જેમણે વિદેશી હોવા છતાં ભારતને પોતાની માભોમ બનાવી અને આ ભૂમિની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું, એવા એક મહાન આત્માની જન્મજયંતીના શતાબ્દીમહોત્સવની આજે આપણે ઉજવણી કરી રહ્યા છીએ. જ્યાં એમણે પોતાના છેલ્લા શ્ર્વાસ લીધા તેવા હિમાલયના પવિત્ર ઉત્સંગમાં એમનું સ્મારક રચવામાં આવ્યું છે. સ્મારક પર લખેલા ‘જેમણે પોતાનું સર્વસ્વ ભારતને સમર્પિત કરી દીધું હતું તેવાં ભગિની નિવેદિતા અહીં ચિર વિશ્રાંતિ લઈ રહ્યાં છે,’ એ શબ્દો સાર્થક નિવડ્યા છે.

આયર્લેન્ડમાં જન્મેલાં અને ઇંગ્લેન્ડમાં ઊછરેલાં આ મહાનારીએ ભારતને પોતાની પ્રવૃત્તિઓનું ક્ષેત્ર બનાવ્યું. આમ છતાં પણ પોતાના સમગ્ર જીવન અને કાર્ય દ્વારા તેઓ સમગ્ર વિશ્ર્વનાં બની રહ્યાં છે. એમનો આદર્શવાદ અને એમની સમર્પણ ભાવનાએ એમને શાશ્ર્વત બનાવી દીધાં છે. એમનાં માત-પિતા પવિત્ર ક્રિશ્ર્ચિયન હતાં અને એમનાં માતાએ એમને જન્મની સાથે જ પ્રભુસેવામાં અર્પિત કરી દીધાં હતાં. તેમનામાં પણ આત્મસમર્પણ અને સત્યપ્રેમનિષ્ઠાના ગુણો હતા. પોતાની ભીતર સુષુપ્ત અવસ્થામાં રહેલ સમર્પણના અગ્નિને પ્રગટાવવા માટે કોઈ મહાન આત્માના જીવંત સંસ્પર્શની જ આવશ્યકતા હતી. અને જ્યારે તેઓ લંડનમાં 1895માં સ્વામીજીને મળ્યાં ત્યારે આ સમર્પણનો ભારેલો અગ્નિ ઝળહળી ઊઠ્યો. જો કે તેઓ બરાબર સચેત હતાં અને આ ‘હિન્દુ યોગી’ના ચુંબકીય આકર્ષણવાળા વ્યક્તિત્વથી જરાય અંજાઈ જાય તેમ ન હતાં; પોતે ગહન અને સ્વતંત્ર પ્રકૃતિનાં હતાં, છતાં પણ તેઓ સ્વામીજીના ઉમદા, ભવ્યોન્નત જીવન અને ઉપદેશના પ્રવાહમાં તણાયાં. એમણે પછીથી કહ્યું હતું તેમ તેનું પરિણામ આ આવ્યું: ‘હું એ મહામાનવની જવાઁમર્દીને ઓળખી ગઈ અને એમના પોતાના દેશબાંધવો પ્રત્યેના પ્રેમના એક સેવકરૂપે મારી જાતને અર્પણ કરી દેવાની ઇચ્છા વ્યક્ત કરી.’

ભગિની નિવેદિતા એ ભારત માટેની સ્વામી વિવેકાનંદની અનુપમ ભેટ હતી. પશ્ર્ચિમની સંસ્કૃતિ અને સભ્યતામાં જેમનાં ઊંડાં મૂળિયાં હતાં, એવાં પ્રબુદ્ધ નારીને ત્યાંથી સમૂળ ઉખેડીને સ્વામી વિવેકાનંદે આ ભારતભૂમિની સંસ્કૃતિ અને સભ્યતાની ભૂમિમાં સમૂળ આરોપી દીધાં. વીરતાભર્યાં હૃદયશક્તિવાળાં ભગિની નિવેદિતા માટે આ ચમત્કારિક પરિવર્તન થોડું દુ:ખદ બની રહ્યું, પણ અંતે તેમને સફળતા સાંપડી. પોતાના ‘ગુરુદેવ’નું શિષ્યત્વ અને એમના દૃષ્ટિકોણ પ્રમાણે ભારતની એક સેવિકાનું કાર્ય કરવું, એ તેમના માટે જરાય સરળ ન હતું. પરંતુ સ્વામીજીએ જાણી લીધું હતું કે તેમણે એમની પાસે જે જે અપેક્ષાઓ રાખી હતી તેમાં તેમને નિરાશા નહીં મળે. પોતાના ‘ગુરુ’ના જાતનિરીક્ષણ હેઠળ એમણે મેળવેલી સઘન આધ્યાત્મિક તાલીમ, પોતાનામાં રહેલી અનંત શ્રદ્ધા અને શ્રી શ્રીમાએ પોતાના એક સંતાનરૂપે(પુત્રીરૂપે) સ્વીકાર્યાં અને તેઓ શ્રીમાના શુભ આશીર્વાદ પામ્યાં; આને પરિણામે બાહ્ય રીતે દેખાતું અશક્ય કાર્ય શક્ય બની ગયું. ત્યારથી માંડીને તેમણે અનેક રીતે ભારતની સેવા કરવાનાં કાર્યોમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી. તેમણે યુવાનોને દેશપ્રેમ માટે પ્રેર્યા અને ભારતને ગુલામીમાંથી મુક્ત કરવા પોતાની જાતને સમર્પી દેવા હાકલ કરી. તેમણે શિક્ષણ દ્વારા ભારતીય નારીને ઉન્નત કરવાનાં કાર્યો કર્યાં. તેમણે કલા, શિક્ષણ, સામાજિક જીવન, ધર્મ, ધાર્મિક પ્રતીકો જેવાં ક્ષેત્રોમાં પોતાનાં વકતવ્યો અને “Religion and Dharma’, “The Web of Indian Life’, “Footfalls of Indian History’, “Shiva and Buddha’, “Kali The Mother’ જેવાં પુસ્તકો દ્વારા ભારતીય અને પશ્ર્ચિમની સંસ્કૃતિ વચ્ચેના ભેદને સ્પષ્ટતાપૂર્વક સમજાવ્યો. એ સમયના ભારતના ઘણા મહાન પુરુષો પર પણ તેમનો પ્રભાવ પડ્યો હતો.

નિવેદિતા જન્મજાત શિક્ષક હતાં. તેમનામાં એ માટે આવશ્યક દૂરંદેશીપણું અને વિશેષ ગુણો હતાં. તેમણે બાલિકાઓ માટે શાળાનો પ્રારંભ કર્યો. એ શાળા આજે ‘નિવેદિતા ગર્લ્સ સ્કૂલ’ના નામે વિકસી છે.  ભારતમાં National education ના વિકાસ માટેની પાયાની ભૂમિકા રચવામાં પણ તેઓ મહદ્અંશે નિમિત્ત કે સાધનરૂપ બન્યાં હતાં.

એમનાં મનહૃદયની ઉદાત્ત ગુણવત્તાઓ અને સર્વતોમુખી પ્રતિભાને લીધે કલા, સાહિત્ય, વિજ્ઞાન, કેળવણી, પત્રકારિત્વ અને રાજનીતિનાં ક્ષેત્રોમાંની તત્કાલીન યુગની આગળ પડતી અસંખ્ય પ્રતિભાઓ એમના તરફ આકર્ષાઈ હતી. એમાંથી ઘણાને પોતપોતાના ક્ષેત્રમાં તેમણે પ્રેરણા આપી છે અને સહાય પણ કરી છે. તેમનાં પ્રબળ ચારિત્ર્યશક્તિ, સ્વત્વ, કોમળ હૃદય તેમજ સ્વયંને પડદા પાછળ રાખવાની ભાવનાને કારણે ઘણી વ્યક્તિઓએ પ્રેમ અને આદરની ભાવાંજલિ વ્યક્ત કરી છે. આમાંથી સૌથી વધારે મહત્ત્વની ભાવાંજલિ છે: ‘પ્રભુનું આ દેદીપ્યમાન સંતાન.’ પોતાની ભીતરની પવિત્રતા, નિર્મળતાની સાથે સંલગ્ન પોતાના ‘ગુરુ’ના આશીર્વાદ તેમજ શ્રી શ્રીમાની શુભાશિષોથી માર્ગરેટ ઈ. નોબલ ‘પ્રભુનું આ દેદીપ્યમાન સંતાન!’ રૂપે પરિવર્તિત થઈ ગયાં.

પોતાના સર્વોત્તમ સામર્થ્યથી ભારતની સેવા કરતાં કરતાં તેમને એ ખાતરી થઈ કે ભારતનું ઘડતર કરવા રાજકીય સ્વાતંત્ર્ય અનિવાર્ય છે. આ સંસ્થાના સ્થાપક સ્વામી વિવેકાનંદે રાજકારણને સંપૂર્ણપણે ટાળવું એવા આપેલા એમના આદેશ સાથે એટલે કે રામકૃષ્ણ સંઘની સ્થિતિ સાથે તેઓ જરાય બાંધછોડ કરવા માગતાં ન હતાં. પોતે પોતાની જાત પ્રત્યે અને સંઘ પ્રત્યે બરાબર વફાદાર રહી શકે તે માટે રાજકીય ક્ષેત્રમાં મુક્તપણે કામ  કરવા સંઘથી અલગ થઈ ગયાં. આમ છતાં પણ તેમણે સંઘ સાથેનું આધ્યાત્મિકતાનું બંધન યથાવત્ જાળવી રાખ્યું. સ્વામીજીના સંન્યાસીબંધુઓએ પણ આ વિચ્છેદ પહેલાંનાં પ્રેમ અને ભાવના જાળવી રાખ્યાં. ભગિની નિવેદિતાએ પણ એમની સાથે પહેલાંના જેવો જ સંબંધ ચાલુ રાખ્યો. સંઘની દૃષ્ટિએ આ અલગતા સંઘની સલામતી માટે હતી, એમાં બીજું કોઈ કારણ ન હતું. તેમણે લીધેલા આ નિર્ણયની પાછળની મૂળ કે સાચી વાત જે લોકો જાણતા ન હતા એવા એક વર્ગમાં આ વિશે ગેરસમજણ ઊભી થઈ હતી. નિવેદિતા માટે આ ગેરસમજણ ખરેખર ઘણી દુ:ખદાયક હતી. પણ એમને બરાબર સમજાયું હતું કે પોતાની જેના પ્રત્યે અત્યંત પ્રેમભાવના હતી તેવા આ સંઘને અને પોતાની જાતને વફાદાર રહેવા માટે માત્ર આ એક ઉપાય હતો.

નિવેદિતાની રાજનીતિ આક્રમક પ્રકારની હતી અને તેઓ મવાળ રાજકારણ એટલે કે અરજ, વિનંતીના રાજકારણ પ્રત્યે ઉદાસીન હતાં. એટલે જ સ્વદેશી આંદોલનને એમનો સંપૂર્ણ ટેકો સાંપડ્યો. રાજનીતિનો આવો દૃષ્ટિકોણ ધરાવતાં હોવા છતાં, રાજકારણની જુદી જુદી માન્યતા ધરાવતા પક્ષોના નેતાઓ પણ તેમના મિત્ર હતા. એનું કારણ એ હતું કે જો ભારતે આઝાદી મેળવવી હોય તો તેણે એક સાથે જોડાવું જોઈએ એમ તેઓ દૃઢપણે માનતાં હતાં. તેમનું એવા ભારતને જોવાનું સ્વપ્ન હતું કે જેમાં ‘ધર્મનું મહાન પુન:સ્થાપન થાય, અને જ્યારે સમગ્ર રાષ્ટ્ર માત્ર સર્વસામાન્ય નિર્બળતા,  કમભાગ્ય કે ફરિયાદનો ગણગણાટ ન હોય, પણ એને સ્થાને એકસમાન રાષ્ટ્રિયતા, એક સમાન વારસાની સદૈવ જીવંત રહેતી ચેતના કે જાગ્રતિ હોય ….’

નિવેદિતાને પોતાનું અત્યંત કઠોર, સંયમી જીવન જીવવા માટે કેટલીયે આકરી કસોટીઓ અને ઉગ્ર સંતાપોમાંથી પસાર થવું પડ્યું હતું. પરંતુ તેઓ પોતે આ માટે તૈયાર હતાં અને એમને સ્વામીજી દ્વારા વધુ સજ્જ બનાવવામાં આવ્યાં હતાં. સ્વામીજીએ એમની સમક્ષ સમર્પણના આદર્શને આ શબ્દોમાં વર્ણવ્યો છે. ‘સમર્પણ એ જ ભૂતકાળનો નિયમ રહ્યો છે અને આવતા યુગો યુગો સુધી એ જ નિયમ રહેશે.’ પોતાના ‘ગુરુ’એ એમની સમક્ષ મૂકેલા આ સમર્પણના આદેશને ભગિની નિવેદિતાએ માથે ચડાવ્યો.

ભગિની નિવેદિતાએ લખેલ “Kali The Mother’  ગ્રંથમાં આપણને આ વાત વાંચવા મળે છે :

Look for no mercy for thyself and I shall make thee bearer of great vessel of mercy to others.

તું તારા કાજે ન શોધ દયા,

હું તને બીજા માટેની દયાનું મહાન પાત્ર બનાવીશ.

Accept bravely thine own darkness and thy lamp shall cheer many.

તારી પોતાની કાલિમાને પ્રબળ બળે સ્વીકારજે અને તારો દિવ્યજ્યોતિ ઘણાને ચિર આનંદ આપશે.

Fulfil gladly the meanest service and leave high places unsought.

હસતે મુખે નાનામાં નાની સેવા બજાવજે અને વણશોધેલાં ઉચ્ચ સ્થાનોને પામવાનું નિવારજે.

આ મહાન સમર્પિત આત્મા આપણી માતૃભૂમિની સેવામાં આપણા યુવાનોને પ્રેરતો રહે તેવી, જેમણે આપણી માતૃભૂમિને એક અનન્ય ભેટ આપી છે, એવા સ્વામી વિવેકાનંદનાં ચરણોમાં મારી પ્રાર્થના.

Total Views: 122
By Published On: November 1, 2017Categories: Vireshwarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram