈ.સ. 1776 માં જ્યારથી અંગ્રેજોનું આગમન થયું ત્યારથી જ તેઓએ ભારતના ધર્મ અને તેની સંસ્કૃતિ પર મરણતોલ પ્રહાર શરૂ કર્યો. ભૌતિકવાદ, નાસ્તિક્વાદ, જડવાદ જેવા અસુરોએ ભારતના ધર્મ અને તેની સંસ્કૃતિને મૃતપ્રાય: કરી મૂક્યાં હતાં અને એનો પુરાવો આપણને ગાઝીપુરથી લખેલ સ્વામીજીના પત્ર દ્વારા મળે છે. પત્રમાં સ્વામીજી પોતાના મિત્ર પ્રમદાદાસ બાબુને લખે છે કે ‘અહીં આમ તો બધું બરાબર છે, પણ લોકોમાં બહુ વધારે પાશ્ર્ચાત્યભાવ આવી ગયો છે. શિક્ષિત સમાજ અત્યંત સ્વધર્મવિમુખ અને નાસ્તિક્વાદ-જડવાદથી ગ્રસિત થયો છે. અંગ્રેજોએ જડવાદનું કેવું મૃગજળ ઉત્પન્ન કરી દીધું છે? ભગવાન શુકદેવની આ જન્મભૂમિમાં લોકો ત્યાગ અને વૈરાગ્યને પાગલપન સમજે છે. વિશ્ર્વનાથ આવા દુર્બળ લોકોની રક્ષા કરે! અસ્તુ.’ પાશ્ર્ચાત્ય સંસ્કૃતિએ કેટલી હદે ભારતીય સમાજમાં વિષ ફેલાવ્યું હતું તેનું દુ:ખ વ્યક્ત કરતાં થોડા આક્રોશ સાથે સ્વામીજીએ જાપાનથી લખેલ એક પત્રમાં તેમણે કહ્યું કે ‘તમે લોકો શું કરો છો ? મસ્તિષ્કમાં વર્ષોનો અંધવિશ્ર્વાસ અને જડવાદ સંગ્રહિત કરી રાખ્યો છે. આહાર-વિહારની શુદ્ધિ-અશુદ્ધિના ઝઘડામાં જ તમારી બધી શક્તિ વેડફાઈ ગઈ છે. સામાજિક અત્યાચારને કારણે જેની સમગ્ર માનવતા મરી પરવારી છે એવા તમે લોકો બતાવો તો ખરા કે તમે વાસ્તવમાં કોણ છો ? શું સમુદ્રમાં એટલુંય પાણી નથી રહ્યું કે તમે એમાં વિશ્ર્વવિદ્યાલયની બધી જ ડિગ્રીઓ અને પુસ્તકો સહિત ડૂબી મરો ? અસ્તુ.’ આમ સ્વામીજીના આ પત્રો દ્વારા આપણને આધુનિકયુગના ભારતની ધર્મગ્લાનિની માહિતી મળે છે અને એટલે જ ભૌતિકવાદ, નાસ્તિક્વાદ, જડવાદરૂપી સમુદ્રમાં ડૂબેલ માનવતા અને હિંદુધર્મને ઉગારવા શ્રીરામકૃષ્ણદેવનો જન્મ થયો હતો. ઈ.સ. 1855 થી 1885નો સમયગાળો કે જેમાં પાશ્ર્ચાત્યભાવે રંગાયેલા અને ભૌતિકવાદથી ગ્રસિત અનેક યુવકો અને ગૃહસ્થો શ્રીરામકૃષ્ણદેવના ચરણાશ્રયે આવી ઉદ્ધાર પામ્યા હતા.
પુરાણોમાં કચ્છપ અવતારની કથા આવે છે જેમાં ભગવાન વિષ્ણુ સમુદ્રમંથન વખતે કાચબાનું રૂપ લઈ મંદરાચલ પર્વતને સ્થિર થવામાં સહાયતા કરે છે. આપણાં શાસ્ત્રોમાં કાચબો એ સંયમ અને ઇન્દ્રિયનિગ્રહનું પ્રતીક છે. આત્મદર્શન અને આત્મજ્ઞાનરૂપી અમૃત મેળવવા આત્મમંથન અને મનોમંથન અનિવાર્ય છે. સ્વામી સારદાનંદ રચિત લીલાપ્રસંગમાં શ્રીરામકૃષ્ણદેવની બાર બાર વર્ષની કઠોર સાધનાનું અદ્ભુત વર્ણન છે. ભારતીય ઇતિહાસમાં આવી સાધના અને તપસ્યા હજુ સુધી કોઈએ કરી હોય એવું જોવા મળતું નથી. શ્રીરામકૃષ્ણદેવે આપણને સમજાવ્યું છે કે આધુનિકયુગમાં અનંત સુખ અને અનંત શાંતિ મેળવવા સંયમ અને ઇન્દ્રિયનિગ્રહ અનિવાર્ય છે.
ભગવાન વિષ્ણુ નરસિંહાવતાર લઈ હિરણ્યકશ્યપ નામના અસુરનો સંહાર કરે છે. આજના યુગમાં આ હિરણ્યકશ્યપ એ દ્વેષ અને કટ્ટરતાનું પ્રતીક છે. ઈ.સ.1893માં જ્યારે વિશ્ર્વધર્મ પરિષદ યોજાઈ ત્યારે એના મૂળમાં આ દ્વેષ અને કટ્ટરતા જ હતાં કારણ કે તેના આયોજકોએ એ જ સ્વપ્ન સેવ્યું હતું કે આ વિશ્ર્વધર્મ પરિષદ જગતને એ સંદેશ આપશે કે દુનિયામાં સ્વીકારવા જેવો કોઈ ધર્મ હોય તો તે માત્ર એક ને એક ખ્રિસ્તી ધર્મ જ છે. 19મી સપ્ટેમ્બર 1893ના દિવસે આ દ્વેષ અને કટ્ટરતા ચરમસીમાએ હતાં અને આથી શ્રીરામકૃષ્ણદેવે જ એ દિવસે સ્વામીજીના શ્રીમુખેથી હિંદુધર્મ વિષે અદ્ભુત વ્યાખ્યા કરી હતી અને કહ્યું હતું કે જો કોઈ એમ માનતું હોય કે આ દુનિયામાં એમનો ધર્મ જ મહાન છે તો તેવા લોકો ખરેખર હજુ ઘણા જ નાદાન છે. કારણ કે દરેક ધર્મે ઉન્નત ચરિત્રોવાળા મહાપુરુષોને જન્મ આપ્યો છે અને દરેક ધર્મે માનવતા અને પ્રેમના જ મહાન સિદ્ધાંતો રજૂ કર્યા છે. અંતમાં એક વસ્તુ નિશ્ર્ચિત યાદ રાખજો કે એક એવો સમય જલદીથી આવશે કે જેમાં દરેક ધર્મની પતાકાઓ ઉપર લખ્યું હશે કે ‘શાંતિ, નહિ કે કલહ; મિત્રતા, નહિ કે દ્વેષ.’
પુરાણોમાં વામન અવતારની પણ કથા આવે છે જેમાં ભગવાન વામન રાજા બલીનું સર્વસ્વ લઈ લે છે અને બદલામાં તેમના પ્રેમને વશ થઈ દ્વારપાલ બની જાય છે. શ્રીરામકૃષ્ણદેવે જગદંબાને પ્રાર્થના કરી હતી કે મા મને શુષ્ક સાધુ ન બનાવતી. આથી તેમની આ પ્રાર્થનાને પરિણામે જ જગન્માતાએ તેમને બતાવ્યું હતું કે તેમના દેહની રક્ષા માટે અને તેમની જરૂરિયાતની બધી જ વસ્તુઓ પૂરી કરવા ચાર ખજાનચીઓ આવશે. અને ખરેખર મથુરબાબુ, સુરેન્દ્રનાથ મિત્ર, બલરામ બસુ અને રામચંદ્ર જેવા ગૃહસ્થોએ પોતાની સંપત્તિ તો ઠાકુરને ચરણે અર્પણ કરી હતી પરંતુ અંતમાં પોતાના પ્રાણ સુધ્ધાં પણ અર્પણ કરી દીધા હતા. બદલામાં શ્રીરામકૃષ્ણદેવ પણ દ્વારપાલ બની તેમની તમામ આપત્તિ અને વિપત્તિથી રક્ષા કરે છે અને અંત સમયે તેઓનો ઉદ્ધાર પણ કરે છે. તો શું ઠાકુરને આધુનિક યુગના વામન અવતાર ન કહી શકાય?
ભગવાન પરશુરામે પોતાના પરશુને જોરે એક્વીસ વખત પૃથ્વીને ક્ષત્રિયવિહોણી કરી હતી અને ક્ષત્રિઓના અહંકારનો નાશ કર્યો હતો. એક દિવસ સુરન્દ્રનાથે ઠાકુરનું નામ સાંભળી ને પોતાના મિત્રોને કહ્યું હતું કે ‘જુઓ તમે લોકો એમના પર શ્રદ્ધા રાખો છો એ બરાબર છે, પણ મને શા માટે ત્યાં લઈ જાઓ છો? જો મને ઠાકુરમાં કંઈ પણ ખોટું લાગશે અથવા તો તેમણે કંઈ પણ ખોટી વાત કરી તો હું એમનો કાન પકડીશ.’ ઠાકુર પાસે આવીને સુરન્દ્રનાથે તેમને પ્રણામ પણ કર્યા નહિ અને બેસી ગયા. ઠાકુરની અમૃતવાણી સાંભળી તેમને લાગ્યું કે અત્યાર સુધી જે જીવન સમસ્યાઓનું સમાધાન પોતે કરી શક્યા ન હતા તેનું અહીં સમાધાન મળી ગયું. પાછા ફરતી વખતે તેમણે ઠાકુરને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કર્યા અને પોતાના મિત્રોને ગળગળા સ્વરે કહ્યું કે ભાઈ, આવ્યો હતો એમના કાન ખેંચવા પણ એમના સદ્વ્યવહારે અને પ્રેમે તો મારા જ કાન ખેંચી નાખ્યા. ઈ.સ 1884ની સાલમાં એક સમયે ઠાકુર ગિરીશચંદ્ર ઘોષ રચિત ચૈત્ન્યલીલા નામનું નાટક જોવા ગયા હતા. ગિરીશબાબુ એમનું સ્વાગત કરવા દ્વાર પર આવ્યા ત્યારે ઠાકુરે તેમને પહેલાં જ વિનયપૂર્વક પ્રણામ કર્યા. આથી ગિરીશે પણ તેમને પ્રણામ કર્યા. ઠાકુરે ફરી ગિરીશને વધારે નમીને પ્રણામ કર્યા, આથી ગિરીશે પણ નાછુટકે તેમને તેવી જ રીતે પ્રણામ કર્યા. આમ ઘણીવાર આ પ્રમાણે ચાલ્યું. અંતે ગિરીશબાબુ ઠાકુરની વિનમ્રતાથી પરાજિત થઈ ગયા. ગિરીશબાબુએ પાછળથી ભક્તોને કહ્યું હતું કે ‘બધા અવતારોએ શસ્ત્રો દ્વારા વિજય મેળવ્યો હતો, પણ આ વખતે તો ઠાકુર પ્રણામ દ્વારા એટલે કે પ્રેમ અને વિનમ્રતા દ્વારા ભક્તો અને તેના અહંકાર પર વિજય મેળવી રહ્યા છે.’ હે વાચક ! સ્વામીજીએ ઠાકુરને એટલા માટે જ અવતારવરિષ્ઠાય કહ્યા છે.
‘રઘુકુલ રિતિ સદા ચલિ આઈ, પ્રાણ જાઈ અરુ વચન ન જાઈ’ રામાયણની આ ચોપાઈ ભારતીય જનમાનસમાં યુગોથી છપાયેલી છે. ભગવાન રામનું સંપૂર્ણ જીવન આ ચોપાઈને પ્રસ્તુત કરે છે. સ્વામી બ્રહ્માનંજીએ પોતાની સ્મૃતિમાં કહ્યું છે કે ‘ઓહ! ઠાકુરની કેવી તો સત્યનિષ્ઠા હતી! જો તેઓ ક્યારેય એકવાર કહી દેતા કે આજે તેઓ વધારે ભોજન નહિ કરે તો તેઓ ખરેખર વધુ જમી શકતા નહિ. ભલે તેઓ ભૂખ્યા કેમ ન રહે ? એક દિવસ ઠાકુરે કહ્યું હતું કે તેઓ યદુમલ્લિકના ઘરે તેમને મળવા જશે પરંતુ આખો દિવસ વાતોમાં અને ભક્તો સાથે કીર્તનમાં પૂરો થયો અને ઠાકુર પણ એ વાત ભૂલી ગયા. પરંતુ રાત્રીભોજન પછી અચાનક તેમને એ વાત યાદ આવી. રાત પણ ઘણી વીતી ગઈ હતી, તો પણ ઠાકુરે તેમના ઘેર જવાનું નકકી કર્યું અને તેમના ઘેર ગયા તો ઘરના બધા લોકો સૂતા હતા. છતાં ઠાકુર તેમના બેઠકખંડનો દરવાજો થોડો ખોલીને અંદર પગ મૂકીને પાછા આવી ગયા. ઠાકુર દરરોજ સવારે ઊઠીને સૌ પહેલાં રાખાલનો ચહેરો જોતા. આ એમનો નિયમ હતો. એકવાર ઠાકુરે કહ્યું કે ‘આજે હું તારો ચહેરો કેમ નથી જોઈ શકતો? કહે તો?’ રાખાલે પણ ઘણો વિચાર કર્યો કે તેમનાથી કોઈ ભૂલ કે કોઈ ખોટું કામ તો નથી થઈ ગયું ને? અંતે તેમને યાદ આવ્યું કે ગઈકાલે રાત્રે તેઓએ મિત્રો સાથે મજાકમાં ને મજાકમાં એક ખોટી વાત કરી હતી. રાખાલ મહારાજ આશ્ર્ચર્યચકિત થઈ વિચારવા લાગ્યા કે આવી સત્યનિષ્ઠા બીજે ક્યાં જોવા મળશે!
ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતામાં ત્યાગ, અનાસક્તિ અને નિષ્કામકર્મનો ઉપદેશ આપ્યો છે. એક વાર શ્રી શ્રીમાએ ઠાકુરને બટવામાં મુખવાસ આપ્યો, સાથે કાગળમાં થોડો વધારે મુખવાસ ભરીને આપ્યો, જેથી ઠાકુરને વારંવાર મુખવાસ માટે નોબતખાનામાં આવવું ન પડે. પણ આ શું ? ઠાકુર મુખવાસ લઈને જાય છે તો ખરા, પણ તેઓ રસ્તો બરાબર જોઈ શક્તા નથી. તેઓ પોતાના ઓરડામાં જવાને બદલે ગંગા તરફ જવા લાગે છે. અંતે તેમનો ભાણેજ હૃદયરામ દોડીને તેમને બચાવી લે છે. શ્રી શ્રીમા કહેતાં કે એમનો ત્યાગ અપૂર્વ હતો. ઠાકુર ગળાની પીડાથી ખૂબ પીડાતા હતા. નરેન્દ્ર અને બીજા યુવકોએ ઠાકુરને કહ્યું કે આપ જગદંબાને કહો કે તે આપનું આ દરદ મટાડી દે. ઠાકુરે કહ્યું, ‘અરે, જે મનપ્રાણ અને શરીર જગદંબાને અર્પણ કરી દીધાં છે તેને માટે હું શું ફરી મા પાસે પ્રાર્થના કરું? એ મારાથી નહિ બની શકે.’ નરેન્દ્રે કહ્યું, ‘તો માત્ર થોડું ખાઈ શકાય એ માટે તો માને કહો?’ ત્યારે ઠાકુરે કહ્યું, ‘કેમ, તમારા લોકોના મુખેથી હું જ ખાઈ રહ્યો છું ને?’
હે વાચક! આવી અનાસકિત બીજે કયાં જોવા મળશે? અને કશાય ફળની આશા રાખ્યા વગર દરેક કર્મ કરવું એટલું જ નહિ પરંતુ જીવમાત્રમાં શિવનું દર્શન કરી તેમની ઈશ્ર્વર માનીને સેવા કરવાની વાત પણ બીજે ક્યાં જોવા મળશે?
..
Your Content Goes Here



