શ્રીરામકૃષ્ણ રાખાલને (સ્વામી બ્રહ્માનંદ) વૃંદાવનના એક ગ્વાલબાલ કહેતા. એકવાર એમને એક અલૌકિક દર્શન થયું. એમાં એમણે શતદલ-પદ્મને જોયું. એની પ્રત્યેક પાંખડી અદ્ભુત સૌંદર્યથી ઝગમગતી હતી. તેના પર બે બાળક ચરણોમાં નૂપુર પહેરીને નૃત્ય કરતાં હતાં. એમાંથી એક શ્રીકૃષ્ણ પોતે જ હતા અને બીજા હતા રાખાલ. સ્વામી વિવેકાનંદની જેમ સ્વામી બ્રહ્માનંદ વિશે પણ શ્રીરામકૃષ્ણનાં આ દર્શનની સત્યતા પછીથી પ્રમાણિત થઈ હતી. મૃત્યુશૈયા પર સ્વામી બ્રહ્માનંદને એક અલૌકિક દર્શન થયું હતું. તેમાં એમણે પોતાની સાથે નૃત્ય કરવાનું કહેતા અનુપમ સૌંદર્યયુક્ત બાલકૃષ્ણને જોયા. દિવ્ય ભાવાવસ્થામાં સ્વામી બ્રહ્માનંદ મોટેથી બોલી ઊઠ્યા, ‘હું વ્રજનો ગ્વાલબાલ છું, મારા પગમાં નૂપુર પહેરાવી દો, હું શ્રીકૃષ્ણની સાથે નૃત્ય કરવા ઇચ્છું છું… શું તમે એમને જોતા નથી? શું તમારી પાસે જોવા માટે નેત્ર નથી? હવે મારો ખેલ સમાપ્ત થયો. જુઓ, બાલકૃષ્ણ મને પંપાળે છે. તેઓ મને પોતાની સાથે આવવા માટે બોલાવી રહ્યા છે. હું જાઉં છું.’
આપણે બધા અમર છીએ, પરંતુ એ જાણતા નથી :
આવું પૂછી શકાય : ‘થોડા અત્યંત સિદ્ધમહાપુરુષ સંસારમાં જન્મ પહેલાં પણ વિદ્યમાન હતા, એમ ભલે આપણે માની લઈએ, તો પણ આપણા જેવા સામાન્ય માનવોની શી ગતિ?’ વેદાંતનો ઉત્તર છે કે આપણાંમાંથી પ્રત્યેકનો આત્મા (કોઈપણ જાતના અપવાદ વિના) જન્મમૃત્યુથી પર છે, પરંતુ અજ્ઞાનવશ કામનાઓની પૂર્તિ માટે આ દેહ સાથે તે તાદાત્મ્ય સાધી લેશે. અજ્ઞાનીમાં જીવનના અંતે દેહ નાશ પામે છે, પરંતુ જ્યાં સુધી જન્મમરણના ફેરાથી પર જનારા જ્ઞાનના અગ્રદૂત એવા વૈરાગ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આત્મા ફરી ફરીને બીજા દેહોમાં પ્રવેશતો રહે છે.
આપણો આચાર્યગણ કહે છે કે માનવજન્મ એક દુર્લભ સૌભાગ્ય છે. એમાં આપણને ઉચ્ચતમ પૂર્ણતા અને સત્યનો સાક્ષાત્કાર કરવાનો અવસર મળે છે. કારણ કે ઈશ્ર્વરાવતાર અને મહાન બ્રહ્મજ્ઞાની આચાર્યગણ જ નહીં, પરંતુ આપણે સામાન્ય માનવ પણ એ જ એક પરમાત્માની અભિવ્યક્તિ છીએ. એમાં કોઈ શંકા નથી કે અભિવ્યક્તિ અનેક છે, પરંતુ પરમસત્તા બધામાં એક જ છે. સાગર, લહેરો, અને પરપોટાના દૃષ્ટાંત દ્વારા એને સમજાવવામાં આવે છે. ત્રણેય એક જ પદાર્થ છે, કેવળ અભિવ્યક્તિમાં અંતર છે. સ્વામી વિવેકાનંદે પુન: પુન: આવી ઘોષણા કરી છે : ‘પ્રત્યેક આત્મા અવ્યક્ત બ્રહ્મ છે. આ બ્રહ્મભાવને વ્યક્ત કરવો એ જ જીવનનું પરમ લક્ષ્ય છે.’
એક બીજે સ્થળે સ્વામી વિવેકાનંદ આ ભીતર રહેલા દેવત્વ વિશે કહે છે : ‘… આપણામાં એવું કંઈક છે કે જે મુક્ત અને નિત્ય છે….પણ તે શરીર નથી; કે નથી તે મન. શરીર પ્રત્યેક પળે નાશ પામે છે, મન સતત બદલાયા કરે છે. શરીર એક મિશ્ર વસ્તુ છે અને મન પણ તેવું જ છે અને તેથી સર્વ પરિવર્તનોથી પર દશાએ તે કદીયે પહોંચી શકે નહીં. પણ આ ક્ષણિક, સ્થૂળ, જડ પદાર્થના કોશની ઉપર, મનના સૂક્ષ્મ ઢાંકણથીયે પર, શાશ્ર્વત અને નિત્ય એવો માનવના સત્ય સ્વરૂપરૂપી મુક્ત આત્મા રહેલો છે. વિચાર અને પદાર્થોના થરો વીંધીને તેનું આ મુક્ત સ્વરૂપ બહાર ફૂટી નીકળે છે અને નામ તથા રૂપના ઢોળ છતાંય પોતાનું સર્વ બંધનોથી મુક્ત અસ્તિત્વ કાયમ જોરપૂર્વક પ્રગટ કરે છે. અજ્ઞાનનાં ઘેરાં પડળો હોવા છતાં, તેની અમરતા, તેનો આનંદ, તેની શાંતિ, તેની દિવ્યતા પ્રકાશી ઊઠે છે અને પોતાનું અમરત્વ જાહેર કરે છે. તે જ સાચો, ભયરહિત, મૃત્યુરહિત, મુક્ત માનવ છે….. આ પુરુષ, આ આત્મા, માણસની આ સાચી સત્તા, મુક્ત, અવિકારી અને સર્વ પરિસ્થિતિથી પર છે અને તેથી તેને નથી જન્મ કે નથી મૃત્યુ. ‘મનુષ્યનો આ આત્મા જન્મરહિત, મૃત્યુરહિત, શાશ્ર્વત અને નિત્ય છે.’ (સ્વા. વિ. ગ્રં.ભાગ 4.399)
શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન દ્વારા આ આત્માનો સાક્ષાત્કાર કરવાનો છે. આ આત્મા આપણા જીવમાં તથા બીજા બધા જીવોમાં પ્રકાશિત થઈ રહ્યો છે. આપણે બધા તેના પ્રકાશને પ્રતિબિંબિત કરીએ છીએ. આ જ એક અનંત આત્મા બધા જીવોના માધ્યમથી વ્યક્ત થઈ રહ્યો છે. વ્યષ્ટિ આત્માનો પરમાત્માના અંશ રૂપે સાક્ષાત્કાર કરવો એને આત્મજ્ઞાન કહેવાય છે. એની પ્રાપ્તિ થવાથી અજ્ઞાન અને તેની બધી વાસનાઓનો તેમજ તેનાં સૂક્ષ્મતમ રૂપોનો પણ નાશ થઈ જાય છે. અત: આપણે જ્ઞાનીઓનાં પદચિહ્નોનું અનુસરણ કરવું, પોતાની ભીતર રહેલ દિવ્યસ્વરૂપનો સાક્ષાત્કાર કરવો તથા જન્મમૃત્યુના રહસ્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એ સંભવ છે કે આત્મસાક્ષાત્કાર પછી આ ઈશ્ર્વરીય જ્ઞાન, આ આધ્યાત્મિક ચેતના, ઈશ્ર્વરત્વના સાક્ષાત્કારમાં બીજાને સહાય કરવા આપણને આ સંસારમાં ફરીથી આવવાનો અવસર મળે.
પ્રકરણ – 4
ઈશ્ર્વર વિષયક વિભિન્ન ધારણાઓ
અનંતની ખોજ : માનવસભ્યતાના આદિકાળથી એ જોવા મળે છે કે મનુષ્ય બ્રહ્માંડનાં રહસ્યોને સમજવાનો પ્રયત્ન કરતો રહ્યો છે. એક તરફ તે પ્રકૃતિનો, તેનાં દુર્બોધ ક્ષેત્રો અને અનેક પ્રકારનાં પ્રાણીઓ સુધ્ધાંનું અધ્યયન કરવાનો પ્રયાસ કરે છે. તો બીજી બાજુએ જગતની ઉત્પત્તિનું કારણ જાણવાનો યત્ન પણ કરે છે. શ્ર્વેતાશ્ર્વતર ઉપનિષદનો પ્રારંભ માનવ-મનમાં ઊઠતા આવા અનાદિ પ્રશ્ર્નોથી થાય છે :
બ્રહ્મવિદ્ (બ્રહ્મની શોધના કરનાર) પૂછે છે : (જગતનું) કારણ ક્યું છે ? (શું તે) બ્રહ્મ છે? આપણે કેવી રીતે ઉદ્ભવ્યા છીએ ? આપણે જીવિત શા માટે છીએ? આપણી પ્રતિષ્ઠા-આપણું અસ્તિત્વ શેમાં છે? આપણું પરમધામ કયું છે? જેમના શાસન પ્રમાણે આપણે બ્રહ્મવિદ્-જનો સુખ કે દુ:ખ ભોગવીએ છીએ, એવા આપણા અધિષ્ઠાતા કોણ છે ? (શ્ર્વેતાશ્ર્વતર 1.1)
બીજા શ્ર્લોકમાં પરસ્પર પ્રશ્ર્ન કરતા આ ઋષિઓ જગતનાં સંભવિત કારણ પર વિચાર કરે છે. તેઓ કાળ, સ્વભાવ, નિયતિ, યદ્ઇચ્છા, જડપદાર્થ, શક્તિ, મન, અહંકાર પર વિચાર કરે છે; પરંતુ તેઓ એવા તારણ પર પહોંચે છે કે આમાંથી કોઈપણ કે એમનો સંયોગ જગતનું કારણ ન હોઈ શકે; કારણ કે એ બધાં બીજા કોઈ પર આશ્રિત છે. (શ્ર્વેતાશ્ર્વતર 1.2) આ મૂળ પ્રશ્ર્નોના ઉત્તર કેવળ તર્ક દ્વારા જાણવા સંભવ નથી, એ જાણીને એ બધા ઋષિઓ ધ્યાનની સાધના કરે છે. ધ્યાનની ગહનતામાં તેઓ ‘બ્રહ્મ’ નામે ઓળખાતી અપરિવર્તનશીલ અક્ષરસત્તાનો સાક્ષાત્કાર કરે છે, જે બધાં પ્રાણીઓમાં સ્વપ્રકાશ શક્તિના રૂપે વિદ્યમાન છે તથા જે કાળથી માંડીને અહંકાર સુધીના બધાંની અધિષ્ઠાતા છે. (શ્ર્વેતાશ્ર્વતર 1.3) (ક્રમશ:)
Your Content Goes Here



