શ્રીરામકૃષ્ણ
ઠાકુર પોતાના ભક્તોને શ્રાદ્ધનું અન્ન નહીં ખાવાનો ઉપદેશ આપતા; કારણ, એવો ખોરાક ભક્તને બાધાકારક છે. એ એક અપવાદ સિવાય તમે બીજો કોઈપણ ખોરાક પરમાત્માને ધરાવ્યા પછી લઈ શકો.
ઠાકુર તમારું રક્ષણ કરશે. તેમના ઉપર આધાર રાખીને તમારે જીવન ગાળવું; તેમની ઇચ્છા હોય તો તમારું ભલું કરે અથવા તેમને ગમે તો તમને ડુબાડે. પરંતુ તમારે જે ધર્મસંગત હોય તે જ કરવું અને તે પણ તેમણે તમને આપેલી શક્તિ અનુસાર.
સર્વધર્મ સમન્વયનો ઉપદેશ કરવાના ખાસ ઉદ્દેશથી તેમણે જુદા જુદા ધર્મોની સાધના કરી હતી, એમ મને કદી લાગ્યું નથી. અહર્નિશ તેઓ ભગવદ્ ભાવમાં મગ્ન રહેતા. વૈષ્ણવો, ખ્રિસ્તીઓ, મુસલમાનો અને બીજાઓના માર્ગ અનુસાર સાધનાઓ કરીને તેઓ આદ્યાશક્તિની લીલાનો આસ્વાદ લેતા. પરંતુ બેટા ! મને તો એમ લાગે છે કે, ત્યાગ એ ઠાકુરના જીવનની વિશેષતા છે. કોઈએ કદી આવો ત્યાગ જોયો છે ? ત્યાગ એ તેમનું આભૂષણ હતું.
શ્રીરામકૃષ્ણ પૂર્ણાત્મા હતા. તેમના જેવાની સમક્ષ પોતાનાં પાપ પ્રકાશવાથી મનુષ્ય ખરેખર પાપમુક્ત થાય છે.
ઠાકુર કાંઈપણ ભાંગવા – તોડવા આવ્યા ન હતા, તેઓ તો માત્ર પરિપૂર્ણ કરવા આવ્યા હતા.
શ્રીરામકૃષ્ણ મને કહેતા: ‘હંમેશાં કાર્ય કર્યા કરવું જોઈએ. ક્યારેય પણ કામ વિના રહેવું નહીં. તેનું કારણ એ કે જ્યારે માણસ નવરો બેસે છે ત્યારે હજારો જાતના ખરાબ વિચારો મનમાં ઊગી નીકળે છે.’
પ્ર : ઠાકુરે કહ્યું છે કે, જેઓ તેમને પોતાના આધ્યાત્મિક આદર્શરૂપે સ્વીકારશે તેમને ફરી જન્મ લેવો પડશે નહીં. પણ સ્વામી વિવેકાનંદે એમ કહ્યું છે કે સંન્યાસ ધારણ કર્યા વિના મુક્તિ નથી. તો પછી ગૃહસ્થીઓ માટે મુક્તિનો માર્ગ કયો ?
ઉ : હા, ઠાકુરે કહ્યું છે તે ખરું છે અને જે નરેન્દ્રે (સ્વામીજીએ) કહ્યું છે તે પણ એટલું જ સાચું છે. ગૃહસ્વામીઓને બાહ્ય ત્યાગની જરૂર નથી. તેમનામાં આપોઆપ સ્વાભાવિક રીતે આંતરિક ત્યાગ આવી જશે. પરંતુ કેટલાકને બાહ્ય ત્યાગની પણ જરૂર છે. તમારે શા માટે બીક રાખવી ? ઠાકુરને તમારી જાતનું સમર્પણ કરી દો અને કાયમ યાદ રાખો કે તેઓશ્રી તમારી પાછળ ઊભા છે.
આપણા ઠાકુરનું વાંચવા – લખવાનું જ્ઞાન બહુ જ થોડું હતું. ઈશ્ર્વર પ્રત્યે ભક્તિ હોવી એ જ ખરેખરી વાત છે. ગરીબ અને તવંગર, ભણેલાં અને અભણ – બધાંને મુક્તિનું દાન આપવા ઠાકુરે પૃથ્વી પર જન્મ ગ્રહણ કર્યો હતો. મલયાનિલ વાઈ રહ્યો છે; જે પોતાના સઢ પહોળા કરી ઠાકુરનો આશરો લેશે તે જરૂર કૃતકૃત્ય થઈ જશે. (દિવ્યકૃપા, 17-21)
Your Content Goes Here



