ગુજરાતમાં સ્વામી વિવેકાનંદજીની સંગીતવિદ્યાથી અનેક સ્થળોએ લોકો પ્રભાવિત થયા હતા. એમાંય સૌથી વિશેષ આ સંગીતવિદ્યાનો લાભ પાલિતાણાના લોકોને મળ્યો. પાલિતાણામાં જાણે કે સંગીતની મહેફિલ જામતી. પોરબંદરની આસપાસનાં અનેક તીર્થસ્થાનો અને ગામડાંની મુલાકાત લઈને સ્વામી વિવેકાનંદ પાલિતાણા આવ્યા. પાલિતાણામાં શત્રુંજય પર્વત પર અનેક સુંદર જૈન દેરાસરો આવેલ છે. તેનો સમયકાળ 11મી સદીનો ગણાય છે. આ પર્વત પર હનુમાનજીનું એક સુંદર મંદિર, મુસ્લિમ પીર હેંગારનું એક મુસ્લિમ ધર્મસ્થાન પણ છે. જેમ્સ ફર્ગ્યુસનના મત પ્રમાણે : ‘આ પર્વત પર 500થી વધુ નાનાં મોટાં દેવાલયો છે. આ જાણે કે દેવતાઓનું શહેર છે અને તેમના માટે જ નિર્મિત થયું છે. જૈન શિલ્પકળાની વિશેષતાઓ પાલિતાણામાં જેટલી જોવા મળે છે, તેટલી બીજા કોઈ સ્થળે જોવા મળતી નથી.’
સ્વામી વિવેકાનંદ આ પર્વતની ટોચ પર ગયા અને ત્યાંથી અદ્ભુત દૃશ્યનો આનંદ માણવા લાગ્યા. પર્વતના શૃંગ ઉપરથી ચારે દિશાઓનું દૃશ્ય અત્યંત મનોરમ્ય છે. પર્વતની તળેટીમાં, નીચે ઘણે સુધી સમતલ ક્ષેત્ર છે. ઉત્તરે શિહોરની સુંદર શૈલમાલા છે.
આ જોઈને સ્વામીજી વિચારવા લાગ્યા, ‘અહા, કેવું સુંદર દૃશ્ય ! વિશાળ પૃથ્વી પટ પર કેટકેટલી જાતિઓનો ઉદય અને અસ્ત થઈ ગયો હશે, આજે એનું કોણ સ્મરણ કરે છે ?’ ત્યાંથી થોડે દૂર ભૂતપૂર્વ રાજધાની વલ્લભીપુર નગરનાં દર્શન થાય છે. એ નિહાળીને સ્વામીજીએ એક ઊંડો નિશ્ર્વાસ નાખીને કહ્યું, ‘પાશ્ર્ચાત્યોની રોમ નગરી કરતાં પણ અતિ પ્રાચીન વલ્લભીપુર, આજે તારું પૂર્વગૌરવ ક્યાં જતું રહ્યું છે !’
શત્રુંજય પર્વત પરથી નીચે ઊતરીને સ્વામીજીએ બીજાં અનેક મંદિરોનાં દર્શન કર્યાં. ત્યાર પછી પાલિતાણાના દિવાન શ્રીચુનીલાલ સારાભાઈ હઝરત સ્વામીજીને પોતાને ઘેર લઈ ગયા. તેમને ત્યાં જમાડ્યા. જમતી વખતે સ્વામીજીએ પોતાની ભાવિ યાત્રાઓ વિશે વાતો કરી. ક્ધયાકુમારીનું સુંદર વર્ણન કરીને ત્યાં જવાની તેમની ઇચ્છા વિશે પણ વાતો કરી.
પાલિતાણામાં નિવાસ કરતી વખતે સ્વામીજીની સંગીતસાધનાથી લોકો મુગ્ધ બની ગયા. અહીં જાણે કે સંગીતની મહેફિલ જામતી. પાલિતાણાના લોકોને સંગીતના રસમાં તરબોળ કરીને સ્વામીજી નડિયાદ જવા રવાના થયા. (ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ પૃ. 106 – 108)
પાલિતાણાનાં ભવ્ય જૈન દેરાસરો
ભાવનગર જિલ્લામાં શત્રુંજય પર્વતના રમણીય અને કુદરતી સૌંદર્યથી આચ્છાદિત વિસ્તારમાં જૈન ધર્મની આસ્થાનું સ્થાનક ‘પાલિતાણા’ આવેલું છે. સમગ્ર પર્વતીય વિસ્તારમાં 900 જેટલાં ભવ્ય અને નયનરમ્ય દેરાસરો આવેલાં છે. સ્થાપત્ય અને શિલ્પકળાની બેનમૂન કલા-કારીગરી દરેક દિવાલો-છત અને ખંડોમાં ઊભરી આવે છે. આ કલા કોઈપણ દર્શનાર્થીના હૃદયને રોમાંચિત કરે છે. ‘પાલિતાણા’ અદ્વિતીય કળાવૈભવ અને આસ્થાના સ્થાનક સમું છે. એ અગણિત જૈનો અને શ્રદ્ધાળુ – યાત્રિકોને પોતાના તરફ આકર્ષે છે. ‘પાલિતાણા’ના નિર્માણમાં સમય, શક્તિ અને નાણાંની સાથે ને સાથે શ્રદ્ધાળુઓની આસ્થા-શ્રદ્ધાનું સિંચન દ્વારા તેનું નિર્માણ થયું હતું.
જૈન ધર્મના તીર્થંકર ભગવાન નેમિનાથને અહીં મોક્ષ-ગતિ પ્રાપ્ત થઈ હતી. એને કારણે જૈન ધર્મના અલૌકિક ઇતિહાસ સાથે સંકળાયેલ તીર્થસ્થાન ‘પાલિતાણા’ બધા જૈન શ્રદ્ધાળુને માટે સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પાલિતાણાને ‘સિદ્ધક્ષેત્ર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ સિદ્ધક્ષેત્ર ‘મોક્ષના દ્વાર’ રૂપે પણ પ્રખ્યાત છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના દેરાસરનું અહીં નિર્માણ થયુંં છે. જેમને ‘આદિનાથ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં તેમણે 93 વખત પરિક્રમા કરી હતી.
પાલિતાણાના ભવ્ય દેરાસરની શૃંખલાનું નિર્માણ મુર્શિદાબાદના રહેવાસી બાબુ ધનપતસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. ઇ.સ. 13મી સદીના સમયગાળામાં આ પર્વત પર દેરાસરોની શૃંખલાનું નિર્માણ શરૂ થયું હતું. જૈન ધર્મના શ્રેષ્ઠી વસ્તુપાલનું પણ પાલિતાણાનાં ભવ્ય દેરાસરોના નિર્માણમાં મહત્ત્વનું પ્રદાન છે.
1800 ફૂટ ઊંચા પર્વતીય સ્થાન પર પહોંચવા 3795 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. પર્વતના શિખર પર પહોંચવાના રસ્તે તીર્થકારોનાં પદચિહ્નો જોવા મળે છે. યાત્રાળુ માટે રસ્તામાં પીવાના પાણીના પરબની વ્યવસ્થા કરવામાં આવી છે. રસ્તામાં ખાણી-પીણીની ચીજવસ્તુઓ પ્રતિબંધિત છે.
સમગ્ર સંકુલમાં આવેલાં સ્થાપત્યો અને મૂર્તિઓના નિર્માણ પાછળ ધીરજ, શ્રદ્ધા અને કસબ-કારીગીરીનું સિંચન કરાયું છે. જેને પરિણામે શ્રદ્ધાનું અલૌકિક સ્થાનક નિર્માણ પામ્યું.
સમયાંતરે આ સંકુલના દેરાસરોનું સંવર્ધન થતું રહ્યું છે. મુખ્ય દેરાસર કે જેમાં ભગવાન આદિનાથની ભવ્ય મૂર્તિ છે, તેનાં દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્ય બને છે. વિક્રમ સંવત 1018માં આ દેરાસરનું 13મી વખત પુન:નિર્માણ કરવામાં આવ્યું.
‘પાલિતાણા’નું મુખ્ય દેરાસર લાકડાંમાંથી બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સમયાંતરે તેમાં પુન:નિર્માણ થતું રહ્યું. તેના પરિણામે રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા તેમના મંત્રી ઉદય મહેતાએ આરસપહાણના પથ્થરોમાંથી અંદાજે રૂપિયા 2.97 કરોડના ખર્ચે તત્કાલીન સમયમાં તેનું નિર્માણ કર્યું. રાજા સિદ્ધરાજના વંશજ અને દાનવીર શ્રેષ્ઠી કુમારપાળે દેરાસરને આખરી સ્વરૂપ આપી વિસ્તાર્યું.
હાલના દેરાસરનું ઇ.સ. 1618માં નિર્માણ કરવામાં આવ્યું. દાદાની ટૂંક સ્થિત આ દેરાસર સુધી પહોંચવાના બે રસ્તા છે. એક સીધો રસ્તો છે જ્યારે બીજો નવ ટૂંક થઈને જવાય છે.
પાલિતાણાનાં પર્વતીય સ્થાનકોમાં પ્રખ્યાત દેરાસરોનું નિર્માણ થયુંં છે. એમાં ભગવાન આદિનાથ, કુમારપાળ, વિમલશા સાંપ્રતિ રાજા તેમજ શિખરની સૌથી ટોચ પરનાં ચૌમુખ મુખ્ય છે.
આ પર્વતીય માળાનાં ભવ્યતમ સ્થાનકોમાં હિન્દુ ધર્મના દેવી-દેવતાઓનાં મંદિરો પણ છે. પર્વતની તળેટીમાં મા સરસ્વતીનું મંદિર છે. ઉપરાંત ભગવાન શિવજી, રામભક્ત હનુમાનજીનાં મંદિરો નિર્માણ પામ્યાં છે. શિખરની ટોચ પર અંગાર પીરની જગ્યા છે. અહીં પુત્રકામનાની ઇચ્છાથી સ્ત્રીઓ પોતાની આસ્થાથી દર્શને આવે છે.
Your Content Goes Here



