એક પૂજારી જુદા જુદા બગીચામાં ફરતો હતો. ઘણાં બધાં પુષ્પો જોતાં જોતાં અચાનક એક પુષ્પ પર એની નજર ઠરી. એને એમ થયું કે ‘અહા! કેટલું સુંદર પુષ્પ છે ! આ પુષ્પથી જો હું મારી દેવીની પૂજા કરીશ તો પૂજા સાર્થક થશે. પરંતુ જો હું આ પુષ્પ લઈશ તો એને પોતાના છોડથી અલગ થવું પડશે. જે ડાળમાં કળીરૂપે તેનો જન્મ થયો, જે છોડના રસથી પુષ્ટ થઈને આજે તે પુષ્પમાં રૂપાંતરિત થયું તે છોડ તો એની જન્મદાત્રી મા છે. કોઈને પોતાની માથી અલગ કરવું સારું નથી. વળી આટલા દિવસ બગીચામાં રહ્યા પછી એને મંદિરમાં સારું લાગશે? મંદિરમાં તો બગીચા જેવું સુંદર વાતાવરણ પણ નથી. ચાલોને, પુષ્પને જ પૂછી લઉં!’ પૂજારીએ પુષ્પને પૂછ્યું, ‘હું તને મારી દેવી માતાની પૂજા માટે મંદિરમાં લઈ જવા માગું છું. પરંતુ ત્યાં તને આ સુંદર બગીચા જેવું વાતાવરણ નહીં મળે. તારે તારાં માતા, મિત્રો, સ્વજનોથી અલગ થઈને ખૂબ દૂર જવું પડશે. પણ હા, એક વાત છે – જીવનની સાર્થકતા ત્યારે જ છે જ્યારે આપણે પ્રભુનાં ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરી દઈએ.’ પુષ્પે હસીને કહ્યું, ‘હું મારા જીવનનું બલિદાન દેવા તૈયાર છું. હું મારા જીવનને દેવીનાં ચરણોમાં નિવેદિત કરીને તમારી માતાની પૂજા સાર્થક કરીશ.’

આ પૂજારી હતા સ્વામી વિવેકાનંદ. આ પુષ્પ હતું ભગિની નિવેદિતા અને આ દેવી હતાં ભારતમાતા.

સ્વામી વિવેકાનંદે ઇંગ્લેંડનાં માર્ગરેટ નોબલને ભારતમાતાની સેવા માટે આમંત્રણ આપ્યું. સાથે સાથે ભારતની પરિસ્થિતિ અંગે પણ જાણ કરી. સ્વામીજીએ કહ્યું કે ‘તો પણ મુશ્કેલીઓ ઘણી છે. અહીં કેટલું દુ:ખ, કેટલા વહેમો અને કેટલી ગુલામી છે તેનો કશો જ ખ્યાલ તમને નહીં આવી શકે. તમે અહીં જ્ઞાતિ અને અલગતાના વિચિત્ર ખ્યાલોવાળા, ધોળી ચામડીવાળાના ભય કે ધિક્કારથી દૂર રહેનારા અને તેમનાથી અત્યંત તિરસ્કૃત બનેલા, અર્ધનગ્ન સ્ત્રીપુરુષોવાળી માનવતાના સમૂહો વચ્ચે આવી પડશો. બીજી બાજુ ગોરા લોકો તમને ઘેલાં ગણશે અને તમારી દરેક હિલચાલ ઉપર વહેમથી ચોકી રાખશે. વળી આબોહવા પણ ભયંકર ગરમ છે; ઘણેખરે સ્થળે અમારો શિયાળો તમારા ઉનાળા જેવો હોય છે અને દક્ષિણમાં તો સદાય બળબળતો તાપ હોય છે.

શહેર છોડીને અન્ય સ્થળોએ યુરોપિયન ઢબનાં આરામનાં સાધનો પૈકી એકેય મળી શક્તું નથી. આ બધું હોવા છતાં જો તમે કાર્ય કરવા માટે સાહસ ખેડવાનાં હો તો તમે ભલે ખુશીથી આવો, સેંકડો વાર પધારો. મારે વિશે જો પૂછતાં હો તો જેમ બીજે સ્થળે તેમ અહીં પણ હું કંઈ ગણતરીમાં નથી; પણ જે થોડીક લાગવગ મારી પાસે છે, તે તમારી સેવામાં રજૂ થશે.

તમે આમાં કૂદી પડો તે પહેલાં પૂરો વિચાર કરજો અને જો કામ કર્યા પછી તેમાં નિષ્ફળ જાઓ કે કંટાળી જાઓ, તો મારા વતી તો હું વચન આપું છું કે તમે ભારત માટે કામ કરો કે ન કરો, વેદાંત રાખો કે છોડી દો ‘હું છેલ્લી ઘડી સુધી તમારી પડખે ઊભો રહીશ.’

માર્ગરેટ નોબલ પોતાનો દેશ છોડીને એક નવા વાતાવરણમાં, ભારત દેશમાં આવી ગયાં. સ્વામીજીએ તેમને બ્રહ્મચર્ય દીક્ષા આપી અને નવું નામ આપ્યું ‘નિવેદિતા’.

સ્વામી વિવેકાનંદના મુખારવિંદથી જ્યારે ‘નિવેદિતા’ શબ્દો નીકળ્યા હશે ત્યારે આ શબ્દોમાં કેટલી શક્તિ હશે! આપણે કલ્પના પણ નહીં કરી શકીએ. સ્વામી વિવેકાનંદની વાણીમાં એવી શક્તિ હતી જેનાથી મનુષ્યનું જીવનપરિવર્તન થઈ જતું. ‘નિવેદિતા’ એ શબ્દો નથી, એ મંત્ર છે, પવિત્ર પુષ્પ છે, જે પુષ્પનું સ્વામી વિવેકાનંદે ભારતમાતાનાં ચરણોમાં નિવેદન કર્યું હતું. આ પુષ્પની સુગંધ સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ. પુષ્પનું સર્જન પુષ્પના પોતાના માટે થતું નથી. પુષ્પની સુંદરતા, સુગંધ તો બીજાઓ જ માણે છે અને જ્યારે પ્રભુની પૂજામાં પુષ્પ વપરાય છે ત્યારે પુષ્પનું જીવન સાર્થક બની જાય છે.

નિવેદિતા જ્યારે કોલકાતામાં આવ્યાં ત્યારે શ્રીમા શારદાદેવી બાગબજારમાં રહેતાં હતાં. નિવેદિતાએ પણ બાગબજારની નજીક એક મકાન લીધું. અને રાત્રે રોજ મા શારદાદેવીની પાસે સૂવા માટે આવતાં હતાં. ત્યાં બીજી મહિલાઓની સાથે વરંડામાં એક સાથે ચટાઈ, તકિયા અને મચ્છરદાનીની લાંબી કતાર રહેતી. જમીન પર ફક્ત ચટાઈ પાથરીને બધાંની સાથે નિવેદિતા પણ સૂતાં હતાં. ગોપાલની મા પહેલાં પહેલાં આ વિદેશી મહિલાની ઉપસ્થિતિને સારી નજરેથી જોતાં ન હતાં. પરંતુ નિવેદિતાનો સરળ અને પ્રેમપૂર્ણ વ્યવહાર જોઈને થોડા જ દિવસોમાં તેઓ સૌનાં વહાલાં બની ગયાં. મા શારદાદેવીની સાથે એમની ભત્રીજી લક્ષ્મીદીદી, યોગીનમા, ગોપાલની મા અને બીજી મહિલાઓ પણ રહેતાં હતાં. રાત્રે પુરાણની વાતો કહેવામાં આવતી. ક્યારેક ક્યારેક એ લોકો સાથે મળીને નાટક પણ કરતાં. એક વાર લક્ષ્મીદીદી મા જગદ્ધાત્રીની ભૂમિકા કરતી હતી. નિવેદિતા માનું વાહન સિંહની ભૂમિકા નિભાવતી વખતે જ્યારે ગર્જના કરતાં કરતાં ઘરની ચારે તરફ ફરતાં હતાં તે જોઈને મા શારદાદેવી અને અન્ય મહિલાઓ આનંદથી તરબોળ થઈ ગયાં હતાં.

બહુ જ થોડા સમયમાં નિવેદિતાએ હિંદુ રીતરિવાજો, સામાજિક શિષ્ટાચાર અને ધાર્મિક ભાવનાઓ સાથે પોતાને એક કરી લીધાં હતાં. એમના આચરણમાં એક હિંદુ મહિલા જેવી સાદગી, સરળતા અને વિશુદ્ધતા ઝળકતાં હતાં. જ્યારે તે મા શારદાદેવી સાથે રહેતાં હતાં ત્યારે દરરોજ સૂર્યોદય પહેલાં બધાંની સાથે ઊઠી જતાં. બધી મહિલાઓની સાથે દીવાલ તરફ મુખ રાખીને જપમાળા ફેરવતાં ફેરવતાં ધ્યાનમાં લીન થઈ જતાં. સૂર્યોદય પછી ઘર સાફસૂફ કરીને પછીથી નહાવા જતાં. જ્યારે મા શારદાદેવી પૂજા કરવા માટે બેસતાં ત્યારે ઘરની મહિલાઓ સાથે નિવેદિતા પણ નાનાં નાનાં કામ જેમ કે, દીપ પ્રગટાવવા, પૂજાની થાળી સજાવવી, નૈવેદ્યની વ્યવસ્થા કરવી, વગેરેમાં મદદ કરતાં. બપોરે ભોજન પછી થોડી વાર માટે મહિલાઓ સાથે નિવેદિતા વિશ્રામ કરતાં અને સાંજે એ સૌની સાથે પ્રાર્થનામાં બેસતાં. ધ્યાન-સાધનામાં સૌ સાથે બેસવાથી સાંજે આખા ઘરમાં અલગ પ્રકારની નિ:સ્તબ્ધતા છવાઈ જતી. ત્યાર પછી શ્રીરામકૃષ્ણદેવના ચિત્ર તથા અન્ય દેવીદેવતાઓની મૂર્તિઓ સામે સૌ દંડવત્ પ્રણામ કરતાં અને શ્રીમાનો ચરણસ્પર્શ કરીને સૌ બહાર ચબૂતરા પર બેસતાં. જ્યારે પણ નિવેદિતાને શ્રીમાની એકદમ પાસે બેસવાનો લાભ મળતો ત્યારે નિવેદિતા અત્યંત ખુશ થઈ જતાં અને પોતાને ભાગ્યશાળી સમજતાં.

કાલીપૂજાના પવિત્ર દિવસે 13 નવેમ્બર, 1898ના રોજ નિવેદિતાએ શ્રીમા શારદાદેવીના હસ્તકમળથી ક્ધયા વિદ્યાલયનો શુભારંભ કર્યો. સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુભાઈઓ પણ ત્યારે ઉપસ્થિત હતા. નિવેદિતા ક્ધયાઓને ભણાવવાની સાથે સાથે ચિત્ર દોરવાનું, માટીનાં રમકડાં બનાવવાનું અને સીલાઈ કરવાનું પણ શીખવતાં. નિવેદિતા ક્ધયાઓને દક્ષિણેશ્ર્વર, કોલકાતા, બેલુર મઠ, પ્રાણી સંગ્રહાલય વગેરે સ્થળે ફરવા લઈ જતાં અને પુરાણની વાર્તાઓ સંભળાવતાં, અને કહેતાં કે ભારતીય નારીઓએ સીતા, સાવિત્રી અને ઉમાનાં મહાન ચરિત્રનું અનુસરણ કરવું જોઈએ. અહલ્યાબાઈ અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રત્યે તેમને ખૂબ શ્રદ્ધા હતી.

જ્યારે કોલકાતામાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો ત્યારે રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ સાથે નિવેદિતા પણ સેવાકાર્યમાં જોડાઈ ગયાં. એક દિવસ રસ્તાની ગંદકી સાફ કરવાવાળું કોઈ નથી એ જોઈને પોતે જ ઝાડુ લઈને ગંદકી સાફ કરવા લાગી ગયાં. ત્યારે ત્યાંના યુવકોને શરમ આવી ગઈ અને તે લોકો પણ મદદ કરવા આગળ આવ્યા.

એક વાર સંધ્યાના સમયે મજૂરોના માટીના ઘરમાંથી એક મહિલાના રડવાનો અવાજ આવતાં નિવેદિતા ત્યાં દોડી ગયાં. જઈને જોયું તો તેમની એક નાની ક્ધયાનું અવસાન થઈ ગયું છે. નિવેદિતાને આલિંગન કરીને એ મહિલા ખૂબ રડી. આખી રાત નિવેદિતા એની પાસે બેસી રહ્યાં અને તેને સાંત્વના આપતાં કહ્યું, ‘તારી ક્ધયાએ મા કાલીનાં ચરણોમાં આશ્રય મેળવ્યો છે.’ જ્યારે એ મહિલા થોડી સ્વસ્થ અને શાંત થઈ ત્યારે નિવેદિતાને બીજાનાં દુ:ખમાં ભાગીદાર થવામાં કેટલી શાંતિ અને આનંદ છે એનો અપૂર્વ અનુભવ થયો.

નિવેદિતાએ વિચાર્યું કે વિદેશમાં જઈને ભારતની મહિલાઓ માટે ધન એકઠું કરીશ. પરંતુ જ્યારે ડેટ્રોઈટમાં જઈને ત્યાંના લોકો સાથે વાત કરી ત્યારે તેમને ખબર પડી કે ખ્રિસ્તી લોકો પાસેથી ભારતના લોકો માટે ધન એકઠું કરવું કેટલું કઠિન છે. ખ્રિસ્તી મિશનરીઓએ ભારતની મૂર્તિપૂજા અને નારીઓ સંબંધે કેટકેટલી તો અફવા ફેલાવી રાખી હતી! નિવેદિતાને ઘણા પ્રશ્ર્નોનો સામનો કરવો પડતો હતો. છતાં ધૈર્યથી એ બધાંના પ્રશ્ર્નોના ઉત્તર આપતાં અને થોડી ઘણી સફળતા પણ આ અંગે મળી હતી.

નિવેદિતા જ્યારે ભારત પરત આવ્યાં ત્યારે તેમણે આનંદ વ્યક્ત કરતાં કુમારી મેક્લાઉડને પત્રમાં લખ્યું હતું, ‘ભારત આવ્યા પછી પોતાની કલમ લઈને મેજ પર બેસવું તથા માતાજીના પવિત્ર સાંનિધ્યમાં સમય વિતાવવો એ કેટલું સુખદાયક છે, એનું વર્ણન હું શબ્દોમાં વ્યક્ત કરી શકીશ નહીં.’

નિવેદિતાની પહેલી મુશ્કેલી હતી, પાઠશાળાના ખર્ચની વ્યવસ્થા કરવાની. પાઠશાળાનો ખર્ચો કેવી રીતે ચલાવવો એ અંગે નિવેદિતાને સતત ચિંતા રહેતી. તેમણે લખ્યું હતું, ‘ચોખા અને દૂધ બંનેની કિંમત વધે છે અને અહીં ગરીબી એટલી વધારે છે કે એ વિશે વિચારી શકાતું નથી. આપણે હિસાબ-કિતાબમાં ધ્યાન દેવું પડશે અને પોતાનો ખર્ચો ઓછો કરવો પડશે.’ જ્યારે પણ પ્રવૃત્તિનો વધારો થતો અને તેના માટે ધનની જરૂરિયાત વધતી ત્યારે નિવેદિતા પહેલાં પોતાનો અંગત ખર્ચ કેવી રીતે ઓછો થાય એ જ વિચારતાં.

નિવેદિતા બોઝપાડાના જે ઘરમાં રહેતાં હતાં તે ઘરમાં ખૂબ જ સંકળામણ થતી હતી. તેથી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

નિવેદિતાના વિદેશી મિત્રો એમને સલાહ આપતાં કે આ ભીડભાડવાળી જગ્યા છોડીને દક્ષિણ કોલકાતામાં સારું એવું મકાન ભાડે લો. ત્યારે નિવેદિતા ગર્વથી કહેતાં કે જે ગલીએ પહેલો આશ્રય આપ્યો છે, હું તેને કેવી રીતે છોડી શકું?

નિવેદિતા પોતાની શાળાનાં કાર્યોમાં ઘણાં વ્યસ્ત રહેવા છતાં નિરંતર અત્યંત પ્રસન્ન રહેતાં. ક્યારેક ક્યારેક તે એમ વિચારીને નિરાશ થઈ જતાં કે તેઓ પાઠશાળાને જેટલા ઉચ્ચ સ્તરે લઈ જવા માગતાં હતાં તેટલું તેમનાથી બન્યું નથી. ધનના અભાવને કારણે તેઓ આ બધી યોજનાઓને કાર્યમાં પરિણત કરી શકતાં ન હતાં. આ જ વાતથી તેઓ દુ:ખી થઈ જતાં.

નિવેદિતાએ જોયું કે જ્યાં સુધી ભારત દેશ આઝાદ નહીં થાય ત્યાં સુધી દેશની ઉન્નતિ સંભવ નથી. એટલા માટે તેમણે રાજનીતિમાં જોડાઈને ભારત દેશ માટે કઠિન સંઘર્ષ કર્યો. દેશના નેતાઓ, યુવકો, કવિઓ, વૈજ્ઞાનિકો વગેરે બધાને દેશપ્રેમની પ્રેરણા તેઓએ આપી. સ્વામી વિવેકાનંદે નિવેદિતાને દેશ જગાડવાનું કાર્ય સોંપ્યું હતું. નિવેદિતાએ સાદગી અને તપસ્યામય જીવન ગાળીને મૃત્યુની અંતિમ ક્ષણ સુધી કાર્ય કરતાં રહીને પોતાનું ‘નિવેદિતા’ એવું નામ સાર્થક કર્યું.

Total Views: 101
By Published On: November 1, 2017Categories: Sukhananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram