ડિસેમ્બરથી આગળ….

ક્રોધનો ઉપચાર

આપણને જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિનાં સ્વભાવ, આચરણ અને વ્યવહારમાં ક્રોધની પ્રબળતા એ વાતનું સૂચક છે કે રજોગુણ એનો મુખ્ય ગુણ બની ગયો છે;  સત્ત્વગુણ તથા તમોગુણ પ્રભાવપૂર્વક દબાઈ ગયા છે. જ્યાં સુધી રજોગુણ એ વ્યક્તિની પ્રકૃતિ પર પ્રભુત્વ જાળવી રાખે છે ત્યાં સુધી તે ક્રોધ પર વિજય મેળવી શકતી નથી. આ ક્રોધનો ઉપચાર જડમૂળથી તથા સ્થાયીરૂપે કરવા માટે વ્યક્તિએ પોતાના સ્વભાવમાં સત્ત્વગુણની પ્રબળતા લાવવાનો કોઈ ઉપાય શોધવો જોઈએ. એનું કારણ એ છે કે આવું કરીએ તો જ નિશ્ર્ચિતરૂપે ક્રોધ પર વિજય મેળવી શકાય.

જ્યારે શ્રીકૃષ્ણ કહે છે – ‘સત્ત્વગુણ રજસ્ તથા તમસ્ને અભિભૂત કરીને પોતાનું પ્રાબલ્ય સ્થાપે છે.’ તો પછી એનું તાપ્તર્ય એવું છે કે આવું બધું પોતાની મેળે જ થઈ જાય છે ? જો એવું જ હોય તો પછી આવું ક્યારે બને ? જો આપણે અનંતકાળ સુધી રાહ જોઈ શકીએ તો એક ને એક દિવસે સત્ત્વગુણની પ્રબળતા સ્થાપિત થશે. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘અંતે દરેક વ્યક્તિ મુક્ત બની જશે.’

અનંતકાળમાં જ ભલે હોય પણ નિશ્ર્ચિતરૂપે મુક્તિ મેળવવાનું પણ આશાજનક છે. છતાં પણ વ્યક્તિને પોતાની વર્તમાન સમસ્યાઓ સાથે પનારો પાડવા એક અધિક વ્યાવહારિક માર્ગદર્શનની જરૂર છે. પ્રાકૃતિક પ્રક્રિયાઓ સાથે ચાલીને પૂરેપૂરી બાબતને પ્રકૃતિના હાથમાં છોડી દઈ શકાય. પરંતુ આપણી સામે પડકાર એ છે કે આપણે કેવી રીતે પોતાના જન્મજાત સ્વભાવના રજોગુણ તથા તમોગુણ ઉપર સત્ત્વગુણનું પ્રભુત્વ સ્થાપિત કરીએ.

શ્રીરામકૃષ્ણ કહે છે, ‘કામ, ક્રોધ તથા તમોગુણના ખરાબ પ્રભાવથી સત્ત્વગુણ આપણું રક્ષણ કરે છે. સત્ત્વ સંસારનું બંધન શિથિલ કરી નાખે છે.’ ભગવાન હંસરૂપે અવતાર લઈને જ્ઞાનનો ઉપદેશ દેતાં વ્યક્તિના સ્વભાવમાં સત્ત્વગુણની પ્રભાવકતા લાવવાના ઉપાયો પર વિસ્તારપૂર્વક ચર્ચા કરે છે. શ્રીમદ્ ભાગવત્ 11.13 : 1-6માં લખ્યું છે :

सत्त्वं रजस्तम इति गुणा बुद्धेर्न चात्मन:।

सत्त्वेनान्यतमौ हन्यात्सत्त्वं सत्त्वेन चैव हि ॥1॥

सत्त्वाद्धर्मो भवेद्वृद्धात्पुंसो मद्भत्त्किलक्षण:।

सात्त्विकोपासया सत्त्वं ततो धर्म: प्रवर्तते ॥2॥

धर्मो रजस्तमो हन्यात्सत्त्ववृद्धिरनुत्तम:।

आशु नश्यति तन्मूलो ह्यधर्म उभये हते ॥3॥

आगमोऽप: प्रजा देश: काल: कर्म च जन्म च।

ध्यानं मन्त्रोऽथ संस्कारो दशैते गुणहेतव: ॥4॥

तत्तत्सात्त्विकमेवैषां यद्यद्वृद्धा: प्रचक्षते।

निन्दन्ति तामसं तत्तद्राजसं तदुपेक्षितम् ॥5॥

सात्त्विकान्येव सेवेत पुमान्सत्त्वविवृद्धये।

ततो धर्मस्ततो ज्ञानं यावत्स्मृतिरपोहनम्॥6॥

 

 

સત્ત્વ, રજસ્ અને તમસ્ પ્રકૃતિના ગુણ છે, આત્માના નહીં. સત્ત્વને ઉન્નત કરીને બાકીના બેને દબાવી દેવા જોઈએ,  પછી સત્ત્વ દ્વારા જ સત્ત્વ પર પણ વિજય મેળવવો જોઈએ. સત્ત્વની પ્રબળતાથી ઈશ્ર્વર પ્રત્યેની ભક્તિમાં વૃદ્ધિ થાય છે. સાત્ત્વિક વસ્તુઓનું સેવન કરવાથી સત્ત્વગુણ ઉત્તરોત્તર સુદૃઢ બની જાય છે. વળી સત્ત્વને વધારનાર ભક્તિરૂપી સર્વોચ્ચ ધર્મ દ્વારા રજસ્ તથા તમસ્નો નાશ થાય છે. એનો નાશ થવાથી એને પરિણામે અધર્મ પણ તરત જ દૂર થઈ જાય છે.

વ્યક્તિ દ્વારા અધ્યયન કરાતાં શાસ્ત્રો, ઉપયોગમાં લેવાતું જળ, અરસપરસ સંબંધમાં રખાતા લોકો, નિવાસ્થાન, એનો પ્રિય સમય, એના દ્વારા સંપન્ન થતાં કર્મો, એને પ્રાપ્ત થયેલી દીક્ષા, એના ધ્યાનનો વિષય, એને પ્રાપ્ત થયેલો મંત્ર, એના શુદ્ધીકરણની પદ્ધતિ આ બધાં એના ગુણોને પ્રભાવિત કરે છે. જ્ઞાની લોકો જેની પ્રશંસા કરે છે તે છે સાત્ત્વિક; જેની નિંદા કરે છે તે તામસિક અને જેની ઉપેક્ષા કરે છે તે રાજસિક છે. વ્યક્તિએ સાત્ત્વિક વસ્તુઓનું સેવન કરવું જોઈએ, કારણ કે એનાથી ધર્મ અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, ચિત્ત શુદ્ધ થાય છે અને એનાથી આત્મતત્ત્વની અનુભૂતિ થાય છે.’

આહારની ભૂમિકા

શ્રીશંકરાચાર્યના મત પ્રમાણે શાસ્ત્રોમાં ‘આહાર’ શબ્દનું તાત્પર્ય એ બધી ચીજવસ્તુઓ સાથે છે કે જેમને ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાય. જેમ કે શબ્દ, રૂપ, ગંધ, રસ આદિ. ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરાયેલ ખોટો કે નિષિદ્ધ આહાર આસક્તિ, દ્વેષ અને ભ્રાંતિ ઉત્પન્ન કરીને મનને ચંચળ બનાવી દે છે. પછી એને નિયંત્રણમાં લાવવું કઠિન બની જાય છે. એનાથી મુક્ત થવાથી મન શુદ્ધ થઈ જાય છે. આપણા સ્વભાવમાં પ્રયાસપૂર્વક સત્ત્વગુણની પ્રબળતા લાવવા માટે આપણે સાત્ત્વિક આહાર ગ્રહણ કરવાની અને રાજસિક તેમજ તામસિક આહારથી દૂર રહેવાની જરૂર છે.

ભોજન ઠીક ઠીક પ્રમાણમાં વ્યક્તિના સ્વભાવ પર આધાર રાખે છે. છાંદોગ્ય ઉપનિષદ્ (7.26.2) માં કહ્યું છે, ‘आहारशुद्धौ सत्त्वशुद्धि:, सत्त्वशुद्धौ ध्रुवा स्मृति:, स्मृतिलम्भे सर्वग्रन्थीनां विप्रमोक्ष:’ – આહાર શુદ્ધ હોય તો મન શુદ્ધ બને છે; મન શુદ્ધ થતાં સ્મૃતિ સુદૃઢ બને છે; ત્યારે એને સંસાર સાથે બાંધી રાખનાર બધી ગાંઠો ખૂલી જાય છે. ગીતામાં ક્હ્યું છે, ‘જે ભોજન ઉત્સાહ, ઊર્જા, શક્તિ, આરોગ્ય અને ભૂખ વધારે છે; જે ભોજન મધુર, સ્નિગ્ધ, પુષ્ટિકારક હોય તે સાત્ત્વિક લોકોનું પ્રિય ભોજન બને છે.’

જેમાં રજસ્ અને તમસ્ હંમશાં દબાયેલા રહે છે, એવો સ્વભાવ બનાવવા માટે શ્રીમદ્ ભાગવત્ 11.13 -6 (જેનો ઉલ્લેખ આપણે આગળ કરી ગયા છીએ.) ની અહીં આપેલ શિક્ષણ કે બોધના આલોકમાં બીજી પણ કેટલીક બાબતો કરવાની જરૂર રહે છે. ‘सात्त्विकान्येव सेवेत पुमान्सत्त्वविवृद्धये। – સત્ત્વગુણમાં વૃદ્ધિ કરવા વ્યક્તિએ કેવળ સાત્ત્વિક વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ.’ ઉપર્યુક્ત ઉપદેશને કાર્યરૂપમાં પરિણત કરવો જોઈએ. આ વાત આપણે કદાચ સમજી શકતા નથી, પરંતુ આપણા સદ્ભાગ્યે આપણા માર્ગદર્શન માટે એના પર શ્રીધર સ્વામીએ લખેલ આ વ્યાખ્યાઓ પ્રાપ્ય છે :

‘કેવળ એ શાસ્ત્રો પ્રમાણે ચાલવું પડે જે નિવૃત્તિ અર્થાત્ બ્રહ્મની સાથે એકત્વ તરફ ચાલતાં શીખવે. એના પ્રમાણે ચાલવું ન જોઈએ કે જે પ્રવૃત્તિ એટલે કે બહુત્વમાં લિપ્ત રહેવાનું (રાજસિકતા) કે જે પૂર્ણત: હાનિકારક સિદ્ધાંત (તામસિકતા) શીખવે છે.

‘આવી રીતે પવિત્ર જળનો ઉપયોગ કરવાનો રહેશે, અને નહીં કે સુગંધ વગેરેથી યુક્ત જળનો. વ્યક્તિએ સાંસારિક કે દુરાચારી લોકો સાથે નહીં, પરંતુ આધ્યાત્મિક લોકો સાથે સંબંધ રાખવો જોઈએ. એકાંત સ્થાનને પસંદ કરવું જોઈએ, કોઈ મોટી અવરજવરવાળા રાજમાર્ગ કે જુગારધામને નહીં.

‘દરરોજ ધ્યાન માટે એવો સમય પસંદ ન કરવો કે જેમાં વ્યવધાન, આળસનો પ્રકોપ હોય. એને બદલે પ્રાત:કાળ કે એવો કોઈ ઉપયુક્ત સમય પસંદ કરવો જોઈએ.

‘સ્વાર્થપૂર્ણ તથા હાનિકારક કર્મોને બદલે કેવળ ધર્મયુક્ત તથા નિ:સ્વાર્થ કર્મ કરવાં જોઈએ. ધર્મના પવિત્ર અને અહાનિકારક રૂપની જ દીક્ષા લેવી જોઈએ; અત્યંત શ્રમસાધ્ય કે અશુદ્ધ તેમજ હાનિકારક હોય એવા પ્રકાર કે રૂપોની દીક્ષા ન લેવી જોઈએ. ધ્યાન ઈશ્ર્વરનું કરવું જોઈએ; ભોગ્ય વસ્તુઓ કે બદલો લેવાની ઇચ્છાથી શત્રુઓનું ધ્યાન કરવું ન જોઈએ.

‘ૐ આદિ મંત્રોને પ્રાથમિકતા દેવી જોઈએ. જે સંસારની સમૃદ્ધિ લાવે અને બીજાને હાનિ કરે તેવા મંત્રોને પ્રાથમિકતા ન આપવી. પોતાના મનની પવિત્રતા પર ભાર દેવો જોઈએ; શરીર, મકાન વગેરે સ્થળોની સફાઈ પર નહીં.’

વ્યક્તિના મનોદૈહિક તંત્રમાં ગુણોના તાણાવાણામાં પૂરેપૂરી રીતે સુધારણા લાવીને આત્મરૂપાંતરણની આ પ્રક્રિયા ધીમી અને કઠિન લાગે તેવી છે. આમ છતાં પણ ક્રોધના મૂળ કારણ – વ્યક્તિના સ્વભાવમાં રહેલ રજોગુણના પ્રાબલ્ય પર વિજય મેળવવા આ જ સૌથી વધારે ચોક્કસ અને આધાર રાખવા જેવી રીત છે.

આનો અભ્યાસ કરવાથી વ્યક્તિના સ્વભાવમાં સત્ત્વગુણની નિરંતર વૃદ્ધિ થાય છે. ક્રોધ પર વિજય મેળવવાનો કોઈપણ બીજો ઉપાય આનાથી વધારે ઉપયોગી નીવડતો નથી.                                                                                      (ક્રમશ:)

 

Total Views: 113

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram