શ્રીરામકૃષ્ણ

પોતાને શું શું કરવાનું છે, તે ઠાકુરે પહેલેથી જ નક્કી કરી નાખ્યું છે. જે કોઈ તેમનાં શ્રીચરણનો અનન્ય ભાવે આશ્રય સ્વીકારશે તેને માટે બધું અનુકૂળ કરી દેવાની સંભાળ ઠાકુર રાખશે. બધું સહન કરવું જોઈએ.

ઠાકુર કહેતા કે, માણસને ક્યાંય કોઈ પણ સગુંવહાલું ન હોય તેમ છતાં મહામાયા તેને બિલાડી પાળવા લલચાવે અને આ રીતે તેને સંસારી બનાવી દે. આવી એ મહામાયાની લીલા છે !

પ્ર : મને કેમ ઠાકુરનાં દર્શન થતાં નથી ?

ઉ : નિરાશ થયા વિના પ્રાર્થના કર્યા કરો. યોગ્ય સમયે બધું થશે. ઋષિમુનિઓએ ઈશ્ર્વર સાક્ષાત્કાર માટે કેટકેટલા યુગો સુધી તપ કર્યાં હતાં? અને તેમ છતાં તમે શું એમ ધારો છો કે તમને આંખના પલકારામાં પ્રભુનાં દર્શન થઈ જશે? આ જન્મમાં નહીં, તો હવે પછીના જન્મમાં તમને તેમનાં દર્શન થશે.

એમ પણ નહીં, તો તે પછીના જન્મમાં થશે. ઈશ્ર્વર સાક્ષાત્કાર શું એટલો બધો સરળ છે? પરંતુ આ વખતે ઠાકુરે સરળ રસ્તો બતાવ્યો છે. તેથી બધાં ઈશ્ર્વરસાક્ષાત્કાર કરી શકશે.

બેટા ! ચિંતા કર નહીં. આપણા ઠાકુર જ મહેશ્ર્વર છે અને સાથે સાથે મહેશ્ર્વરી પણ છે. એ બધાં દેવદેવીઓની મૂર્તિરૂપ છે. તેઓ જ બધા મંત્રોનું મૂર્ત સ્વરૂપ છે. તેમના દ્વારા બધાં દેવદેવીઓની પૂજા થઈ શકે તેમ છે. તમે તેમને મહેશ્ર્વર અને મહેશ્ર્વરીરૂપે સંબોધી શકો.

પુસ્તકોના અભ્યાસમાત્રથી શું કોઈમાં શ્રદ્ધા જાગે છે ? વધારે પડતાં વાચનથી ગડબડ થાય છે. ઠાકુર કહેતા કે કેવળ ઈશ્ર્વર જ સત્ય છે અને જગત મિથ્યા છે, એટલું આપણે શાસ્ત્રોમાંથી શીખવું જોઈએ.

સાધના

ભગવાનનાં પાદપદ્મમાં મન સ્થિર રાખવું અને તેમના ચિંતનમાં ડૂબી જવું, એનું નામ સાધના.

એકાંત જગ્યામાં સાધના કરવાની ખાસ જરૂર છે. છોડ નાના હોય, ત્યારે આસપાસ વાડ કરી લેવી પડે છે. પણ તે મોટા થઈ જાય, એટલે ઢોરઢાંખર તેને ઈજા પહોંચાડી શકતાં નથી. તે જ રીતે થોડાં વર્ષો ધ્યાન કર્યા પછી મન પાકું થઈ જાય, એટલે તમે ગમે ત્યાં રહી શકો, ગમે તેની સાથે હળીમળી શકો અને તેમ છતાં મન પર તેની અસર થશે નહીં.

કંઈ ખુલાસો મેળવવાની મનમાં ઇચ્છા થાય ત્યારે આંખમાં આંસુ સાથે એકાંતમાં ઈશ્ર્વરને જ પ્રાર્થના કરો. તેઓ તમારા મનનો બધો મેલ, બધો શોક ધોઈ નાખશે અને તમને બધું સમજાવી દેશે.

હંમેશાં વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો. તમારા મનને ખેંચતા બાહ્ય વિષયો ક્ષણિક છે, તે સમજવાનો પ્રયત્ન કરો અને ઈશ્ર્વર તરફ તમારું ધ્યાન વાળો.(દિવ્યકૃપા, 21-24)

Total Views: 134
By Published On: December 1, 2017Categories: Ma Sarada Devi0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram